ભારતના ભાગલાની ભીતરમાં : પ્રકરણ 86
• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 86

- કૉંગ્રેસે ભાગલા સ્વીકારી લીધા.
– આ નવી યોજના જોતાં જ પં. નહેરુ ગુસ્સે થઈ ગયા. તેમણે તેનો અસ્વીકાર કરતાં કહ્યું કે આ તો ભારતને પરસ્પર વિરોધી નાના-નાના ટુકડામાં વહેંચવાની, કેન્દ્રીય હક્કોની કરોડરજ્જુ તોડવાની અને આંતરિક ઝઘડા, હિંસા તથા અવ્યવસ્થાને ખુલ્લું નિમંત્રણ આપનારી યોજના છે.
– દુનિયા અને અખંડ-વિરાટ ભારતનો નકશો બદલી નાખનારી આ યોજનાને તૈયાર કરવામાં વી. પી. મેનને માત્ર ચાર કલાક લાગ્યા હતા. એમાંથી અનેક સવાલો ઊભા થાય છે. તે વાંચવા-સાંભળવામાં પણ તકલીફ થાય છે: શું ભારતની પ્રાચીન અખંડિતતાને તોડવામાં માત્ર ચાર જ કલાક લાગ્યા ?’
– આ યોજના અંગે કૉંગ્રેસ, મુસ્લિમ લીગ તથા અન્ય લોકો સામાન્ય રીતે સહમત થઇ ગયા હતા. બ્રિટિશ સરકારે પણ યોજનાને સમર્થન આપી દીધું અને પોતાના નિવેદનને અંતિમરૂપ આપી દીધું. સર ચીમનલાલ સેતલવડે ભવિષ્ય ભાખ્યું કે, ‘જે હજુ પેદા જ નથી થઇ તેવી પેઢીઓ માટે અવર્ણનીય તકલીફો લાવનારાં ભારતના આ ભાગલાથી ક્યારેય નહીં ખતમ થનારા ઝગડાઓ અને સમસ્યાઓની શરુઆત થઇ ગઇ છે.’
2 મે 1947ના રોજ લોર્ડ ઇસ્મે અને જ્યોર્જ એબેલ ભારતની સ્વતંત્રતા અને ભાગલા માટેની લોર્ડ માઉન્ટબેટનની પ્રથમ યોજના સાથે લંડન તરફ રવાના થયા. આ મુસદ્દા યોજના કેબિનેટ મિશન યોજનાનું જ એક બીજું સ્વરુપ હતું-સત્તાનો એક તરફી બદલો, જેમાં પક્ષોના નેતાઓની ઇચ્છા કે સહમતી-સંવાદ માટે કોઇ જગ્યા નહોતી. જોકે પાછળથી એ યોજના પણ રદ કરી મેનને તૈયાર કરેલી યોજના પર ચર્ચાઓ શરુ થઇ.જે કંઇ બની રહ્યું હતું તે રાષ્ટ્ર સાથે એક ક્રૂર મજાક અને વધુ દુ:ખદાયક હતું. ભારતની સ્વતંત્રતાને એક તમાશાની જેમ એવી જ લાપરવાહીથી સમેટવામાં આવી રહી હતી. બસ્સો વર્ષ આ રાષ્ટ્રને બધી રીતે ચૂસી લીધા પછી તોડીફોડીને ફેંકી દેવાની યોજના બની રહી હતી.માઉન્ટબેટને પરસ્પર વિરોધી એવા અલગ-અલગ સમૂહોના મૂલ્યાંકનના આધાર પર પોતાની રણનીતિ નક્કી કરી, સત્તા –હસ્તાંતર માટેની યોજના તૈયાર કરી. આ યોજનામાં બ્રિટિશ સરકારે થોડા વધુ સુધારા કર્યા. આ સુધારા મુજબ સત્તા એક અખંડ ભારતને સોંપવામાં આવશે એવા સરકારના અગાઉના ઠરાવને રદબાતલ કરવામાં આવ્યો. નવી યોજનામાં એવી વ્યવસ્થા હતી કે બ્રિટિશ સાર્વભૌમત્વ ખતમ થતાં જ અલગ – અલગ પ્રાંત સંપૂર્ણપણે સ્વતંત્ર બની જશે. તે વખતે એમને સ્વતંત્ર રીતે અને સંભવતઃ બ્રિટિશ સરકાર સાથે પણ કરારો કરવાની સ્વતંત્રતા હશે. આ નવી યોજના જોતાં જ પં. નહેરુ ગુસ્સે થઈ ગયા. તેમણે તેનો અસ્વીકાર કરતાં કહ્યું કે આ તો ભારતને પરસ્પર વિરોધી નાના-નાના ટુકડામાં વહેંચવાની, કેન્દ્રીય હક્કોની કરોડરજ્જુ તોડવાની અને આંતરિક ઝઘડા, હિંસા તથા અવ્યવસ્થાને ખુલ્લું નિમંત્રણ આપનારી યોજના છે. પં. નહેરુના કહેવા મુજબ આ યોજનાની ભારતભૂમિ પર અનેક બ્રિટિશ અડ્ડાઓની સ્થાપના થઈ શકે તેમ હતી. બલૂચિસ્તાન અંગે તેમણે ‘આત્મનિર્ણય’ની આલોચના કરતાં કહ્યું કે હજુ તેનો સમય આવ્યો નથી. પશ્ચિમોત્તર સરહદી – પ્રાંત સંરક્ષણના મહત્વની દ્રષ્ટિએ તે બીજો સરહદી પ્રાંત હતો. તેને પોતાની વર્તમાન સ્થિતિમાં પરિવર્તન કરવાનો મોકો આપવામાં આવ્યો હતો. લોર્ડ ઇમ્સે અને એબેલ જ્યારે લંડન હતા ત્યારે વાઇસરોયના સલાહ અને સુધારા માટેના ડાયરેક્ટર વી. પી. મેનને સિમલામાં વાઇસરોય હાઉસમાં એક નવી યોજનાની રૂપરેખા તૈયાર કરી. લોર્ડ માઉન્ટબેટને વડાપ્રધાન એટલીને એક ટેલીગ્રામ મોકલ્યો, તેમાં કહેવામાં આવ્યું હતું: ‘આપે મંજૂર કરેલા મુસદ્દા યોજના રદ કરવામાં આવે છે. એક સુધારાવાળી યોજના માટે માટે તૈયાર રહો.’ વી. પી. મેનને 10 મે 1947 ની સાંજે 6 વાગે આ સુધારા-વધારાવાળી યોજનાનું છેલ્લું વાક્ય લખ્યું અને પછી એટલીને પણ જણાવાયું કે કૉંગ્રેસે પણ તેને મંજૂર કરી દીધી છે. દુનિયા અને અખંડ-વિરાટ ભારતનો નકશો બદલી નાખનારી આ યોજનાને તૈયાર કરવામાં વી. પી. મેનને માત્ર ચાર કલાક લાગ્યા હતા. એમાંથી અનેક સવાલો ઊભા થાય છે. તે વાંચવા-સાંભળવામાં પણ તકલીફ થાય છે: શું ભારતની પ્રાચીન અખંડિતતાને તોડવામાં માત્ર ચાર જ કલાક લાગ્યા ?’10 મે 1947 ના રોજ લોર્ડ માઉન્ટબેટન અને વી. પી. મેનન સીમલાથી દિલ્હી તરફ રવાના થયા હતા. વડાપ્રધાન એટલી અને તેમની કેબિનેટે વી. પી. મેનની યોજનાને મંજૂરી આપી દીધી.આ યોજનામાં કહેવાયું હતું કે ભાગલા કરવા અને એક નિશ્ચિત પ્રક્રિયા મુજબ ભાગલા થવા જોઈએ કે નહીં એ અંગે લોકોની ઈચ્છા જાણવી જોઇએ અને સાંસ્થાનિક રાજ્યના સ્તર પર, જેવી પણ સ્થિતિ હોય તે મુજબ એક કે બે કેન્દ્રીય સરકારોને સત્તા સોંપવામાં આવે. ભાગલા થાય તો સરહદ અને સશસ્ત્ર સેનાઓના ભાગલા કરવામાં આવશે અને બંને ‘ડોમિનિયનો’ માટે માઉન્ટબેટન સમાન ગવર્નર જનરલ પદે રહેશે.માઉન્ટબેટને 3 જૂન 1947ના રોજ તેને ભારતીય નેતાઓ આગળ રજૂ કરી દીધી. આ યોજના અંગે કૉંગ્રેસ, મુસ્લિમ લીગ તથા અન્ય લોકો સામાન્ય રીતે સહમત થઇ ગયા હતા. બ્રિટિશ સરકારે પણ યોજનાને સમર્થન આપી દીધું અને પોતાના નિવેદનને અંતિમરૂપ આપી દીધું. સર ચીમનલાલ સેતલવડે ભવિષ્ય ભાખ્યું કે, ‘જે હજુ પેદા જ નથી થઇ તેવી પેઢીઓ માટે અવર્ણનીય તકલીફો લાવનારાં ભારતના આ ભાગલાથી ક્યારેય નહીં ખતમ થનારા ઝગડાઓ અને સમસ્યાઓની શરુઆત થઇ ગઇ છે.’પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે બ્રિટિશ સરકાર જાણતી હતી કે કૉંગ્રેસી નેતાઓ આવો ક્રૂર ઠરાવ સંપૂર્ણ રીતે ફગાવી દેશે છતાં શા માટે રજૂ કર્યો ? તેમણે સીધો જ મેનનની ફોર્મ્યુલાનો ઠરાવ કેમ ન મૂક્યો, જે અંગે માઉન્ટબેટન સાથે ચર્ચા કરી લેવામાં આવી હતી અને વેવેલ વાઈસરૉય હતા ત્યારે બ્રિટિશ સરકાર સમક્ષ મૂકી દેવામાં આવી હતી ? પરંતુ ઉદ્દેશ્ય કેવળ એક જ દેખાય છે કે પહેલાં એક ભયાનક ઠરાવ મૂકીને તે કૉંગ્રેસના નેતાઓને ડરાવવા માગતા હતા, જેથી તે મેનન-યોજનાને વિકલ્પ તરીકે સ્વીકારી લે. જેમાં ભાગલા અને સ્વતંત્ર સાંસ્થાનિક સ્તરની વાત કહેવામાં આવી હતી અને સંક્રમણ કાળમાં બંને માટે એક જ ગવર્નર જનરલની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. માઉન્ટબેટન યોજના તરીકે વિખ્યાત આ યોજનામાં ભાગલાના સિદ્ધાંતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેને અમલમાં મૂકવાની પ્રક્રિયા આ પ્રકારે હતી :1. બંગાળ અને પંજાબની પ્રાંતીય વિધાનસભાઓની બેઠક (યુરોપીય સભ્યોને બાદ કરતાં) બે ભાગમાં થશે. એક બેઠક મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓનું પ્રતિનિધિત્વ કરશે અને બીજી બાકીના પ્રાંતનું. જિલ્લો ક્યા ભાગમાં હશે, તેનો નિર્ણય 1941ની વસ્તી ગણતરીના આંકડાના આધાર પર કરવામાં આવશે.2. બંને ભાગ અલગ – અલગ બેઠકોમાં મતદાન કરશે કે પ્રાંતના ભાગલા થવા જોઈએ કે નહીં. કોઈપણ ભાગની સામાન્ય બહુમતી પણ ભાગલાની તરફેણમાં હશે તો ભાગલા થશે. 3. સિંધ વિધાનસભાને વર્તમાન ભારત સંઘથી અલગ થવાની છૂટ આપવામાં આવશે.4. પશ્ચિમોત્તર સરહદી પ્રાંતમાં લોકમત – સંગ્રહ કરવામાં આવશે; જેથી ખબર પડે કે તે ભારતમાં રહેવા માગે છે કે પાકિસ્તાનમાં. બલૂચિસ્તાનને પણ આવી છૂટ આપવામાં આવશે.5. આસામના સિલહટ જિલ્લામાં તે ભારતમાં રહેવા માગે છે કે પૂર્ણ પાકિસ્તાનમાં તે વિશે લોકમત – સંગ્રહ થશે.હવે તમામ વિકલ્પો પૂરા થઇ ગયા હતા. તમામ ચાલ ચાલી નાખવામાં આવી હતી.પ્યાદાં વિખેરી નાખવામાં આવ્યા હતા અને છેલ્લે તો બાજી પણ સંકેલાઇ ચૂકી હતી. પણ હવે જે લોહીની નદીઓ વહેવાની હતી એ બાકી હતું…
|: ક્રમશ:|
©️kishormakwana