• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 79
• ભાગલા પહેલા નવી વચગાળાની સરકાર રચાઇ અને નહેરુ કોન્ગ્રેસના સર્વેસર્વા બન્યા.
- 1946 નું વર્ષ નિર્ણાયક હતું. એ માટે ગાંધીજીએ પં. નહેરુને કૉંગ્રેસ પ્રમુખ માટે પસંદ કર્યા. જોકે ગાંધીજીએ પંડિત નહેરુને કેમ પસંદ કર્યા એ પ્રશ્ન આજે પણ એક કોયડો છે અને એની ચર્ચા આજે પણ થયા જ કરે છે. જે કોન્ગ્રેસ પ્રમુખ બને એ ભાવી સરકારમાં વડાપ્રધાન બનવાના હતા છતાં નહેરુ કરતા વધુ ચકોર, મુત્સદી અને દીર્ઘદ્રષ્ટા સરદાર પટેલના બદલે નહેરુની પસંદગી ગાંધીજીએ કરી.
- મંત્રી મંડળમાં સામેલ સર શફાત અહમદખાન પર એક મુસ્લિમો છરાથી હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી. વચગાળાની સરકારના બરાબર પહેલા જ દિવસે વાઇસરોય વેવલના ઘરની બહાર જ મુસલમાનોના ટોળાએ શારીરિક હુમલો કર્યો હતો. મુસ્લિમોને પાકિસ્તાન સિવાય કંઇ જોઇતું નહોતું.
અંગ્રેજ ‘કેબિનેટ મિશન’ સામે હવે બે મુખ્ય કામ હતા: એક તો ભારત માટે લાંબા ગાળાની બંધારણીય યોજના ઘડી કાઢવાની હતી. બીજું વાઇસરોયની કારોબારીને ભારતીય પ્રતિનિધિઓની બનેલી વચગાળાની સરકારમાં બદલવાની હતી. ‘કેબિનેટ મિશન’ ના પ્રસ્તાવ અંગે કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ પોતપોતાના વચન પર અડગ રહ્યા. બન્ને વચ્ચે ઝઘડાનો મૂળ આ પ્રશ્ન હતો : પ્રાંતોને પોતાના વર્ગીકરણ (કેબિનેટની યોજના મુજબ: 1. અખિલ ભારતીય સંઘ હશે જેમાં બ્રિટિશની સાથે સાથે ભારતીય રાજ્યો પણ હશે. આવી સંઘ સરકાર પર વિદેશી બાબતો, સુરક્ષા અને સંચાર જેવી જવાબદારી રહેશે, 2. બ્રિટિશ ભારતના પ્રાંતોને ત્રણ સમૂહોમાં વહેંચવામાં આવશે. જેમાં એકમાં મુખ્યત્વે હિન્દુ વસ્તી ધરાવતા પ્રાંતો હશે, બીજામાં મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતો હશે અને ત્રીજાે દેશી રાજ્યો હશે. 3. આ સમૂહોને એવી રીતે ગોઠવવામાં આવશે કે બંધારણ ઘડાયા પછી કોઇપણ પ્રાંત બીજા સમૂહમાં જવાની ઇચ્છા ધરાવે તો તેને અધિકાર આપવામાં આવશે. તે 10 વર્ષ પછી જ સમૂહ બદલી શકશે. 4. ત્રણેય સમૂહો માટે અલગ અલગ બંધારણ સભાની રચના કરવામાં આવશે. એ પછી ત્રણેય વિભાગો ભારતનું બંધારણનું બંધારણ ઘડવા માટે ભેગા મળશે)પછી પોતાના વર્ગોથી અલગ થવાનો અધિકાર હોવો જોઈએ ? અડચણ દૂર કરવાના પ્રયાસરૂપે કૉંગ્રેસે પોતાના વલણમાં પરિવર્તન કર્યું. એણે સૂચન કર્યું કે બંધારણના પ્રારૂપમાં એ ખંડને સામેલ કરતી વખતે એને પંચના નિર્ણય માટે સંધીય ન્યાયાલયને સોંપી દેવું જોઇએ, પરંતુમુસ્લિમ લીગે કોઈ પણ વાતને ભવિષ્ય પર છોડવાની ચોખ્ખી ના પાડી દીધી. એણે આગ્રહ કર્યો કે અત્યારે અને આ સમયે કૉંગ્રેસ અને અંગ્રેજ એના અર્થઘટન અંગે પાકું વચન આપે તો જ એ ‘મિશન’ ની યોજનાનો સ્વીકાર કરશે. કૉંગ્રેસ અને અંગ્રેજ બન્ને એ માટે તૈયાર નહોતા. મુસ્લિમ લીગે યોજનામાં ન જોડવાનો નિર્ણય કરી લીધો.
જો કે અંગ્રેજો પોતાના કર્યા-કારવ્યા પર પાણી ફરી વળે અને એ આનંદની તમાશો જોયા કરે એ માટે તૈયાર નહોતા. એ સમય પસાર થઇ ગયો હતો. બીજા વિશ્વ યુદ્ધ પછીની ઘટનાઓની વિવશતાને કારણે હવે તેની પાસે આનંદ-પ્રમોદ માણવા માટેના વિકલ્પો બાબતે એમની પાસે કોઈ સમય જ નહોતો. અંગ્રેજો હવે ઝડપથી બધું કામ પતાવવાની વેતરણમાં હતા. 6 ઓગસ્ટ 1946 ના રોજ લંડનથી આવેલી સૂચના મુજબ વાઈસરૉય વેવલે કૉંગ્રેસના પ્રમુખ હોવાના કારણે પંડિત નહેરુને વચગાળાની સરકાર રચવા આમંત્રણ આપ્યું.નહેરુએ ઝીણાને મનાવવાનો પ્રયત્ન કર્યો પણ જવાબ નિરાશાજનક મળ્યો. અંતે વાઇસરોય વેવલે મુસ્લિમ લીગનો બહિષ્કાર અને યોજના સંબંધી વિવાદની અવગણના કરી.
આ નિર્ણાયક વર્ષ હતું અને એ માટે ગાંધીજીએ પં. નહેરુને કૉંગ્રેસ પ્રમુખ માટે પસંદ કર્યા હતા. જોકે ગાંધીજીએ પંડિત નહેરુને કેમ પસંદ કર્યા એ પ્રશ્ન આજે પણ એક કોયડો છે અને એની ચર્ચા આજે પણ થયા જ કરે છે. કારણ જે કોન્ગ્રેસ પ્રમુખ બને એ ભાવી સરકારમાં વડાપ્રધાન બનવાના હતા છતાં નહેરુ કરતા વધું ચકોર, મુત્સદી અને દીર્ઘદ્રષ્ટા સરદાર પટેલના બદલે નહેરુની પસંદગી ગાંધીજીએ કરી. વળી કોન્ગ્રેસની કોઈ પ્રાંતીય સમિતિએ પં. નહેરુના નામને ટેકો આપ્યો ન હતો. પ્રાંતો તરફથી વિધિસર ત્રણ નામો સૂચવવામાં આવ્યા હતા- સરદાર પટેલનું, પટ્ટાભી સીતારામૈયા અને આચાર્ય કૃપલાણીનું. જવાહરલાલનું ક્યાંય નામોનિશાન નહોતું. 13 પ્રાંતીય સમિતિઓએ સરદાર પટેલના નામનો પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કર્યો હતો. છતાં ગાંધીજીએ આખી પરંપરા તોડી નહેરુને પ્રમુખ તરીકે ઊપરથી મૂકી દીધા.
અને ગાંધીજીની મરજી જાણી એક કર્તવ્ય પરાયણ સૈનિકની જેમ સરદાર પટેલે પણ નહેરુના નામને સ્વીકારી લીધું. ખેર આ પ્રકરણ પણ એક અલગ વિષય છે. ટૂંકમાં નહેરુ જ હવે મુખ્ય ભૂમિકામાં હતા. નહેરુએ વચગાળાની સરકાર માટે બાર સભ્યોની યાદી વેવલને આપી. મુસ્લિમ લીગે આ સરકારનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. બ્રિટીશ સરકારે મંત્રીઓની યાદી મંજૂર રાખી. વચગાળાની સરકાર માટે નહેરુએ યાદી આપી તેમાં બાર મંત્રી હતા: 1. પંડિત જવાહરલાલ નહેરુ 2. સરદાર પટેલ 3. રાજેન્દ્ર પ્રસાદ 4. અસફઅલી 5. આચાર્ય રાજગોપાલાચારી 6. શરતચંદ્ર બોઝ 7. ડો. જોન મથાઇ 8. સરદાર બલદેવસિંહ 9. સર શફાત અહમદ ખાન 10. સૈયદઅલી ઝગીર 11. બાબુ જગજીવન રામ 12. કુંવરજી હોમસજી ભાભા.
વાઈસરૉય વેવલે નવા મંત્રીમંડળમાં મુસલમાનોને પણ સામેલ કરવામાં આવશે એવી કૉંગ્રેસની શરત અંગે પણ વિરોધ કર્યો નહિ. વાઈસરૉયના આ તદ્દન નવા અને અણધાર્યા પગલાએ મહંમદઅલી ઝીણાને હચમચાવી મૂક્યા. તેઓ પોતાની જાતને અસુરક્ષિત અનુભવવા લાગ્યા. કૉંગ્રેસને મળેલા લાભને ઝૂટવી લેવા માટે એમણે ઝડપથી પેંતરા બદલવા માંડ્યા. 2 સપ્ટેમ્બર 1946ના રોજ પં. નહેરુની વચગાળાની સરકાર સત્તા સંભાળે એ દિવસે મુસલમાનોને કાળા ઝંડાઓ ફરકાવવાનું આહ્વાન કર્યું, જેથી ‘‘હિન્દુ કૉંગ્રેસ અને એના પૂંછડીઓ સિંહાસન પર બેસે તે વખતે જ મુસ્લિમ રાષ્ટ્રની મૌન ઘૃણાનું પ્રદર્શન થઈ શકે.’ કૉંગ્રેસના માધ્યમથી સત્તા મેળવવા ઈચ્છતા અમુક મુસલમાનોને ભયાનક ચેતવણી આપવા સરકાર માટે પસંદ કરાયેલા મુસ્લિમ નેતાઓ પર હિંસક હુમલા શરુ થયા. મંત્રી મંડળમાં સામેલ સર શફાત અહમદખાન પર એક મુસ્લિમો છરાથી હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી. વચગાળાની સરકારના બરાબર પહેલા જ દિવસે વાઇસરોય વેવલના ઘરની બહાર જ મુસલમાનોના ટોળાએ શારીરિક હુમલો કર્યો હતો. મુસ્લિમોને પાકિસ્તાન સિવાય કંઇ જોઇતું નહોતું.
|: ક્રમશ:|
©️kishormakwana