• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…
ડૉ. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 76
• આ પ્રમાણે હતો :
- એક ભારત સંઘ હશે એમાં બ્રિટિશ ભારત અને દેશી રાજ્યો બન્ને સામેલ હશે. એ વિદેશ નીતિ, સંરક્ષણ તથા સંચાર વ્યવસ્થાનું સંચાલન કરશે. એમની પાસે અપેક્ષિત નાણાકીય સાધન-સ્ત્રોતો મેળવવા માટેનો અધિકાર હશે.
- બાકીના બીજા વિષયો અને બાકીના અધિકારો પ્રાંતો કે દેશી રાજ્યોને હશે.
- બધા પ્રાંતોનું બે ભાગમાં વર્ગીકરણ કરવામાં આવશે. એક ભાગમાં હિન્દુ બહુમતીવાળા પ્રાંતો હશે અને બીજા ભાગમાં મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો હશે.
- નવા ચૂંટાયેલા ધારાસભ્યો પોતપોતાની પ્રાંતીય ધારાસભાઓમાંથી સાંપ્રદાયિક સમૂહોના આધારે પ્રતિનિધિઓ નીચે પ્રમાણેનાં ત્રણ પ્રાદેશિક સમુદાયોના આધારે જ ત્રણ વર્ગ બનાવવામાં આવશે.
સામાન્ય (મુસલમાનો અને શીખોને બાદ કરતાં બાકીના બધા), મુસલમાન અને શીખ. એ પછી આ પ્રતિનિધિઓ નીચે પ્રમાણેનાં ત્રણ પ્રાદેશિક જૂથોમાં અલગ અલગ બેસશે. સમૂહ –
(ક) મદ્રાસ, મુંબઈ, સંયુક્ત પ્રાંત, બિહાર, મધ્ય પ્રાંત અને ઓરિસ્સા
(ખ) પંજાબ, પશ્ચિમોત્તર સીમા પ્રાંત અને સિંધ
(ગ) બંગાળ અને આસામ.
બંધારણના આ ત્રણેય સમૂહો પોતપોતાના સમૂહના પ્રાંતો માટે પ્રાંતીય બંધારણ ઘડશે. સંઘનું નવું બંધારણ લાગુ પડ્યા પછી નવા વિધાનમંડળના નિર્ણય દ્વારા સમૂહમાંથી બહાર નીકળી જવાનો પ્રાંતને અધિકાર રહેશે. સમૂહો માટેના બંધારણની રચના પછી સંવિધાન સભાના ત્રણે સમૂહ ફરી એકત્રિત થશે. એમની સાથે ભારતીય રાજ્યોના પ્રતિનિધિઓ પણ હશે અને એ બધા ભેગા મળીને સંઘનું બંધારણ નક્કી કરશે.
બ્રિટિશ ભારતના હિન્દુ બહુમતીવાળા પ્રાંતો અને મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોના આ વર્ગીકરણથી એવો ‘ચમત્કાર’ થવાનો હતો કે કેન્દ્રીય ધારાસભા અને કેન્દ્રીય સરકારમાં 9 કરોડ મુસ્લિમોના પ્રતિનિધિ, 19 કરોડ હિન્દુઓના પ્રતિનિધિની બરાબર થવાના હતા. ‘સમતા’નો અનોખો સિદ્ધાંત હતો.
‘અંધેર નગરી ચોપટ રાજા’ જેવી નીતિ અંગ્રેજોની હતી. પ્રાંતીય બંધારણો ઘડવાનો અધિકાર એવા સમૂહોને અપાયો હતો કે જેથી વાસ્તવમાં પશ્ચિમોત્તર સીમા પ્રાંત અને આસામનું ભાગ્ય ત્યાંના મુસ્લિમ બહુલ સમૂહોની દયા પર જીવતા રહેવા માટે છોડી દેવાયું હતું. કેન્દ્રીય ભારત સંઘ એક નિર્બળ સંઘ બને, મુસલમાનોની તાકાત કૉંગ્રેસની બરાબર થાય અને બધા પ્રદેશો પર મુસ્લિમ આધિપત્ય સ્થાપવાનો માર્ગ ખુલ્લો થઈ જાય. ગાંધીજીએ આ પ્રસ્તાવ પર નજર નાખતાં જ ક્રિપ્સને લખી દીધું કે આ યોજના તો પાકિસ્તાનની યોજના કરતાંય તદ્દન નકામી છે. મહંમદઅલી ઝીણાએ પ્રસ્તાવિત અખિલ ભારત સંઘમાં પાકિસ્તાનની સ્થિતિ કેવી રહેશે એમ ક્રિપ્સને પૂછ્યું તો એમણે જવાબ આપ્યો, બે પ્રસ્તાવ છે : - એક નાના પાકિસ્તાનનો, જેની પાસે સાર્વભૌમ અધિકાર હોય. જેની પાસે સંધિ કરવાના અધિકાર હોય.
- બીજો બૃહદ્ પાકિસ્તાનનો. જે રક્ષણ અને વિદેશ – સંબંધોના જરૂરી હેતુ માટે એક અખિલ ભારત સંઘની અંદર સમાનતાના આધારે હિન્દુસ્થાન સાથે મળીને કામ કરે.
બીજા વિકલ્પને આધીન સંઘીય કેન્દ્ર દ્વારા જોડાયેલ બે પરિસંઘ હશે. ભારતીય રાજ્ય કેન્દ્રીય સ્તરે સામેલ થશે કે પછી પરિસંઘીય સ્તરે. કેન્દ્રીય સ્તરે હિન્દુસ્થાન અને પાકિસ્તાનનું સમાન પ્રતિનિધિત્વ રહેશે. ભારતીય રાજ્યોનો સમાવેશ થયા પછી પણ કોઈને કોઈ પ્રકારે કેન્દ્રમાં સાંપ્રદાયિક સંતુલન જાળવી રાખવામાં આવશે.’ (વી. પી. મેનન : ધી ટ્રાન્સફર ઓફ પાવર, પૃષ્ઠ: 251)
કોન્ગ્રેસે પણ આ યોજનાની ટીકા કરી. એણે ભાનુમતીનો પટારો કહ્યો તેમજ વાસ્તવિક્તા અને લોકશાહી સિદ્ધાંતોનો શત્રુ ગણાવ્યો અને છતાંય કૉંગ્રેસે એનો સ્વીકાર કરી લીધો. કદાચ એને આશા હશે કે બંધારણ ઘડતી વખતે સમગ્ર માળખાને બદલી શકાશે.
વાઇસરૉય વેવેલે ‘ત્રણ મંત્રીઓની ટોળી’ ની યોજનાના આધારે વાટઘાટો માટે કૉંગ્રેસ અને મુસ્લિમ લીગના અધ્યક્ષોને આમંત્રણ આપ્યું. એ વખતે મૌલાના આઝાદ કૉંગ્રેસના અધ્યક્ષ હતા. મૌલાના આઝાદ અને બાદશાહખાન કોન્ગ્રેસના ચાર પ્રતિનિધિઓમાં સામેલ હતા. જોકે મહંમદઅલી ઝીણાએ તો મૌલાના આઝાદ સાથે વાત કરવાની ચોખ્ખી ના પાડી દીધી. કારણ મહંમદઅલી ઝીણા એવું જ માનતા હતા કે તેઓ જ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરે છે.
એમણે મૌલાના આઝાદને પણ ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું: ‘કૉંગ્રેસ પર રાષ્ટ્રીય હોવાની મહોર લાગે અને બહારના દેશોની આંખોમાં ધૂળ નાખી શકાય એ માટે તમને મુસ્લિમ છાપ કૉંગ્રેસ અધ્યક્ષ બનાવી દીધા છે એનું તમને જ્ઞાન નથી ? તમે ન તો મુસ્લિમોના પ્રતિનિધિ છો કે ન તો હિન્દુઓના પ્રતિનિધિ છો. કૉંગ્રેસ હિન્દુ સંગઠન છે. તમારામાં સ્હેજ પણ આત્મસન્માન જેવું હોય તો તરત જ રાજીનામું આપી દો.’ કૉંગ્રેસે મહંમદઅલી ઝીણાની માગણી પાછળ છુપાયેલ પોતાના અધ્યક્ષના ઘોર અપમાન પર ધ્યાન આપ્યું નહિ હોય.
કૉંગ્રેસને એક વધુ આંચકો લાગ્યો. મુસ્લિમ લીગને કેન્દ્રીય વચગાળાની સરકારમાં એક બિન-મુસ્લિમ સભ્ય પસંદ કરવામાં આવ્યો. જ્યારે એક ‘રાષ્ટ્રવાદી મુસ્લિમ’ ને પોતાના પ્રતિનિધિ તરીકે પસંદ કરવાની કૉંગ્રેસની માંગણીને ઠુકરાવી દેવામાં આવી.
1945નું અંતિમ અઠવાડિયું હશે. મૌલાના અબુલ કલામ આઝાદે એવી શંકાસ્પદ ભૂમિકા ભજવી કે સૌ કોઇને આઘાત લાગ્યો. પૈથિક લોરેન્સે કૉંગ્રેસ અને મુસ્લિમ લીગના અધ્યક્ષોને સિમલામાં વાટાઘાટો માટે નિમંત્રણ આપ્યું હતું. મંત્રીમંડળમાં કૉંગ્રેસના એક રાષ્ટ્રવાદી મુસ્લિમને સામેલ કરવામાં ન આવે એવા પ્રસ્તાવ પર આ મિટીંગમાં વિચાર કરવાનો હતો. કૉંગ્રેસ કાર્યકારિણી એ પત્ર પર વિચાર કરે એ પહેલાં મૌલાના આઝાદે ગાંધીજી તથા અન્ય કૉંગ્રેસી નેતાઓને પૂછ્યા વિના જ 6 મે 1946ના રોજ એક પત્ર દ્વારા લખી દીધું કે કૉંગ્રેસે યોજનાનો સ્વીકાર કરી લીધો છે.
એ પત્રમાં મૌલાનાએ ‘કૅબિનેટ મિશન’ને આશ્વાસન આપ્યું હતું કે એમને પૂરેપૂરો વિશ્વાસ છે કે કૉંગ્રેસ એમની સાથે રહેશે, ભલેને કૉંગ્રેસમાં આંતરિક મતભેદો હોય, ગાંધીજીની ‘મિશન’ કે ‘મિશન’ ના પ્રસ્તાવો અંગેનીએમની ભ્રમણાઓ બાબતે બહું ચિંતા ન કરો.
ગાંધીજીને જ્યારે મૌલાના આઝાદીના આ પત્રની વાત કહેવામાં આવી ત્યારે જાણે એમના માથે આભ તૂટી પડ્યું હોય એવું લાગ્યું. ક્રિપ્સે ગાંધીજીના હાથમાં પત્ર પકડાવી દીધો.
સુધીર ઘોષે એનું અત્યંત માર્મિક ચિત્રણ એમના પુસ્તક ‘ગાંધીજીઝ એમીસરી’માં કર્યું છે, ‘ભંગી કોલેની એક નાના ઓરડામાં જમીન પર બેસી ગાંધીજી પત્ર વાંચી રહ્યા હતા. પત્રને એમણે પોતાના ઢળતા મેજ પર મૂક્યો. ત્યાં જ એમને સૂચના મળી કે મૌલાના સાહેબ પધાર્યા છે…. એ બન્ને (રાજકુમારી અમૃતા કૌર અને પ્યારેલાલ) એ ગાંધીજીને મૌલાનાને સીધો પ્રશ્ર કરતાં સાંભળ્યા કે જે વાતો ચાલી રહી છે, એ અંગે એમણે (મૌલાનાએ) વાઈસરૉયને કોઈ પત્ર લખ્યો છે ? મૌલાનાએ સ્પષ્ટ ઈન્કાર કર્યો અને કીધું કે એમણે એવો કોઈ પત્ર લખ્યો નથી. એ સમયે એમણે લખેલ પત્રની મૂળ નકલ ગાંધીજી પાસેના ઢળતા મેજ પર પડી હતી. મૌલાના સાહેબ અને ગાંધીજી વચ્ચે બે – ત્રણ ગજનું અંતર હશે. ગાંધીજી વ્યથિત બની ગયા અને વિચારમાં પડ્યા…. જે વ્યક્તિની સાથે જીવનભર રહ્યા, જેના પર એમણે આટલો અતૂટ વિશ્વાસ મૂક્યો તે જ વ્યક્તિ આટલું જૂઠું કેવી રીતે બોલી શકે છે…!’
પાછળથી મૌલાના આઝાદે ગાંધીજી પાસે સત્ય સ્વીકાર્યું કે એમણે એમનાથી સાચી વાત છુપાવી હતી. પણ સાથે સાથે એવો આગ્રહ પણ કર્યો કે એનાથી એમની નિષ્ઠામાં રતીભાર પણ ફેર પડતો નથી. ગાંધીજીએ વ્યથિત થઈ કહ્યું કે એમના જેવા પાક મુસલમાન અને ધર્મપરાયણ માણસના મોઢેથી આવી સફાઈની વાત સાંભળવા તેઓ ક્યારેય તૈયાર ન હતા.
એ પછી, કૉંગ્રેસ કાર્યકારિણીએ સર્વાનુમતે આ યોજનાનો વિરોધ કર્યો, સ્વીકાર કરવામાં મૌલાના આઝાદ એકલા જ હતા.
કાર્યકારિણી સામે સમાપન પ્રવચનમાં પંડિત નહેરુએ કહ્યું હતું : ‘મને દેખાય છે ત્યાં સુધી આ પ્રશ્ર કાંઈ લાંબી કે નાની યોજનાનો સ્વીકાર કરવાનો નથી. પ્રશ્ર કેવળ એટલો જ છે કે બંધારણ સભામાં જવું કે ના જવું. બસ આટલું જ, આનાથી વિશેષ કાંઈ નહિ. જ્યાં સુધી એનાથી ભારતનું ભલું થાય છે એમ સમજીશું ત્યાં સુધી એમાં રહીશું.
આપણને સમજાશે કે એ આપણા ઉદ્દેશ માટે ઘાતક છે તો આપણે એમાંથી બહાર આવી જઈશું, અને લડીશું. આ વિના આપણે બીજી કોઈ વાતથી બંધાતા નથી. આ સમયે આપણે બંધારણ સભામાં જવાનો નિર્ણય કર્યો છે.’
પાછળથી એક પત્રકાર પરિષદમાં બોલતાં પંડિત નહેરુએ કૉંગ્રેસના દ્રષ્ટિકોણનું પુનરાવર્તન કર્યું : ‘અમારે ત્યાં જઇને શું કરવાનું છે એ વાતનો નિર્ણય કરવા માટે અમે પૂરેપૂરા સ્વતંત્ર છીએ. લઘુમતીનો પ્રશ્ર આપણે પોતે જ ઉકેલવો પડશે અને આપણે બહારની કોઈ દખલગીરીનો સ્વીકાર કરીશું નહિ. મોટી શક્યતા તો એ છે કે પ્રાંતના ઘણા સમૂહ નહિ બને.
…પરંતુ ‘કૅબિનેટ મિશન’ દસ વર્ષ પછી અમારે શું કરવાનું એ કહે તે વિચિત્ર લાગે છે…. ભારત સ્વતંત્ર હશે તો એ એની મરજી મુજબ કરશે.’ (ઈન્ડિયન એન્યુઅલ રજિસ્ટર, જુલાઈ – ડિસેમ્બર 1946, પૃષ્ઠ: 143)
નહેરુના વિચારો આબેહૂબ ગાંધીજી જેવા જ હતા. ગાંધીજીએ આ વિચારો ‘કૅબિનેટ મિશન’ યોજનાની જાહેરાત પછી તરત જ વ્યક્ત કર્યા હતા. એ સ્પષ્ટ હતું કે કૉંગ્રેસના આ વિચારોનો ટકરાવ ‘કૅબિનેટ મિશન’ અંગે મુસ્લિમ લીગના વિચારો સાથે જ થશે. આપણે આગળ જોઈશું તેમ ભાવિ ત્રિકોણીય સંઘર્ષ મુખ્યત્વે આ વિવાદને લઇને જ થયો.
|: ક્રમશ:|
©kishormakwana