• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો.
વાંચો લેખમાળાનું પ્રકરણ – 75
• નેવીના જવાનોએ બળવો પોકાર્યો, તોફાનો ભડક્યા
• અંગ્રેજોએ ભારત છોડવાનું મન બનાવ્યું
- કેન્દ્રીય ધારાસભા માટે થયેલા મતદાનમાં મતોના 91.1% મત કોન્ગ્રેસને મળ્યા. મુસ્લિમ લીગને 86.6%% (મુસ્લિમ) મત મળ્યા અને એ કેન્દ્રીય ધારાસભા માટેના પ્રત્યેક મુસ્લિમ મતદારમંડળમાં વિજયી બની. કૉંગ્રેસના કહેવાતા રાષ્ટ્રવાદી મુસલમાનોની અનામત પણ જપ્ત થઇ.
- મુસ્લિમ લીગના ધારાસભ્યોના સંમેલનમાં મુંબઈના ઈસ્માઈલ ચુંદરીગરે કહ્યું, ‘જેના પર મુસલમાનોએ 500 વર્ષ રાજ્ય કર્યું છે એવા દાસ લોકો આગળ મુસલમાનોને સોંપી દેવાનો અંગ્રેજોનો કોઈ અધિકાર નથી.’ સર ફિરોજખાંએ ગર્જના કરી કહ્યું, ‘એમને કેન્દ્રીય સરકાર કે હિન્દુ રાજ્ય સાથે યુદ્ધ કરવા વિવશ કરવામાં આવશે તો મુસલમાનો જે વિનાશ નોંતરશે, એના આગળ ચંગીજખાં કે હલાકૂનાં કારનામાં પણ ઝાંખાં પડી જશે.’
- 1946ની શરૂઆતમાં સેક્રેટરી ઓફ સ્ટેટનું નિવેદન પણ આ જ વાતનું સમર્થન કરે છે કે અંગ્રેજોએ ભારત છોડવાનો નિશ્ચય કરી લીધો છે. નિવેદન હતું : ‘1946નું વર્ષ ભારતમાં નિર્ણાયક વર્ષ બની રહેશે. આ વર્ષે, આગળના કેટલાક મહિનામાં અમે કાંઈક કરી દેખાડવાની આશા રાખીએ છીએ. ભારત એક નવી સ્થિતિમાં હશે. એ વિશ્વના સ્વાધીનતાના ઈતિહાસમાં એક નવું કીર્તિમાન હશે.’
રાષ્ટ્રીય કોન્ગેસે પોતાના અખંડ ભારત માટેના સંઘર્ષમાં એમના હાથ મજબૂત કરવા માટે કૉંગ્રેસે લોકોને ઉશ્કેર્યા. અનેક જાણીતા- માનીતા બિન-કૉંગ્રેસી ઉમેદવારોએ એના આ નારાનું સ્વાગત કર્યું અને તેઓ કૉંગ્રેસની તરફેણમાં ચૂંટણીમાંથી ખસી ગયા. આશા રાખવામાં આવી હતી તેમ કૉંગ્રેસ બધા જ સામાન્ય મતદાર મંડળોમાં સંપૂર્ણ વિજયી બની. કેન્દ્રીય ધારાસભા માટે થયેલા મતદાનમાં મતોના 91.3% મત કોન્ગ્રેસને મળ્યા. મુસ્લિમ લીગને 86.6% (મુસ્લિમ) મત મળ્યા અને એ કેન્દ્રીય ધારાસભા માટેના પ્રત્યેક મુસ્લિમ મતદારમંડળમાં વિજયી બની. કૉંગ્રેસના કહેવાતા રાષ્ટ્રવાદી મુસલમાનોની અનામત પણ જપ્ત થઇ. મુસલમાનોએ અલગ પાકિસ્તાનનો નારો આપનાર મુસ્લિમ લીગને મત આપ્યા. કૉંગ્રેસ કેન્દ્રીય મુસ્લિમ મતદાર મંડળમાંથી એક પણ મુસલમાનને ઊભો રાખી શકી નહિ.
પ્રાંતીય ધારાસભાઓની સ્થિતિ આ પ્રમાણે રહી : આસામ અને પશ્ચમોત્તર સીમા પ્રાંતમાં કૉંગ્રેસની જીત થઈ. પશ્ચિમોત્તર સીમા પ્રાંતમાં 30 સફળ કૉંગ્રેસી ઉમેદવારોમાંથી 19 મુસ્લિમો હતા. મુસ્લિમ લીગને ફક્ત 17 સ્થાન મળ્યાં. પંજાબમાં કૉંગ્રેસ, યુનિયનિસ્ટ પાર્ટી અને અકાલીઓએ ખિજ હયાતખાનના નેતૃત્વમાં સંયુક્ત પક્ષ રચ્યો. આ બધાં ક્ષેત્રોમાં મુસ્લિમ લીગે મોટા ભાગનાં મુસ્લિમ સ્થાનો પર કબજો જમાવી દીધો હતો. સિંધ અને બંગાળમાં અન્ય સમૂહો તેમજ આઠ અપક્ષ ઉમેદવારોના ટેકાથી મુસ્લિમ લીગ સત્તામાં આવી. બાકીના બધા પ્રાંતો કૉંગ્રેસ જોડે રહ્યા.
ચૂંટણીમાં કૉંગ્રેસ અને મુસ્લિમ લીગની તાકાતનો પરચો મળી ગયો. મુસ્લિમ લીગે પાકિસ્તાન માટે પંજાબ, પશ્ચિમોત્તર સીમા પ્રાંત, બલૂચિસ્તાન, બંગાળ અને સિંધના પાંચ પ્રાંતોની માગણી કરી હતી; પરંતુ મોટા ભાગનાં મુસ્લિમ મતદાર મંડળોમાં ભવ્ય સફળતા ઉપરાંત કેવળ બંગાળ અને સિંધ એ બે પ્રાંતોમાં જ પોતાનું પ્રધાનમંડળ રચી શકી. ત્યાં પણ એને પોતાના અસ્તિત્વ માટે બીજા પક્ષો અને યુરોપિયન સભ્યો પર આધાર રાખવો પડ્યો હતો. આ ચૂંટણીમાં સ્પષ્ટપણે બ્રિટિશ – મુસ્લિમ લીગ જોડાણ ઉપસી આવ્યું.
અંગ્રેજોએ મુસ્લિમ લીગને કેવી રીતે પક્ષપાતી ટેકો આપ્યો હતો એની વાત ગફારખાંએ ગાંધીજીને કહી. સિંધ મુસ્લિમ જમાયતના અધ્યક્ષ શેખ અબ્દુલ મજીદનો આરોપ હતો કે સિંધની ચૂંટણી તો એક ફારસ હતી. એમણે મુસ્લિમ લીગના ઉમેદવારોને જીતાડવા માટે મુસ્લિમ લીગ સાથે જોડાણ કર્યાનો સરકારી અધિકારીઓ ઉપર આક્ષેપ કર્યો હતો. ફજલુલહકે ગાંધીજીને ફરીયાદ કરી કે ચૂંટણી સભાઓમાં લીગીઓએ અંધાઘૂંઘ ગુંડાગીરી આચરી હતી; સરકારે બિન લીગી ઉમેદવારોને કોઈ સંરક્ષણ આપ્યું ન હતું. મુખ્યમંત્રી રહી ચૂક્યા હોવા છતાંય તેઓ પાશવી હિંસાના શિકાર બન્યા અને ‘માંડ માંડ બચ્યા’. એમને એક હિન્દુના ઘરમાં આશરો લેવો પડ્યો હતો.’ (પ્યારેલાલ : મહાત્મા ગાંધી – ધ લાસ્ટ ફેજ, પૃષ્ઠ: 127)
મુસ્લિમ લીગના નેતાઓ ચૂંટણીમાં જીતતાં ઉન્માદી બની ગયા અને લડાઈ માટે બાંહ્યો ચઢાવવા માંડ્યા. મુસ્લિમ લીગના ધારાસભ્યોના સંમેલનમાં મુંબઈના ઈસ્માઈલ ચુંદરીગરે કહ્યું, ‘જેના પર મુસલમાનોએ 500 વર્ષ રાજ્ય કર્યું છે એવા દાસ લોકો આગળ મુસલમાનોને સોંપી દેવાનો અંગ્રેજોનો કોઈ અધિકાર નથી.’ મદ્રાસના મુહમ્મદ ઈસ્માઈલે ઘુરકીને કહ્યું કે ભારતના મુસલમાનો જેહાદની સ્થિતિમાં છે.’ ખિજ હયાતખાનના યુદ્ધકાલીન મંત્રીમંડળમાં મંત્રી અને પાછળથી પદભ્રષ્ટ કરવામાં આવેલા એ શૌકત હયાતખાને કહ્યું કે, ‘મુસલમાનોને ‘અવસર’ આપવામાં આવશે તો અંગ્રેજી લશ્કર ન હોવા છતાંય તેઓ પૂર્વાભ્યાસ કરી દેખાડી દેશે.’ સર ફિરોજખાંએ ગર્જના કરી કહ્યું, ‘એમને કેન્દ્રીય સરકાર કે હિન્દુ રાજ્ય સાથે યુદ્ધ કરવા વિવશ કરવામાં આવશે તો મુસલમાનો જે વિનાશ નોંતરશે, એના આગળ ચંગીજખાં કે હલાકૂનાં કારનામાં પણ ઝાંખાં પડી જશે.’
(રામગોપાળ : ઈન્ડિયન મુસ્લિમ્સ, પૃષ્ઠ: 305)
મુસ્લિમ નેતાઓ મુસલમાનોને હિન્દુઓ સામે લડવા ઉશ્કેરી રહ્યા હતા. કોન્ગ્રેસ હજુ અવઢવની સ્થિતિમાં હતી તો
જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ભારત પર અંગ્રેજોનો પંજો ઢીલો પડતો ગયો. એનાં અનેક કારણો હતાં. સૌથી મોટું કારણ તો એ હતું કે બીજા વિશ્વયુદ્ધે બ્રિટનનાં મૂળિયા હચમચાવી નાખ્યા હતા. બ્રિટનની આર્થિક શક્તિ અને સૈનિક શક્તિ સાવ નબળી બની ગઇ હતી. ભારતનું આંતરિક વાતાવરણ ગરમ બની ગયું હતું. સુભાષ બોઝની આઝાદ હિન્દ ફોજના આગમને સ્વાતંત્રતાની ચિનગારી ફરી ભડકાવી દીધી હતી.
આ સમયે દૂરગામી પ્રભાવ પાડનારો એક બનાવ બન્યો. મુંબઈમાં રાજ-સેના (રૉયલ નેવી)ના નાવિકોએ એક મહાન વિદ્રોહ કર્યો. સેના સાથે સીધા જોડાયેલા નહોતા એવા કર્મચારીઓ પણ એ વિદ્રોહના પ્રભાવમાં આવી ગઇ.
એ સમયે કેન્દ્રના એક ઉચ્ચ બિનસૈનિક અધિકારી વી. પી. મેનને કહ્યું હતું, ‘18 ફેબ્રુઆરી 1946 ના દિવસે મુંબઈ સિગ્નલ શાળાના નાવિકોએ ભૂખ હડતાળ પાડી. એમનો વિરોધ એ હતો કે વેતન અને ભોજન બાબતે એમને અનેક મુશ્કેલીઓ છે. એમની સાથે ઘૃણિત ભેદભાવ કરવામાં આવે છે. ખાસ કરીને તો એમના સેનાપતિ એમના રાષ્ટ્રીય ચારિત્ર્ય અંગે અપમાનજનક ટિપ્પણી કરે છે. પાછળથી બીજા નૌસેનિક સંસ્થાઓના નાવિકો પણ એમાં જોડાઈ ગયા. એ લોકોને કાબૂમાં રાખવા અઘરા હતા. એમણે કેટલાંક જહાજો (20) પર પોતાના કબજામાં લઇ લીધા. એના પર તોપો ચઢાવી દીધી અને રક્ષક સૈનિકો પર તોપમારો કરવાની તૈયારી કરવા લાગ્યા. અત્યંત વિકટ સ્થિતિ પેદા થઈ ગઈ હતી. ‘રૉયલ ઈન્ડિયન નેવી’ના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ એડમિરલ ગોડફ્રેએ રેડિયો પ્રસારણ કરી નાવિકોને આત્મસમર્પણ કરી દેવા અનુરોધ કર્યો; તો સાથે સાથે ઘટના સ્થળે તોપો, વિમાન અને કુમક પહોંચાડવામાં આવે એવો પણ પ્રયત્ન કર્યો. મોટા ભાગે કોંગ્રેસના નેતાઓના પ્રયાસોના પરિણામે 23 ફેબ્રુઆરીના દિવસે નાવિકોએ આત્મસમર્પણ કરી દીધું. આ દરમ્યાન કૉંગ્રેસી અને મુસ્લિમ લીગી નેતાઓની સંમતિને ઠોકરે મારી મુંબઈમાં હડતાલ પાડવામાં આવી. બેકાબૂ ભીડે લૂંટફાટ કરી કરી. બેંકો, દુકાનો, પોસ્ટ ઓફિસો, પોલીસ થાણાં અને અનાજની દુકાનોમાં આગ લગાડવામાં આવી. પોલીસને અનેકવાર ગોળીબાર કરવો પડ્યો. સેનાને મદદ માટે બોલાવવી પડી ત્યારે સ્થિતિ કાંઈક કાબૂમાં આવી. આ હુલ્લડમાં 200 થી વધુ લોકો માર્યા ગયા.’ (વી. પી. મેનન : ધી ટ્રાન્સફર ઓફ પાવર, પૃષ્ઠ: 231)
રેલવે કર્મચારીઓએ પણ સહાનુભૂતિમાં કામકાજ અટકાવી દીધું. મુંબઈ વિદ્રોહનો અંબાલા, કરાંચી, મદ્રાસ, કલકત્તા અને રંગૂન જેવાં દૂરનાં પ્રમુખ કેન્દ્રો પર ગંભીર પ્રભાવ પડ્યો. સ્થળસેના અને વાયુસેના પર પણ પ્રભાવ પડ્યો. વાયુસેનાના અનેક કર્મચારોઓએ પોતાના અનેક અંગ્રેજ અધિકારીઓ વિરુદ્ધ વિદ્રોહનો ઝંડો ફરકાવ્યો અને ભારતીય નાવિકોના ટેકામાં કામકાજ બંધ કરી દીધું. સમગ્ર દેશમાં વ્યાપેલી આ ભાવનાથી પોલીસ પણ અળગી ન રહી નહિ. દિલ્હીમાં પોલીસે જે ઉત્પાત મચાવ્યો એનાથી સરકારની મુશ્કેલી ઓર વધી ગઈ. બિહારના કોન્સ્ટેબલ રામાનંદ તિવારીએ દેશભક્ત પોલીસ કર્મચારીઓનું એક ભૂગર્ભ સંગઠન બનાવ્યું હતું એના કારણે અનેક જગ્યાએ પોલીસ વિદ્રોહ ભડકી ઊઠ્યો.
જબલપૂરમાં ‘ઈન્ડિયન સિગ્નલ કોર’ના 200 સૈનિકોએ સર સેનાપતિએ ‘રૉયલ ઈન્ડિયન નેવી’ની હડતાલ અને એના વિદ્રોહની કરેલી ટીકાના વિરોધમાં તરત જ હડતાલ પાડી દીધી. સરકારે વિજય – દિવસ સમારોહ કરવાનો પ્રયત્ન કર્યો તો દિલ્હીમાં 7 અને 8 માર્ચે ભયંકર હુલ્લડો થયાં.
અનેક નાનાં શહેરોમાં યુરોપિયનો પર આક્રમણ કરવામાં આવ્યાં. 22મી ફેબ્રુઆરીના દિવસે બંગાળમાં એગ્લો – ઈન્ડિયન તથા આદિવાસી યુરોપીય સંગઠનોના પ્રતિનિધિઓએ બધા જ રાજકીય પક્ષોના નેતાઓને ‘એમના પ્રત્યે એમના (રાજકીય પક્ષોના નેતાઓના) અનુયાયીઓમાં સહનશીલતા અને સદ્દભાવ જાગૃત કરે’ એવો અનુરોધ કર્યો. એમણે કહ્યું કે શહેરમાં હાલ જે હુલ્લડો થયાં એમાં હિન્દુઓ અને મુસ્લિમોએ આક્રમણ કર્યાં છે. એમની (યુરોપિયનોની) મહિલાઓ સાથે જાહેરમાં નિર્લજ્જ વર્તન કરવામાં આવ્યું, એમનાં ઘરો પર હુમલા કરવામાં આવ્યા અને એમનાં પૂજા ઘરોને અપવિત્ર કરવામાં આવ્યાં. એમણે (યુરોપિયનોએ) એ વાતનો પણ વિરોધ કર્યો કે તેઓ ભારતીય સ્વાધીનતાના આંદોલનના વિરોધી છે. એમણે એમ પણ કહ્યું કે વર્તમાન શક્તિઓ વિરુદ્ધ એમને પણ ફરિયાદો છે. ફરક એટલો જ છે કે તેઓ પ્રદર્શનો કરી એને વ્યક્ત કરતા નથી. અંતમાં એમણે પોતાના સમુદાયના લોકોને પણ આગ્રહ કર્યો કે તેઓ સાથી ભારતીયો સાથે સદ્દભાવ અને મૈત્રીભાવથી જોડાય અને આપણા આ દેશ માટે આપણા સમુદાયમાં દેશભક્તિની ભાવના જાગૃત કરે.’
(વી. વી. નાગરકર : જેનેસિસ, પૃષ્ઠ: 400)
અંગ્રેજોને આ ઘટનાઓમાં ભારતના એમના ભવિષ્ય માટે ભયાનક અપશુકન દેખાતા હતા. તત્કાલીન સ્થિતિનું વાઈસરૉયે કરેલ મૂલ્યાંકનનું વિશ્ર્લેષણ કરતાં વી. પી. મેનને કહ્યું છે: ‘કૉંગ્રેસ સાથેના દરેક સંઘર્ષમાં વાઈસરૉય સામાન્યપણે અધિકારીઓ, પોલીસ અને સેનાના ટેકા પર ભરોસો રાખી શકતા હતા; પરંતુ ભારતીય સેનાનો પોતાના જ લોકોના દમન માટે ઘણો બધો ઉપયોગ કરવામાં આવે એમાં બુદ્ધિમાની નથી એ વાતનો ભરોસો થઈ ગયો હતો. સમય જતાં ભારતીય અધિકારીઓ, ભારતીય સેના અને પોલીસની નિષ્ઠામાં વમળો પેદા થઈ શકે છે. અનેક બ્રિટિશ અધિકારીઓ, કદાચ પહેલી તક મળતાં જ નિવૃત્ત થવાનું વિચારશે. બ્રિટિશ સરકાર ભારતમાં જેમ બંને તેમ જલદી કોઇ સમાધાન નહિ શોધી કાઢે તો તદ્દન અસલામત સ્થિતિમાં આવી જશે. એણે કોઈ પણ ભોગે આનો ઉકેલ લાવવો જ પડશે.’ (વી. પી. મેનન : ધી ટ્રાન્સફર ઓફ પાવર, પૃષ્ઠ: 235)
જે પ્રકારે દિવસે દિવસે સ્થિતિ આકાર લઇ રહી હતી એ જોતા અંગ્રેજો ભારત છોડવાનું મન બનાવી રહ્યા હતા.
મુંબઈમાં નૌસેનાના વિદ્રોહના આગલે દિવસે જ બ્રિટિશ સરકારે કૅબિનેટ સ્તરના ત્રણ મંત્રીઓના મિશનને ભારતમાં મોકલી આપવાની જાહેરાત કરી. આ મંત્રીઓ પેથિક લોરેન્સ, એ. વી. અલેકઝેંડર અને સ્ટૈફર્ડ ક્રિપ્સ હતા. આ નિર્ણયની પૃષ્ઠભૂમિમાં આ વિદ્રોહ હતો એ વાત નક્કી જ છે. 1946ની શરૂઆતમાં સેક્રેટરી ઓફ સ્ટેટનું નિવેદન પણ આ જ વાતનું સમર્થન કરે છે કે અંગ્રેજોએ ભારત છોડવાનો નિશ્ચય કરી લીધો છે. નિવેદન આ પ્રમાણે હતું : ‘1946નું વર્ષ ભારતમાં નિર્ણાયક વર્ષ બની રહેશે. આ વર્ષે, આગળના કેટલાક મહિનામાં અમે કાંઈક કરી દેખાડવાની આશા રાખીએ છીએ. ભારત એક નવી સ્થિતિમાં હશે. એ વિશ્વના સ્વાધીનતાના ઈતિહાસમાં એક નવું કીર્તિમાન હશે.’ આ સમયગાળામાં સંસદીય પ્રતિનિધિ મંડળે ભારતનો પ્રવાસ કર્યો હતો અને અહીંની સ્થિતિનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો. આ નિર્ણય એ અભ્યાસ પર આધારિત હતો. 15 માર્ચના દિવસે હાઉસ ઓફ કોમન્સમાં એટલીએ ‘કૅબિનેટ મિશન’ના પ્રવાસ માટે જે વિચારો પ્રગટ કર્યા હતા એમાં ભારત અંગેની ભાવિ નીતિના સ્પષ્ટ સંકેતો હતા.
એટલીએ કહ્યું કે ભારતમાં રાષ્ટ્રવાદનો પ્રબળ વેગ છે. સ્પષ્ટ તેમજ નિશ્ચિત કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે. ‘કૅબિનેટ મિશન’ એક ધ્યેય લઈ ભારત જઈ રહ્યું છે. આજના વાતાવરણમાં 1946નું તાપમાન છે. 1920, 1930 અને 1942નું તાપમાન કાંઈક બીજું જ હતું. અમારા સહયોગી ભારત જઈ એમની (ભારતની) કેવી રીતે મદદ કરી શકાય કે જેથી કરીને તેઓ જલદીમાં જલદી યથાશક્ય પૂર્ણ સ્વાધીનતા મેળવી શકે એ માટે ભરચક પ્રયત્નો કરશે. વર્તમાન સરકારના બદલે કેવા પ્રકારની સરકાર હશે એનો નિર્ણય ભારતે જ કરવાનો છે. જો કે એમને આશા છે કે ભારત બ્રિટિશ રાષ્ટ્રમંડળમાં રહેવાનું પસંદ કરશે. અંતમાં એમણે કહ્યું : ‘અમને લઘુમતીનાં હિતોનું ધ્યાન છે. લઘુમતીઓ નિર્ભય બની રહી શકવી જોઈએ. પણ એની સાથે સાથે બહુમતીનાં પગલાં સામે લઘુમતી નિષેધાધિકાર (વીટો)ની દિવાલ ઊભી કરી દે એવું પણ આપણે નહિ થવા દઈએ.’ (વી. પી. મેનન : ધી ટ્રાન્સફર ઓફ પાવર, પૃષ્ઠ: 237)
એટલીના પ્રવચનના અંતભાગમાં ‘લઘુમતી’ના ઉલ્લેખથી મહંમદઅલી ઝીણાને ઝાટકો લાગ્યો. એમણે વિરોધ કરતાં કહ્યું કે મુસલમાનો એક ‘રાષ્ટ્ર’ની હરોળમાં છે. એ કેવળ લઘુમતી નથી. વળી એ ભાષણમાં પાકિસ્તાનની એમની માગણીઓ કોઈ ઉલ્લેખ નહોતો. મહંમદઅલી ઝીણાએ કહ્યું કે નવું બંધારણ કોઈ એક જ સંઘ અંગેનું હશે તો એની રચનામાં મારો કોઈ સંબંધ નહિ હોય. એટલીની જાહરાતમાં સ્વસ્થ પરિવર્તનની ઝલકથી કૉંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો પ્રસન્ન હતા એમાં કોઈ શંકા નથી.
|: ક્રમશ:|
©kishormakwana