• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો.
ભારત છોડો આંદોલન’થી કોન્ગ્રેસ નબળી પડી, મુસ્લિમ લીગ મજબૂત બની અને ડાબેરીઓ ય મુસ્લિમ લીગના પડઘામાં ઘૂસ્યા
- ગાંધીજીની નેતાગીરી હેઠળ અહિંસક રાષ્ટ્રીય સંઘર્ષ માટે લીલી ઝંડી દેખાડી દીધી. આ હતો કૉંગ્રેસનો 1942નો પ્રસિદ્ધ ‘ભારત છોડો’ ઠરાવ. આ દરમ્યાન મુસલમાનોને સાથે લઈ રાષ્ટ્રીય હરોળના મોરચે લડી શકાશે એવો ગાંધીજીની મનોહર આશાનો ટગમગ ટગમગ પ્રકાશતો દિવો બુઝાઈ થયો હતો.
- કોન્ગ્રેસના બધા જ નેતા જેલમાં કેદ હતા. મહંમદઅલી ઝીણાએ આ સ્થિતિનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. એમના માટે તો આ સોનેરી તક હતી. 1942 થી 1946 દરમિયાન આ તકનો પૂરેપૂરો લાભ લેવામાં આવ્યો. બીજી બાજુ આ મહત્વના વર્ષોમાં પોતાની ઇચ્છાથી જ રાજકીય મંચ પર ગેરહાજર રહેવાના કારણે કોન્ગ્રેસની ખૂબ નુકસાન થયું.
- આવા નિર્ણાયક તબક્કે મહંમદઅલી ઝીણાને દેશઘાતક સામ્યવાદીઓના રૂપમાં એક અનોખા સહયોગી મળી ગયા. વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો ત્યારે ભારતના સામ્યવાદી પક્ષે સામ્રાજ્યવાદ વિરોધી રૂપ અપનાવ્યું હતું અને સ્વાતંત્ર્ય સેનાનીનું મહોરું પહેરી કૉંગ્રેસના જનઆંદોલનમાં ભાગ લીધો હતો. વાસ્તવમાં એનો સ્વભાવ કાયમ દેશને તોડવાનો રહ્યો છે. અહીં પણ એણે એજ નીતિ અપનાવી.
6 જુલાઈ 1942ના દિવસે વર્ધામાં મળેલી કૉંગ્રેસ કાર્યકારિણી સમિતિએ એક અઘરો નિર્ણય કર્યો. એણે માગણી કરી કે ભારતમાં બ્રિટિશ શાસનનો તરત જ અંત આવવો જોઈએ, અન્યથા કૉંગ્રેસે ન છૂટકે વિરાટ જનઆંદોલન છેડશે. એ પહેલા ગાંધીજીએ 19 એપ્રિલ 1942ના ‘હરિજન’ માં લખ્યું: જો બ્રિટન સક્રિય નથી તો ભારત સક્રિય બનશે. બ્રિટન અને ભારત-બંનેના હિત અને સલામતી એમાં જ છે કે બ્રિટન વ્યવસ્થિત અને સમયબદ્ઘ રીતે ભારતમાંથી જતું રહે.’ એક અર્થમાં ‘ભારત છોડો આંદોલન’ની ગર્ભિત ચેતવણી જ હતી. 8 ઓગસ્ટ 1942ના દિવસે મુંબઈમાં અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિની બેઠક મળી, એમાં કાર્યકારિણીના પ્રસ્તાવને ટેકો આપવામાં આવ્યો અને ગાંધીજીની નેતાગીરી હેઠળ અહિંસક રાષ્ટ્રીય સંઘર્ષ માટે લીલી ઝંડી દેખાડી દીધી. આ હતો કૉંગ્રેસનો 1942નો પ્રસિદ્ધ ‘ભારત છોડો’ ઠરાવ.
આ દરમ્યાન મુસલમાનોને સાથે લઈ રાષ્ટ્રીય હરોળના મોરચે લડી શકાશે એવો ગાંધીજીની મનોહર આશાનો ટગમગ ટગમગ પ્રકાશતો દિવો બુઝાઈ થયો હતો. જૂન 1942માં એમણે કહ્યું હતું, ‘સત્તા લેવા કોઈ સમર્થ પક્ષ છે એવું લાગશે તો બ્રિટિશ સરકાર સર્વ સંમત સમજૂતી માટે આગ્રહ નહિ રાખે. અત્યારે કૉંગ્રેસમાં એ શક્તિ નથી એમ માનવું પડશે. જો એ વધુ દુર્બળ ન બને અને પૂરતી ધીરજ રાખે તો એનામાં સત્તા મેળવવા જેટલું સામર્થ્ય આવી જશે. બધા પક્ષોની સાથે સમજૂતી કર્યા પછી જ આપણે આગળ વધી શકીશું એવો ભ્રમ આપણે જ પેદા કર્યો છે.’ (હરિજન, 15 એપ્રિલ 1942)
આમ ધીરે ધીરે ગાંધીજીએ પોતાનો મુસ્લિમ સહયોગનો હઠાગ્રહ છોડી દીધો હતો. લડાઈ છેડ્યા પછી તેઓ ઘણુંખરું કહેતા, ‘મુસલમાનો સાથે કામચલાઉ સમજૂતી વિના સવિનય સત્યાગ્રહ આંદોલન મુસલમાન વિરોધી આંદોલન સિદ્ધ થશે.’
બ્રિટિશ – મુસ્લિમ લીગ જોડાણ પવિત્ર ન હતું. આ કઠોર વાસ્તવિક્તાની અનુભૂતિ કૉંગ્રેસને મોડે મોડે પણ થઈ તો ખરી જ. આ અનુભૂતિની ઝલક 1942ના ભારત છોડો’ ઠરાવમાં પણ મળે છે. ઠરાવમાં કહેવામાં આવ્યું હતું : ‘સાંપ્રદાયિક ગૂંચ ઉકેલવી હવે અશક્ય બની ગઈ છે. એક વિદેશી સત્તા વચ્ચે નડે છે. આ વિદેશી સત્તા સતત ‘ફૂટ પાડો અને રાજ્ય કરો’ ની નીતિ અપનાવી રહી છે. આ વિદેશી આધિપત્ય અને હસ્તક્ષેપ સમાપ્ત થતાં જ વિવિધ વર્ગો અને સમુદાયો વચ્ચે કોઈ સમજૂતી થઈ શકશે.’
આખરે કૉંગ્રેસે સ્વીકારી લીધું કે સ્વતંત્રતા મેળવવા માટે કેવળ હિન્દુઓ પર જ વિશ્વાસ કરી શકાય અને મુસલમાનોનો વિરોધ હોવા છતાંય એ સ્વતંત્રતા મેળવવામાં સફળ થઈ શકે છે; પરંતુ દુઃખ એ વાતનું છે કે કૉંગ્રેસે રાષ્ટ્રીય સ્થિતિની આ મૂળ વાસ્તવિક્તાને એની તર્કસંગત કસોટી પર પરખી નહોતી અને હિન્દુમાત્રને આ દેશના વિશુદ્ધ અને પ્રાચીન રાષ્ટ્રવાદના આધારે જગાડી સંગઠિત કરવાનો પ્રયત્ન જ ન કર્યો. હિન્દુ મહાસભાએ કૉંગ્રેસની ‘ભારત છોડો’ માગણીને ટેકો આપ્યો; પરંતુ વીર સાવરકરે ચેતવણી આપી, ‘ભારત છોડો’ નો અંત ‘ભારત તોડો’ માં આવવો જોઈએ નહીં.’
મુંબઇ સરકારના તત્કાલીન ગવર્નર સર રોજર લૂમલેએ ટેલિફોન પર જેવી વાઇસરોયને સૂચના આપી કે ‘ભારત છોડો આંદોલન’નો ઠરાવ સ્વીકારવામાં આવ્યો છે, તરત જ વાઇસરોયને કાર્યકારી પરિષદે સર્વસંમતિથી એવો નિર્ણ લીધો કે દેશભરની કોન્ગ્રેસ કાર્યસમિતિના સભ્યો અને તમામ નેતાઓની પણ ધરપકડ કરવામાં આવે.
સરકારે પણ ઝડપથી પગલાં ભર્યાં. ગાંધીજી તથા કૉંગ્રેસ કાર્યકારિણીના બધા સભ્યોને નજરકેદ કરી લીધા. કૉંગ્રેસ સમિતિઓ પર પ્રતિબંધ મૂકી દીધો. આખા દેશમાંથી પ્રમુખ કૉંગ્રેસ નેતાઓને પકડી પકડી જેલમાં ઠાંસી દીધા. સમગ્ર દેશમાં ગંભીર અને હિંસક વિસ્ફોટો થવા લાગ્યા. સ્વતંત્રતાનું આહવાન અને ‘કરો યા મરો’ કે ‘યા તો મિટ જાયેંગે યા સ્વરાજ્ય પાયેંગે’ જેવાં સૂત્રોએ લોકોની નશોમાં જાણે વીજળી વહેવડાવી દીધી. અહિંસા તો સૂકાં પાનની જેમ ઊડી ગઈ. મોટા પાયા પર હિંસા અને વિનાશનું તાંડવ ખેલાયું. પાછળથી નહેરુએ સ્વીકાર્યું કે આ હિંસક વિસ્ફોટોને વાસ્તવમાં કૉંગ્રેસના આશીર્વાદ હતા. કૉંગ્રેસે કઠોરતાથી કામ લીધું. જોકે ઓક્ટોબરના અંત સુધી આંદોલન મોટા પાયે ઢીલું પડી ગયું. કૉંગ્રેસે પૂરતી તૈયારી વિના અંગ્રેજોને ખુલ્લો પડકાર આપ્યો હતો. આ આંદોલનમાં અંતિમ છલાંગ મારતા પહેલાં કૉંગ્રેસે દેશના અન્ય સ્વતંત્રતા પ્રેમીઓ અને દેશપ્રેમી શક્તિઓને વિશ્વાસમાં લેવા પ્રત્યે ધ્યાન આપ્યું ન હતું. ગાંધીજીએ છૂટ્યા પછી સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે અંગ્રેજોને ભારત છોડવાની જે સૂચના આપી હતી એ ‘ધમકી ન હતી, સંઘર્ષનું સૂત્ર હતું.’
જયપ્રકાશ નારાયણે ‘સર્વ સ્વાધીનતા – સેનાનીઓને’ શીર્ષક હેઠળ લખેલ ગુપ્ત પરીપત્રમાં સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું કે ખુલ્લો વિદ્રોહ નિષ્ફળ ગયો હતો. એમણે નિષ્ફળતાનાં કારણો
આપ્યાં:
- રાષ્ટ્રીય ક્રાંતિકારી તાકાતોનું કુશળ સંગઠન ન હતું.
- લોકો સમક્ષ કાર્યની ભાવિ રૂપરેખા ન હતી.
- ભારતીય સેના તથા સરકારી સેવાઓમાં આંદોલનને મદદરુપ થાય એવી કાર્યશક્તિ નહોતી.’
(ધનંજય કીર, સાવરકર, પૃષ્ઠ: 332)
કોન્ગ્રેસના બધા જ નેતા જેલમાં કેદ હતા. મહંમદઅલી ઝીણાએ આ સ્થિતિનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. એમના માટે તો આ સોનેરી તક હતી. 1942 થી 1946 દરમિયાન આ તકનો પૂરેપૂરો લાભ લેવામાં આવ્યો. બીજી બાજુ આ મહત્વના વર્ષોમાં પોતાની ઇચ્છાથી જ રાજકીય મંચ પર ગેરહાજર રહેવાના કારણે કોન્ગ્રેસની ખૂબ નુકસાન થયું. એનો ફાયદો ઝીણાએ રાજકીય ફલક પર પોતાનો પ્રભાવ જમાવવામાં અને કોન્ગ્રેસ વિરુદ્ધ સરકારી આક્રોશનો ફાયદો ઉઠાવવાનો પૂરો સમય અને ખાલી જગ્યા મળી ગઇ. હકીકતમાં તો કોન્ગ્રેસ અને સરકાર બંને એક અંધારી ગલીમાંથી પસાર થઇ રહી હતી.
કોન્ગ્રેસના 9 ઓગસ્ટના અધિવેશન પછી તરત જ 20 ઓગસ્ટે મુંબઈમાં મળેલી મુસ્લિમ લીગની બેઠકે કૉંગ્રેસના સવિનય સત્યાગ્રહ આંદોલનના ધજાગરા ઊડાડ્યા. એણે (આંદોલનને) અંગ્રેજોને ડરાવી – ધમકાવી દબાણમાં લાવી હિન્દુ રાજ્યને સત્તા સોંપી દે એવી યુક્તિ ગણાવી. મુસ્લિમ લીગે બ્રિટિશ સરકાર મુસલમાનોને આત્મનિર્ણયના અધિકારની ખાતરી આપવાની તરત જાહેરાત કરે તથા પાકિસ્તાન યોજનાને અમલમાં લાવે એવી માગણી કરી. મુસ્લિમ લીગે સંયુક્ત રાષ્ટ્રને પણ સહાયતા માટે અનુરોધ કરતાં કહ્યું, ‘સંયુક્ત રાષ્ટ્ર વિશ્વનાં નાનાં નાનાં રાષ્ટ્રોની સ્વતંત્રતા અને સ્વતંત્રતાની સુરક્ષાની ખાતરી આપવાની ઘોષણા ઘણુંખરું કરતું રહે છે. મુસ્લિમ લીગની કાર્યકારિણી ભારતના 10 કરોડ મુસલમાનોની આ માગણી પ્રત્યે સંયુક્ત રાષ્ટ્રનું તરત જ ધ્યાન ખેંચવા માગે છે કે મુસ્લિમોના ગૃહપ્રદેશ અને એમની જ્યાં બહુમતી છે એવા પ્રદેશોમાં એમનું સાર્વભૌમ રાજ્ય સ્થાપવામાં આવે.’
(સૈયદ શરીફૂદ્દીન પીરજાદા, ફાઉન્ડેશન ઓફ પાકિસ્તાન, પૃષ્ઠ:
398)
મહંમદ ઝીણા પોતાના કૉંગ્રેસ વિરોધી અભિયાનમાં પૂરી તાકાતથી મચી પડ્યા. પાછળ અંગ્રેજોનો ભરપૂર સહયોગ હતો. કૉંગ્રેસના ‘ભારત છોડો’ આંદોલનના જવાબમાં એમણે ‘મેળવી લઇ છોડો’’ નું સૂત્ર પોકાર્યું. મુસ્લિમ લીગે એક પગલાં સમિતિ રચી. એનો હેતુ પાકિસ્તાન મેળવવા માટે મુસ્લિમોને જનસંઘર્ષ માટે સંગઠિત કરવાનો હતો. જરૂર પડશે તો આ સમિતિ લક્ષ્ય પ્રાપ્તિ માટે ‘સડકો પર પણ આવી લોહિયાળ ઝપાઝપી કરતાં પણ ખચકાશે નહીં’ એવી જાહેરાત કરી.
આવા નિર્ણાયક તબક્કે મહંમદઅલી ઝીણાને દેશઘાતક સામ્યવાદીઓના રૂપમાં એક અનોખા સહયોગી મળી ગયા. વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો ત્યારે ભારતના સામ્યવાદી પક્ષે સામ્રાજ્યવાદ વિરોધી રૂપ અપનાવ્યું હતું અને સ્વાતંત્ર્ય સેનાનીનું મહોરું પહેરી કૉંગ્રેસના જનઆંદોલનમાં ભાગ લીધો હતો. વાસ્તવમાં એનો સ્વભાવ કાયમ દેશને તોડવાનો રહ્યો છે. અહીં પણ એણે એજ નીતિ અપનાવી.
|: ક્રમશ:
©kishormakwana