Spread the love

• કિશોર મકવાણા

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ? સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો.

ડો. બાબાસાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો.

વાંચો લેખમાળાનું પ્રકરણ – 68

• ક્રિપ્ટ મિશન યોજના ભાગલા તરફ એક ડગલું

  • ચર્ચિલે અમેરિકન રાષ્ટ્રપતિ રુઝવલ્ટની સલાહથી એક યોજના ઘડી કાઢી અને 11 માર્ચ 1942 ના રોજ તેમણે સંસદમાં ક્રિપ્સ મિશનની જાહેરાત કરી. સર સ્ટૈફર્ડ ક્રિપ્સને મિશનની જવાબદારી સોંપી ભારત મોકલ્યા. એ ડાબેરી વિચારધારાના હતા. તેઓ નહેરુના અંગત મિત્ર હતા એમ કહેવાય છે.
  • ફિલ્ડમાર્શલ લોર્ડ બ્રુકએલને પોતાની ડાયરીમાં લખ્યું હતું: ‘સામ્રાજ્યની સુરક્ષા માટે હપ્તા નહીં ભરવાનો કારણે જ હવે આપણે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. ભૂતકાળમાં સામ્રાજ્યને થયેલા નુકસાનોમાં પણ આ જ બાબત કારણભૂત છે.’ એમની આ વાતે એક રીતે તો બ્રિટિશ સામ્રાજ્યના અંતની શરુઆતની ભવિષ્યવાણી કરી દીધી હતી.
  • ક્રિપ્સ મિશન સામે સરદાર પટેલે સખત નારાજગી વ્યક્ત કરી. તેમણે અમદાવાદમાં આકરા શબ્દોમાં કહ્યું: ‘ક્રિપ્સ એવા સમયે આવ્યા છે જ્યારે ઘડિયાળમાંની રેત તીવ્ર ગતિથી સરકી રહી છે, આ એક એવો સમય છે જેમાં બ્રિટન સરકારને કંઇ આપવું કે આપણા માટે એમની પાસેથી કંઇ મેળવવું લગભગ અસંભવ છે.’ સરદાર પટેલની નજરે ક્રિપ્ટ મિશન એ અમેરિકા અને ચીનના દબાણથી ભરવામાં આવેલું પગલું હતું.

1941માં મદ્રાસમાં મુસ્લિમ લીગે તેના અધિવેશનમાં સ્વતંત્ર સાર્વભૌમ મુસ્લિમ રાજ્યની માગણી ફરી કરી. પરંતુ ધ્યાનમાં લેવા જેવી બાબત તો એ છે કે મુસ્લિમ લીગના બધા જ સભ્યોએ આ માગણીને ટેકો આપ્યો નહોતો. મુસ્લિમ લીગના ઉદારપંથીઓએ આ માંગણી સામે પોતાના તીવ્ર વાંધા વ્યક્ત કર્યા.
મદ્રાસ અધિવેશનમાં ઈ.વી. રામાસ્વામી નાયકર, એમ.સી. રાજા, આર. કે. પણ્મુખ્ખમ્ ચેટ્ટી જેવા અનેક અંગ્રેજભક્ત હિન્દુઓને આ અધિવેશનમાં વિશેષ રૂપે આમંત્રિત કરવામાં આવ્યા હતા. મહંમદ ઝીણાએ બહુ ચાલાકીપૂર્વક દ્રવિડસ્તાનનો સિદ્ધાંત આગળ કર્યો અને કહ્યું કે તેઓ સ્વતંત્ર દ્રવિડસ્તાનની સ્થાપના માટે સંઘર્ષ કરશે તો મુસલમાનો સાથ આપશે.
પંજબના ‘યુનિયનિસ્ટ’ મુખ્યમંત્રી સિકંદર હયાતખાં મુસ્લિમ લીગના સભ્ય હતા. માર્ચ ૧૯૪૧માં પંજાબ વિધાનસભામાં એક ચર્ચામાં દરમ્યાનગીરી કરતાં કહ્યું, ‘અહીં મુસ્લિમ રાજ્ય હોય અને બીજે હિન્દુ રાજ્ય હોય એવી સ્વતંત્રતાની તેઓ માગણી કરતા નથી. પાકિસ્તાનનો જો આ જ અર્થ થતો હોય તો મારો એની સાથે કોઈ સંબંધ નહીં હોય.’ (વી.પી. મેનન : ટ્રાન્સફર ઓફ પાવર, પૃષ્ઠ: 104)
બંગાળના મુખ્યમંત્રી ફજબુલ હકે પણ મુસ્લિમ લીગમાંથી રાજીનામું આપી દીધું હતું. કૉંગ્રેસે એમને ટેકો આપવાની ના પાડી તો ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીએ બધા બિન-કૉંગ્રેસી હિન્દુ સભ્યોનો ટેકો મેળવ્યો, જેથી હક એક મિશ્ર સરકાર રચી શકે અને મુસ્લિમ લીગને બહાર રાખી શકાય.
1942ની શરૂઆત સુધીમાં તો યુદ્ધના બધા જ મોરચે બ્રિટનની શક્તિ નબળી પડી ગઈ હતી. યુદ્ધમાં જાપાન કૂદી પડ્યું. પૂર્વના છેડેથી બ્રિટિશ સામ્રાજ્ય પર સંકટનાં કાળાં વાદળાં છવાવા લાગ્યાં. 7 ડિસેમ્બર 1941 ના દિવસે અમેરિકાના પર્લહાર્બરમાં યુએસએસ એરિઝોનાને જાપાની વિમાનોએ ડુબાડી દીધા. આ સાહસીક પગલાંના કારણે બે ખૂબ જ મહત્વની ઘટનાઓ બની. એક તો અમેરિકાની ઔદ્યોગિક, ટેક્નોલોજી, આર્થિક અને સૈન્ય શક્તિઓ મિત્ર રાષ્ટ્રો સાથે ભળી ગઇ અને અમેરિકા પણ યુદ્ધમાં સામેલ થઇ ગયું. બીજી ઘટના બની- બીજું વિશ્વયુદ્ધ હવે એશિયામાં પ્રવેશ્યું અને જાપાની તાકાત સામે ભારત પણ એક મહત્વનું કેન્દ્ર બની ગયું, કારણ બ્રિટન અને અમેરિકા મિત્ર હતા.
જાપાન આક્રમણના મુંડમાં હતું. જાપાની ફોજો પ્રચંડ ઘોડાપૂરની જેમ આગળ વધી રહી હતી. એક પછી એક દેશ એની આગળ ઘૂંટણ ટેકવા લાગ્યા. પર્લહાર્બરની ઘટનાના માત્ર દોઢ જ મહિનામાં 15 ફેબ્રુઆરી 1942 ના દિવસે જાપાની સેનાના જનરલ યામાસીતા સામે આત્મસમર્પણ કરી લીધું. સિગાપુર પછી બર્મા પણ એના રડારમાં આવી ગયું. હવે ભારતનો વારો હતો અને બ્રિટનની આજ મોટી ચિંતા હતી. 12 ફ્રેબ્રુઆરી 1942 ના રોજ ફિલ્ડમાર્શલ લોર્ડ બ્રુકએલને પોતાની ડાયરીમાં લખ્યું હતું: ‘સામ્રાજ્યની સુરક્ષા માટે હપ્તા નહીં ભરવાનો કારણે જ હવે આપણે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. ભૂતકાળમાં સામ્રાજ્યને થયેલા નુકસાનોમાં પણ આ જ બાબત કારણભૂત છે.’ એમની આ વાતે એક રીતે તો બ્રિટિશ સામ્રાજ્યના અંતની શરુઆતની ભવિષ્યવાણી કરી દીધી હતી. એમાં પણ સિંગાપુરના પરાજય પછી તો અંગ્રેજો ફરી ક્યારેય પોતાનો સામ્રાજ્યવાદી આત્મવિશ્વાસ ન મેળવી શક્યા.
ચર્ચિલને ‘ભારત ભૂમિ પર મોટાં અને દૂરગામી સૈનિક પરાજયનાં કાળાં વાદળાં’ દેખાવા લાગ્યાં. એમરિકાના રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટ, પોતાની કેબિનેટના સભ્યો, ભારતના સર તેજબહાદૂર સપ્રુ અને ચીનના ચ્યાંગ-કાઈ-શેકે બ્રિટિશ સરકારને ભારત સાથે સમજૂતિ કરી લેવાની સલાહ આપી. બ્રિટનને પણ લાગ્યું કે વર્તમાન પરિસ્થિતિ જોતા પોતાના તરફથી કાંઈક પ્રયાસ કરવા પડશે. આમ કરશે તો જ રાષ્ટ્રીય કૉંગ્રેસને મનાવી શકાશે, જેથી એ સરકાર સાથે ટકરાવવાનું છોડી દે. ચર્ચિલે અમેરિકન રાષ્ટ્રપતિ રુઝવલ્ટની સલાહથી એક યોજના ઘડી કાઢી અને 11 માર્ચ 1942 ના રોજ તેમણે સંસદમાં ક્રિપ્સ મિશનની જાહેરાત કરી. સર સ્ટૈફર્ડ ક્રિપ્સને મિશનની જવાબદારી સોંપી ભારત મોકલ્યા. એ ડાબેરી વિચારધારાના હતા. તેઓ નહેરુના અંગત મિત્ર હતા એમ કહેવાય છે. તેઓ બ્રિટન અને ભારતમાં જ પ્રસિદ્ધ હતા એટલું જ નહિ તો તેઓ આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ મેળવી ચૂક્યા હતા. એ એક કુશળ કૂટનીતિજ્ઞ હતા. એમણે પોતાની કુશળતાથી હિટલર અને સ્ટેલિનનું જોડાણ તોડાવી નાખ્યું હતું. રશિયાને બ્રિટિશ છાવણીમાં લાવવામાં સફળ થયા હતા. એમના ભારત આગમનથી કાંઈક આશા બંધાય એ સ્વાભાવિક હતું. 23 માર્ચ 1942 ના રોજ સ્ટૈફર્ડ ક્રિપ્સ યુદ્ધકાલિન મંત્રીમંડળના પ્રતિનિધિ તરીકે નવી દિલ્હી આવ્યા. એમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો: ભારતીય નેતાઓની સાથે એમની (યુદ્ધકાલીન મંત્રીમંડળની) સર્વસંમત દરખાસ્તો પર ચર્ચા કરી શકે. ક્રિપ્સ મિશન સામે સરદાર પટેલે સખત નારાજગી વ્યક્ત કરી. તેમણે અમદાવાદમાં આકરા શબ્દોમાં કહ્યું: ‘ક્રિપ્સ એવા સમયે આવ્યા છે જ્યારે ઘડિયાળમાંની રેત તીવ્ર ગતિથી સરકી રહી છે, આ એક એવો સમય છે જેમાં બ્રિટન સરકારને કંઇ આપવું કે આપણા માટે એમની પાસેથી કંઇ મેળવવું લગભગ અસંભવ છે.’ સરદાર પટેલની નજરે ક્રિપ્ટ મિશન એ અમેરિકા અને ચીનના દબાણથી ભરવામાં આવેલું પગલું હતું. ક્રિપ્ટ મિશનમાં શું હતું? કોન્ગ્રેસ અને મુસ્લિમ લીગે એને કંઇ રીતે મુલવ્યું? બંને એ સ્ટૈફર્ડ ક્રિપ્ટને કેટલો સહકાર આપ્યો?

|: ક્રમશ:|
©kishormakwana


Spread the love