• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 65
• અંગ્રેજોએ મુસ્લિમોને કોરો ચેક આપી દીધો
- ડો. આંબેડકરે મુસ્લિમ લીગના પાકિસ્તાન ઠરાવ સંદર્ભે લખ્યું કે ‘હું નથી માનતો કે પાકિસ્તાનની માંગણી તે માત્ર હું જે પરિસ્થિતિ જોઉ છું તે રાજકીય રોગ છે અને તે સમય જતા જતો રહેશે. હું જે પરિસ્થિતિ જોઉં છું તે પરથી મને લાગે છે કે જીવવિજ્ઞાનના અર્થ પ્રમાણે તે એક લાક્ષણિકતા છે અને જેમ જીવ તંત્ર લાક્ષણિકતામાં પરિણમે છે તે જ રીતે મુસ્લિમ રાજકારણે તેને વિકસાવ્યું છે.’
- ‘પાકિસ્તાન ઠરાવ’ માટે મુસ્લિમ લીગે લાહોરની જે પસંદગી કરી એ ખૂબ મહત્વની હતી. દશ વર્ષ પહેલાં નહેરુની અધ્યક્ષતામાં આ જ જગ્યાએ ર્કાંગ્રેસે પૂર્ણ સ્વાધીનતા મેળવવાની પ્રતિજ્ઞા કરી હતી. આજે એ જ સ્થળેથી હવે મુસ્લિમ લીગે સ્વાધીનતાને ખંડિત કરવાનો પડકાર ફેંક્યો હતો.
ફેબ્રુઆરી 1982માં ખાન અબ્દુલ ગફારખાનના પુત્ર, સરહદી પ્રાંતના નેતા ખાન વલીખાને લાહોરના સાપ્તાહિક ‘ચટ્ટાન’ને આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે, ‘1947માં ઉપમહાદ્વીપના વિભાજનની યોજના વોઈસરૉય લોર્ડ લિનલિથગોની પરિષદના એક સભ્ય સર જકરૂલ્લાખાને અંગ્રેજનો આદેશ મળતાં તૈયાર કરી હતી.’ ખાન વલીખાને કહ્યું, ‘ઈન્ડિયા ઓફિસ લાઈબ્રેરી’માં ભારે શોધખોળ કર્યા પછી એમને જે દસ્તાવેજો મળ્યા એના પરથી જાણકારી મળી કે આ યોજના મહંમદી અલી ઝીણાને 12 માર્ચ 1940ના દિવસે આપવામાં આવી હતી. 11 દિવસ પછી જ મુસ્લિમ લીગે લાહોરમાં પાકિસ્તાનનો ઠરાવ પસાર કર્યો હતો.’
‘ભારતના તત્કાલીન ‘સેક્રેટરી ઓફ સ્ટેટ’ લોર્ડ જેટલૈન્ડે સર જફરૂલ્લાખાનની નોંધ મોકલતાં લોર્ડ લિનલિથગોને લખ્યું હતું :
‘જફરૂલ્લાખાન આયોજનનું યશ સ્વીકારશે નહીં, પણ એમનો આ દસ્તાવેજ મુસ્લિમ લીગ સ્વીકારી લે એ માટે તૈયાર કરવામાં આવ્યો છે.’ (સ્ટેટ્સમેન, દિલ્હી આવૃત્તિ, 8 ફેબ્રુઆરી 1982)
પાકિસ્તાન ઠરાવમાં ‘ભારતના પશ્ચિમોત્તર અને પૂર્વ ક્ષેત્રના મુસલમાનોનાં સ્વતંત્ર રાજ્યોની માગણી કરવામાં આવી હતી, એમની આ માગણી જ એમના એ દાવાનું ખંડન કરે છે કે એમની અલગ રાષ્ટ્રીયતા છે, એ એમની ઈસ્લામી વિશિષ્ટતા પર આધારિત છે. બે રાજ્યો બનાવવાની માંગણીમાં સ્પષ્ટ રૂપે એ અર્થ સમાયેલો છે કે ભારતીય મુસલમાનોમાં પણ બે અલગ અલગ રાષ્ટ્રો છે. પાછળથી ‘રાજ્યો’ શબ્દ બદલી ‘રાજ્ય’ કરી દેવામાં આવ્યું. મૂળ શબ્દમાં છાપવામાં ભૂલ હતી એમ કહી ઝીણાએ વાતને વાળી લીધી.
‘પાકિસ્તાન ઠરાવ’ માટે મુસ્લિમ લીગે લાહોરની જે પસંદગી કરી એ ખૂબ મહત્વની હતી. દશ વર્ષ પહેલાં નહેરુની અધ્યક્ષતામાં આ જ જગ્યાએ ર્કાંગ્રેસે પૂર્ણ સ્વાધીનતા મેળવવાની પ્રતિજ્ઞા કરી હતી. આજે એ જ સ્થળેથી હવે મુસ્લિમ લીગે સ્વાધીનતાને ખંડિત કરવાનો પડકાર ફેંક્યો હતો. ભાવિ ઈતિહાસ અધ્ધર શ્વાસે રાહ જોઈ રહ્યો હતો કે બેમાંથી કોની પ્રતિજ્ઞા ફળશે?
લાહોર ઠરાવ પર ડૉ. બાબાસાહેબ આંબેડકર ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ના નામે એક સંશોધનાત્મક મહાનિબંધ લખ્યો. એમાં પાકિસ્તાનની યોજના પર વિચાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાન અંગે મુસ્લિમોના પક્ષનું વિવેચન કરતાં એમણે કહ્યું : ‘રાષ્ટ્રનું સાંસ્કૃતિક વતન પણ જોઇએ’ એવી જ રીતે મુસલમાનોએ રાષ્ટ્ર તરીકે જીવવાનો સંકલ્પ કેળવ્યો છે. તેમને માટે કુદરતે પ્રદેશ શોધી આપ્યો છે. તેનો તે કબજો લઇ તેનું રાજ્ય તેમજ નવજાત મુસ્લિમ રાષ્ટ્ર માટે સાંસ્કૃતિક વતન પણ સર્જી શકે. આવી લાભદાયક સ્થિતિમાં જો મુસ્લિમો એમ કહેતા હોય કે કેનેડામાં ફ્રેંચોએ અથવા તો દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોએ જે સ્થિતિમાં જીવવાનું સ્વીકાર્યું તે હાલતમાં જીવવાનું સ્વીકારવામાં તેમને સંતોષ નથી અને તેઓ તેમનું રાષ્ટ્રીય વચન મેળવશે જ જેને તે પોતાનું કહી શકશે તો નવાઇ પામવા જેવું નથી. ભારતના બેવડા વ્યક્તિત્વ અંગે કોઈ શંકા રહી ગઈ હોય તો હવે એ મુસ્લિમ લીગના ઠરાવથી નિર્મૂળ કરી નાખવામાં આવી છે. ભારતને બે ભાગો અર્થાત્ હિન્દુસ્થાન અને પાકિસ્તાનમાં વિભાજિત કરવાની માગણી કરવામાં આવી છે. એનાથી સંઘર્ષ અને પીડાના આવેગો સદાને માટે બંધ કરી દેવામાં આવે. આ પીડા એ માટે થતી હોય છે કે વ્યક્તિત્વ તો બેવડું હોય છે, પરંતુ એને એકમાં સમેટી લેવાનો પ્રયાસ કરવામાં આવે છે. આમ એકબીજાથી અલગ પડી તેઓ પોતપોતાનાં અલગ ઘરોમાં રહી શકશે. પોતપોતાની અલગ અલગ હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિને અનુકૂળ હોય એવી રીતે કહી શકશે.’ (ડૉ. બી. આર. આંબેડકર ‘થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 44)
ડો. આંબેડકરે એવો પણ અનુરોધ કર્યો કે નિર્ણયને સ્થગિત રાખવો તે મહામૂર્ખતા બનશે. ભવિષ્યમાં કોઇ કાયમી નિર્ણય લેવાનું મોકૂફ રાખીને હાલ પૂરતી કોઇ કામચલાઉ વ્યવસ્થા ઊભી કરવામાં ય કશુ શાણપણ નથી. આમ કરવું એટલે રોગને નાબૂદ કર્યા વગર તેના લક્ષણોનો ઉપચાર કરવો.
કાં તો આ યોજનાનો ત્યાગ કરો અને એને બદલે પરસ્પર સમજૂતી કરી બીજી યોજના ઘડો અથવા તો આના અંગે કોઈ નિર્ણય કરી જ નાખો.’ ડો. આંબેડકરે એવું પણ લખ્યું કે ‘હું નથી માનતો કે પાકિસ્તાનની માંગણી તે માત્ર હું જે પરિસ્થિતિ જોઉ છું તે રાજકીય રોગ છે અને તે સમય જતા જતો રહેશે. હું જે પરિસ્થિતિ જોઉં છું તે પરથી મને લાગે છે કે જીવવિજ્ઞાનના અર્થ પ્રમાણે તે એક લાક્ષણિકતા છે અને જેમ જીવ તંત્ર લાક્ષણિકતામાં પરિણમે છે તે જ રીતે મુસ્લિમ રાજકારણે તેને વિકસાવ્યું છે.’ (ડૉ. બી. આર. આંબેડકર ‘થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 86)
મુસ્લિમ લીગની સ્થિતિને મજબૂત કરવામાં વાઇસરોય લિગલિથગોએ ભરપૂર મદદ કરી. મહંમદઅલી ઝીણાએ એ માટે એમનો જાહેરમાં આભાર પણ માન્યો. એક મુલાકાતમાં મહંમદઅલી ઝીણાએ એમના પક્ષને સંગઠિત કરવામાં લિગલિથગોએ જે કાંઇ કર્યું એ માટે એમનો નમ્રતાપૂર્વક આભાર માન્યો અને કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી.’ કોન્ગ્રેસ સહયોગ આપતી નહોતી, એટલે લિગલિથગોએ મુસ્લિમ લીગને એક પ્રતિદ્વંદી તરીકે શક્તિશાળી બનાવવાનું વધારે યોગ્ય લાગ્યું.
તેમણે યુદ્ધમાં પણ મુસ્લિમોની જિદ્દી અને જડ માંગણીઓ સંતોષવાનું ચાલુુ રાખ્યું.
જેમ જેમ બીજુ વિશ્વ યુદ્ધ ચાલતું ગયું, તેમ બ્રિટનની સ્થિતિ નબળી બનતી ગઈ. ડેનમાર્ક, હોલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સ જેવા યુરોપિયન દેશો જર્મની આગળ ઘડીભર પણ ટક્યા નહીં. એ રેતીના મહેલની જેમ ઘસી પડ્યા. સમગ્ર યુરોપ હિટલર આગળ ઘૂંટણિયે પડી ગયું. પોલેન્ડમાં રહેલી અંગ્રેજ સેનાઓને પીછેકૂચ કરવી પડી. ઈંગ્લેન્ડમાં સરકાર બદલાઈ ગઈ. આસ્ટિન ચૈમ્બરલેનની જગ્યાએ વિન્સ્ટન ચર્ચિલ વડાપ્રધાન બન્યા. યુદ્ધની વિકટ સ્થિતિ જોઈ બ્રિટને કૉંગ્રેસને યુદ્ધમાં લપેટવા એક નવી ચાલ ચાલી. એણે ઓગસ્ટ 1940માં ‘ઓગસ્ટ પ્રસ્તાવ’ની જાહેરાત કરી. એમાં આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ભારતીયોને ગવર્નર જનરલની કાર્યકારિણી સમિતિમાં સામેલ કરવામાં આવશે.
આ દરમિયાન અંગ્રેજોએ મહંમદ અલી ઝીણાની 1935 ના અધિનિયમ દ્વારા પોતાની બધી અગાઉની માગણીઓ સ્વીકારી લીધી હતી. આ પછી એમણે નવા નવા દાવા રજૂ કરવા માંડ્યા. અધિનિયમમાં સંશોધન કરવાની માગણી કરી. ‘ઓગસ્ટ પ્રસ્તાવે’ એમને ‘તથાસ્તુ’ કહ્યું. મુસ્લિમોને ખાતરી આપવામાં આવી કે ‘જ્યાં સુધી કોઈપણ ભાવિ બંધારણીય યોજનામાં લઘુમતીની સ્થિતિને લાગે વળગે છે, ત્યાં સુધી મહામહિમની સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે 1935ના અધિનિયમનું, અથવા જે નીતી અને યોજનાઓ પર એ આધારિત છે એનું કે એના કોઈ અંશનું પુનઃ નિરીક્ષણ કરવામાં આવશે નહીં. જેના કોઈ અધિકારોને ભારતીય રાષ્ટ્રજીવનનો મોટો અને શક્તિશાળી ભાગ માન્ય ન કરે (એટલે કે મુસલમાનો) એવી કોઈ શાસન પ્રણાલીને સત્તા સોંપવાનું સરકાર વિચારતી નથી. વળી એવા ભાગ પર દબાણ લાવી એને એવી પ્રણાલી સ્વીકારવા વિવશ કરવાની વાતમાં પણ સહાયક બની શકતી નથી.’ (વી. પી. મેનન : ટ્રાન્સફર ઓફ પાવર, પૃષ્ઠ: 92)
ટૂંકમાં અંગ્રેજોએ મુસ્લિમોને કોરો ચેક આપી દીધો કે તમારી અનુમતિ વિના સરકાર નવું ભાવી બંધારણ ઘડશે નહીં.
અંગ્રેજોના આ પ્રસ્તાવથી પ્રસન્ન થનાર એક જ પક્ષ હતો અને એ હતો મુસ્લિમ લીગ. એણે પ્રસ્તાવ વિશે સંતોષ વ્યક્ત કર્યો અને પોતાના સભ્યોને યુદ્ધ – સમિતિઓમાં ભાગ લેવા કહ્યું; પરંતુ એણે ગવર્નર જનરલની પરિષદમાં જોડાવાનો ઈન્કાર કરી દીધો કારણ કે પરિષદમાં ત્રણ મુસ્લિમ સભ્યો લેવામાં આવે એવી એની માગણી સ્વીકારવામાં આવી નહીં. કૉંગ્રેસે ‘ઓગસ્ટ પ્રસ્તાવ’ ને તરત જ ઠુકરાવી દીધો; કારણ કે એમાં કોઈ નક્કર વાતો નહોતી, કેવળ એક ઘૂંઘળી આશા આપવામાં આવી હતી કે ભારતને આઝાદી મળી જશે અને એને રાષ્ટ્ર મંડળમાં સરખે સરખી ભાગીદારી આપવામાં આવશે.
|: ક્રમશ:
©kishormakwana