• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો.
વાંચો લેખમાળાનું પ્રકરણ – 64

• ‘પાકિસ્તાન ઠરાવ’ એ મુસ્લિમ લીગનું ઇસ્લામિક આક્રમણ
- મુસ્લિમ લીગે ફેંકેલા ઇસ્લામીક બોંબથી હાહાકાર મચી ગયો. આ પણ એક પ્રકારનું ઇસ્લામી આક્રમણ જ હતું. આવું આક્રમણ મહંમદ ગજની, મહંમદ ઘોરી અને મહંમદ બીન કાસિમ જેવા આક્રાંતાઓ કરી ચૂક્યા હતા, પરંતુ આ અલગ પ્રકારનું આક્રમણ હતું. હિન્દુ-મુસ્લિમ એકતાની માળા માત્ર હિન્દુઓ જપતા હતા, મુસ્લિમો આવા કોઇ જ ભ્રમમાં નહોતા. મુસ્લિમોની એ જ માનસિકતાને મહંમદઅલી ઝીણાએ મુસ્લિમ લીગના અધિવેશનમાં વ્યક્ત કરી.
- બાબાસાહેબ લખે છે: ‘મુસ્લિમ લીગનાે ઠરાવ જે શબ્દોમાં રજૂ થયો છે તે કદાચ નવો લાગે પરંતુ એમાં કોઇ શંકા નથી કે આ ઠરાવ ડિસેમ્બર 1930માં લખનૌમાં ભરીયેલા મુસ્લિમ લીગના વાર્ષિક અધિવેશનમાં સર મહંમદ ઇકબાલે પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં રજૂ કરેલી યોજનાને જ પુનર્જીવિત કરી છે. …આ યોજનાએ હિન્દુસ્થાનના હિન્દુઓનું માત્ર ધ્યાન જ નથી ખેંચ્યું પણ તેણે તેમને આઘાત પણ પહોંચાડ્યો છે.’
- રાષ્ટ્રવાદી માનસિકતા અને કોમવાદી મુસ્લિમ માનસિકતામાં કેટલું મોટું અંતર હતું. ભારતીય રાષ્ટ્રવાદીઓને સાવધ કરવા માટે રાષ્ટ્રવાદી સમાચાર પત્રોએ ‘પાકિસ્તાન ઠરાવ’ શબ્દ ઉછાળ્યો તો આ અલગતાવાદી મુસ્લિમ મુજાહિદો માટે મુસલમાનોને એક સાથે ભેગા કરવાનો નારો બની ગયો. મુસ્લિમો ભારતને પોતાનો દેશ માનતા જ નહોતા એ આ વાત પરથી સ્વયં સ્પષ્ટ બની જાય છે.
23 માર્ચ 1940ના દિવસે લાહોરમાં મુસ્લિમ લીગનું મહત્વનું અધિવેશન મળ્યું. અધિવેશનમાં એક ઠરાવ પસાર કરી ભારતમાં મુસલમાનો માટે પાકિસ્તાનની માંગણી કરતો ‘પાકિસ્તાન ઠરાવ’ મુસ્લિમ લીગે પસાર કર્યો. મુસ્લિમ લીગે ફેંકેલા આ રાજકીય ઇસ્લામીક બોંબથી
હાહાકાર મચી ગયો. આ પણ એક પ્રકારનું ઇસ્લામી આક્રમણ જ હતું. આવું આક્રમણ મહંમદ ગજની, મહંમદ ઘોરી અને મહંમદ બીન કાસિમ જેવા આક્રાંતાઓ કરી ચૂક્યા હતા, પરંતુ આ અલગ પ્રકારનું આક્રમણ હતું. હિન્દુ-મુસ્લિમ એકતાની માળા માત્ર હિન્દુઓ જપતા હતા, મુસ્લિમો આવા કોઇ જ ભ્રમમાં નહોતા. મુસ્લિમોની એ જ માનસિકતાને મહંમદઅલી ઝીણાએ મુસ્લિમ લીગના અધિવેશનમાં વ્યક્ત કરી.
મુસ્લિમ લીગના આ અધિવેશનમાં દેશના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ પ્રતિનિધિઓ ભાગ લેવા માટે આવ્યા હતા. એમને સંબોધતાં મહંમદઅલી ઝીણાએ કહ્યું: ‘ભારતની સમસ્યા આંતર સાંપ્રદાયિક નહિ; પરંતુ સ્પષ્ટપણે આંતરરાષ્ટ્રીય છે. અમારા હિન્દુ મિત્રો ઈસ્લામ અને હિન્દુ ધર્મની વાસ્તવિક પ્રકૃતિને સમજવામાં કયા કારણે ભૂલ કરે છે એ સમજાતું નથી. શબ્દની મૂળ ભાવના પ્રમાણે એ ધર્મ નથી; પરંતુ વાસ્તવમાં અલગ અલગ અને પરસ્પર ભિન્ન સામાજિક વ્યવસ્થાઓ છે. હિન્દુઓ અને મુસલમાનોની કોઈ સમાન રાષ્ટ્રીયતા વિકાસ પામી શકે છે એ તો કેવળ સપનું માત્ર છે. એક ભારતીય રાષ્ટ્રની આ મિથ્યા ધારણા હદ બહાર થઈ ગઈ છે. આપણા મોટા ભાગનાં કષ્ટોની એ જડ છે. આપણે આપણી ધારણામાં પરિવર્તન નહિ કરીએ તો ભારત વિનાશ તરફ ધકેલાઈ જશે. હિન્દુઓ અને મુસલમાનોનો સંબંધ બે અલગ અલગ સંપ્રદાય વિચારધારાઓ, સામાજિક રીતરિવાજો અને સાહિત્ય સાથે છે. તેઓ પરસ્પર વિવાહ – સંબંધ બાંધતા નથી કે સાથે બેસીને જમતા નથી. વાસ્તવમાં એમની બે અલગ અલગ સભ્યતાઓ છે. જે મોટે ભાગે પરસ્પર વિરોધી વિચારો અને ધારણાઓ પર ટકેલી છે. એમની જીવનપદ્ધતિ અને એમનું જીવનદર્શન અગલ છે. હિન્દુ અને મુસલમાન ઈતિહાસના અલગ અલગ સ્ત્રોતમાંથી પ્રેરણા પામે છે. એમનાં મહાકાવ્યો અલગ અલગ છે. એમના આદર્શ અને એમના વીર પુરુષો અલગ અલગ છે. એમની ગાથાઓ અલગ છે. મોટા ભાગે બને છે એવું કે એકનો આદર્શ પુરુષ બીજાનો શત્રુ હોય છે. જય – પરાજય અંગે પણ આવી જ સ્થિતિ છે. આવાં બે રાષ્ટ્રોની જોડીને જેમાં એક લઘુમતીમાં છે અને બીજી બહુમતીમાં છે, એક રાજ્યમાં જોડવાથી તો અસંતોષ જ વધશે અને એવા રાજ્યના શાસન માટે કરાયેલ કોઈ પણ વ્યવસ્થાનો વિનાશ જ કરશે.’ (એસ. એસ. પીરજાદા : ફાઉન્ડેશન ઓફ પાકિસ્તાન, ખંડ-2, પૃષ્ઠ: 337-339)
‘સામાન્ય રીતે સમજવામાં આવે છે એમ મુસલમાનો લઘુમતીમાં નથી… રાષ્ટ્રની કોઈ પણ વ્યાખ્યા મુજબ જોઇએ તો મુસલમાન એક રાષ્ટ્ર છે. એમને એમનો પોતાનો દેશ, પોતાનું રાજ્યક્ષેત્ર અને પોતાનું રાજ્ય હોવું જ જોઈએ.’
મુસ્લિમ લીગે પોતાના એક અધિકૃત ઠરાવ તરીકે મહંમદ અલી ઝીણાના સુધારાને ટેકો આપી દીધો. પાછળથી આ છરાવ ‘પાકિસ્તાન ઠરાવ’ કહેવાયો.
મુસ્લિમ લીગના ઠરાવમાં કહેવામાં આવ્યું કે ‘અખિલ ભારતીય મુસ્લિમ લીગના આ અધિવેશનનો સુવિચારિત અભિપ્રાય છે કે : ‘નીચે બતાવેલા મૂળ સિદ્ધાંતોના આધારે કોઈ પણ યોજના ઘડવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ બંધારણીય યોજના આ દેશને લાગુ પાડી શકાશે નહિ અથવા તો એ મુસલમાનોને માન્ય રહેશે નહિ. ભૌગોલિક દ્રષ્ટિએ એકબીજાને અડીને આવેલા એકમોને ભેળવી દઇને એક પ્રદેશ બનાવવામાં આવે જે જરૂરિયાત મુજબ પ્રાદેશિક સંયોજન કરી એવી રીતે બનાવવામાં આવે કે ભારતના પશ્ચિમોત્તર અને પૂર્વના ભાગો જેવા મુસ્લિમ બહુમતી ક્ષેત્રોનું સ્વતંત્ર રાજ્ય બની શકે અને એમાં ભળનાર એકમો સ્વાયત્તશાસી તેમજ સાર્વભૌમ હોય.’ (એસ. એસ. પીરજાદા : ફાઉન્ડેશન ઓફ પાકિસ્તાન, ખંડ-2, પૃષ્ઠ: 341)
મૌલાના અબુલ કલામ આઝાદની ટિપ્પણીની પૃષ્ઠભૂમિમાં મુસ્લિમ લીગના ઠરાવનો અભ્યાસ કરવામાં આવે તો પ્રતિપાદિત મૂળ સિદ્ધાંતોના દ્રષ્ટિકોણમાં એક અદ્દભુત સમાનતા જોવા મળશે. એવું લાગે જાણે મૌલાના અબુલ કલામના વિચારને જ મુસ્લિમ લીગે ઠરાવ તરીકે રજૂ કર્યો.
ડો. બાબાસાહેબ આંબેડકર કહે છે: ‘જે પ્રદેશોમાં મુસ્લિમ બહુમતી હતી તેને સ્વતંત્ર રાજ્યો બનાવવા. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તેનો અર્થ એ કે વાયવ્ય દિશામાં પંદાબ, વાયવ્ય સરહદી પ્રાંતો, બલુચિસ્તાન અને સિંધ તેમજ પૂર્વના બંગાળ બ્રિટીશ ભારતના પ્રાંતો રહેવાના બદલે બ્રિટીશ ભારત બહારના સ્વતંત્ર રાજ્ય બનવું જોઇએ.’ બાબાસાહેબ આગળ લખે છે: ‘ઠરાવ જે શબ્દોમાં રજૂ થયો છે તે કદાચ નવો લાગે પરંતુ એમાં કોઇ શંકા નથી કે આ ઠરાવ ડિસેમ્બર 1930માં લખનૌમાં ભરીયેલા મુસ્લિમ લીગના વાર્ષિક અધિવેશનમાં સર મહંમદ ઇકબાલે પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં રજૂ કરેલી યોજનાને જ પુનર્જીવિત કરી છે. ત્યારે તે યોજના લીગે સ્વીકારી નહોતી. …લીગે તો પાકિસ્તાનની મૂળ યોજનાનું માત્ર વિસ્તૃતિકરણ કર્યું છે. તેણે પૂર્વમાં બંગાળ અને આસામના મુસ્લિમોને સમાવી લેતું લઘુ એક રાજ્ય સર્જવાનો પ્રયત્ન કર્યો છે. … આ યોજનાએ હિન્દુસ્થાનના હિન્દુઓનું માત્ર ધ્યાન જ નથી ખેંચ્યું પણ તેણે તેમને આઘાત પણ પહોંચાડ્યો છે.’ (ડો. બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 24-25-26) મુસ્લિમ લીગે પોતાની જૂની રેકોર્ડ છોડી દીધી હતી કે મુસલમાન લઘુમતીમાં છે અને એમને લઘુમતી હોવાને કારણે સુરક્ષાની જરૂર છે, અને એ સિદ્ધાંતને વિસ્તૃત રૂપ આપી એમણે માંગણી કરી કે સ્વતંત્ર રાષ્ટ્રીય અસ્મિતાની અભિવ્યક્તિ સ્વરૂપે એમને સ્વતંત્ર દેશ આપવાો જ જોઇએ.
મુસ્લિમ લીગના ઠરાવમાં ક્યાંય ‘પાકિસ્તાન’ શબ્દનો પ્રયોગ ન હતો એ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. ઠરાવ પસાર થયાને ઘણા દિવસો વીતી ગયા છતાં પણ મહંમદ ઝીણાએ ક્યારેય ‘પાકિસ્તાન’ શબ્દનો પ્રયોગ કર્યો ન હતો કે પોતાની માન્યતાની પણ કોઈ સ્પષ્ટતા કરી ન હતી. પત્રકાર દુર્ગાદાસે મહંમદ ઝીણાને પૂછ્યું કે ગાંધીજીએ માગણીઓની સ્પષ્ટતા કરવાની વિનંતી કરી તો તમે તેને કેમ સ્વીકારી નહીં? ત્યારે વ્યંગમાં એમણે કહ્યું, ‘તમારી પાસે તો રાજગોપાલાચારી છે. એમને જ કહો કે એમની તીક્ષ્ણ બુદ્ધિનો ઉપયોગ કરી મારા માટે પાકિસ્તાની વ્યાખ્યા કરે.’
ખલીકુજ્જમાને કહ્યું છે, ‘બીજા દિવસે સવારે હિન્દુ સમાચારપત્રોમાં મોટા મોટા મથાળા હેઠળ સમાચાર છપાયા –‘પાકિસ્તાન ઠરાવ પસાર’; પણ ‘પાકિસ્તાન’ શબ્દનો પ્રયોગ કોઈએ ભાષણમાં કે ઠરાવમાં કર્યો નહોતો. રાષ્ટ્રવાદી સમાચાર જગતે મુસ્લિમ જનતાને નક્કર સૂત્ર આપી દીધું હતું. આ સૂત્ર પરથી જ એમના મનમાં એક રાજ્યની કલ્પના ઝબકી. લાહોર ઠરાવને સ્પષ્ટ કરવો અને મુસલામાનો સમક્ષ એનો સાચો અર્થ અને મહત્વ સમજાવવાનું કામ સરળ ન હતું. મુસ્લિમ નેતાઓએ એનું મહત્વ જનતા સુધી પહોંચાડવા વર્ષો સુધી પરિશ્રમ કરવો પડ્યો હોત, પરંતુ હિન્દુ સમાચમારપત્રોએ આ ઠરાવને ‘પાકિસ્તાન પ્રસ્તાવ’ નામ આપી એમનું કામ ખૂબ સરળ કરી આપ્યું.’ (ચૌધરી ખલીકુજ્જમાન: પાથવે ટુ પાકિસ્તાન, પૃષ્ઠ: 237)
ખલીકુજ્જખાનની આ ટિપ્પણીથી સ્પષ્ટ થઈ જાય છે કે રાષ્ટ્રવાદી માનસિકતા અને કોમવાદી મુસ્લિમ માનસિકતામાં કેટલું મોટું અંતર હતું. ભારતીય રાષ્ટ્રવાદીઓને સાવધ કરવા માટે રાષ્ટ્રવાદી સમાચાર પત્રોએ ‘પાકિસ્તાન ઠરાવ’ શબ્દ ઉછાળ્યો તો આ અલગતાવાદી મુસ્લિમ મુજાહિદો માટે મુસલમાનોને એક સાથે ભેગા કરવાનો નારો બની ગયો. મુસ્લિમો ભારતને પોતાનો દેશ માનતા જ નહોતા એ આ વાત પરથી સ્વયં સ્પષ્ટ બની જાય છે.
: ક્રમશ:
©kishormakwana