• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ? કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 61
• ‘શિવાજી ન હોતે તો સુન્નત હોતી સબકી…કવિ ભૂષણની કવિતા પણ મુસ્લિમ તુષ્ટિકરણનો ભોગ બની
- ’શિવા બાવની’ કવિ ભૂષણનું 52 છંદોનું અદભૂત વીર રસથી ભરેલું કાવ્ય છે. એમાં છત્રપતિ શિવાજી મહારાજના શૌર્ય, પરાક્રમ અને દિવ્યતા વગેરે ગુણોનું ઓજસ્વી વર્ણન છે. ભૂષણની બે પંક્તિઓ ખૂબ લોકપ્રિય બની કારણ કે એમાં પ્રત્યેક હિન્દુ માટે શિવાજીનું શું મહત્વ છે એ બતાવવામાં આવ્યું છે. પંક્તિઓ હતી :
‘કાશીજી કી કલા જાતી, મસીત હોતી,
શિવાજી ન હોતે તો સુન્નત હોતી સબકી.’
ધર્માંધ અને કટ્ટરવાદી મુસલમાનોને શિવાજી અને શિવબાવની જેવાં ગીતોમાં પોતે કરેલા બધા જ દુષ્કર્મો જોવા મળે છે, એટલે એમણે આ કવિતા સામે વાંધો લીધો. - ડૉ. બાબાસાહેબ આંબેડકરે મુસ્લિમ લીગની આ દાદાગીરીને ખુલ્લી પાડી છે: ‘ઈસ્લામી કાનૂન બલિ માટે ગોવધનો આગ્રહ રાખતું નથી. હજયાત્રા કરતો કોઈ મુસલમાન મક્કા કે મદીનામાં ગોબલિ ચઢાવતો નથી; પરંતુ ભારતમાં તેમને બીજા કોઈ પશુબલિથી સંતોષ થતો નથી. બધા મુસ્લિમ દેશોમાં મસ્જિદ આગળ કોઈ પણ વાંધા વિના ગાયન – વાદન થઈ શકે છે.
રાષ્ટ્રીય આસ્થાનાં પ્રતીકો પર પ્રહાર મુસ્લિમ લીગના નેતૃત્વમાં મુલસલમાનોએ રાષ્ટ્રીય પ્રેરણા અને ગૌરવના પ્રત્યેક પ્રતીક પર એકપછી એક યોજનાપૂર્વક પ્રહારો કર્યા. મહાન હિન્દી કવિ ભૂષણની ‘શિવા બાવની’ નામક પ્રસિદ્ધ કાવ્યકૃતિ પણ એના આક્રમણનું લક્ષ્ય બની. એનાં પદોએ ભાષા, જાતિ અને સંપ્રદાયોનાં બંધનો તોડી લાખો – કરોડો હિન્દુઓમાં વીર રસનો સંચાર કર્યો હતો. ‘શિવા બાવની’ કવિ ભૂષણનું 52 છંદોનું અદભૂત વીર રસથી ભરેલું કાવ્ય છે. એમાં છત્રપતિ શિવાજી મહારાજના શૌર્ય, પરાક્રમ અને દિવ્યતા વગેરે ગુણોનું ઓજસ્વી વર્ણન છે. એમાં વર્ણન છે કે કઇ રીતે છત્રપતિ શિવાજીએ પોતાના પરાક્રમથી હિન્દુ ધર્મ અને રાષ્ટ્રનું રક્ષણ કર્યું હતું.
સ્વામી વિવેકાનંદનું પણ આ પ્રિય કાવ્ય હતું. છત્રપતિ શિવાજી મહારાજ રાષ્ટ્રીય વીરપુરુષ હતા. એમને સમસ્ત હિન્દુ રાષ્ટ્રના રક્ષક માનવામાં આવે છે. ભૂષણની નીચે આપેલી બે પંક્તિઓ ખૂબ લોકપ્રિય બની કારણ કે એમાં પ્રત્યેક હિન્દુ માટે શિવાજીનું શું મહત્વ છે એ બતાવવામાં આવ્યું છે. પંક્તિઓ હતી :
‘કાશીજી કી કલા જાતી,
મસીત હોતી,
શિવાજી ન હોતે તો
સુન્નત હોતી સબકી.’
ધર્માંધ અને કટ્ટરવાદી મુસલમાનોને શિવાજી અને શિવબાવની જેવાં ગીતોમાં પોતે કરેલા બધા જ દુષ્કર્મોનો કાળ જોવા મળે એમાં કોઈ નવાઈ નથી.
1934માં નાગપુરમાં ભરાયેલ હિન્દી સાહિત્ય સંમેલનમાં શિવબાવની વિરુદ્ધ અવાજ ઊઠાવવામાં આવ્યો. અધ્યક્ષ હતા ડૉ. રાજેન્દ્રપ્રસાદ. ગાંધીજી પણ ત્યાં ઉપસ્થિત હતા. અધિકૃત તેમજ માન્ય પ્રકાશનો તેમજ સાહિત્યમાંથી મુસલમાનોની ભાવનાઓને ઠેસ પહોંચે એવી બધી પંક્તિઓ કાઢી નાખવામાં આવે એવો દુરાગ્રહ રાખવામાં આવ્યો. અનેક સભ્યોએ આવી કટ્ટરવાદી વાત ન સ્વીકારવા માટે પોતાની દલીલો કરી; પરંતુ ગાંધીજીની વાત જ માન્ય રાખવામાં આવી અને એ પ્રેરક કવિતાના મહત્વપૂર્ણ અંશોને કાઢી નાખવામાં આવ્યા.
વિકૃત માનસિકતાએ ભગવદ્દ ભજનોને પણ ન છોડ્યું નહિ. છેલ્લાં સેંકડો વર્ષોથી આપણા કરોડો દેશવાસીઓના મુખે ગવાતું ‘રઘુપતિ રાઘવ રાજા રામ, પતિતપાવન સીતારામ’ નું આત્માને ટાઢક આપે છે. રામ અને સીતા માત્ર ‘દિવ્ય અવતાર’ જ નથી; પરંતુ એ તો કરોડો ભારતીયોના હૃદયના ઉચ્ચ સિંહાસન પર વિરાજમાન મહાન આદર્શો છે. એ ઐતિહાસિક પરંપરાના વાહકો છે. આપણી પ્રત્યેક પેઢીને સંસ્કૃતિ અને ચારિત્ર્ય નિર્માણના, શુદ્ધતા અને નૈતિકતાના પાઠો ભણાવનાર
મહાન આદર્શો છે. એમણે આદર્શ પુરુષ અને આદર્શ નારીનું દિવ્ય જીવન રજૂ કર્યું છે. એ આદર્શોએ ભારતને માનવતાના સાંસ્કૃતિક ગુરુપદે સ્થાપ્યું છે.
રાષ્ટ્રીય આસ્થાના આ મૂળ ઉદ્દગમને પણ કટ્ટરવાદી માનસિકતા અને મુસ્લિમ તુષ્ટિકરણની નીતિએ અભડાવી નાખ્યું. મૂળ પંક્તિની સાથે એક નવી પંક્તિ ઉમેરી દેવામાં આવી: ‘ઈશ્વર અલ્લાહ તેરે નામ, સબકો સન્મતિ દે ભગવાન.’ હિન્દુઓ માટે તો રામ, ઈશ્વર અને અલ્લાહ સર્વ શક્તિમાનનાં વિવિધ નામો છે, પરંતુ મુસલમાનો તો આવી કલ્પના માત્રથી હાથમાં તલવાર-છરા, કેરોસીનના ડબલા અને પથ્થરો લઇને ઊભા થઇ જાય છે. તેઓ આ નવી સમજણ કેળવે કે સ્વીકારે લે એવી આશા રાખવી એ તો મૃગજળ પાછળ દોડવા જેવું છે. હિન્દુઓ માટે આવી નવી બાબત સ્વીકારવી સહજ-સરળ છે પરંતુ મુસ્લિમો માટે ‘ઇસ્લામ ખતરા…’માં પડી જાય. સાંપ્રદાયિક મુસલમાનોને આર્ય સમાજ પણ આંખોમાં કણાની જેમ ખૂંચતો હતો.
આર્ય સમાજ પ્રતિકારનો મજબૂત ગઢ હતો. હિન્દુ સમાજને મુસ્લિમ આક્રમણોના પ્રહારોથી બચાવવા માટે ઊભો હતો. અદમ્ય સાહસિક સ્વામી દયાનંદે હિન્દુઓના સૂતેલા શૌર્યને જગાડ્યું હતું. અનેક શિક્ષણ સંસ્થાઓ સ્થાપી અને આર્ય સમાજના ધ્વજ હેઠળ રાષ્ટ્રીય જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં હજારો હિન્દુઓને પ્રગતિના પંથે વધારવાનો આરંભ કરી દીધો. એણે રાષ્ટ્રીય સંઘર્ષના યજ્ઞમાં પણ આહુતિ આપી.
આર્ય સમાજના અગ્રણીઓની વીણી વીણીને હત્યાઓ કરવામાં આવી. આવા હત્યાાઓનું મુસલમાનોએ જાહેર સન્માન કર્યું. મુસલમાન મુલ્લાઓને આર્ય સમાજનું શુદ્ધિ આંદોલન (ઘર વાપસી) વિશેષ જોખમી લાગતું હતું. આર્ય સમાજની ચળવળ અંગે ગાંધીજીને ફરીયાદ કરવામાં આવી. ‘યંગ ઈન્ડિયા’માં પ્રસિદ્ધ થયેલા લેખોમાં ગાંધીજીએ લખ્યું કે આર્ય સમાજનો પ્રચાર સંકુચિત દ્રષ્ટિકોણવાળો છે અને હિન્દુત્વની વિશુદ્ધ પ્રકૃતિ સાથે એનો મેળ ખાતો નથી. એમણે કહ્યું કે એમને શુદ્ધિ આંદોલન અને મુસ્લિમ ઉલેમાઓની ‘તબલીઘ’માં કોઈ ભેદ દેખાતો નથી.
ગોહત્યા બંધ થવી જોઈએ એવી હિન્દુઓની માગણીનો પણ મુસલમાનો સતત વિરોધ કરતા રહ્યા. મુસલમાનોનો દાવો હતો કે ‘ગોહત્યા’ કરવી એ એમનો ‘મજહબી’ અધિકાર છે. આ અધિકારનો જ્યાં સુધી સ્વીકાર કરવામાં ન આવે ત્યાં સુધી કૉંગ્રેસ એમના સહયોગની આશા ન રાખી શકે. એમનો બીજો વાંધો એ હતો કે હિન્દુઓ મસ્જિદો આગળ વાજતે – ગાજતે પસાર થાય છે. આ કહેવાતા વાંધા કેટલા નિરાધાર છે એ તો અનેક મુસ્લિમ નેતાઓએ જાતે જ બતાવ્યું છે.
ઉદાહરણ તરીકે: ‘જાન્યુઆરી 1929માં ભરાયેલા સર્વપક્ષીય મુસ્લિમ સંમેલનમાં આગાખાને કહ્યું હતું કે ઈસ્લામના જન્મસ્થાન અરબ દેશમાં ગો-બલિનો કોઈ રિવાજ નથી. નબી ઈબ્રાહીમ પશુ –બલિને ધાર્મિક કાર્યક્રમનું એક અંગ માનતા ન હતા. બીજા લોકોએ પણ કહ્યું કે બીજા મુસ્લિમ દેશોમાં મસ્જિદ આગળ ગાવા-વગાડવામાં કોઈ વાંધો લેવામાં આવતો નથી.’ (એમ. એ. કરંદીકર : ઈસ્લામ, પૃષ્ઠ: 182-183)
મૌલવી મોહમ્મદ યાકૂબે જાહેરાત કરી કે ઈસ્લામમાં મસ્જિદની આસપાસ સંગીતનો નિષેધ નથી સિવાય કે ઈબાદતમાં જાણી જોઈને નડતર ઊભું કરવામાં આવે. ઓગસ્ટ 1926માં બંગાળ પ્રેસીડેન્સી મુસ્લિમ લીગના મંત્રી કુતુબુદ્દીન અહમદે એક નિવેદનમાં કહ્યું હતું : ‘મારું નમ્ર નિવેદન છે કે મસ્જિદ આગળ ગાયન – વાદનના પ્રશ્નને એનો સંબંધ અન્ય જાતિઓના લોકો સાથે છે ત્યાં સુધી સાંપ્રદાયિક પ્રશ્ન બનાવવો જોઈએ નહિ. આપણા પયગંબરે (એમને શાંતિ પ્રાપ્ત થાય) ઈદના ઉત્સવમાં મસ્જિદની અંદર ગાવા – વગાડવાની અનુમતિ આપી અને હજરત આયેશાને એના દીદાર (દર્શન) કરવા કહ્યું. (સાહેબ બોખારી)…. મક્કામાં માહમેલ જનયાત્રાની સાથે ઈજિપ્શિયન બેન્ડ રહેતાં હતાં. મુસ્લિમ શાસનકાળમાં દિલ્હીમાં જામા મસ્જિદ આગળ રામલીલા ભજવવામાં આવતી હતી. શાહી લોકો મસ્જિદ આગળ એકઠા થતા હતા અને રામલીલાના મુખ્ય પાત્રને ફૂલહાર કરતા હતા. કલકત્તામાં એક મુસ્લિમ પરિવારના એક ઘરમાંથી લગ્નનો વરઘોડો વાજતે ગાજતે નીકળતો. એના આંગણામાં મસ્જિદ હતી. કેટલાક અખાડાઓ આજે પણ પોતાની શોભાયાત્રા વાજતે –ગાજતે મસ્જિદ આગળથી જ કાઢે છે અને બીજા બધા અખાડા મસ્જિદને અડીને આવેલી મૌલાલી દરગાહનાં દર્શન કરવા જાય છે. એમાં કોઈનો વિરોધ હોતો નથી. મારા અભિપ્રાય પ્રમાણે ‘શરિયત’ સાથે આને કોઈ સંબંધ નથી. આવું તો કેટલાક સ્વાર્થી લોકોએ કે પક્ષોએ શોધી કાઢ્યું છે. આ સ્વાર્થી લોકો અને પક્ષો અભણ સમુદાયમાં મનફાવે તેવા ભ્રમો પેદા કરવા માગે છે.’ (વી. વી. નાગરકર : જેનેસિસ, પૃષ્ઠ: 162-163)
રાજનીતિના ક્ષેત્રે ડૉ. બાબાસાહેબ આંબેડકરે મુસ્લિમ લીગની આ દાદાગીરીને ખુલ્લી પાડી છે: ‘ઈસ્લામી કાનૂન બલિ માટે ગોવધનો આગ્રહ રાખતું નથી. હજયાત્રા કરતો કોઈ મુસલમાન મક્કા કે મદીનામાં ગોબલિ ચઢાવતો નથી; પરંતુ ભારતમાં તેમને બીજા કોઈ પશુબલિથી સંતોષ થતો નથી. બધા મુસ્લિમ દેશોમાં મસ્જિદ આગળ કોઈ પણ વાંધા વિના ગાયન – વાદન થઈ શકે છે. સંપ્રદાય નિરપેક્ષ નથી એવા અફઘાનિસ્તાનમાં પણ મસ્જિદ આગળ ગાવા – વગાડવાનો વાંધો લેવામાં આવતો નથી; પરંતુ ભારતમાં મુસલમાનો મસ્જિદ આગળ ગાવા – વગાડવાનું બંધ કરવાનો આગ્રા રાખે છે. કારણ કેવળ એટલું જ છે કે હિન્દુઓ એને પોતાનો અધિકાર માને છે.’ (ડો. બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 259-260)
દુર્ભાગ્યે આ કટ્ટર માગણીઓ આગળ કૉંગ્રેસની પ્રતિક્રિયા ઘૂંટણીએ પડવાની જ રહી હતી.
મહંમદઅલી ઝીણાએ 1938માં પં. નહેરુને એક પત્ર લખી કેટલીક માંગણીઓ મૂકી અને એ માંગણીઓ કોંગ્રેસે સ્વીકારી લેવાની રજૂઆત કરી હતી. ડો. આંબેડકરે ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ ગ્રંથમાં ઝીણાના પત્રમાં રહેલી માંગણીઓ આપી છે એ મુજબ: 1. 1929 મુસ્લિમ લીગે ઘડેલા ચૌદ મુદ્દા. 2. કાયદો પસાર કરી મુસલમાનોને સરકારી નોકરીઓમાં હિસ્સો નક્કી કરવો. 3. કાયદા દ્વારા મુસ્લિમોના અંગત કાયદા તથા સંસ્કૃતિ જાળવવાની ખાતરી આપવી. 4. શહીદ ગંજ મસ્જિદ મુસલમાનોને આપવી. 5. અઝાન પોકારવા અને બીજી ધાર્મિક વિધિઓ કરવા પર કોઇ જ અંકૂશ ન હોવો જોઇએ. 6. મુસલમાનોને ગૌહત્યા કરવાની સ્વતંત્રતા આપવી. 7. વંદે માતરત્ ગીતને તીલાંજલિ આપવી. 8. ભારતની રાષ્ટ્રભાષા ઉર્દૂ હોવી જોઇએ. 9. વસ્તીની ટકાવારી મુજબ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મુસલમાનું પ્રતિનિધિત્વ આપવું. 10. મુસ્લિમ લીગના ધ્વજને તિરંગા જેટલું જ મહત્વ આપવું….
મુસ્લિમોની આ નવી માંગણીઓની યાદી જોતા આ માંગણીઓ ક્યાં જઇને અટકશે તેની ખબર પડતી નથી.’ (ડો. બી. આર. આંબેડકર, ‘થોટ્સ ઓન પાકિસ્તાન’, પૃષ્ઠ: 302)
કોન્ગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિએ મુસ્લિમ લીગ અને મુસલમાનોની ધાર્મિક વિકૃતિને વધુ ઉશ્કેરતી રહી.
:ક્રમશ: :
© kishormakwana