• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
વાંચો લેખમાળાનું પ્રકરણ – 59
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
• ‘વંદે માતરમ્’ પછી રાષ્ટ્રધ્વજ રગદોળાયો

- રાષ્ટ્રધ્વજની પસંદગી માટે સાત વ્યક્તિઓની એક સમિતિ નીમવામાં આવી હતી. સમિતિએ એના અહેવાલમાં કહ્યું ‘સર્વ સંમત વિચાર એ છે કે પ્રતીકના રંગ સિવાય આપણો રાષ્ટ્રીય ધ્વજ એક રંગી હોવો જોઈએ. સમગ્ર ભારતીયો માટે અત્યંત ભવ્ય અને આકર્ષક આ પ્રાચીન દેશની લાંબી પરંપરા સાથે જોડાયેલો કોઈ રંગ હોય તો તે કેસરિયો રંગ છે. આથી અમારો વિચાર છે કે પ્રતીકના રંગને બાદ કરતાં ધ્વજ કેસરી રંગનો હોવો જોઈએ અને ડાબા ભાગના ઉપરના છેડે વાદળી રંગનો રેંટિયો હોવો જોઈએ.’ કોંગ્રેસે સમિતિના સૂચનને ફગાાવી દીધું
- અનાદિકાળથી કેસરી કે ભગવો રંગ એનો રાષ્ટ્રીય પ્રતીક રહ્યો છે. સ્વાભાવિકપણે ભગવો રંગ જીવનનાં અનેક ક્ષેત્રોમાં, જેમાં સ્વાધીનતા માટે અલૌકિક શૌર્ય તેમજ બલિદાનની ગાથાનો સમાવેશ થાય છે, રાષ્ટ્રની પ્રેરણાદાયી સિદ્ધિઓની સ્મૃતિનું પ્રતીક છે. સાંપ્રદાયિક મુસ્લિમ માનસને સંતુષ્ટ કરવા માટે રાષ્ટ્રીય પ્રેરણાના આ અનાદિ પ્રવાહની ઘોર ઉપેક્ષા કરવામાં આવી. ‘વંદે માતરમ્’ ગીત, રાષ્ટ્રધ્વજ પછી હવે વારો રાષ્ટ્રભાષા હિન્દીનો હતો.
મુસ્લિમ લીગ, કટ્ટરવાદી મુસ્લિમ નેતાઓ અને મુસલમાનોની નાપાક માંગણી સામે કોન્ગ્રેસ ઝૂકી ગઇ અને દરેક કાર્યક્રમમાં ‘વંદે માતરમ્’ નો માત્ર પહેલો અંતરો જ ગાવાનો નિર્ણય લીધો. માત્ર મુસલમાનોને ખુશ કરવા રાષ્ટ્રગીતના ટુકડા કરી નાખ્યા. મુસલમાનોના આ ભારત વિરોધી કૃત્ય પાછળ ઇસ્લામ સર્વોપરિ બતાવવાની નિમ્ન માનસિકતા હતી. છતાં કોંગ્રેસ એમના શરણે થઇ ગઇ. ઇસ્લામની તલવારે રાષ્ટ્રગીતના ટુકડા કરી નાખ્યા હવે વારો રાષ્ટ્રધ્વજનો હતો. રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રના આદર્શો અને એની આકાંક્ષાઓ, એના ઈતિહાસ અને પરંપરા, એના હુતાત્માઓનાં બલિદાનો, એના વીરો, સંતોના શૌર્ય અને તપનું સૌથી વંદનીય અને ઝળહળતું પ્રતીક છે. આ બાબતે કૉંગ્રેસની વિચારધારા કેવી હતી ? વર્તમાન ત્રિરંગા ધ્વજને આ દરજ્જો કેવી રીતે પ્રાપ્ત થયો ?
આ અંગે ભારત સરકારના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત અધિકૃત લખાણોના કેટલાક અંશો આ પ્રમાણે છે: 1921ની આસપાસ બૈજવાડા (હાલનું વિજયવાડા) માં ભરાયેલ અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના અધિવેશનમાં આંધ્રના એક યુવકે એક ધ્વજ તૈયાર કર્યો અને એને ગાંધીજી પાસે લઈ ગયોે. એ ધ્વજ લાલ અને લીલા રંગનો હતો. બે મુખ્ય સંપ્રદાયોનું પ્રતીક હતું. ગાંધીજીએ વચ્ચે એક સફેદ પટ્ટી મૂકવાનું સૂચન કર્યું. એનાથી ભારતના બાકીના સમુદાયોનું પ્રતિનિધિત્વ થઈ શકે. ઉપરાંત એમાં રેંટિયો મૂકવાનું મૂકવાનું પણ સૂચન કર્યું. એ પ્રગતિનું પ્રતીક હતું.
આ પ્રકારે ત્રિરંગાનો જન્મ થયો; પરંતુ હજી સુધી અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિએ એને અધિકૃત રીતે સ્વીકાર્યો નહોતો. છતાંય ગાંધીજીના અનુમોદનનો પ્રભાવ એવો પડ્યો કે એ તરત જ લોકપ્રિય બની ગયો અને બધાં જ કૉંગ્રેસનાં અધિવેશનોમાં એ ધ્વજ જ ફરકાવવામાં આવતો.
‘1931માં કરાંચીમાં અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિની બેઠક મળી. આ બેઠકમાં અધિકૃત રીતે કૉંગ્રેસને માન્ય હોય એવા ધ્વજની જરૂરિયાત અંગે એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો. ધ્વજના રંગોને લઇને પહેલેથી જ અનેક મતભેદ હતા. સાંપ્રદાયિક વ્યાખ્યા પર ભાર મૂકાવા લાગ્યો હતો.’
‘આ દરમ્યાન ધ્વજની પસંદગી માટે સાત વ્યક્તિઓની એક સમિતિ નીમવામાં આવી હતી. એણે ધ્વજ એક જ રંગી અને એ કેસરિયો હોય તેમજ એની ડાબી કિનારે કથ્થાઈ રંગનો રેંટિયો હોય એવું સૂચન કર્યું હતું.’
અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિએ આ સૂચનને સ્વીકાર્યું નહીં.
‘ધ્વજના ઈતિહાસમાં 1931ના વર્ષનું વિશેષ મહત્વ છે. એક ઠરાવને પ્રસાર કરી ત્રિરંગા ધ્વજને આપણા રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકારી લેવામાં આવ્યો. અત્યારના રાષ્ટ્રધ્વજમાં કેસરી, સફેદ અને લીલા રંગ હતો, એના માટે પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે આનું કોઈ સાંપ્રદાયિક મહત્વ નહી હોય. એનું મહત્વ આ પ્રમાણે રહેશે: કેસરી બલિદાન અને સાહસનું પ્રતીક, સફેદ સત્ય અને અહિંસાનું પ્રતીક અને લીલો રંગ નિષ્ઠા અને શૌર્યનું પ્રતીક બની રહેશે.’ (પ્રકાશન વિભાગ, ભારત સરકાર : અવર ફ્લેગ, પૃષ્ઠ: 6-7)
કેસરી ધ્વજની તરફેણમાં સર્વસંમત નિર્ણય માટે ધ્વજ સમિતિએ કયો તર્ક રજૂ કર્યો હતો એ અને અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિએ કેવી રીતે એનો તિરસ્કાર કર્યો હતો, એ જાણવું ખૂબ જરુરી છે. ધ્વજ સમિતિમાં સરદાર પટેલ, મૌલાના આઝાદ, માસ્ટર તારાસિંહ, પંડિત નહેરુ, ડી. બી. કાલેલકર, ડૉ. એન. એસ. હર્ડીકર અને ડૉ. પટ્ટાભિ સીતારામૈયા હતા. સમિતિએ વિવિધ પ્રાંતીય કૉંગ્રેસ સમિતિઓ, અખિલ ભારતીય કૉંગ્રેસ મહાસમિતિના સભ્યો અને લોકોની સંમતિ મેળવી હતી. સમિતિએ કહ્યું કે શીખોને હાલના ત્રિરંગા ધ્વજમાં પસંદ કરવામાં આવેલા ત્રણ રંગો સામે વિરોધ હતો. એમણે વિનંતી કરી હતી કે એમાં અમારા સમુદાય માટે પણ એક રંગ ઉમેરવો જોઇએ અથવા સાંપ્રદાયિક ન હોય એવા ધ્વજની પસંદગી કરવી જોઇએ. ઉપરાંત સમિતિએ કહ્યું, ‘જ્યારથી ધ્વજ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે ત્યારથી આ વિરોધ અંગે વિચાર કરવા અને કૉંગ્રેસને માન્ય હોય એવા ધ્વજની પસંદગી કરવા માટે સમિતિ બનાવવામાં આવી છે.’
‘સમિતિનો સર્વમાન્ય વિચાર છે કે ધ્વજના રંગોનું કોઈ સાંપ્રદાયિક મહત્વ હોવું જોઈએ નહિ….આ દ્રષ્ટિએ જોતા રંગોમાં સંપૂર્ણ પરિવર્તન કરવું જોઈએ એવું લાગે છે. સમિતિનું માનવું છે કે રેંટિયા વગરનો ધ્વજનો હાલનો રંગ બલ્ગેરિયાના ધ્વજ જેવો લાગે છે. વળી સફેદ રંગને મધ્યમાં મૂકવાનું સૂચન છે એનાથી તો એ ઈરાનના ધ્વજ જેવો લાગશે. આમ સાંપ્રદાયિક મહત્વના પ્રશ્ન સિવાય અમારા મતે ધ્વજના હાલના રંગોને સ્વીકૃતિ આપી શકાય નહિ, કારણ કે એ વિશ્વના બીજા બે દેશોના ધ્વજ જેવો છે.
સમિતિ દ્વારા નવા ધ્વજની ભલામણ ઉપરાંત એ પણ જરૂરી છે કે સંભ્રમની કોઈ સંભાવના જ રહે નહિ. અમારા વિચાર પ્રમાણે ધ્વજ અતિ આકર્ષક, કલાત્મક, લંબચોરસ અને બિનસાંપ્રદાયિક હોવો જોઈએ. સર્વ સંમત વિચાર એ છે કે પ્રતીકના રંગ સિવાય આપણો રાષ્ટ્રીય ધ્વજ એક રંગી હોવો જોઈએ. સમગ્ર ભારતીયો માટે અત્યંત ભવ્ય અને આકર્ષક આ પ્રાચીન દેશની લાંબી પરંપરા સાથે જોડાયેલો કોઈ રંગ હોય તો તે કેસરિયો રંગ છે. આથી અમારો વિચાર છે કે પ્રતીકના રંગને બાદ કરતાં ધ્વજ કેસરી રંગનો હોવો જોઈએ અને ડાબા ભાગના ઉપરના છેડે વાદળી રંગનો રેંટિયો હોવો જોઈએ.’ (રિપોર્ટ ઓફ ધ નેશનલ ફ્લેગ કમિટી, ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ – 1931)
પરંતુ અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ ગાંધીજીના મનના ત્રિરંગા ધ્વજના વિચાર સામે પોતાનો મત અમલમાં મૂકવાનું સાહસ દેખાડી શકી નહીં અને એણે સીધેસીધી તિરંગાને જ સ્વીકૃતિ આપી દીધી. જે માનસિક પૃષ્ઠભૂમિમાં આ નિર્ણય લેવાયો હતો એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ પુરવાર થયો.
ભારત કોઈ નવું રાષ્ટ્ર ન હતું, કે પછી ‘નવું બની રહેલું રાષ્ટ્ર’ પણ નહોતું. પરંતુ અંગ્રેજો આપણને આવી મૂર્ખામીમાં ફસાવવા માગતા હતા. કોંગ્રેસ સહિત અનેક ડાબેરી બૌદ્ધિકોએ દેશની પ્રજાને અંગ્રેજો ઇચ્છતા હતા એ જ જૂઠ્ઠી ચાલમાં ફસાવી દીધી. વાસ્તવમાં ભારત તો એક પ્રાચીન રાષ્ટ્ર છે. એનો એક મહાન ભૂતકાળ છે. એનો ગૌરવપૂર્ણ ઈતિહાસ છે. અનાદિકાળથી કેસરી કે ભગવો રંગ એનો રાષ્ટ્રીય પ્રતીક રહ્યો છે. સ્વાભાવિકપણે ભગવો રંગ જીવનનાં અનેક ક્ષેત્રોમાં, જેમાં સ્વાધીનતા માટે અલૌકિક શૌર્ય તેમજ બલિદાનની ગાથાનો સમાવેશ થાય છે, રાષ્ટ્રની પ્રેરણાદાયી સિદ્ધિઓની સ્મૃતિનું પ્રતીક છે. સાંપ્રદાયિક મુસ્લિમ માનસને સંતુષ્ટ કરવા માટે રાષ્ટ્રીય પ્રેરણાના આ અનાદિ પ્રવાહની ઘોર ઉપેક્ષા કરવામાં આવી.
‘વંદે માતરમ્’ ગીત, રાષ્ટ્રધ્વજ પછી હવે વારો રાષ્ટ્રભાષા હિન્દીનો હતો.
:ક્રમશ:
© kishormakwana