Spread the love

ભારતના ભાગલાની ભીતરમાં : પ્રકરણ 58• કિશોર મકવાણા 15 ઓગસ્ટ 1947 ના દિવસે ભારતે એક હજાર વર્ષ પછી ગુલામીમાંથી મુક્ત થયું. પરંતુ સ્વતંત્રતાની સાથે સાથે ભારતની જ ધરતી પર પાકિસ્તાન નામના દેશનું સર્જન થયું.- ભારતના ભાગલા કેવી રીતે થયા ? – ભાગલા માટે કોણ જવાબદાર ? – કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી? સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો… વાંચો લેખમાળાનું પ્રકરણ – 58 • કોન્ગ્રેસે મુસ્લિમોને રાજી કરવા ‘વંદે માતરમ્’ ગીતના ટુકડા કર્યા – ’આનંદમઠ’ નવલકથામાં ‘વંદેમાતરમ્’ ગીતને બંકિમબાબુએ ભારતભક્ત સંન્યાસીઓને ગાતા વર્ણવ્યા છે. આનંદમઠ નવલકથા માતૃભૂમિ પ્રત્યે ભાવોર્મિઓને પ્રગટ કરતી ઐતિહાસિક સત્ય ઘટનાઓ પર આધારિત નવલકથા છે. ગીત અને નવલકથા બંને જનમાનસમાં છવાઈ ગયા. ‘વંદેમાતરમ્’ભારતની સ્વતંત્રતા કાજે લડનારા ક્રાંતિવીરોનો મહામંત્ર બની ગયો.- સુપ્રસિદ્ધ ગાયક અને દેશભક્ત વિષ્ણુ દિગંબર પલુસ્કર કાયમ કૉંગ્રેસના ઉદઘાટન અધિવેશનમાં પોતાના હૃદયસ્પર્શી તેમજ મધુર કંઠથી વંદે માતરમ્ ગાતા હતા; પણ આ વખતે જ્યારે તેઓ મંચ પર ગયા ત્યારે એમને કૉંગ્રેસ અધ્યક્ષ મૌલાના મોહમ્મદ અલીએ રોક્યા. મૌલાનાએ કહ્યું કે ઈસ્લામમાં સંગીત વર્જિત છે તેથી તે એ ગીત ગાવા માટે મંજૂરી નહીં આપે. સમગ્ર સભા સ્તબ્ધ બની ગઈ. મંચ પર બેઠેલા બધા જ પ્રતિષ્ઠિત તથા દિગ્ગજ નેતાઓ મૂંગા અને મૂઢ બની ગયા.સ્વતંત્રતા આંદોલનમાં ‘વંદે માતરમ્’ એક શબ્દ નહોતો, મંત્ર હતો. હજારો યુવાનોએ આ મંત્ર સાંભળી- બોલીને પોતાની યુવાની રાષ્ટ્રવેદીમાં હોમી દીધી હતી. ‘વંદે માતરમ્’ ગીતનો પ્રત્યેક શબ્દ ભારતની મહાનતા-ભવ્યતાને વર્ણન કરે છે.આ પ્રસિદ્ધ ગીત સૌ પ્રથમ બંકિમચંદ્ર ચેટરજીની ઐતિહાસિક નવલકથા ‘આનંદમઠ’માં પ્રસિદ્ધ થયું હતું. માતૃભૂમિના પ્રેમથી ઓતપ્રોત એ ગીત હતું, એમાં દિવ્ય મા ભારતી પ્રત્યે ભક્તિ –વિહ્વળતાની પરાકાષ્ઠા હતી. એ દિવ્ય કલ્પનામાં સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગાની ત્રિવેણીનો પ્રવાહ હતો. ‘વંદેમાતરમ્’ ગીત સાહિત્યકાર – કવિ અને પ્રખર રાષ્ટ્રભક્ત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની સ્વાભુમૂતિ આ ગીતમાં વ્યક્ત થઇ છે. બંકિમચંદ્ર 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના કાલખંડમાં બંગાળમાં નાયબ મેજિસ્ટ્રેટ પદે હતા. પ્રખર દેશભક્ત હોવાના કારણે બંકિમચંદ્ર સરકારી નોકરીમાં અંગ્રેજોની વક્ર દ્રષ્ટિનો ભોગ બનતા. આથી એમની એક સ્થાનેથી બીજા સ્થાને વારંવાર બદલી થયા કરતી. આ સમયે રેલગાડી દ્વારા અવારનવાર થતી મુસાફરી દરમ્યાન નિહાળેલી ભારતભૂમિ…હરિયાળા ખેતરો, પાણીથી ભરપૂર નદીઓ, ફળફૂલથી સુશોભિત વનરાજીથી બંકિમ બાબુના મન હૃદયમાં અપૂર્વ આહ્લાદકતા છવાઈ જતી. માતૃભૂમિના અલૌકિક સૌંદર્ય અને સમૃદ્ધિમાં તેમને ભારતમાતાના દર્શન થતા. બંગાળીઓમાં દુર્ગામાતા પ્રત્યે સવિશેષ ભક્તિ જોવા મળે છે. બંકિમબાબુએ ભારતમાતાને જ દુર્ગામાતા સ્વરૂપે નિહાળી. એમાંથી જ આલેખાઈ માતૃભૂમિની દિવ્ય સ્તુતિ… માતૃવંદના – ‘વંદેમાતરમ્’ 7 નવેમ્બર, 1875ના રોજ બંકિમચંદ્રજીના હૃદયના ભાવ શબ્દરૂપે કલમમાંથી ‘વંદેમાતરમ્’ મંત્રનું અવતરણ થયું. ત્યારબાદ ઘણા વર્ષો પછી તેમણે આનંદમઠ નવલકથા લખી ત્યારે ‘વંદેમાતરમ્’ ગીતનો તેમાં સમાવેશ કર્યો. આનંદમઠ નવલકથા માતૃભૂમિ પ્રત્યે ભાવોર્મિઓને પ્રગટ કરતી ઐતિહાસિક સત્ય ઘટનાઓ પર આધારિત નવલકથા છે. તેમાં ઇ.સ. 1770ના વર્ષમાં બંગાળમાં પડેલા ભીષણ દુકાળ અને ઇ.સ. 1780ના સમયગાળા દરમિયાન થયેલા સંન્યાસી-વિદ્રોહનું હૃદયસ્પર્શી વર્ણન છે. આ કાળખંડમાં ભારતમાં મોગલોનું શાસન હતું. મોગલ શહેનશાહો અને તેમના તાબેદારો હિન્દુઓ પર અમાનુષિ અત્યાચાર કરતા હતા. જેને આપણે છપ્પનિયા દુષ્કાળ તરીકે ઓળખીએ છીએ. એ ભીષણ દુષ્કાળ અને ભયાનક રોગચાળાના સમયે પણ આ મોગલ શહેનશાહના સુબેદારો ગરીબ-કંગાળ પ્રજા પાસેથી કર વસૂલતા હતા. કર ન ભરનાર પર શારીરિક – ધાર્મિક જુલમો આચરવામાં આવતા હતા. આનંદમઠ નવલકથા કોઈ કપોળ કલ્પિત નવલકથા નથી. ભારતીય ઇતિહાસનાં બે સુવર્ણ વર્ષ ઇ.સ. 1757 અને ઇ.સ. 1857. સો વર્ષના સમયગાળાના આ બંને વર્ષમાં સ્વતંત્રતા –સંગ્રામ ચરમસીમાએ પહોંચેલો. પ્રખર રાષ્ટ્રભક્ત, સંવેદનશીલ કવિ અને સમર્થ સાહિત્ય સર્જક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ઇ.સ. 1857ના સંગ્રામકાળ દરમ્યાન નાયબ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર જેવા હોદ્દાની રૂએ અનેક જૂના દસ્તાવેજો, ગૅઝેટિયર વગેરે જોવાં-તપાસવાં પડતાં. સ્વતંત્રતા – સંગ્રામની જ્વાળા અંગ્રેજોને દઝાડી રહી હતી. એ કાળખંડમાં બંકિમબાબુએ ઇ.સ. 1780ના સમયમાં ઢાકા, ઉત્તર બંગાળ, નેપાળનો તરાઈ પ્રદેશ, દિનાજપુર, રંગપુર અને પૂર્ણિયા વગેરે વિસ્તારોમાં થયેલા ‘સન્યાસી ક્રાંતિ’ સંબંધિત કાગળો અને દસ્તાવેજો હાથ લાગ્યા. ભારત ભક્તિથી તરબોળ સમર્થ સર્જક માટે આટલું પૂરતું હતું. ઇ.સ. 1857ની નજરે જોયેલી ઘટનાઓ. પોતે અનુભવેલા સ્પંદનો, ભારતની સ્વતંત્રતા માટે લડી રહેલા ક્રાંતિવીરો અને પોતાના હાથે લાગેલા ઐતિહાસિક દસ્તાવેજોએ બંકિમબાબુને એક ઐતિહાસિક કૃતિ લખવા પ્રેર્યા અને એમાંથી રચાઈ આનંદમઠ નવલકથાઓ…એ નવલકથામાં ‘વંદેમાતરમ્’ ગીતને બંકિમબાબુએ ભારતભક્ત સંન્યાસીઓને ગાતા વર્ણવ્યા છે. ગીત અને નવલકથા બંને જનમાનસમાં છવાઈ ગયા. ‘વંદેમાતરમ્’ભારતની સ્વતંત્રતા કાજે લડનારા ક્રાંતિવીરોનો મહામંત્ર બની ગયો. 1905માં બંગાળના ભાગલા પડ્યા ત્યારે ‘વંદે માતરમ્’ સમગ્ર રાષ્ટ્રનું યુદ્ધગીત બની ગયું હતું. આ પછી કૉંગ્રેસે પણ એને રાષ્ટ્રગીત તરીકે સ્વીકારી લીધું અને પહેલી જ વાર મહાકવિ રવીન્દ્રનાથ ટાગોરે આ ગીત કૉંગ્રેસ અધિવેશનમાં ગાયું. બ્રિટિશ સામ્રાજ્યવાદી આખલાઓ તો ‘વંદે માતરમ્’ના ઉચ્ચારણ માત્રથી જ ભડકી ઊઠતા હતા. પૂર્વ બંગાળના લેફટેનન્ટ ગવર્નરે તો એક આદેશ બહાર પાડ્યો હતો કે કોઈ પણ આ શબ્દનો ઉચ્ચાર કરશે તો એ અપરાધ ગણાશે.હજારો નવયુવકોએ આ આદેશની મજાક ઉડાવી બારીસાલની સડકો પર બ્રિટિશ લાઠીઓ અને બૂટની એડીનો જવાબ એમણે ‘વંદે માતરમ્’ના ગગનભેદી જયઘોષથી આપ્યો. એમણે પોતાનું લોહી વહેવડાવ્યું. એમણે વંદે માતરમને સબળ તથા પવિત્ર રાષ્ટ્રમંત્રના ઉચ્ચ આસને બેસાડ્યું. એ તરત જ આહલાદ અને પ્રેરણાદાતા મંત્ર બની ગયો. આ મંત્ર ભણેલો હોય કે અભણ, ધનવાન હોય કે નિર્ધન, નગરવાસી હોય કે વનવાસી-ગ્રામવાસી, વૃદ્ધ હોય કે યુવાન, સ્ત્રી – પુરુષ કે બાળક હોય, સૌની જીભે હતો. સેંકડો ક્રાંતિવીરોએ માતૃભૂમિને ચરણે એની અંતિમ અંજલી આપી, ફાંસીના ફંદાને ગળે વળગાડ્યો. ગાંધીજી આ ગીતના મહિમાનાં ગુણગાન ગાતા. 1927માં કોમિલ્લામાં એમણે કહ્યું, આ ગીત તો આપણી સમક્ષ એક અને અખંડ ભારતનું ચિત્ર રજૂ કરે છે. આ બે સરળ શબ્દોએ હજારો લેખો અને ભાષણોથી અસંભવ હતો એવો ચમત્કાર કરી બતાવ્યો. એ જાગરણ અને પુનરુત્થાન રાષ્ટ્રાત્માનો પોકાર બની રહ્યું.’1923માં કૉંગ્રેસના કાકીનાડા અધિવેશનમાં આ રાષ્ટ્રગીત પર સૌ પ્રથમ પ્રહાર થયો. એ દિવસોમાં મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ ગાયક અને દેશભક્ત વિષ્ણુ દિગંબર પલુસ્કર કાયમ કૉંગ્રેસના ઉદઘાટન અધિવેશનમાં પોતાના હૃદયસ્પર્શી તેમજ મધુર કંઠથી વંદે માતરમ્ ગાતા હતા; પણ આ વખતે જ્યારે તેઓ મંચ પર ગયા ત્યારે એમને કોન્ગ્રેસ અધ્યક્ષ મૌલાના મોહમ્મદ અલીએ રોક્યા. મૌલાનાએ કહ્યું કે ઈસ્લામમાં સંગીત વર્જિત છે તેથી તે એ ગીત ગાવા માટે મંજૂરી નહીં આપે. સમગ્ર સભા સ્તબ્ધ બની ગઈ. મંચ પર બેઠેલા બધા જ પ્રતિષ્ઠિત તથા દિગ્ગજ નેતાઓ મૂંગા અને મૂઢ બની ગયા. તેમાંથી કોઇની મૌલાને રોકવાની હિંમત ચાલી નહીં. એક મૌલાનાની મવાલીગીરી સામે બધા ચૂપ બેસી રહ્યા. કોઈએ જવાબ આપ્યો નહીં, પરંતુ પલુસ્કર અડગ રહ્યા. ‘ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ કોઈ સંપ્રદાય વિશેષની માલિકી નથી. આ સ્થાન મસ્જિદ પણ નથી કે જેથી અહીં ગાવા ઉપર પ્રતિબંધ મૂકી શકાય. અટકાવનાર તમે કોણ ? મને ‘વંદે માતરમ્’ ગાતાં રોકવાનો આપનો કોઈ અધિકાર નથી. આ સ્થાન પર ગાવું આપના સંપ્રદાય વિરુદ્ધ છે, તો પછી તમારી અધ્યક્ષીય શોભાયાત્રામાં જ્યારે આ ગીતો ગવાતા હતા ત્યારે તમે ગીતો કેમ સહન કરી લીધા ?’ (વી. આર. આઠવલે : વિષ્ણુ દિગંબર પુરસ્કાર, પૃષ્ઠ: 23)આવા પડકારભર્યા પ્રશ્નનો મૌલાના પાસે કોઈ જવાબ નહોતો. તેઓ મંચ છોડી ચાલ્યા ગયા અને પલુસ્કર ‘વંદે માતરમ્’ ગાતા રહ્યા. પરંતુ કૉંગ્રેસને નવી ચિંતા સતાવા માંડી. મુસલમાનોને પોતાના પક્ષે કરવા માટે ‘વંદે માતરમ્’ ગીત એમના રસ્તામાં કાંટો બની નડતું હતું. અંગ્રેજોએ લાઠી – ગોળીઓ ચલાવી અને ‘વંદે માતરમ્’ પર પ્રતિબંધ મૂકી દીધો. ત્યારે કૉંગ્રેસ સહેજ પણ વિચલિત થઈ નહોતી. એ પછી કૉંગ્રેસે ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત તરીકે સ્વીકારી લીધું હતું; પરંતુ મુસલમાનો અને મુસ્લિમ લીગના વિરોધ આગળ એ ઘૂંટણીએ પડી ગઈ. 1922માં જ મુસ્લિમોને રાજી રાખવા માટે કૉંગ્રેસે રાષ્ટ્રીય સમુહગીન તરીકે પાકિસ્તાનનું બીજ વાવનાર મોહમ્મદ ઈકબાલનું ‘સારે જર્હાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ ગીતને સ્વકારી લીધું હતું. ઈકબાલની કવિતા આપણા મનને હિન્દુસ્થાન માટે પ્રેમ અને ગર્વથી ગદગદ્ કરી મૂકે છે એમાં કોઈ શંકા નથી, પરંતુ ઈકબાલના રાષ્ટ્રપ્રેમ સંબંધી ઉદગારોનો આ એક કામચલાઉ અંતરો હતો. ઈસ્લામનો ગહન અભ્યાસ કર્યા પછી ઈકબાલ જર્મનીથી પાછા ફર્યા ત્યારે ઈસ્લામ અને અખિલ ઈસ્લામવાદ એમની કલ્પના અને કાવ્યનો કાયમી અંતરો બની ગયો હતો. હવે એમણે નવું ગીત રચ્યું, ‘મુસ્લિમ હૈ હમ, વતન હૈ સારા જર્હાં હમારા.’ કાકીનાડાની ઘટના પછી 1937 સુધી ‘વંદે માતરમ્’ ને લઇને કૉંગ્રેસ સામે કોઇ મુશ્કેલી નહોતી આવી. આ વર્ષે પ્રાંતીય ધારાસભાઓ માટે ચૂંટણી થઈ હતી અને સાત પ્રાંતોમાં કૉંગ્રેસ સત્તા પર આવી હતી. કૉંગ્રેસ સરકારોએ કૉંગ્રેસ પરંપરા પ્રમાણે વિધાનસભાના કામકાજનો આરંભ ‘વંદે માતરમ્’ ગીતથી કરવા માંડ્યો. મુસ્લિમ લીગ પણ એની પરંપરા પર અડગ હતી. એણે આ ગીત વિરુદ્ધ યુદ્ધ છેડ્યું. વિધાનસભાઓમાં લીગના સભ્યોએ વિરોધમાં તોફાન મચાવી દીધું અને ધારાસભા છોડી બહાર નીકળવા માંડ્યા. ઓક્ટોબર 1937માં કલકત્તામાં કૉંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક મળવાની હતી. મુસ્લિમ લીગે એનું અધિવેશન પહેલાં ભરી નાંખ્યું અને કૉંગ્રેસ શાસિત રાજ્યોને ‘હિન્દુ રાજ્ય’ કહી એની આકરી ટીકા કરી. એની સૌથી મુખ્ય દલીલ એ હતી કે વિધાનસભાઓમાં ‘વંદે માતરમ્’ ગાવામાં આવે છે. ‘દેશ પર રાષ્ટ્રગીત તરીકે ‘વંદે માતરમ્’ ઠોકી બેસાડવામાં આવ્યું છે.’ કહી મુસ્લિમ લીગે કૉંગ્રેસની ટીકા કરી. આ ગીત અંગે કહ્યું, ‘એ દ્વેષપૂર્ણ છે, સાચે જ એ ઈસ્લામ વિરોધી છે, મૂર્તિપૂજાની પ્રેરણા આપે છે અને ભારતના સાચા રાષ્ટ્રવાદના મૂળિયાં પર ચોક્કસપણે કુહાડો મારે છે.’ મુસ્લિમ લીગે આહ્વાન કરતાં કહ્યું, ‘દેશનાં વિધાનમંડળો અને સાર્વજનિક સંસ્થાઓના મુસ્લિમ સભ્યો આ અત્યંત વાંધાજનક ગીત સાથે કોઈપણ પ્રકારનો સંબંધ ન રાખે.’ મુસ્લિમ લીગના આવા એકધારા માનસિક પ્રહારોથી કૉંગ્રેસ હલબલી ગઇ. એ ગભરાઇ ગઇ. થોડા દિવસો પછી કૉંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક મળી ત્યારે એના માથા પર મુસ્લિમ લીગના વિરોધનું ભૂત સવાર હતું. એણે ‘લઘુમતી અધિકાર’ સંબંધી પોતાની નીતિ નક્કી કરી. હિન્દુ –મુસ્લિમ એકતા વગર અંગ્રેજો સત્તા નહિ સોંપે. એકતા કરવી હશે તો કોઈ પણ ભોગે મુસલમાનોને નારાજ થવા દેવાય નહિ. એમને ઠેસ પહોંચે એવું કશું જ ન કરવું જોઈએ. એ માટે મુસ્લિમ લીગની માંગણી મુજબ કહેવાતી મુસ્લિમ ભાવનાઓને ધક્કો પહોંચે એવા અંશો ‘વંદે માતરમ્’ માંથી કાઢી નાંખવાનું કૉંગ્રેસ નક્કી કર્યું. માત્ર ગીતની પહેલી બે કડીઓ જ રાખી. એમાં માતૃભૂમિનું ભૌતિક ચિત્ર હતું. બાકીની બધી જ કડીઓ કાઢી નાખી. ખરેખર તો પાછળની કડીઓમાં જ આપણી રાષ્ટ્રીયતા અને સ્વાધીનતા સંઘર્ષનો આત્મા રહેલો હતો. પરંતુ કૉંગ્રેસે પણ બકરુ અને ગઠીયાની વાર્તાની જેમ માની લીધું કે, ‘ગીતના કેટલાક અંશો સામે મુસ્લિમોએ ઉઠાવેલા વાંધા યોગ્ય છે, આથી એ કાઢી નાખવા’ કૉંગ્રેસે ‘વંદે માતરમ્’ સિવાય અથવા એના બદલે વાંધાજનક ન હોય એવું કોઈ પણ બીજું ગીત ગાઈ શકાય એ પ્રકારની છૂટ એના કાર્યકર્તાઓને આપી દીધી. આમ કૉંગ્રેસે વંદે માતરમને રાષ્ટ્રગીતના ઉચ્ચ આસન પરથી ઊતારી એને બીજાં રાષ્ટ્રગીતોની હરોળમાં મૂકી દીધું હતું. કોન્ગ્રેસે મુસલમાનોને રાજી કરવા જેમ રાષ્ટ્રગીતના ટુકડા કર્યા એવી જ રીતે રાષ્ટ્રધ્વજના મામલે પણ એમની દાદાગીરી સામે ઝૂકી ગઇ.

:ક્રમશ:© kishormakwana


Spread the love