• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 57
• મુસ્લિમ લીગનો ‘વંદે માતરમ્’ સામે વાંધો
- ડૉ. બાબાસાહેબ આંબેડકર લખે છે: ‘ઝીણાએ ગુલાંટ ખાધી અને પાકિસ્તાન માટેનો બદનામ પ્રસ્તાવ પસાર કરીને મુસલમાનોને અલગ રાખવાની ખતરનાક અને વિનાશક નીતિ અખત્યાર કરી. …કમનસીબે આ નીતિ અપનાવીને ઝીણાએ મુસ્લિમોની કુસેવા કરી તે મુસલમાનો કેમ સમજતા નથી.
- મહંમદ ઝીણાએ કૉંગ્રેસની મનોદશાને બરાબર સમજી લીધી હતી. એમને સમજાઈ ગયું હતું કે મુસ્લિમ લીગ જેટલી અક્કડ બનશે, એટલી જ કૉંગ્રેસ વધુ નમશે. મુસ્લિમ લીગની ભ્રાંતિઓ દૂર કરી શકાય તથા મુસ્લિમ લીગની બધી માગણીઓ પૂરી થાય એમ કૉંગ્રેસ ખરા અંતઃકરણથી ઈચ્છે છે એવો વિશ્વાસ કરાવવા માટે પોતાની પરંપરા ચાલુ રાખી ફરીથી એકવાર કૉંગ્રેસ મુસ્લિમ લીગના પગ પકડવા માટે એના બારણે જઈ પહોંચી.
6 એપ્રિલ 1938ના રોજ પંડિત નહેરુએ મહંમદ ઝીણાને લખેલ પત્રમાં જણાવ્યું કે કોમી ચુકાદામાં એમની ચૌદ માગણીઓમાંથી મોટા ભાગની માગણીઓનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે અને બીજી કેટલીક માગણીઓ પણ કૉંગ્રેસને સંપૂર્ણ માન્ય છે; પરંતુ કેટલીક માગણીઓ અંગે બંધારણીય ફેરફારની જરૂરિયાત છે અને એ એમના હાલના અધિકાર ક્ષેત્રની બહારની વાત છે. એમણે કહ્યું કે કૉંગ્રેસે તો પહેલેથી જ આશ્વાસન આપ્યું છે કે કોમી ચુકાદામાં કોઈ પરિવર્તન ત્યારે જ કરી શકાશે કે જ્યારે સંબંધિત પક્ષો પરસ્પર સહમત થાય.
ડૉ. રાજેન્દ્રપ્રસાદે લખ્યું છે : ‘1938માં મહાત્મા ગાંધી અને તત્કાલીન કૉંગ્રેસ અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝે મુસ્લિમ લીગ પાસેથી એને કઈ વાતથી સંતોષ થશે એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો, એમની એ માંગણી પર કૉંગ્રેસ અને દેશ વિચાર કરે અને શક્ય હોય તો એ પૂરી કરે, આ જરૂરી હતું. કારણ કે ઝીણાની ચૌદ સૂત્રી માગણીઓ તો બ્રિટિશ સરકારે લગભગ સ્વીકારી લીધી હતી અને 1935ના બંધારણમાં સામેલ પણ કરી લીધી હતી.
પરંતુ મુસ્લિમ લીગ એની માંગણીઓ વધારતી ગઈ અને સમજૂતીને અસંભવ બનાવતી ગઈ. ઝીણાનો આગ્રહ હતો કે મુસ્લિમ લીગને સમગ્ર મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી એક માત્ર સંસ્થાના સ્વરૂપે માન્યતા આપવામાં આવે. કૉંગ્રેસે માત્ર હિન્દુઓના પક્ષે જ બોલવું જોઈએ. કૉંગ્રેસ આમાંની એક પણ વાત સ્વીકારવા અસમર્થ હતી. સ્વીકારે પણ કેવી રીતે ? મંત્રણામાં મુસ્લિમ લીગની માગણીઓનો કોઈ ઉકેલ જ નીકળી શક્યો નહિ.’ (રાજેન્દ્રપ્રસાદ : ઈન્ડિયા ડિવાઈડેડ, પૃષ્ઠ: 144)
દુર્ભાગ્યે કૉંગ્રેસ ઝીણાની ઊંડી ચાલને સમજી શકી નહિ. સમજી તો એની સામે ટક્કર લેવાનું એનામાં સાહસ ન હતું. ઝીણાનો ઉદ્દેશ સ્પષ્ટ હતો. 1937ની ચૂંટણીમાં જોવા મળ્યું કે મુસલમાનોએ મુસ્લિમ લીગને પોતાના પ્રતિનિધિ તરીકે સ્વીકારી નહોતી તેમજ ઝીણાને પણ પોતાના નેતા તરીકે માન્યા ન હતા. હવે ઝીણા એવી સ્થિતિએ પહોંચવા માગતા હતા જ્યાં કોંગ્રેસનું પહોંચવાનું ગજુ ન હોય. કટ્ટરવાદમાં એમણે બધાને પાછળ રાખી દીધા. કોંગ્રેસ જેટલી મુસલમાનો આગળ ઝૂકતી એટલો ઝીણા વધુ ઝેરી પ્રચાર કરતા હતા.
કોંગ્રેસ વારંવાર મુસ્લિમ લીગના બારણે આંટા મારવા લાગી એટલે મુસ્લિમ લીગ અને ઝીણાને અખિલ ભારતીય નેતા તરીકે ઉપસાવવામાં મદદ મળી. મુસ્લિમ લીગની ઈસ્લામના નામે હાય –તોબા મચાવવાની ચાલ સફળ સાબિત થઈ. વાસ્તવમાં કૉંગ્રેસે લીગને મુસલમાનોના એક માત્ર પ્રવક્તા તરીકે માન્યતા આપી દીધી જ હતી. આ બધાને કારણે મુસ્લિમ લીગના નસીબમાં બારણાં ઝડપથી ખુલવા માંડ્યાં. અપક્ષ ઉમેદવાર તરીકે કે બીજા પક્ષોની ટિકિટ પર જીતેલા અનેક મુસ્લિમ વિધાયકો હવે મુસ્લિમ લીગના ઝુંડમાં સામેલ થવા માંડ્યા.
સંયોગવશાત્ નહિ ધારેલી એવી એક બીજી પરિસ્થિતિએ મુસ્લિમ લીગને મદદ કરી. મુંબઈમાં કૉંગ્રેસી પ્રધાનમંડળ સત્તા પર આવતાં 1937માં વીર સાવરકરને છોડી મૂકવામાં આવ્યા. આ વચગાળાનું પ્રધાનમંડળ ટિળક લોકતાંત્રિક સ્વરાજ્ય પાર્ટીના જમનાદાસ મહેતાના ટેકાથી અસ્તિત્વમાં આવ્યું હતું. જમનાદાસ મહેતા વીર સાવરકરને બિનશરતી મુક્ત કરવામાં આવે એ શરતે પ્રધાનમંડળમાં જોડાયા હતા, આથી સાવરકરને છોડવામાં આવ્યા. આ જ વર્ષે હિન્દુ મહાસભાના અધિવેશનની અધ્યક્ષતા કરતાં વીર સાવરકરે અમદાવાદમાં કહ્યું, ‘અનેક નાદાન રાજકીય નેતાઓ ભારત એક મજબૂત-સંગઠિત રાષ્ટ્ર તરીકે ગૂંથાયેલું છે અથવા એવી ઈચ્છા માત્રથી જ એવું બની જશે એમ માનવાની ગંભીર ભૂલ કરે છે. આપણા આ સહ્રદયી, પરંતુ અવિવેકી મિત્રો પોતાનાં સ્વપ્નોને વાસ્તવિક માની લે છે. આના કારણે જ સાંપ્રદાયિક પ્રશ્નો પરત્વે પોતાની અધીરાઈનો પરિચય કરાવે છે અને એને સાંપ્રદાયિક સંગઠનોને માથે મઢી દે છે. નક્કર હકીકત એ છે કે કહેવાતા સાંપ્રદાયિક પ્રશ્નો આપણા માટે એવી થાપણ છે, જે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે સૈકાઓ જૂના આપણા સાંસ્કૃતિક, ધાર્મિક અને રાષ્ટ્રીય વેરભાવની દેણગી છે. સમય આવે તમે એને ઉકેલી શકો છો; પરંતુ એને માન્યતા ન આપી એનું દમન કરી શકતા નથી. આ જૂના રોગની અવગણના ન કરતાં એનું યોગ્ય નિદાન કરી અને યોગ્ય ઉપચાર કરવામાં આવે એમાં જ ભલાઈ છે. આપણે અપ્રિય તથ્યોનો સામનો યથાતથારૂપે જ કરવો જોઈએ. આજે ભારતને એકાત્મક તથા સમાંગી રાષ્ટ્ર સમજી શકાય નહિ. આનાથી વિરુદ્ધ અહીં તો બે મુખ્ય રાષ્ટ્રો છે – હિન્દુ અને મુસ્લિમ.’ (રામગોપાળ : ઈન્ડિયન મુસ્લિમ્સ, પૃષ્ઠ: 264) વીર સાવરકર અને ડો. આંબેડકર બંનેની ભૂમિકા આ મામલે એક સરખી હતી.
મુસ્લિમ લીગીઓએ ‘વંદે માતરમ્’ના કરેલા વિરોધનો સંદર્ભ આપતાં વીર સાવરકરે કહ્યું, ‘આ ભિન્ન સંસ્કૃતિઓ, જાતિઓ અને તથા રાષ્ટ્રોનો સંઘર્ષ છે. આ નાની નાની વાતો તો મુસ્લિમ મસ્તિષ્કમાં ઊંડે ઊંડે પેઠેલા રોગનાં બાહ્ય અને અસ્થાયી લક્ષણો માત્ર છે.’ (ઈન્દ્રપ્રકાશ : હિન્દુ મહાસભા, પૃષ્ઠ: 152-154)
વીર સાવરકરનું પ્રવચન વર્તમાનપત્રોમાં છપાયું તો બધા રાષ્ટ્રવાદીઓને ભારે આઘાત લાગ્યો. હિન્દુ રાષ્ટ્રવાદનો સર્વાધિક પ્રબળ અને અટલ સમર્થક આવી વાત કરશે એની તો સ્વપ્નમાં પણ કોઈને આશા નહોતી. તેઓ હંમેશાં હિન્દુ રાષ્ટ્રવાદ જ ભારતનો એકમાત્ર સાચો રાષ્ટ્રવાદ છે એ વાત પર ભાર મૂક્યા કરતા હતા.
‘હિન્દુ ભારત’ અને ‘મુસ્લિમ ભારત’ જેવા દેશના કોઈ ભાગલા પડે એ વાતના વીર સાવરકર કટ્ટર વિરોધી હતા. આ પ્રવચનમાં સાવરકરે દ્રઢ શબ્દોમાં કહ્યું હતું, ‘ભારતીય રાજ્યને વિશુદ્ધ ભારતીય રહેવા દેવામાં આવે. મતાધિકાર, લોકસેવા, કાર્યાલય કે સંપ્રદાય અને જાતિના આધારે કરવેરા જેવી વાતોમાં કોઈ પક્ષપાતપૂર્ણ ભેદભાવને માન્યતા આપવી જોઈએ નહિ. કોઈ વ્યક્તિ હિન્દુ હોય કે મુસલમાન કે ઈસાઈ કે યહૂદી, આ આધારે એના પ્રત્યે કોઈ પ્રકારનું વિશેષ ધ્યાન આપવું જોઈએ નહિ. સામાન્ય વસતી ગણતરીમાં સાંપ્રદાયિક કે જાતીય ટકાવારીનો વિચાર કર્યા વિના જ બધા નાગરિકો સાથે એની યોગ્યતા પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ.’ (ઈન્દ્રપ્રકાશ : હિન્દુ મહાસભા, પૃષ્ઠ: 152-154)
કૉંગ્રેસ વિરુદ્ધ મુસ્લિમ લીગે જે આક્ષેપો કર્યા અને કૉંગ્રેસે જે રીતે એના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો, એનાથી દેશની બે હરીફ શક્તિઓના મનોભાવોનો ખ્યાલ આવી જાય છે. એકે અલગતાવાદી, રાષ્ટ્રવિરોધી અને આક્રમક રૂપ અપનાવ્યું તો બીજો એવી મૃગતૃષ્ણામાં ફસાઈ ગયો કે પેલાની ધમકીને શાંત પાડવા એ જે માંગે તે આપીને શાંત કરવાનો પ્રયત્ન કરતો હતો. એની વધારે ને વધારે માગણીઓ પૂરી કરવામાં આવતી હતી, પછી ભલે ને એના માટે આપણા રાષ્ટ્રીય મૂલ્યો અને ભાવનાઓનાં બલિદાન આપવા પડે. ગુંડાઓ કે ગઠિયાઓની માંગણી તમે જેમ સંતોષો એમ એ વધુને વધુ ઝુકાવતા જાય છે. અહીં પણ એવું જ બની રહ્યું હતું. મુસ્લિમ લીગની મવાલીગીરી જેમ વધુ આક્રમક બનવા લાગી એમ કોંગ્રેસ માયકાંગલી બની એની માંગણીઓ સંતોષવા લાગી. સૌથી દુ:ખદ ઉદાહરણ ‘વંદે માતરમ્’નું છે. મુસ્લિમ લીગ અને મુસલમાનોને ખુશ કરવા ‘વંદે માતરમ્’ ગીતના જ ટુકડા કરી નાખ્યા. એની કથા પણ બહુ પીડાકારક છે
:ક્રમશ:
© Kishor makwana