Spread the love

• કિશોર મકવાણા

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ દર સોમવાર બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…

ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ – 51

• કોમી ચૂકાદો : અંગ્રેજોએ હિન્દુ-મુસ્લિમ એકતામાં કાયમી ખંજર ભોંક્યું

  • ગોળમેજી પરિષદની કાર્યવાહી ત્રણ રીતે ચાલી હતી. એની સમૂહતંત્ર બંધારણ સમિતિની બેઠકો થઇ, લઘુમતી સમિતિની બેઠકો અને છેવટે આખી ગોળમેજી પરિષદની સાધારણ સભાની બેઠક. ગાંધીજી બંને સમિતિઓના સભ્ય હતા. વળી અંગ્રેજોએ એક ચાલ એવી ચાલી કે લઘુમતી સમિતિના અધ્યક્ષ ગાંધીજીને જ બનાવ્યા.
  • કોમી ચુકાદા પ્રમાણે અલગ સિંધ પ્રાંતની રચના અને પશ્ચિમોત્તર સીમા પ્રાંતને ગવર્નરના પ્રાંતનો દરજ્જો આપવાની વાત હતી. એના હેતુની પોલ તો ડૉ. આંબેડકરે ખોલી નાખી હતી. એ રહસ્ય હતું: વધુ ને વધુ મુસ્લિમ પ્રાંત બનાવવાની યોજના.
    ‘કોમી આધારિત પ્રાંતોની આ યોજનામાં વધુ કોમી પ્રશ્નો ઘૂસી ગયા છે અને એના વડે જ સાંપ્રદાયિક અત્યાચારોનું ચક્ર ચલાવાઈ રહ્યું એમાં તો કોઈ શંકા નથી.

બીજી ગોળમેજી પરિષદ એ એક અર્થમાં ઈંગ્લેન્ડે ગોઠવેલી જટીલ-ખતરનાક શતરંજની રમત જ હતી અને ત્રણ મહિના ચાલેલી એ રમતમાં ઈંગ્લેન્ડ અને ભારત ભાગ લઇ રહ્યા હતા. અંગ્રેજ સરકાર કોંગ્રેસ સમગ્ર રાષ્ટ્રનું નેતૃત્વ કરી રહી છે એ સ્વીકારતી નહોતી.
ગોળમેજી પરિષદની કાર્યવાહી ત્રણ રીતે ચાલી હતી. એની સમૂહતંત્ર બંધારણ સમિતિની બેઠકો થઇ, લઘુમતી સમિતિની બેઠકો અને છેવટે આખી ગોળમેજી પરિષદની સાધારણ સભાની બેઠક. ગાંધીજી બંને સમિતિઓના સભ્ય હતા. વળી અંગ્રેજોએ એક ચાલ એવી ચાલી કે લઘુમતી સમિતિના અધ્યક્ષ ગાંધીજીને જ બનાવ્યા. ગાંધીજીના પ્રમુખપણા હેઠળ પરિષદ ચાલી ત્યાં સુધી લઘુમતી સમિતિમાં કોઇ સર્વસંમતિ ન સધાઇ, પરિણામે કોઇ નિર્ણય પણ ન લેવાયો.
આમ જોવા જાવ તો અંગ્રેજોએ ગાેળમેજી પરિષદ બોલાવી હતી તેની પાછળ મુખ્ય કારણ બે જ હતા. એક તો ઘર આંગણે બ્રિટન ભયાનક આર્થિક મંદીમાં સપડાયું હતું એ સંજોગોમાં ભારતમાં ટકવું અઘરું હતું. અને બીજું ભારતમાં સ્વતંત્રતાની ચળવળ તેજ બની રહી હતી એવા સમયે ભાગલા પાડને રાજ કરો. ભારતની અંદર જ અલગ અલગ જૂથોમાં ઝગડા કરાવવા. એમાં મોટા મોટું હથિયાર એમના માટે મુસલમાનો હતા. એમને ભારતમાં જ ભારતની સામે ઊભા કરી દેવા અને ભારતમાં જ એક નવા દેશનું નિર્માણ થાય એ માટે પૂરતા પ્રમાણમાં ખાતર પાણી નાખવા. કોમી ચૂકાદો એ ખાતર – પાણીમાં સૌથી શક્તિશાળી ખાતર હતું. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી હાજર રહ્યા હતા, પરંતુ એમની કામગીરી અને પ્રભાવ સાવ નબળો રહ્યો. એનો અંગ્રેજોએ ભરપૂર લાભ લીધો. વળી લખનૌમાં કોંગ્રેસે ‘લખનૌ કરાર’ તરીકે જાણીતા થયેલા કરીરમાં મુસલમાનોને ભરપૂર લાભો આપવાનું સ્વીકાર્યું હતું એટલે બીજી ગોળમેજી પરિષદમાં ‘કોમી ચૂકાદા’ માં મુસલમાનોને અઢળક લાભો અંગ્રેજોએ આપ્યા એ વાત ગાંધીજીએ કમને પણ સ્વીકારીને ચાલવું પડ્યું. ડો. આંબેડકર કહે છે કે ‘હિન્દુઓની નબળાઇનો લાભ લેવાની ભાવના તે મુસ્લિમોની નોંધપાત્ર બાબત હતી’
કોમી ચૂકાદો જાહેર નિર્ણય જાહેર થયો કે તરત કહેવાતા રાષ્ટ્રવાદી ગણાતા ડૉ.અહમદ મુખ્તાર અંસારીએ ( ખિલાફતની કટ્ટર સમર્થક અને કોન્ગ્રેસ તેમજ મુસ્લિમ લીગ બંનેમાં કામ કર્યું) સૌ પહેલી પ્રતિક્રિયા વ્યક્ત કરી એ અત્યંત કઠોર તેમજ નારાજગીથી ભરેલી હતી. ડૉ. અંસારી અને શેરવાનીએ કહ્યું હતું કે, ‘કોમી ચુકાદાની વિશેષતાઓ આ રહી : ભારતીયોમાં ભેદ પડાવવાની નીતિને કાયમ રાખવી તેમજ તેને પ્રોત્સાહન આપવું, સાંપ્રદાયિક વિભાજનને પ્રોત્સાહન આપવું તેમજ તેનો ફેલાવો કરવો. સાંપ્રદાયિક સદભાવ-સહકારની બધી ભાવિ આશાઓ પર પાણી ફેરવી દે એવા નવા સાંપ્રદાયિક સમૂહો અને સ્વાર્થોની સૃષ્ટિ રચવી.’ ડૉ. અંસારીએ તો ત્યાં સુધી કહ્યું કે કોમી ચુકાદો ખરેખર તો વિષનો પ્યાલો છે. (ઈન્દ્રપ્રકાશ : એ રિવ્યૂ ઓફ ધ વર્ક એન્ડ હિસ્ટ્રી ઓફ હિન્દુ મહાસભા, પૃષ્ઠ: 66-67)
કોમી ચૂકાદાનો આટલા આકરા શબ્દોમાં વિરોધ કરનાર ડૉ. અંસારીને લંડનથી સૂચના મળી તો એ સાથે જ નરમ પડી ગયા. એમણે મૌન ધારણ કરી લીધું. ડૉ. અંસારીના વર્તનમાં અચાનક આવેલું મોટું પરિવર્તન ન સમજાય તેવું હતું. ડો. અંસારી પાછળથી જામિયા-મીલિયા યુનિવર્સિટીના મૃત્યુપર્યંત કુલપતિ રહ્યા હતા.
‘રાષ્ટ્રવાદી મુસલમાન’ મુસ્લિમ લીગની સાંપ્રદાયિક તેમજ અલગતાવાદની નીતિ તરફ કેવી રીતે ઢસડાતા રહ્યા હતા તેનો ખ્યાલ આ એક બાબત પરથી આવી શકે છે. 1927માં નહેરુ અહેવાલ સ્વીકારી લેવા માટે પોતાનો નિષ્પક્ષ આગ્રહ રાખતાં ડૉ. અંસારીએ વિશેષ સવલતો દ્વારા લઘુમતીઓ માટે ક્યાં ક્યાં સંકટો પેદા થઈ શકે છે એ જણાવ્યું હતું. રાષ્ટ્રસંઘની એક સમિતિના અહેવાલને ટાંકતાં એમણે કહ્યું હતું, ‘લઘુમતીનું સાચું રક્ષા – કવચ તો બહુમતીનો સદ્દભાવ છે.’ એમણે એ પણ કહ્યું હતું કે બહુમતી પાસેથી વિશેષાધિકાર પડાવી લેવામાં લઘુમતીની પ્રતિષ્ઠા અને કલ્યાણ નથી; પરંતુ એ (વિશેષાધિકારો) તો એના દેશપ્રેમ, જનભાવના અને દેશભક્તિ પર આધાર રાખે છે. બંધારણ દ્વારા આપવામાં આવેલા ઉપાયો તો ‘નબળા કરે તેવા ઉપહાર’ છે, એમ કહી એમણે ઉમેર્યું, ‘એનાથી લઘુમતીનું પેટ ક્યારેય ભરાશે નહિ. બંધારણીય ઉદાર સવલતોના સંરક્ષણમાં ખુલ્લી સ્પર્ધાથી અલગ રહી આ લોકો (લઘુમતી) અજ્ઞાન, ધર્માંધતા અને આળસના દળદળમાં ફસાતા જશે અને આખરે એમને આંશિક ટેકો આપવાનું વચન આપ્યું હતું એ જ લોકો એમને કચડી નાખશે.’ (વી. બી. કુલકર્ણી : ઈન્ડિયા એન્ડ પાકિસ્તાન, પૃષ્ઠ: 217)
કૉંગ્રેસ ફરીથી વમળોમાં ફસાઈ ગઈ. જો કે એને માટે આ કોઈ નવી વાત નહોતી. એક બાજુ કોમી ચુકાદારૂપી રાષ્ટ્રની મૂળ એકતા પર કુઠારાઘાત કરતી રાષ્ટ્રવાદી, સામ્રાજ્યવાદી પિપાસા હતી તો બીજી તરફ મુસ્લિમનો ટેકો હાથમાંથી સરકી જવાની આશંકા હતી. બીજી તરફ મુસલમાનો અંગ્રેજો અને કોંગ્રેસ – બંને બાજુથી ઇસ્લામ ભારતમાં કેવી રીતે મજબૂત થાય એ માટે લાભ લેતા હતા. મુસલમાનો કોંગ્રેસને ડરાવી-ધમકાવીને લાભ લેતા હતા, તો અંગ્રેજોને બ્લેકમેઇલ કરીને એમની પાસેથી લાભ લેતા હતા.
હિન્દુ-મુસ્લિમ એકતાના મામલે હજારમીવાર મુરખ બનેલી કૉંગ્રેસના પગ લથડાવા લાગ્યા; પરંતુ સ્પષ્ટ શબ્દોમાં કોમી ચૂકાદાનો અસ્વીકાર કરવો રાજકીય દ્રષ્ટિએ નુકસાનકારક લાગવાથી એમણે જાહેરાત કરી કે ‘એ નિર્ણયનો સ્વીકાર કે અસ્વીકાર’ કરતી નથી. ટૂંકમાં દેશહિતનો જરાય વિચાર ન કર્યો. ન તો એણે સ્પષ્ટ નીતિ અપનાવી. કોંગ્રેસના આવા વલણમાં શબ્દોનો અર્થ બેવડો દેખાય છે, પણ એનો ભાવ સ્પષ્ટ હતો : કૉંગ્રેસ કોમી ચુકાદાનો વિરોધ નહિ કરે. સંસ્કૃતમાં એક કહેવત છે, ‘મૌન સંમતિ લક્ષણમ્’ અર્થાત્ કૉંગ્રેસે મૌન સંમતિ આપી દીધી. અંગ્રેજો અને મુસ્લિમ લીગનું ષડ્યંત્ર ફરી એકવાર સફળ રહ્યું. અંગ્રેજો અને મુસલમાનો ધીરે ધીરે એક નવા મુસ્લિમ દેશની રચના તરફ સરકી રહ્યા હતા. અને કોંગ્રેસ જેવો જવાબદાર પક્ષ બેજવાબદાર બની રહ્યો હતો. એણે ભવિષ્યમાં બનનાર ખતરનાક નીતિ રીતિઓ સામે શરણાગતિ સ્વીકારી લીધી. એની મુસ્લિમ તુષ્ટીકરણની નીતિ દેશ માટે ઘાતક બની રહી હતી. પરિણામે કોમી ચુકાદાએ મુસલમાનોને અમૂલ્ય ભેટ આપી. સિંધને મુંબઈ પ્રાંતથી અલગ કરી એને એક અલગ, પૂર્ણ મુસ્લિમ બહુમતીવાળો પ્રાંત બનાવી દેવામાં આવ્યો. સિંધમાં હિન્દુઓ પર આક્રમણનાં વાદળો વધુ ગાઢ બનતાં જતાં હતાં. અનેક હિન્દુ પ્રતિનિધિ મંડળોએ ગાંધીજીને મળી વિનંતી કરી કે સિંધને મુંબઈથી અલગ કરવું એટલે હિન્દુઓને મુસ્લિમ ધર્માંધતાની ભઠ્ઠીમાં ફેંકી દેવા બરાબર છે, પણ કૉંગ્રેસ તો પહેલેથી જ 1931ના કરાંચી અધિવેશનમાં સિંધ અંગેની મુસ્લિમ માગણી સ્વીકારી ચૂકી હતી. એણે તો ઠરાવમાં જ ‘લઘુમતીઓને પોતાની ભાષા, લિપિ, સંસ્કૃતિ, શિક્ષણ વગેરેનું રક્ષણ અને વિકાસ કરવાનો અધિકાર છે’ કહી એ વાતને યોગ્ય ઠેરવી હતી.
ગાંધીજીને પૂછવામાં આવ્યું કે , ‘તેઓ સિંધને ફરીથી મુંબઈમાં ભેળવવા માટે પ્રયત્ન કેમ કરતા નથી ? સિંધમાં હિન્દુઓ લઘુમતીમાં છે અને એમની સાથે ઘોર દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.’ ગાંધીજીએ જવાબમાં કહ્યું :
‘સિંધ અંગે મારી સંમતિ પહેલાંના જેવી જ છે. સિંધનો મુંબઈ પ્રાંતમાં પુનઃ સમાવેશ કરવો એ બીજા આધારો પર સારો પ્રસ્તાવ હોય કે ન હોય, પણ એનો હેતુ જીવન અને સંપત્તિની વધુ સુરક્ષા નથી એ વાત તો નિશ્ચિત છે. પ્રત્યેક ભારતીય, એ હિન્દુ હોય કે મુસલમાન, એણે આત્મરક્ષાની કળા શીખવી પડશે. સાચી લોકશાહીની આ કસોટી છે. રાજ્યની રક્ષણ કરવાની ફરજ છે ખરી; પરંતુ જે લોકો આત્મરક્ષાના કાર્યમાં એને મદદ કરતા નથી, એમની એ રક્ષા કરી શકતું નથી.’ (હરિજન, 10. 02. 1940) ટૂંકમાં સિત્તેર ટકા સામે હિન્દુઓએ જાતે લડી લેવું એવું કહેવું હતું.
સિંધ અંગે ગાંધીજીના અભિપ્રાય પ્રમાણે હિન્દુઓ કેવી રીતે વર્તી શકે એ કલ્પના બહારની વાત હતી. જે અંગ્રેજ સરકાર 70% મુસ્લિમ જનતા સાથે મળી જઈ હિન્દુઓને પીડા આપવાની કસમ ખાઈને બેઠી હતી એ સરકાર કેવી રીતે હિન્દુઓને મદદ કરી પોતાની ફરજનું પાલન કરવાની હતી ? હિન્દુઓની હાલત આગળ ખાઇ ને પાછળ વાઘ જેવી હતી. બંને તરફથી મોત જ હતું અને કોન્ગ્રેસે હાથ અધ્ધર કરી લીધા હતા.
કોમી ચુકાદા પ્રમાણે અલગ સિંધ પ્રાંતની રચના અને પશ્ચિમોત્તર સીમા પ્રાંતને ગવર્નરના પ્રાંતનો દરજ્જો આપવાની વાત હતી. એના હેતુની પોલ તો ડૉ. આંબેડકરે ખોલી નાખી હતી. એ રહસ્ય હતું: વધુ ને વધુ મુસ્લિમ પ્રાંત બનાવવાની યોજના.
‘કોમી આધારિત પ્રાંતોની આ યોજનામાં વધુ કોમી પ્રશ્નો ઘૂસી ગયા છે અને એના વડે જ સાંપ્રદાયિક અત્યાચારોનું ચક્ર ચલાવાઈ રહ્યું એમાં તો કોઈ શંકા નથી. કોમી પ્રાંતોની રચનાની માગણી પાછળ આ જ હેતુ રહેલો હોય તો એનાથી જન્મ લેનાર પદ્ધતિ પણ એક દૂષિત પદ્ધતિ જ હશે એ વાત નિશ્ચિત છે.’
‘આ વિશ્ર્લેષણથી ‘કોમી સમસ્યા’ બે દૂષણોનું મિશ્રણ છે એ વાત સ્પષ્ટ થઈ જાય છે. એ બે દૂષણો છે : અલગ કોમી મતદારમંડળો પર આધારિત કાયદેસર સાંપ્રદાયિક બહુમતી અને બીજું દૂષણ છે – કાયદેસરની બહુમતીને લઘુમતી પર અત્યાચાર કરવા સમર્થ બનાવનાર ખાસ કરીને રચાયેલા સાંપ્રદાયિક પ્રાંતો.’ (બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 96-97)
ચુકાદામાં સંઘાત્મક બંધારણની મુસ્લિમ માગણીનો પણ સ્વીકાર કરાયો હતો. એનો અર્થ હતો – વધારાની સત્તાઓ કેન્દ્રમાં સમાવવામાં ન આવે. એનાથી પણ હિન્દુઓને માર પડવાનો હતો.
વધારાની સત્તાઓ ગવર્નર જનરલના હાથમાં સોંપવામાં આવી, એનો ઉપયોગ એ સ્વવિવેકને આધીન રહી ‘લઘુમતીનાં હિતોની રક્ષા માટે’ કરી શકતા હતા. ડો. આંબેડકરે સાચું લખ્યું કે ‘મુસ્લિમોએ જે માંગ્યું તેના કરતા તેમને વધું આપવામાં આવ્યું હતું.’

|: ક્રમશ:| ©kishormakwana


Spread the love