• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 50
• અંગ્રેજોની નીતિ રીતિ : મુસલમાનો માંગે કે ન માંગે…બસ આપો
- ડૉ. આંબેડકરે આ ચુકાદામાં ક્ષીણ થતી જતી અસમાનતા પ્રત્યે ધ્યાન ખેંચ્યું. હિન્દુ–મુસ્લિમ લઘુમતીના મતદારમંડળોના પ્રશ્ને આ કોમી ચુકાદો અસમાન વ્યવહાર કરે છે. ડો. આંબેડકર લખે છે:
‘‘એ હિન્દુ પ્રાંતોમાં મતદાર મંડળોના પ્રશ્ને મુસ્લિમ લઘુમતીને આત્મનિર્ણયનો અધિકાર આપે છે; પરંતુ મુસ્લિમ પ્રાંતોમાં હિન્દુ લઘુમતીને આવો અધિકાર અપાતો નથી. - ડો. આંબેડકર, ગાંધીજી, નહેરુ સહિત બધા જ રાષ્ટ્રીય નેતાઓએ કોમી ચુકાદાને વખોડ્યો. હિન્દુઓ માટે તો તે ને અત્યંત અયોગ્ય અને ભેદભાવ રાખનારો કહેવામાં આવ્યો.
ગાંધીજીના અભિપ્રાય અનુસાર તો આ ચુકાદો રાષ્ટ્રવિરોધી હતો તેમજ હિન્દુઓ માટે તો એ ઘોર અન્યાયી હતો.
બીજી ગોળમેજી પરિષદમાં મુસલમાનોએ માંગ્યું એના કરતા અનેકગણુ આપવામાં આવ્યું હતું. ‘કોમી ચૂકાદા’ તરીકે કુખ્યાત નિર્ણય જાણે કે ભાગલા માટેનું બીજારોપણ હતું.
કોમી ચુકાદામાં ઝેરીલો સિદ્ધાંત સમાવાયો હતો. ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે પ્રાંતિય વિધાનમંડળોમાં મુસલમાનોને તમામ હિન્દુ બહુમતી પ્રાંતોમાં – મદ્રાસ, મુંબઈ, સંયુક્ત પ્રાંત, આસામ, બિહાર અને ઓરિસ્સામાં એમની સંખ્યાના પ્રમાણ કરતાં વધુ પ્રતિનિધિત્વ આપવામાં આવશે. એ ઉપરાંત એમને પંજાબ અને બંગાળમાં હિન્દુઓ કરતાં મુસલમાનોને બંધારણીય બહુમતીનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. સાઈમન પંચે ઝીણાની જે ચૌદ માગણીઓ અયોગ્ય ગણાવી ફગાવી દીધી હતી એ બધી માગણીઓને લંડનમાં અંગ્રેજોએ આ ચુકાદામાં સ્વીકારી લીધી હતી.
એમ. એ. કરંદીકર લખે છે, ‘મહામહિમની સરકારના આ કોમી ચુકાદાની જાહેરાત એમ જણાવતી હતી કે સરકારના મતે મુસલમાનો સિવાય બીજા કોઈ સમૂહ રાજકીય મહત્વ નથી. ગોળમેજી પરિષદમાં મુસ્લિમ પ્રતિનિધિ મંડળે જે માગણીઓ મૂકી હતી, તે બધી જ મોટાભાગની સ્વીકારી લેવામાં આવી છે.’
ડૉ. આંબેડકરે આ ચુકાદામાં ક્ષીણ થતી જતી અસમાનતા પ્રત્યે ધ્યાન ખેંચ્યું. હિન્દુ–મુસ્લિમ લઘુમતીના મતદારમંડળોના પ્રશ્ને આ કોમી ચુકાદો અસમાન વ્યવહાર કરે છે. ડો. આંબેડકર લખે છે:
‘‘એ હિન્દુ પ્રાંતોમાં મતદાર મંડળોના પ્રશ્ને મુસ્લિમ લઘુમતીને આત્મનિર્ણયનો અધિકાર આપે છે; પરંતુ મુસ્લિમ પ્રાંતોમાં હિન્દુ લઘુમતીને આવો અધિકાર અપાતો નથી. હિન્દુ પ્રાંતોમાં મુસ્લિમ લઘુમતીને મનફાવતું મતદારમંડળ પસંદ કરવાની પરવાનગી આપવામાં આવી છે, તો હિન્દુ બહુમતીને આ અંગે કાંઈ કહેવાની અનુમતિ આપી નથી. આમ મુસલમાનોને મુસ્લિમ પ્રાંતોમાં સંવિધાનિક બહુમતી અને અલગ મતદાર મંડળ બન્ને આપવામાં આવ્યાં છે. આથી એમ કહી શકાય કે કોમી ચુકાદો હિન્દુ લઘુમતી પર એવું મુસ્લિમ શાસન લાવે છે કે જેને હિન્દુ બદલી શકતા નથી કે તેના પર પ્રભાવ પાડી શકતા નથી.’ (ડો. બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 94)
ડો. આંબેડકરે લખ્યું કે કોમી ચૂકાદામાં હિન્દુઓને અન્યાય કરવામાં આવ્યો હતો.
બંગાળ અને પંજાબમાં પૂર્ણ વૈધાનિક બહુમતીની એમની માગણી પૂરી કરવામાં આવી નથી એવી મુસલમાનો ફરિયાદ કરે છે, પણ હકીકત એ છે કે સૌથી વધુ નુકશાન હિન્દુઓને થયું છે. બીજા લોકોની સરખામણીમાં હિન્દુ હિતો પર આ ચુકાદાથી પડેલ હિતની અસરનું વર્ણન ડો. આંબેડકરની જેમ જ ડૉ. રાજેન્દ્રપ્રસાદે પણ કર્યું. એમણે એનું વર્ણન આ પ્રમાણે કર્યું છે : ‘બંગાળમાં હિન્દુઓ કુલ વસતીના 44.8% હતા અર્થાત્ લઘુમતીમાં હતા. એમને 250 બેઠકોમાંથી કેવળ 80 બેઠક જ ફાળવવામાં આવી જે કુલ બેઠકના 32% થાય છે. મુસલમાનો કુલ વસતીના 54.8% હતા. એમને 119 બેઠકો ફાળવી અર્થાત્ કુલ બેઠકોના 47.6%, યુરોપિયનોને 25 બેઠકો આપવામાં આવી. એમની સંખ્યા કુલ વસતીના 0.01% હતી. બેઠકોની કુલ સંખ્યાના 10% એમને ફાળવાયા. આમ જોવા મળશે કે યુરોપિયનોને 1000 ગણું મહત્વ આપવામાં આવ્યું. બહુમતી મુસલમાનોને પ્રતિનિધિત્વમાં લઘુમતીમાં લાવી દેવામાં આવ્યા અને લઘુમતી હિન્દુઓને તો એમને આવા બધા જ અધિકારોથી વંચિત કરી દેવાયા. ધ્યાન રાખવા જેવી વાત તો એ છે કે મુસલમાનો અને હિન્દુઓ, બન્નેનું પ્રતિનિધિત્વ ઓછું કરી દેવાયું, પણ વધારે કાપ તો હિન્દુ પ્રતિનિધિત્વ પર જ મૂકાયો. બીજા શબ્દોમાં કહીએ તો બીજા પ્રાંતોની જેમ સૌથી નાના સમુદાયને બહુમતી સમુદાયના ભોગે પ્રાથમિકતા – મહત્તા – આપવામાં આવી એટલું જ નહિ તો લઘુમતીમાં હોવાને કારણે જેને કોઈ પ્રાથમિકતા – મહત્તા –ગુમાવવાની ન હતી એ લઘુમતીના ભોગે પણ અપાઈ. અરે ! એમને તો બહુમતી સમુદાયના ત્યાગ કરતાંય વધુ પ્રમાણમાં ત્યાગ કરવો પડ્યો. પંજાબમાં શીખોને પ્રમુખતા આપવા માટે હિન્દુઓને પોતાના પ્રતિનિધિત્વના એક અંશથી હાથી ધોવા પડ્યા. જો કે હિન્દુઓ લઘુમતીમાં હતા અને યોગ્યતા અને ન્યાયના સામાન્ય માપદંડો પ્રમાણે તેઓ પ્રાથમિકતાના અધિકારી હતા.’ (રાજેન્દ્રપ્રસાદ : ઈન્ડિયા ડિવાઈડેડ, પૃષ્ઠ: 130) ટૂકમાં જ્યાં હિન્દુઓ બહુમતી હતા ત્યાં પણ મુસલમાનોને હક્કો આપવામાં આવ્યા અને જ્યાં એ બહુમતીમાં હતા એવા પ્રાંતોમાં પણ એમને જ વધું હક્કો આપવામાં આવ્યા.
ડો. આંબેડકર, ગાંધીજી, નહેરુ સહિત બધા જ રાષ્ટ્રીય નેતાઓએ કોમી ચુકાદાને વખોડ્યો. હિન્દુઓ માટે તો તે ને અત્યંત અયોગ્ય અને ભેદભાવ રાખનારો કહેવામાં આવ્યો. ગાંધીજીના અભિપ્રાય અનુસાર તો આ ચુકાદો રાષ્ટ્રવિરોધી હતો તેમજ હિન્દુઓ માટે તો એ ઘોર અન્યાયી હતો. પંડિત નહેરુએ કહ્યું, ‘કોમી ચુકાદો રાષ્ટ્રવાદની ઘોર વંચના છે. એનો ઉદ્દેશ્ય છે હિન્દુસ્તાનને સાંપ્રદાયિક ભાગોમાં વહેંચવું, વિનાશકારી પ્રવૃત્તિઓને તાકાત આપવી અને આ રીતે બ્રિટિશ સામ્રાજ્યવાદનાં મૂળ વધુ મજબૂત કરવાં.’ રવીન્દ્રનાથ ટાગોરેટ પંડિત મદન મોહન માલવીયને લખેલ એક ભાવપૂર્ણ પત્રમાં વિનંતી કરી હતી કે કોઈ પણ સંજોગોમાં આ કોમી ચુકાદો પ્રભાવી ન થાય તે જોવા પ્રયત્ન કરે. દેશવ્યાપી વિરોધ જોતાં કૉંગ્રેસ પણ આ કોમી ચુકાદાનો તદ્દન અસ્વીકાર કરશે એવી એક ધારણા બંધાઈ હતી. અંગ્રેજોએ પણ રાષ્ટ્રના મનોભાવ પારખી સ્ફૂર્તિ અને ચાલાકીથી કામ કરવા માંડ્યું હતું. ભારત સચિવ સેમ્યુઅલ હોરે કૉંગ્રેસ આ ચુકાદાનો વિરોધ ન કરે એ માટે આગાખાનને બરાબરના તૈયાર કર્યા હતા. જો આમ નહીં કરવામાં આવે તો આખી યોજના જ ધૂળમાં ભળી જશે એવી ચેતવણી આપી હતી. એ સમયે આગાખાન અને ઝીણા બન્ને લંડનમાં હતા. ડૉ. એમ. એ. અંસારીને અનુરોધ કરી હિન્દુ –મુસ્લિમ એકતાના હિતમાં કૉંગ્રેસ આ કોમી ચુકાદાને સ્વીકારી લે એ માટે પ્રયત્ન કરવા કહ્યું હતું.
|: ક્રમશ:| ©kishormakwana