• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 49
• અંતે અંગ્રેજો ભાગલાના બીજ વાવી દીધાં
- ગોળમેજી પરિષદમાં જ પહેલીવાર ‘પાકિસ્તાન’ શબ્દ સાંભળવા મળ્યો. આ શબ્દના જન્મદાતા હતા રહમતઅલી ચૌધરી અને કૅમ્બ્રિજના ત્રણ બીજા મુસ્લિમ વિદ્યાર્થીઓ. એમણે જ ‘પાકિસ્તાન’ શબ્દ બનાવ્યો હતો. Pakistan. અંગ્રેજી વર્ણમાળાના P થી પંજાબ, A થી અફઘાનિસ્તાન, K થી કાશ્મીર, S થી સિંધ અને ‘TAN’ થી બલૂચિસ્તાન માનવામાં આવ્યું હતું. આની પાછળ બ્રિટિશ અમલદારોનો હાથ હતો.
- ડો. આબેડકર લખે છે: ‘આખરે તો ભારતની રાજકીય શેતરંજ પર પાકિસ્તાન બનાવવા માટેની નાનીસૂની ચાલ નહોતી. અત્યાર સુધી ચાલવામાં આવેલી તે મોટામાં મોટી ચાલ હતી. કારણ કે તે દેશને છિન્નભિન્ન કરતી હતી.’
- બીજી ગોળમેજી પરિષદમાં અછૂતોના પ્રતિનિધિ તરીકે ડો. બાબાસાહેબ આંબેડકર હાજર હતા. એ ઇચ્છતા હતા કે અછૂતોને રાજકીય અધિકારો આપવામાં આવે, પરિણામે અછૂતો પણ અલગ મતદારમંડળ આપવામાં આવ્યું. જોકે અંગ્રેજો મુસલમાનોને જે રીતે વધુ અધિકાર આપતા હતા એથી ડો. આંબેડકર સખત નારાજ હતા. એની એમણે ટીકા પણ કરી. ડો. આંબેડકર જાણતા હતા કે મુસલમાનોની માંગણી આટલેથી ન તો અટકવાની છે કે ન તો એમને અલગ મતદાર મંડળથી એમને સંતોષ થવાનો છે
બીજી ગોળમેજી પરિષદ માટે કોંગ્રેસે ગાંધીજીને પોતાના એક માત્ર પ્રતિનિધિ નિયુક્ત કર્યા. ગાંધીજી પરિષદમાં પોતાની સાથે ડૉ. અંસારીને લઈ જવા ઈચ્છતા હતા; પરંતુ અંગ્રેજ સરકાર એક કહેવાતા ‘મુસ્લિમ રાષ્ટ્રવાદી’ની પસંદગી કરવાની અનુમતિ આપે એ સામે મુસ્લિમોએ ભારે વિરોધ કર્યો. અંગ્રેજોએ તો ગાંધીજીના પ્રયત્નોને નિષ્ફળ બનાવવાનું મનોમન નક્કી કરી લીધું હતું. મુસ્લિમ પ્રતિનિધિઓ સાથે કોઈ શાંતિપૂર્ણ સમજૂતી થાય એમ એ ઈચ્છતા નહોતા. એમણે સમસ્ત મુસ્લિમ નેતાઓમાંથી કટ્ટરવાદી માનસિકતા ધરાવતા આગાખાનને મુસલમાનોના પ્રવક્તા તરીકે પસંદ કર્યા. આગાખાન સાથે વાટાઘાટો કરી કોઈ સમજૂતીપૂર્વકનું સમાધાન શોધી કઢાય એવી ગાંધીજી પાસે આશા રાખવામાં આવી હતી. આ ઉપરાંત અંગ્રેજોએ ‘કોમી પ્રશ્ર’ વધુ ગૂંચવાડાભર્યો બનાવી દીધો. એમણે મુસલમાનોની સાથે સાથે શીખો, અછૂતો, ભારતીય ખ્રિસ્તીઓ (ખ્રિસ્તી મિશનરી દ્વારા લોભ-લાલચ-ધાકધમકીથી હિન્દુમાંથી ખ્રિસ્તી બનેલા), યુરોપિયનો અને આંગ્લ ભારતીયોના દાવાઓ પણ સામેલ કર્યા.
કોંગ્રેસની નજરે બધી દોડધામ વ્યર્થ ગઈ. ગાંધીજીએ કોઈ સર્વસંમત સમાધાનનું સૂત્ર શોધી શકાયું નથી એવું નિવેદન કર્યું; પણ અંગ્રેજોનો હેતુ તો કોઈ બીજો જ હતો. એમણે આગાખાનને ગાંધીજીની પાછળ રાખી ઉપર જણાવેલા પાંચ સમૂહોના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો શરૂ કરી અને એક ‘સર્વ સંમત સમજૂતી’ની જાહેરાત કરી. આ લોકોનો દાવો હતો કે તેઓ કુલ વસતીના 46% (ભાગ એમનો) છે. બધાં જ પ્રાંતીય વિધાનમંડળો અને કેન્દ્રમાં પણ એમને બંધારણીય ઢબે કુલ જગ્યાઓની બહુમતી જગ્યાઓ ફાળવવામાં આવે એવી માંગણી પણ કરવામાં આવી. એમણે તો ભારતીય બંધારણના સુધારાઓ માટે પોતપોતાનો હિસ્સો પણ નક્કી કરી દીધો. લંડનના ટોરી પ્રેસે અંગ્રેજોની આ ભાગલાવાદી લઘુમતી સમજૂતીની પેટ ભરીને પ્રશંસા કરી. ‘ધ ટાઈમ્સે કહ્યું, ‘આ તો લઘુમતી – અધિકારોના પ્રસ્તાવની રૂપરેખા છે. એમાં અનેક સમૂહે ભેગા મળી પોતાના દાવા રજૂ કર્યા છે. આ લોકો બ્રિટિશ ભારતની એક તૃતિયાંસ કરતાં વધુ વસતીનું પ્રતિનિધિત્વ કરે છે.’ (વી.પી. કુલકર્ણી : ઈન્ડિયા એન્ડ પાકિસ્તાન, પૃષ્ઠ: 231)
ભારતના વાણિજ્ય પ્રતિનિધિ એડવર્ડ બેંટહાલ અને એના નિષ્ઠાવાન અનુયાયીઓએ આ ગોળમેજી પરિષદ પછી એક ગુપ્ત પરિપત્ર પ્રસારિત કર્યો હતો. એના પરથી ખબર પડે છે કે ભારતની આઝાદીના શત્રુઓ સાથે મુસલમાનોની સાંઠગાંઠ હતી : ‘મુસલમાનોમાં મજબૂત અને ઉત્સાહી લોકો હતા. રાષ્ટ્રવાદી મુસ્લિમ અલી ઈમામે મતભેદ પેદા ન કર્યા. એ હંમેશા બુદ્ધિપૂર્વકની ચાલ રમ્યા. એમણે અમને ટેકો આપવાનું વચન આપ્યું હતું અને એનું એમણે પૂરેપૂરું પાલન કર્યું હતું. એના બદલામાં એમણે માગણી મૂકી – અમરે બંગાળમાં એમની જે દયનીય આર્થિક સ્થિતિ છે, તે ભૂલવી જોઈએ નહીં. અમે એમને લાડકોડ ન લડાવી શકીએ; પરંતુ એમને યુરોપિયન કંપનીઓમાં શક્ય હોય એટલી જગ્યાઓ અપાવીએ… કોંગ્રેસ સાથે ટક્કર થશે એ તો અમે પહેલેથી જ વિચાર્યું હતું… મોટી સફળતા માટે શક્ય એટલા બધા મિત્રો અમારા પક્ષે રહે એ જરૂરી હતું. મુસલમાનો તો બરાબર જ હતા. લઘુમતી સમજૂતી અને સરકારના સામાન્ય વલણથી એમને સુનિશ્ચિત કરી દીધા હતા. દેશી રાજાઓ અને લઘુમતીઓ પણ અમારા પક્ષે હતી… મુસલમાનો યુરોપિયનોના પાકા મિત્ર બની ગયા છે, તેઓ એમની સ્થિતિથી પ્રસન્ન છે અને અમારી સાથે કામ કરવા તૈયાર છે.’ (પટ્ટાભિ સીતારામૈયા : હિસ્ટ્રી ઓફ કૉંગ્રેસ, ખંડ 1 (૧૯૩૫), પૃષ્ઠ: 519)
એડવર્ડ થોમસન લખે છે, ‘ગોળમેજી પરિષદ સમયે વધુ દુરાગ્રહી મુસલમાનો અને કેટલાક વિશેષ બિનલોકશાહી બ્રિટિશ રાજકીય ક્ષેત્રો વચ્ચે પ્રત્યક્ષ સમજૂતી અને ગઠબંધન હતું. આ ગઠબંધનને જ ભારતની પ્રગતિની મુખ્ય અડચણ માનવામાં આવે છે.’
‘કેટલીક હદ સુધી આ સાચું છે એ હું સાબિત કરી શકું તેમ છું. પહેલાં અમે ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિનો ભારતમાં પ્રયોગ કરતા હતા એ કહેવાની વાત નથી. વોરન હેસ્ટિંગ્સના સમયથી જ લોકો હિન્દુ-મુસ્લિમ સંઘર્ષના આનંદનો લાભ લેવાનું ચૂકતા ન હતા. એલ્ફિન્સ્ટન, મૈલ્કમ અને મૈટકોફ જેવાઓએ પણ અંગ્રેજો માટે આના મહત્વનો સ્વીકાર કર્યો છે. ’ (એડવર્ડ થોમસન : એનલિસ્ટ ઇન્ડિયા ફોર ફ્રિડમ, પૃષ્ઠ: 50)
એ પછી આગાખાને લંડનના કપટપૂર્ણ નાટકમાં કેમ ભારે ઉત્સાહ દાખવ્યો તથા એમની રુચિ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો. પટ્ટાભિ સીતારામૈયાએ લખ્યું છે, ‘વિધાનસભામાં હાલના રહસ્યોદ્ઘાટન પછી આ સોદાબાજી પાછળ શી ભાવના હતી તે સ્પષ્ટ થાય છે. ‘મહામહિમ’ આગાખાનની માગણી હતી કે ગોળમેજી પરિષદની સેવાઓના પુરસ્કારના બદલામાં એમને ભારતના કોઈ રાજ્યના શાસક નરેશ બનાવવામાં’ જોઇએ’ (પટ્ટાભિ સીતારામૈયા : ઉપર મુજબ પૃષ્ઠ: 520)
ગોળમેજી પરિષદમાં જ પહેલીવાર ‘પાકિસ્તાન’ શબ્દ સાંભળવા મળ્યો. આ શબ્દના જન્મદાતા હતા રહમતઅલી ચૌધરી અને કૅમ્બ્રિજના ત્રણ બીજા મુસ્લિમ વિદ્યાર્થીઓ. એમણે જ ‘પાકિસ્તાન’ શબ્દ બનાવ્યો હતો. Pakistan. અંગ્રેજી વર્ણમાળાના P થી પંજાબ, A થી અફઘાનિસ્તાન, K થી કાશ્મીર, S થી સિંધ અને ‘TAN’ થી બલૂચિસ્તાન માનવામાં આવ્યું હતું. કેટલીક વાતો પરથી આની પાછળ બ્રિટિશ અમલદારોનો હાથ હતો એમ જાણવા મળે છે. હુસૈન બી. તૈયબજી લખે છે, ‘રહમતલીએ પોતાના ‘મિશનની મિલ્લત’ માટે ‘દીનિયા’ના સાતમા ‘પાકિસ્તાન નેશનલ મૂવમેટે’ 16, મૌન્ટેગ્યૂરોડ, કૅમ્બ્રિજથી આનું પ્રકાશન કર્યું છે. પુરાવા મુજબ જોઇએ તો- રાજ્યક્ષેત્રો મેળવો, વેર-વિખેર લોકોને એકત્રિત કરો અને ભારતને દીનિયા – મુસ્લિમ મજહબી – બનાવો. આશંકા તો એવી છે કે જે લોકો પોતાને ઈસ્લામના મિત્રો માને છે એમની જ બનાવેલી આ યોજના છે.’
ડો. બાબાસાહેબ આંબેડકર કહે છે: ‘ગોળમેજી પરિષદની કાર્યવાહી ચાલતી હતી ત્યારે કેટલાક મુસલમાનોએ પાકિસ્તાન ગોળમેજી પરિષદ સ્વીકારે તે માટે લંડનને વડું મથક બનાવી તેમની પોતાની સમિતિ બનાવી હતી. આ સમિતિએ પાકિસ્તાનના સમર્થનમાં પત્રિકાઓ અને પરિપત્રો પ્રસિદ્ધ કર્યા હતા. …ગોળમેજી પરિષદના એકમાત્ર સભ્ય સર મહંમદ ઇકબાલે જ નામ લીધા વગર તેનો ઉલ્લેખ કર્યો હતો.’ (ડો. બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 395-394) ડો. આબેડકર આગળ લખે છે: ‘આખરે તો ભારતની રાજકીય શેતરંજ પર પાકિસ્તાન બનાવવા માટેની નાનીસૂની ચાલ નહોતી. અત્યાર સુધી ચાલવામાં આવેલી તે મોટામાં મોટી ચાલ હતી. કારણ કે તે દેશને છિન્નભિન્ન કરતી હતી.’ (ડો. બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 394)
૧૯૩૩ સંયુક્ત સંસદીય પ્રવર સમિતિની બેઠક મળી હતી. એમાં અખિલ ભારતીય મુસ્લિમ લીગ અને ‘ઓલ ઈન્ડિયા કોન્ફરન્સ’નું એક પ્રતિનિધિ મંડળ હતું. એ સમયે લીગના અધ્યક્ષ સર મોહમ્મદ ઈકબાલ અને કોન્ફરન્સના અધ્યક્ષ ‘હીઝ હાઈનેસ’ આગાખાન હતા. સર રેજીનાલ્ડ ક્રૈડોકે પ્રતિનિધિઓને પૂછ્યું, ‘પાકિસ્તાનની યોજના શી છે ?’ તો અબ્દુલ્લા યુસુફઅલી, આઈ.સી.એસ., સર જફરૂલ્લાખાન અને બીજાઓએ એ વાતની ઠેકડી ઊડાડતાં કહ્યું કે એ તો એક વિદ્યાર્થીની ‘અવ્યવહારુ’ અને ‘બેજવાબદારીવાળી કપોલ – કલ્પના’ છે. સર રેજીનાલ્ડે એમને કહ્યું, ‘તમે લોકો ભારતમાં ઝડપથી આગળ વધો. શક્ય છે કે આ વિદ્યાર્થીઓ મોટા થશે ત્યારે આ યોજના રજૂ કરવામાં આવશે.’ (હુસૈન બી. તૈયબજી : વ્હાય મુસલમાન મસ્ટ ઓપોઝ પાકિસ્તાન, પૃષ્ઠ: 24-25)
16 એપ્રિલ 1932ના દિવસે બ્રિટનના વડાપ્રધાન રૈમ્સે મૈકડોનાલ્ડે જાહેરાત કરતાં કહ્યું કે વિભિન્ન પક્ષો અને સમૂહો કેટલાક પ્રસ્તાવો અંગે સહમત થઈ શકતા નથી. આથી સરકારે વચ્ચે આવવું પડ્યું છે – દરમ્યાનગીરી કરવી પડી છે – અને એ પ્રમાણે સરકાર ‘સાંપ્રદાયિક નિર્ણય – કોમી ચુકાદા’ ની જાહેરાત કરે છે. ચુકાદામાં મુસલમાનો, યુરોપિયનો, શીખો, ભારતના ખ્રિસ્તીઓ અને એંગ્લો ઈન્ડિયનો માટે અલગ મતદારમંડળો આપવામાં આવ્યાં.
બીજી ગોળમેજી પરિષદમાં અછૂતોના પ્રતિનિધિ તરીકે ડો. બાબાસાહેબ આંબેડકર હાજર હતા. એ ઇચ્છતા હતા કે અછૂતોને રાજકીય અધિકારો આપવામાં આવે, પરિણામે અછૂતો પણ અલગ મતદારમંડળ આપવામાં આવ્યું. જોકે અંગ્રેજો મુસલમાનોને જે રીતે વધુ અધિકાર આપતા હતા એથી ડો. આંબેડકર સખત નારાજ હતા. એની એમણે ટીકા પણ કરી. ડો. બાબાસાહેબ આંબેડકર લખે છે: ‘ગોળમેજી પરિષદમાં મુસ્લિમોએ કઇ માગણી કરી હતી અને તેમને શું આપવામાં આવ્યું હતું તે જોતા કોઇએ પણ વિચાર્યું હશે કે મુસ્લિમોની માંગણી સંતોષાઇ હતી અને 1932 ની સમજૂતી તે અંતિમ સમજૂતી હતી, પરંતુ એમ લાગે છે કે આટલાથી ય મુસ્લિમોને સંતોષ નહોતો થયો.’ (ડો. બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 300-301) ડો. આંબેડકર જાણતા હતા કે મુસલમાનોની માંગણી આટલેથી ન તો અટકવાની છે કે ન તો એમને અલગ મતદાર મંડળથી એમને સંતોષ થવાનો છે, કારણ એમનું લક્ષ્ય તો ઇસ્લામની વિચારધારા મુજબ ભારતમાં એક નવો દેશ નિર્માણ કરવાનું હતું. ડો. આંબેડકરની આગાહી ભવિષ્યમાં સાચી પડવાની હતી.
: ક્રમશ: ©kishormakwana