ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 7
ભારતના ભાગલા કેવી રીતે થયા? ભાગલા માટે કોણ જવાબદાર ?
કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ .ડો. બાબાસાહેબ આંબેડકર અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
દર સોમવાર , બુધવાર અને શુક્રવારે devlipinews.com ઉપર પ્રસિદ્ધ લેખક, પત્રકાર, પ્રકાશક શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે
ભારતના ભાગલાની ભીતરમાં
વાંચો લેખમાળાનું પ્રકરણ 7
1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામથી ગભરાયેલા અંગ્રેજોએ કોન્ગ્રેસની સ્થાપના કરી…
અંગ્રેજ બૌદ્ધિકોએ અનેક પ્રકારે ભ્રમ, જૂઠ અને અર્ધસત્યનો આધાર લઇ ભારતને તોડવાની, વિખવાદ પેદા કરવાની અને પોતાની હકૂમત મજબૂત કરવાની રણનીતિ અપનાવી હતી. ખ્રિસ્તી મિશનરીએ ધર્માંતરની રણનીતિ અપનાવી તો અંગ્રેજોએ એક બીજી પણ રણનીતિ અપનાવી. એ હતી ભારત પ્રત્યેની નિષ્ઠા ખતમ કરવી હોય તો શિક્ષણને શસ્ત્ર તરીકે ઉપયોગ કરીએ. એ કામ હાથમાં લીધું લોર્ડ મૅકોલેએ. લોર્ડ મૅકોલોએ ભારતવાસીઓ માટે શિક્ષણની એક યોજના તૈયાર કરી પોતાના પિતાને લખેલા એક પત્રમાં લખ્યું હતું :
‘આ સમયે આપણે એક એવો વર્ગ તૈયાર કરવા માટે ખાસ ધ્યાન આપવું જોઇએ કે જે આપણી અને આપણા કરોડો પ્રજાજનો વચ્ચે દુભાષિયાનું કામ કરી શકે. લોકોનો એક એવો વર્ગ તૈયાર થાય જે દેખાવે તો ભારતીય હોય, પરંતુ રુચિ, વિચાર, મન અને બુદ્ધિથી અંગ્રેજ હોય’ 1836માં એમણે ફરી પોતાના પિતાને લખ્યું હતું : ‘અંગ્રેજી શિક્ષણ લેનાર કોઇ પણ હિન્દુ પોતાના ધર્મ પ્રત્યે સાચી નિષ્ઠા રાખી નહિ શકે. …જો આપણી શિક્ષણ પદ્ધતિ અપનાવવામાં આવશે તો તીસ વર્ષ પછી બંગાળમાં એક પણ મૂર્તિપૂજક બચશે નહિ અને આ બધું ધર્માંતરની ઝંઝટમાં પડ્યા વિના જ શક્ય બનશે.”
અને આ જ મહાશયે કહ્યું હતું કે ભારતના સમગ્ર પ્રાચીન સાહિત્યને તો આધુનિક યુરોપના પુસ્તકાલયના એક કબાટમાં સમાવી શકાય એમ છે. આવી હતી એ વ્યક્તિની માનસિકતા અને એ પોતે જ ભારતીય શિક્ષણનો ગુરુ બની બેઠો!
સંસ્કૃતના યૂરોપિયન વિદ્વાનોમાં લોર્ડ મેકોલે દ્વારા નિયુક્ત પ્રોફેસર મેક્સમૂલરનું સ્થાન સૌથી ટોચે છે. એ કયા ઉદ્દેશ્યથી વેદોના અનુવાદના કામમાં લાગેલો એનો ઉલ્લેખ એણે એની પત્નીને લખેલા પત્રમાં કર્યો છે. મૂલર લખે છે: The edition of mine and the translation of the veda well hereafter tell to a great extent on the fate of india. It is the root of their religion and to show them what the root is, i feel sure, is the only way of uproot all the has sprung from it during the last three thousand years. (life and letters of frederick maxmuller, Vol. 1, chap. XV, page-34)
અર્થાત્ ‘ભારતનો પ્રાચીન ધર્મ નષ્ટપ્રાય છે. હવે એનું સ્થાન ઇસાઇયત ન લઇ શકે તો દોષ કોને દઇશું ?’
આમ એક તરફ મેક્સમૂલરે ભારતીયોમાં પોતાના ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા અને ઇતિહાસ પ્રત્યે ઘૃણા થાય, શંકાઓ જાગે એ માટે વૈદિક સાહિત્યને વિકૃત કરવા માંડ્યા તો બીજી તરફ મોનિયર વિલિયમ્સે ઇસાઇયતના પ્રચાર-પ્રસારની રૂપરેખા તૈયાર કરી. આર્ય-દ્રવિડ થીયરી આવી જ વિકૃત યોજનામાંથી પેદા થઇ છે, જેથી ભારતની અંદર અંદર જ સંઘર્ષ પેદા થાય.
મૅકોલેની માન્યતા પ્રમાણે આપણો ઇતિહાસ અંધકાર યુગથી આરંભાય છે. વાસ્તવમાં તે ભારતનો સુવર્ણયુગ હતો જેમાં ભારતે જ્ઞાન-વિજ્ઞાન, ભૌતિક અને આધ્યાત્મિક દરેક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી હતી. ત્યારપછી પછી હિન્દુઓ, મુસલમાનો અને અંગ્રેજોનાે યુગ દર્શાવવામાં આવ્યા. આ પ્રકારના વર્ગીકરણનો હેતુ સ્પષ્ટ હતો. જેના હાથમાં દિલ્હીમાં એ સમયે રાજદંડ હતો દેશ એનો હતો. મૅકોલે અનુસાર કોઇ આ દેશનો મૂળ રહેવાસી નો’તો. અહીં તો બધા બહારથી આવ્યા અને જેના હાથમાં ડંડો હતો એનો આ દેશ હતો. અંગ્રેજોના આગમન પછી જ એની છત્રછાયામાં અહીં રહેનારા પરસ્પર વિરોધી માનવ-ઝુંડોમાંથી એક નવા રાષ્ટ્ર, એક નવા દેશનો જન્મ થયો. આપણા અંગ્રેજી શિક્ષણ લેનારા બંધુ મોટે ભાગે એવું જ કહેતા સંભળાય છે કે રાષ્ટ્રનું નિર્માણ હવે થઇ રહ્યું છે. આ બાબત જ સાબિત કરે છે કે આપણા આ બંધુઓ કેટલી હદે આ નવા સામ્રાજ્યવાદીઓના ભક્ત બની ગયા હતા.
આપણા લોકો આ માનસિક ગુલામીમાં કેમ ફસાયા, એનું એક મજબૂત કારણ હતું. બ્રિટિશ સામ્રાજ્ય પાસે પ્રચંડ શક્તિ, અપાર વૈભવ અને ઐશ્વર્ય હતું. અંગ્રેજોએ ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં આશ્ચર્યજનક પ્રગતિ કરી હતી. અંગ્રેજી વૈભવના ઝાકઝમઝાળમાં આપણા ભારતીય બંધુઓની આંખો અંજાઇ ગઇ. તેઓ અભિભૂત થઇ ગયા. તેઓ અંગ્રેજોના પ્રત્યેક વાક્યનો વેદવાક્યની જેમ અનુસરણ કરવા લાગ્યા. એમની દ્રષ્ટિએ અંગ્રેજોની બરાબરી કરવી હોય તો માત્ર આ એક જ માર્ગ હતો. જો કે અંગ્રેજો સારી રીતે જાણતા હતા કે ઊપરથી થોપવામાં આવેલી આ અંગ્રેજી માનસિકતા વધુ સમય ટકવાની નથી. એક દિવસે તો આ દેશની અંદર રાષ્ટ્રીય ભાવના ભભૂકી ઊઠશે. લોકો પોતાના બાહ્ય મતભેદો ફગાવીને ભારતને મુક્ત કરવા એક ધ્વજ નીચે સંગઠિત થઇ, દેશને સ્વાધીન કરવા ઝઝૂમશે. 1857ની આ મુખ્ય ચેતવણી હતી. જોર્જ ડબલ્યુ. ફોરેસ્ટએ લખ્યું હતું, ‘ભારતીય વિદ્રોહે ઇતિહાસકાર સમક્ષ જે બોધપાઠ રજૂ કર્યો છે, એમાં સૌથી મોટી ચેતવણી એ છે કે બ્રાહ્મણ અને શૂદ્ર, હિન્દુ અને મુસલમાન અરસપરસ મળીને આપણો વિરોધ કરે એવી ક્રાંતિ સંભવી શકે છે.’ આથી અંગ્રેજોની ‘ભાગલા પાડો અને રાજ્ય કરો’ની અદભૂત ચાલાકીની જાળ આપણા રાષ્ટ્રીય જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પાથરવામાં આવી. નવા નવા ઝેરી સિદ્ધાંતો અને નીતિઓનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો કે જેથી જાતિ, સંપ્રદાય, ધર્મ, પ્રાંત, ભાષા વગેરેને એકબીજા સાથે અથડાવી શકાય અને અંદરોઅંદર ધૃણા અને ઝઘડાનાં બીજ વાવી શકાય. આર્ય વિરુદ્ધ દ્રવિડ, હિન્દુ વિરુદ્ધ શીખ, હિન્દુ વિરુદ્ધ જૈન, હિન્દુ વિરુદ્ધ આદિવાસી જેવા અનેક વિવાદ ઊભા કરીને એને ભડકાવવામાં આવ્યા. ભ્રમ, જૂઠ અને અર્ધસત્યની જાળ ગજબની હતી.
રાજકીય શતરંજ પર અંગ્રેજો એક વિશેષ ચાલ રમ્યા. એનો રાષ્ટ્રીય ઘટનાઓના સમગ્ર ભાવિ પર જબ્બર પ્રભાવ પડ્યો. એટલો પ્રભાવ પડ્યો કે અંગ્રેજોએ પણ કદાચ એની કલ્પના કરી નહિં હોય. 1857ના પ્રચંડ ઝાટકાને અંગ્રેજો કોઇ પણ રીતે સહન કરી લીધો, પરંતુ પ્રજા અને સૈનિકોના રોષની જ્વાળા અંદરને અંદર બરાબર સળગતી રહી. તે કોઇક બહાને દેશના વિવિધ ભાગોમાં ફૂટી નીકળતી હતી. વાસુદેવ બળવંત ફડકેના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં અને પંજાબમાં રામસિંહ કુકાના નેતૃત્વમાં થયેલા ક્રાંતિકારી ધડાકાઓએ અંગ્રેજોને આંતરિક રીતે હચમચાવી દીધા હતા, એ તો સમુદ્રમાંના માત્ર બિંદુ સમાન હતા.
કોંગ્રેસ પાર્ટીનો સ્થાપક એલન આક્ટેવિયન હ્યૂમ નામનો અંગ્રેજ અધિકારી 1857ની ભીષણ યાતના ભોગવી ચૂક્યો હતો. કાગડાની જેમ ચકોર એવા તેણે ભાવિ વિસ્ફોટોનો ગડગડાટ સ્પષ્ટ રીતે અનુભવી લીધો હતો.