Spread the love

ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 6


  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?

  • ભાગલા માટે કોણ જવાબદાર ?

  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com ઉપર ડો. બાબાસાહેબ આંબેડકર અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને પ્રસિદ્ધ લેખક પત્રકાર તથા પ્રકાશક કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…


વાંચો લેખમાળાનું પ્રકરણ છ


અંગ્રેજ બૌદ્ધિકો અને ચર્ચની બદમાશી…


પ્રસિદ્ધ ગાંધીવાદી અર્થશાસ્ત્રી જોસેફ કોર્નેલિઅસ કુમારપપ્પાએ એક વાર કહ્યું હતું, “પશ્ચિમી સેનાનાં ચાર અંગ છે. ભૂમિદળ, નૌકાદળ, હવાઇદળ અને ચર્ચ.’


અંગ્રેજ બૌદ્ધિકોએ બહુ ચાલાકીપૂર્વક પોતાની બૌદ્ધિક બદમાશી શરુ કરી દીધી. સર જૉન સ્ટ્રેચીએ, જે ભારતમાં અનેક સર્વોચ્ચ પદ પર રહી ચૂક્યા હતા. 1884માં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં એમની એક પ્રવચનશ્રેણી થઇ હતી. એક પુસ્તકમાં પોતાના ભાષણોનો સાર રજૂ કરતાં એમણે કહ્યું હતું, ‘ભારત શું છે ? ભારત પાસે ખરેખર શું અભિપ્રેત છે? ક્યારેક ક્યારેક મેં જે ઉત્તર આપ્યા છે તે વિરોધાભાસી દેખાય છે, પરંતુ તે વાસ્તવિકતા છે. એવો કોઇ દેશ છે જ નહિ. ભારતના સંદર્ભમાં આ સૌ પહેલું અને સર્વાધિક સારભૂત તથ્ય જાણવા યોગ્ય છે. ભારત એક નામ છે જે આપણે એવા વિશાળ પ્રદેશને આપ્યું છે જેમાં અનેક અલગ અલગ દેશ સમાયેલા છે. …બીજી બાજુ ભારતના આંતરિક દેશોના મતભેદ- ઉદાહરણ તરીકે બંગાળ અને પંજાબ અથવા મદ્રાસ અને રાજપૂતાના મતભેદ ખૂબ જ અને સરખામણી ન કરી શકાય એવા જોવા મળે છે – યુરોપના દેશો વચ્ચે પ્રવર્તતા મતભેદોથી પણ મોટા મતભેદ અહીં છે. (સર જૉન સ્ટ્રેચી : ઇંડિયા-ઈટ્સ એડમિનિસ્ટ્રેશન એન્ડ પ્રોગ્રેસ, પૃ. 1 અને 2) સ્ટ્રેચીએ પ્રોફેસર સીલેના વાક્યો ટાંકીને કહ્યું છે, ‘અંગ્રેજોએ ભારતને તો કદી હરાવ્યું જ નથી. કોઇ ભારત હતું જ નહિ, એટલે સાચા અર્થમાં કોઇ વિદેશ નથી.’ આ તર્કને આધારે વ્યાખ્યા કરતાં સ્ટ્રેચીએ કહ્યું છે કે એમણે ભારતમાં ક્યારેય પણ કોઇ રાષ્ટ્રીય સરકારને ગબડાવી નથી, ન તો એમણે કોઇ રાષ્ટ્રીય ભાવનાને ઠેસ પહોંચાડી છે અને ન તો કોઇ રાષ્ટ્રીય ગૌરવની અવગણના કરી છે.’ (સર જૉન સ્ટ્રેચી : ઇંડિયા-ઈટ્સ એડમિનિસ્ટ્રેશન એન્ડ પ્રોગ્રેસ, પૃ. 1 અને 2) બ્રિટિશ સામ્રાજ્યવાદના એક અન્ય મહારથી લોર્ડ કર્ઝને કે જેઓ કેટલોક સમય વાઇસરૉય પણ રહ્યા હતા તેમણે કહ્યું હતું, ‘….હું મારા અંતરાત્માને ઢંઢોળું છું અને સ્વયંને પ્રશ્ન કરું છું કે ભારતીય કોણ છે ? શું છે ?’ (ડાબેરી બૌદ્ધિક બદમાશો દ્વારા આ જૂઠ પરંપરા આજેય ચાલુ છે) અંગ્રેજ અધિકારીઓમાં એક પ્રચલિત પરંપરા હતી કે તેઓ સૌ ભારતવાસીઓને ‘બદમાશ હબસી’ કહેતા હતા. સરકારી દસ્તાવેજોમાં પણ આ શબ્દનો છૂટથી ઉપયોગ થતો હતો.


આજની જેમ જ રાષ્ટ્રીયત્વના ‘વિધ્વંસ અભિયાન’ માટે અંગ્રેજ સામ્રાજ્યવાદીઓની પાસે ખ્રિસ્તી મિશનરી એક સશક્ત શસ્ત્ર હતું. હિન્દુ ધર્મ પર લાંછનનો મારો ચલાવવા ઉપરાંત ખ્રિસ્તી મિશનરીઓએ પોતાના પંથમાં ધર્માંતરનો ચોર દરવાજો પણ ખુલ્લો રાખ્યો હતો. હિન્દુ ધર્મની આંતરિક વિકૃતિનો એમણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. પોતાના જ ભાઇઓ સાથે આભડછેટ અને જાતિવાદ જેવી ક્રૂર અને વિકૃત માનસિકતા ઇસાઇ મિશનરીઓ માટે મિષ્ટાન જેવી હતી. એમણે એનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. ખાસ કરીને અનુસૂચિત જાતિ-જનજાતિ તથા અન્ય પછાત વર્ગોના લોકો એમના શિકાર થતા હતા. એમનો હેતુ હિન્દુઓની રાષ્ટ્રીય આસ્થાનો નાશ અને અંગ્રેજી સત્તા માટે વિશેષ થાણાં સ્થાપવાનો રહેતો હતો. મિશનરી અભિયાન સમગ્ર બ્રિટિશ રણનીતિનું જ એક મહત્વપૂર્ણ અંગ હતું. એ વાત 1857 ના પ્રથમ સ્વતંત્રતા સમયે સાબિત થઇ ગઇ. 1857ના સ્વાતંત્ર્ય-યુદ્ધના બે વર્ષ પછી બ્રિટનના વડાપ્રધાન લોર્ડ પામર્સ્ટને જાહેર કર્યું કે “ભારતના એક છેડાથી બીજા છેડા સુધી ખ્રિસ્તી મતનો પ્રચાર કરવો એ બ્રિટનનાં લાભમાં છે. પ્રસિદ્ધ ગાંધીવાદી અર્થશાસ્ત્રી જોસેફ કોર્નેલિઅસ કુમારપપ્પાએ એક વાર કહ્યું હતું, “પશ્ચિમી સેનાના ચાર અંગ છે. ભૂમિદળ, નૌકાદળ, હવાઇદળ અને ચર્ચ.’ (ભા. પ્ર. શુકલ : વ્હોટ એલ્સ ઇંડિયાઝ નોર્થ ઇસ્ટ, પૃ. 27) અને સાચે જ, ધર્માંતરિત ખ્રિસ્તીઓ પોતાના બ્રિટિશ સ્વામીઓના પગ આગળ બેસી એમના આજ્ઞાકારી સેવક બની ગયા. એમણે સ્વાધીનતાની ભારતીય આકાંક્ષા સાથે કોઇ પણ સંબંધ રાખવાનો ઇન્કાર કરી દીધો. ભારતમાં ખ્રિસ્તીઓની ભૂમિકા અંગેના એક તજજ્ઞ ટી. આર. વેદાન્તમ્ લખે છે : “કેવળ બે વ્યક્તિઓ – જોસેફ કોર્નેલિઅસ કુમારપ્પા અને ઇ. એમ. જોર્જને અપવાદ સ્વરૂપે છોડી દેતાં ભારતનો ખ્રિસ્તી સમૂહ પૂર્ણતયા અંગ્રેજોનો પક્ષધર હતો. મેટ્રોપોલિટન વિરુદ્ધ કુમારપ્પા પ્રકરણ પ્રસિદ્ધ હોવા ઉપરાંત કુખ્યાત પણ છે. ઇ. એમ. જોર્જને મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. કલક્તાના સ્ટેટ્સમેનના તંત્રીએ એમને આશરો અને સંરક્ષણ આપ્યાં હતાં. એકવાર તો તેઓ નસીબજોગે બચી ગયા. ખ્રિસ્તીઓએ આ બંનેની માત્ર ટીકા કરી છે એટલું જ નહિ, પરંતુ એમનો સામાજિક બહિષ્કાર પણ કર્યો. આથી ડૉ. રાધાકૃષ્ણને કહેવું પડ્યું કે ‘ભારતમાં ખ્રિસ્તીઓ માટે ઇસુ એક હાથમાં તલવાર અને બીજા હાથમાં યુનિય જેક લઇને ચાલી રહ્યા હતા.’ ‘આ સમયના વીસ અને તીસના દાયકામાં ચર્ચના પાદરીઓ માટે એ એક સામાન્ય અનુભવ હતો કે તેઓ પ્રવચન માટે આઈ ટાઈમદાઈ અધ્યાય 2-5-1 ને પસંદ કરે અને વિશ્વાસુ આજ્ઞાકારીઓને સાંપ્રદાયિક કર્તવ્યના ભાગરૂપે અંગ્રેજ સરકાર પ્રત્યે વફાદાર રહેવાનો ઉપદેશ આપે. ભારતના ખ્રિસ્તીઓએ આ આજ્ઞાનું પાલન કર્યું.” (ટી. આર. વેદાન્તમ્ : ધ હિન્દુ, 11-1-1984)


આ હેતુને સફળ બનાવવા માટે સંપૂર્ણ શક્તિથી એક વેગવાન અભિયાન ચલાવવામાં આવ્યું અને હિન્દુત્વ તેમજ હિન્દુ પરંપરાની તમામ પવિત્ર માન્યતાઓને એનું નિશાન બનાવવામાં આવ્યું. મિસ મેયોએ ‘મધર ઇંડિયા’ નામે એક અત્યંત ભ્રષ્ટ પુસ્તક લખ્યું હતું, જેને ગાંધીજીએ ‘ગંદા નાળાના જમાદારના અહેવાલ’ તરીકે ઓળખાવ્યું હતું. એનો ધૂમ પ્રચાર કરવામાં આવ્યો. એક અન્ય કુખ્યાત ખ્રિસ્તી મિશનરી બિશપ હેવરે ભારત અંગે લખ્યું છે –‘જ્યાં પ્રત્યેક શક્યતાઓ મન પ્રસન્ન કરે છે, પરંતુ મનુષ્ય અધમ છે.’ (આજે પણ ગુજરાત સહિત દેશભરમાં NGO તરીકે કામ કરતી નવસર્જન જેવી અનેક સંસ્થાઓ ઇસાઇ મિશનરીનું અભિન્ન શસ્ત્ર છે) ખ્રિસ્તી મિશનરી કેવો અપમાનજનક અને દૂષિત પ્રચાર કરતા હતા એનો ભાંડો સ્વામી વિવેકાનંદે ફોડ્યો છે – “બાળકોનાં પાઠ્ય પુસ્તકોમાં એ ચિત્રોનો શો અર્થ છે જેમાં હિન્દુમાતા પોતાનાં બાળકોને ગંગામાં મગરોની સામે ફેંકતી દર્શાવવામાં આવી છે ? માતા કાળા રંગની છે પરંતુ બાળકને ગોરું બતાવ્યું છે કે જેથી કોઇક સહાનુભૂતિ ઉપજે અને થોડા વધુ પૈસા ભેગા કરી શકાય. એ ચિત્રોનો શો અર્થ છે જે બતાવે છે કે એક વ્યક્તિ પોતાના જ હાથ વડે, કોઇ સિદ્ધિ માટે, પોતાની જ પત્નીને સળગાવી રહ્યો છે કે જેથી તે પ્રેત બનીને પતિના દુશ્મનને સતાવે ? એ ચિત્રોનો શો અર્થ છે કે જેમાં મોટી મોટી મોટરગાડીઓ માનવોને ચગદી રહી છે ? મેમફિસમાં મેં આ મિશનરીઓમાંથી એકને એવો ઉપદેશ આપતા સાંભળ્યો છે કે ભારતના દરેક ગામમાં એક એક તળાવ નાના નાના બાળકોના હાડકાઓથી ભરેલા છે. ઇસુના આ ચેલકાઓનું હિન્દુઓએ એવું તે શું બગાડ્યું છે કે પ્રત્યેક ખ્રિસ્તી બાળકને એવું શીખવવામાં આવે છે કે હિન્દુઓને ‘નકામા’, ‘શેતાન’ અને ‘દાનવ’ કહે છે.”(ખ્રિસ્તી મિશનરી આજની જેમ જ ભારત વિશે ગંદો – વિકૃત પ્રચાર કરી કરોડો ડોલર પશ્ચિમમાંથી ઉઘરાવતી એ તરફ સ્વામીજી ઇશારો કરે છે).


આવા વિકૃત પ્રચારનો મારો ઇસાઇ મિશનરીઓએ દેશ-વિદેશમાં શરુ કર્યો. અંગ્રેજ બૌદ્ધિક બદમાશોનું એમને પીઠબળ હતું. પાદરીઓ, બૌદ્ધિકો અને અંગ્રેજ સત્તાધીશો એવું માનતા હતા કે આ ‘દૈવી વિધાન’ જ ગોરા મનુષ્યને ભારતના કિનારા સુધી ખેંચી લાવ્યું. આ ‘શ્વેત માનવની દૈવી ફરજ’ હતી કે તે ‘બર્બર અશ્વેત જાતિઓનો ઉદ્ધાર કરે.’ 1899માં કિપલિંગે ‘વ્હાઇટ મૈન્સ બર્ડન’ (શ્વેત માનવનું કર્તવ્ય) શીર્ષકથી એક કવિતા લખી હતી જેમાં એમણે શ્વેત જાતિને આહવાન કરતાં કહ્યું છે :


ઊઠો, હે શ્વેત માનવ ઊઠો,

કસી લો કમર !

દાયિત્વ (ફરજ) આપ્યું છે દૈવે જે તમને

કરો પૂર્ણ એને –

અર્પો વીણી વીણીને શ્રેષ્ઠ પુષ્પો

આપની વાટિકામાંથી,

સહે સહર્ષ જે યાતના વનવાસની,

કરે સેવા પોતાના એ ગુલામોની –

અભાવોથી ગ્રસ્ત એ દિશાહીન અને પ્રચંડ બર્બર; તમારા એ નવ ગુલામો જે – ચાલબાજ ને કર્કશ; જાઓ, એમને ઉગારો, પુચકારો,

જે છે અર્ધ દાનવ, અર્ધ માનવ. આ જ લહેકામાં કિપલિંગે કહ્યું છે કે શ્વેતોએ જેમને ઉગારવાના છે અને જેમનો ઉદ્ધાર કરવાનો છે, એ લોકો ‘દુષ્ટ’, ‘આળસુ’ અને ‘કુધર્મી’ છે.

ક્રમશ: ©kishormakwana


Spread the love