Spread the love

Kishor makwana – 17, August 2020 07:40PM

ભારત આઠસો વર્ષ વિદેશી આક્રમકોના પગ તળે કચડાતું રહ્યું. પહેલા વિદેશી ઇસ્લામી આક્રમકો અને એ પછી અંગ્રેજ આક્રમકોએ એને રગદોળ્યું. આઠસો વર્ષ સુધી ભારતના પરાક્રમી વીરો ભારત ભૂમિને વિદેશીઓની નાગચૂડમાંથી મુક્ત કરવા ઝઝૂમતા રહ્યા. અંતે 15 ઓગસ્ટ 1947 ના દિવસે ભારતે મુક્તિનો શ્વાસ લીધો. પરંતુ સ્વતંત્રતાની સાથે સાથે ભારત માતા પણ ખંડિત થઇ ગઇ. ભારતની જ ધરતી પર પાકિસ્તાન નામના દેશનું સર્જન થયું. આના માટે કોણ જવાબદાર?


દરરોજ અહીં devlipinews.com પર આપ સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ વાંચો…ડો. બાબાસાહેબ આંબેડકર, વીર સાવરકર અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા પુસ્તકોનો આધાર લઇને શરુ થયેલી આ લેખમાળા આપ જરુર વાંચો જેથી ભારતના ભાગલા કેવી રીતે થયા? કોણ જવાબદાર? એ સત્ય ઇતિહાસને જાણી શકશો…..

——————————————–


ઇસ્લામનો કાફલો ગંગામાં ડૂબ્યો…


સિકંદર પહેલો વિદેશી આક્રમણખોર હતો જેણે ભારતવર્ષની ભૂમિ પર ( ઇ.પૂ. ૩૨૭ ) પગ મૂકવાનું દુ:સાહસ કર્યું હતું, પરંતુ ત્રણ જ વર્ષમાં એણે ભારતના પરાક્રમી વીર યુવાનો સામે પછડાટ ખાવી પડી. ભારે નાલેશી વેઠી અહીંથી ભાગવું પડ્યું. એના સૈનિકો ત્રાહિમામ પોકારી ગયા. આ ચાણક્ય અને ચન્દ્રગુપ્તની દીર્ઘદ્રષ્ટિ, નીતિ-રણનીતિ અને પરાક્રમનો ચમત્કાર હતો કે સાત વર્ષની અંદર જ ભારતવર્ષની ભૂમિ પર એ વિશ્વવિજેતાનું કોઇ પદચિન્હ બચ્યું નહોતું. એ પછી મધ્ય એશિયાથી કુશાણ આવ્યા. એમની પણ દુર્ગતિ થઇ. એમણે ભારે પરાજય વેઠવો પડ્યો. જોતજોતામાં તેઓ રાષ્ટ્રજીવનની સાંસ્કૃતિક વેગવાન ધારામાં એકરુપ થઇ ગયા. એમનો સુપ્રસિધ્ધ સમ્રાટ કનિષ્ક બૌદ્ધધર્મના ચરણમાં બેસી ગયો. એણે ‘દ્વિતીય અશોક‘હોવાનું બહુમાન મેળવ્યું. બૌદ્ધધર્મના દિવ્ય સંદેશનો એમણે દૂર સુધી પ્રચાર- પ્રસાર કર્યો. એ પછી આવ્યા શક (પ્રથમ શતાબ્દી) અને હૂણ (પાંચમી શતાબ્દી) આવ્યા. એમણે હિન્દુસ્થાનને મર્માતક ઘાયલ કર્યું. ઘણા સમય સુધી એમણે સંપૂર્ણ ઉત્તર ભારતને પોતાના પગ તળે કચડી નાંખ્યું. મિહિરગુલ અને તોરમાળના તીવ્ર આઘાતો સામે તે લથડવા માંડ્યું. પરંતુ પુન: ભારત માતાની કૂખેથી હર્ષવર્ધન, યશોધર્મા, વિક્ર્માદિત્ય અને શાલિવાહન જેવા અનેક અદમ્ય સાહસિક-પરાક્રમી રાજાઓ અને રાજનીતિજ્ઞોએ જન્મ લીધો. એમણે મા ભારતીના ભાલ પર સ્વાભિમાન, સન્માન અને સ્વાતંત્ર્યનું વિજયી તિલક કર્યું અને પરાજય અને પરાભવની બેડીઓથી આ રાષ્ટ્રને મુક્ત કર્યુ. ધીમે ધીમે આક્રમકો આ દેશના સંમોહનપાસમાં બંધાઇ ગયા. આ દેશની સંસ્કૃતિમાં તેઓ એટલા એકાકાર બની ગયા, એવા તો હળીમળી ગયા કે એમને ઓળખવા જ મુશ્કેલ બની ગયા. એમની રગોમાં પણ ભારતની સાંસ્કૃતિક ધારા વહેતી થઇ ગઇ.


અને એ પછી શરુ થઇ ઇસ્લામી આક્રમણોની હારમાળા…ડો. બાબાસાહેબ આંબેડકર એમના પ્રસિદ્ધ ગ્રંથ થોટ્સ ઓન પાકિસ્તાનમાં લખે છે: ‘હ્યુએનસંગના આગમન સમયે આજનું અફઘાનિસ્તાન પણ હિન્દનો ભાગ હતું. ત્યાં વૈદિક ધર્મના કે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ રહેતા હતા. પરંતુ હ્યુએનસંગના હિન્દથી પાછા ગયા પછી શું થયું? વાયવ્યમાંથી મુસ્લિમ ધાડાઓનું હિન્દ પર આક્રમણ તે અત્યંત મહત્વની ઘટના હતી. સૌથી પહેલું આક્રમણ મહંમદ બિન કાસિમના નેતૃત્વ હેઠળ આરબોનું ઇ.સ. 711 થયું અને તેણે સિંધ જીતી લીધું.’ (પૃષ્ઠ: 52)


સાતમી સદીમાં અનેક મુસ્લિમ જાતિઓનાં આક્રમણો શરુ થયા, પછી તો એની હારમાળા ચાલતી જ રહી. મહમંદ ગઝનવી ( ૧૧ મી સદી) અને મુહમ્મ્દ ઘોરી (૧૨ મી સદી) ના નેતૃત્વમાં આ આક્રમણો પ્રચંડ વેગવાન હતા. એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાન… તુર્ક, અરબ, ઇરાની, મુઘલ અને અફઘાન તીડનાં ધાડાંની માફક ભારતવર્ષ પર ચઢી આવ્યા. તેઓ પાછા તો ચાલ્યા ગયા પરંતુ, સમગ્ર ભારતમાં એમના ડંખ છોડતા ગયા. ભયંકર મારકાપ, વિનાશ અને અપવિત્રતાના ઘાનાં ચિહ્નો લાંબા સમય સુધી એમની કરુણ કથા કહેતા રહ્યાં. ડો. આંબેડકર લખે છે: મહંમદ બીન કાસિમ પછી ઇ.સ. 1001 માં મહંમદ ગઝનીના ભયંકર આક્રમણોની શ્રેણીઓનો પ્રારંભ થયો. ઇ.સ. 1030 માં મહંમદનું મૃત્યું થયું પણ 30 વર્ષના ટૂંકા ગાળામાં તેણે સત્તરવાર આક્રમણ કર્યુ, કાફરોની કતલ કરવાનો મહંમદને આનંદ આવતો. મહંમદ ગઝની પછી મહંમદ ઘોરીના આક્રમણો શરુ થયાં. ત્રીસ વર્ષ સુધી મહંમદ ગઝનીએ હિન્દનો પાયમાલ કર્યુ અને ત્રીસ વર્ષ સુધી મહંમદ ઘોરીએ દેશને તે જ રીતે પાયમાલ કર્યો…’કુતબુદ્દીન એબકે એક હજાર મંદિરો તોડ્યાનુ આંબેડકરે નોંધ્યું છે. ડો. આંબેડકરે મોગલ આક્રમણો બાદ છેલ્લે ઇ.સ. 1761 માં અહમદશાહ અબ્દાલીએ કરેલા આક્રમણ સુધી અસંખ્ય હકિકતો આપ્યા પછી લખ્યું છે:’આ મુસ્લિમ આક્રમણો માત્ર લૂંટ કે વિજયની ભૂખને કારણે નહોતા થયા, તેની પાછળ બીજો હેતુ હતો.’


800 વર્ષ સુધી હિન્દુસ્થાન સતત સ્વાધીનતા –સંગ્રામમાં ઝઝૂમતું રહ્યું. વિશ્વ પટે કદાચ આવું બીજું અન્ય કોઇ ઉદાહરણ નથી. રાષ્ટ્રીય સ્વાધીનતા સંગ્રામનો આ સૌથી રોમહર્ષક-વીરતાથી ભરેલો યુગ હતો. સ્વાધીનતા-સંગ્રામના અગણિત વીરોએ આઠસો વર્ષ સુધી સ્વતંત્ર થવા માટેની જિજીવિષાની આ નૌકાનું નેતૃત્વ સંભાળ્યું અને ભયંકર મોજાઓ અને તોફાનોની પરવા કર્યા સિવાય તેઓ તેને હંકારતા રહ્યા. પરાક્રમની પરાકાષ્ઠા સર્જી તેનો સામનો કરતા રહ્યા. રાજસ્થાનમાં મહારાણા કુંભા, મહારાણા પ્રતાપ અને રાજસિંહ વગેરેએ, દક્ષિણમાં હક્ક, બુક્ક અને કૃષ્ણદેવે, મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી અને પેશવાઓ વગેરેએ, પંજાબમાં ગુરુ અર્જુનદેવ થી લઇ ગુરુ ગોવિંદસિંહ સહિત શીખોના અનેક આત્મબલિદાની ગુરુઓ અને બંદા વૈરાગી તથા છત્રસાલ જેવા મહાવીરોએ વીરતાનાં જૌહર દેખાડયાં. એમના એકધારા પ્રચંડ પ્રહારોના પરિણામે જ ઇસ્લામની દુનિયાભરમાં અત્યાર સુધી અજેય રહેલી તલવાર અહીં ધૂળ ચાટવા માંડી અને એના ટુકડે ટુકડા થઇ ગઇ. મૌલાના હાલીના અશ્રુપૂર્ણ શબ્દોમાં –


‘वो दीने हिजाजीका बेबाक बेड़ा,

निर्शाँ जिसका अक्साए-आलममें पहुँचा;

मज़ाहम हुआ कोई खरता न जिसका,

न अम्माँमें ठटका न कुलजममें झिझका;

किये पे सिपर जिसने सातों समुन्दर,

वो डूबा दहानेमें गंगा के आकर।’

અર્થાત ‘ઇસ્લામનો જહાજી કાફલો સાત સમુદ્રોને બેરોકટોક પસાર કરી ગયો અને અજેય રહ્યો, પરંતુ જ્યારે હિન્દુસ્થાન પહોચ્યો તો ગંગાના પાણીમાં સદાને માટે ડૂબી ગયો.’

આ ખૂબ મોટો સંવેદનશીલ સંધિકાળ હતો. રાષ્ટ્રીયતાથી ઓળઘોળ શક્તિઓ એમની ભૂતકાળની સફળતા-વિફળતાનાં લેખાજોખા કરી શકે અને પોતાની ગુમાયેલી અજેય શકિત પુન: પ્રાપ્ત કરી શકે એ પહેલાં જ દેશ અગાઉ કરતા પણ વધુ ચાલાક અને સંગઠિત આક્રમકોની નાગચૂડમાં સપડાઇ ગયો. તે હતા અંગ્રેજ. પરંતુ ભારતવર્ષના વીર પુત્ર એકવાર પુન: નવા શત્રુના ગળાટૂંપામાંથી ભારત માતાને મુક્ત કરવા માટે તત્પર બન્યા.

૧૮૫૭ની રાષ્ટ્રીય ક્રાંતિએ તો અંગ્રેજી રાજ્યનાં મૂળિયાં જ હચમચાવી નાખ્યાં. ભારતના કમભાગ્યે અંગ્રેજો સહેજમાં બચી ગયા. એમણે મુક્તિનો શ્વાસ પણ લીધો, પરંતુ રાષ્ટ્રના હ્રદયમાં રાષ્ટ્રભક્તિની જે જવાળા ધધકી રહી હતી, એના ભયથી એ થરથર ધ્રૂજવા લાગ્યા. એમને કમકમાટી થવા માંડી. પોતાના સિંહાસન નીચે તેઓ એક ભભૂકતા જ્વાળામુખીનો અનુભવ કરવા માંડ્યા.

ક્રમશ: ©kishormakwana


Spread the love