Spread the love

ભારતના ભાગલાની ભીતરમાં : પ્રકરણ 84
• કિશોર મકવાણા 
– ભારતના ભાગલા કેવી રીતે થયા ?
– ભાગલા માટે કોણ જવાબદાર ?
– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 84

  • ગાંધીજીનું રાજકીય મોત કે    કોન્ગ્રેસ દ્વારા રાજકીય હત્યા ?
  • ગાંધીજીની આ યોજનાનો કૉંગ્રેસના નેતાઓએ તદ્દન અસ્વીકાર કર્યો. ગાંધીજીએ અનેક વાર પં. નહેરુ અને કાર્યકારિણીના સભ્યો સાથે ચર્ચા કરી; પરંતુ એમને મનાવવામાં ગાંધીજી નિષ્ફળ રહ્યા. ગાંધીજી કોઇપણ ભોગે ભાગલા અટકાવવા માંગતા હતા, પરંતુ કોન્ગ્રેસના બાકીના બધા જ નેતા ગાંધીજીની વાત સાથે સહમત નહોતા. પં. નહેરુએ કહ્યું કે ગાંધીજી ખૂબ ઝડપથી કેન્દ્રની ઘટનાઓથી અદ્રશ્ય થતા જાય છે.
  • ગાંધીજી હવે બનનારી દરેક ઘટનાથી સ્વેચ્છાએ હટી ગયા. પહેલાં નોઆખલી અને પછી બિહાર ચાલ્યા ગયા. સરોજીની નાયડુની આંખોમાં આંસુ આવી ગયાં. એમણે કહ્યું : ‘જ્યાં સુધી રાજનીતિનો સંબંધ છે ત્યાં સુધી ગાંધીજી મરી ચૂક્યા છે. એમના જીવનની તપશ્ચર્યા ભંગ થઈ ગઈ. એમની સામે એમના જીવનવ્રતનું શબ પડ્યું છે.’

ચર્ચિલ હંમેશા ભારતદ્રેષી રહ્યા હતા. એ વડાપ્રધાન હતા ત્યારે મહંમદઅલી ઝીણા અને મુસ્લિમ લીગને ભરપૂર સમર્થન કર્યું. ભારતના ભાગલાની આખી બ્યૂલ્યુ પ્રિન્ટ ચર્ચિલના સમયમાં જ બની ગઇ હતી. ત્યારપછી પણ એમણે જ્યારે લોર્ડ માઉન્ટબેટન ભારતના વાઇસરોય તરીકે આવવાના હતા એ પહેલા પણ  બ્રિટનની સંસદમાં ભવિષ્યવાણી ઉચ્ચારી કે ‘ભારતના ફક્ત ભાગલા જ નહીં, પરંતુ તેના અનેક ટુકડાઓ થઇ જશે. ભારતની સરકારને આવા કહેવાતા રાજકારણી વર્ગોને સોંપીને આપણે એવા નકામા માણસોના હવાલે કરી રહ્યા છીએ, જેમનું થોડાક વર્ષો પછી નામોનિશાન નહીં મળે.’લોર્ડ માઉન્ટબેટને ભારતના વાઇસરોય બનતા જ પહેલું કામ મહાત્મા ગાંધી અને મહંમદઅલી ઝીણા સાથે મુલાકાત કરવાનું કર્યું. માઉન્ટબેટન સાથેની પહેલી મુલાકાતમાં જ ગાંધીજીએ ભાગલા સામે પોતાનાે દ્રઢતાથી વિરોધ નોંધાવ્યો. ગાંધીજી શરુઆતથી જ ભાગલાના વિરોધમાં હતા.ગાંધીજીએ ભાગલાનો વિરોધ કર્યો તો  જવાબમાં લોર્ડ માઉન્ટબેટને કહ્યું કે મહંમદઅલી ઝીણાની ઈચ્છા વિરુદ્ધ કોઈ નિર્ણય કરવામાં આવશે તો લોહીયાળ ગૃહયુદ્ધ ભડકી ઊઠશે. એમણે એ પણ કહ્યું કે સમ્રાટની સરકાર મુસલમાનો જેવી કરોડો અલ્પ સંખ્યક કોમને કૉંગ્રેસના હાથમાં સોંપવાની આવે ક્યારેય અનુમતિ નહીં આપે. પાકિસ્તાનના વિકલ્પ સામે ગાંધીજીએ  માઉન્ટબેટનને એક નવો પ્રસ્તાવ આપ્યો. એમણે વાઈસરૉયને સલાહ આપતાં કહ્યું : આપ વર્તમાન મંત્રીમંડળને વિખેરી નાખો. મહંમદઅલી ઝીણાને વચગાળાની સરકાર રચવાની તક આપો. સભ્યોની પસંદગી એમના પર છોડી દો. બધા સભ્યો મુસલમાન હોય કે ન હોય એથી કોઈ ફરક પડતો નથી. મહંમદઅલી ઝીણા પ્રસ્તાવ સ્વીકારી લેશે તો કૉંગ્રેસ એને પૂરેપૂરો ટેકો આપશે. કેવળ એક જ શરત છે. એમની નીતિઓ બધા ભારતીયો માટે હિતકર હોવી જોઈએ. મહંમદઅલી ઝીણાએ ‘મુસ્લિમ નેશનલ ગોર્ડ’ ને વિખેરી નાખી સાંપ્રદાયિક સૌહાર્દ લાવવું જોઈએ. એમને પાકિસ્તાન સંબંધી યોજના બનાવવાની પણ સ્વતંત્રતા હોવી જોઈએ. સત્તા હસ્તાંતર પૂર્વે પોતાની યોજનાને વ્યવહારમાં લાવી શકે છે. શરત  એટલી જ કે બળ-પ્રયોગનો ઉપયોગ થવો ન જોઈએ. મહંમદઅલી ઝીણા આ પ્રસ્તાવ ન સ્વીકારે તો આ પ્રસ્તાવ કૉંગ્રેસ સમક્ષ મૂકો. સમગ્ર રીતે ભારતના હિત-અહિતના નિર્ણાયક આપ પોતે જ છો – માઉન્ટબેટન વ્યક્તિગત વિવેક અને અધિકારથી નિર્ણય કરશે.’ગાંધીજીની આ યોજનાનો કૉંગ્રેસના નેતાઓએ તદ્દન અસ્વીકાર કર્યો. ગાંધીજીએ અનેક વાર પં. નહેરુ અને કાર્યકારિણીના સભ્યો સાથે ચર્ચા કરી; પરંતુ એમને મનાવવામાં ગાંધીજી નિષ્ફળ રહ્યા. ગાંધીજી કોઇપણ ભોગે ભાગલા અટકાવવા માંગતા હતા, પરંતુ કોન્ગ્રેસના બાકીના બધા જ નેતા ગાંધીજીની વાત સાથે સહમત નહોતા.પં. નહેરુએ કહ્યું કે ગાંધીજી ખૂબ ઝડપથી કેન્દ્રની ઘટનાઓથી અદ્રશ્ય થતા જાય છે. ગાંધીજીએ વાઈસરૉયને લખ્યું કે પોતાની યોજના સાથે કૉંગ્રેસ સંમત થઈ નથી, આથી ભવિષ્યની બધી વાટાઘાટોનો ભાર કૉંગ્રેસ કાર્યકારિણીને માથે નાખું છું. આમ ગાંધીજીએ જાણે હવે આ સૌથી દર્દનાક બનવા જઇ રહેલી ઘટનાથી પોતાની જાતને અલિપ્ત કરી લીધી. હવે બધા જ નિર્ણયો લગભગ સરદાર પટેલ અને પં. નહેરુ લેતા હતા. માઉન્ટબેટન ભારત આવ્યાના એક મહિનાની અંદર જ 1947ની 20 મી માર્ચે વર્ષોથી ભારતના ભાગલાના બોલકા વિરોધી જવાહરલાલ નહેરુ દેશના ભાગલાના સમર્થક બની ગયા. સરદાર પટેલે પણ ન છૂટકે ભાગલાની વાત સ્વીકારી. સરદાર પટેલે 4 માર્ચ 1947 ના દિવસે  પોતાના વિચારો વ્યક્ત કરતો એક પત્ર કાંજી દ્વારકાદાસને લખ્યો હતો: ‘….આપની જેમ હું બહુ નિરાશ દ્રષ્ટિકોણ અપનાવતો નથી. આગામી જૂન પહેલાં બંધારણ જરુરથી તૈયાર થઇ જવું જોઇએ અને જો લીગ પાકિસ્તાન માટે આગ્રહ રાખે તો પંજાબ અને બંગાળના ભાગલા એ જ એકમાત્ર છે… તેમને સમગ્ર પંજાબ કે બંગાળ નાગરિક યુદ્ધ સિવાય મળી શકશે નહીં. હું એવું નથી માનતો કે છેલ્લે બ્રિટીશ સરકાર ભાગલા માટે તૈયાર થશે.’ સરદાર પટેલે આ પત્ર માઉન્ટબેટન ભારત આવ્યા તેના ત્રણ અઠવાડિયા પહેલા લખ્યો હતો.મહંમદઅલી ઝીણાએ ગાંધીજીના પ્રસ્તાવની ટીકા કરી એને ‘દુષ્ટતાપૂર્ણ’ કહ્યો. ગાંધીજી હવે બનનારી દરેક ઘટનાથી સ્વેચ્છાએ હટી ગયા. પહેલાં નોઆખલી અને પછી બિહાર ચાલ્યા ગયા. સરોજીની નાયડુની આંખોમાં આંસુ આવી ગયાં. એમણે કહ્યું : ‘જ્યાં સુધી રાજનીતિનો સંબંધ છે ત્યાં સુધી ગાંધીજી મરી ચૂક્યા છે. એમના જીવનની તપશ્ચર્યા ભંગ થઈ ગઈ. એમની સામે એમના જીવનવ્રતનું શબ પડ્યું છે.’
|: ક્રમશ:

|©️kishormakwana


Spread the love