કડી (Kadi) વિધાનસભા બેઠકની પેટાચૂંટણી રસપ્રદ બની ગઈ છે આજે આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે બે મુખ્ય પક્ષો એવા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાત બાકી છે.
કડી (Kadi) વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ત્રિકોણીય યુદ્ધ જામશે એ નક્કી થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ હજુ પોતાના ઉમેદવારની શોધમાં છે ત્યારે આજે આમ આદમી પાર્ટીએ કડી બેઠક પર પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. જગદીશ ચાવડાના નામની જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી વિસાવદર બેઠક ઉપર પણ પોતાના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે.

આમ આદમી પાર્ટીએ કડી (Kadi) બેઠક ઉપર ઉમેદવાર જાહેર કર્યા
આમ આદમી પાર્ટીએ કડી (Kadi) અને વિસાવદર બેઠક માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, દિલ્હીના પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહ તથા સાંસદ રાઘવ ચઢ્ઢા વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં પ્રચારમાં ઉતરશે. અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતમાં પ્રચાર કરશે. રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા, દિલ્હીના ધારાસભ્ય ઇમરાન હુસેન, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવનુંનું નામ સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં છે.

AAPના ગુજરાતના જે નેતાઓ સ્ટાર પ્રચારકોની યાદીમાં છે તેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય ઉમેશ મકવાણા, ધારાસભ્ય સુધીર વાઘાણી સામેલ છે. ગુજરાત અને રાષ્ટ્રીય નેતાઓ વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાના આવતીકાલે યોજાનારા રોડ શો ‘જન આશીર્વાદ યાત્રા’ અને ઉમેદવારી પત્રક ભરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોવાના અહેવાલ છે.
કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં AAPના ઉમેદવાર જાહેર #Kadi #Bypolls #AAP #Gujarat #SandeshNews pic.twitter.com/wsJ47GYzDi
— Sandesh (@sandeshnews) May 30, 2025
કોંગ્રેસમાં ધમાધમ, ઉમેદવારની જાહેરાત બાકી
કડી અને વિસાવદરની પેટા ચુંટણી માટે કોંગ્રેસ આળસ મરડીને બેઠી થઈ સક્રીય બની હોવાનું જણાય છે. કોંગ્રેસ આ બન્ને બેઠકો માટે સેન્સ પ્રક્રિયા પુરી કરી લીધી હોવાના અહેવાલ છે. બંને વિધાનસભા બેઠક માટે પ્રભારીઓ પણ સ્થાનિક નેતાઓની સાથે મીટીંગો લેવામાં વ્યસ્ત થઈ ગયા છે. પ્રભારીઓ સ્થાનિક નેતાઓ સાથેની મીટીંગોનો અહેવાલ અગામી 48 કલાકમાં પ્રદેશ પ્રમુખને આપશે. આ અહેવાલ ઉપર પ્રદેશ નેતૃત્વ ચર્ચા કરીને સંભવિત ઉમેદવારોની પેનલ તૈયારે કરી હાઈ કમાન્ડને દિલ્હી ખાતે મોકલી આપશે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ બન્ને બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત 1 જુનના રોજ મોડી સાંજ સુધીમાં કરશે.

ભાજપમાં દાવેદારોનો રાફડો
હંમેશ મુજબ ભાજપ સતત સક્રીય જોવા મળી રહ્યો છે. ભાજપે કડી (Kadi) વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી માટે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. જોકે ભાજપમાં ઉમેદવારને લઈને ભારેલો અગ્નિ જોવા મળી રહ્યો છે. કડી ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શરૂઆત પહેલા પ્રભારી સુરેશ પટેલ, પીઢ નેતા નીતિન પટેલ, પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મહામંત્રી રજની પટેલ સહિત ભાજપના સંસદ સભ્યો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ખાનગી સમીક્ષા બેઠક યોજાઇ હતી.
મળતી માહિતી મુજબ કડી બેઠક માટે ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો હોવાના અહેવાલ છે. લગભગ 70 જેટલા નેતાઓએ ટિકીટ માટે દાવેદારી નોંધાવી છે. જેમાં ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી દેવન વર્મા, અનિતા પરમાર, રમેશ સોલંકી, નિલેશ આચાર્ય, નરેન્દ્ર પરમાર વગેરે તથા પોતાને સંઘના કાર્યકર્તા ગણાવતા દર્શન સોલંકી અને છેક પાલનપુરથી આવેલા અને પોતાને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા ગણાવતા પ્રકાશ ધારવા જેવા કેટલાક અન્ય લોકોએ પણ દાવેદારી નોંધાવી છે.