રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) સરસંઘચાલક મોહન ભાગવતે અલીગઢમાં બે શાખાઓમાં સ્વયંસેવકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે સમાજમાં સમરસતા અને રાષ્ટ્ર નિર્માણ માટે ‘પંચ પરિવર્તન’નો મંત્ર આપ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી કે જો આપણે સમાજમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા માંગતા હોઈએ તો આપણે પરિવાર, સમાજ અને રાષ્ટ્રના સ્તરે ઊંડાણપૂર્વક કાર્ય કરવું પડશે. આમાં સમાજની મોટી ભૂમિકા રહેશે. આપણે સમાજને જાગૃત કરવા માટે ઘરે ઘરે જવું પડશે.
ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જે દુનિયામાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ લાવવામાં મોટી ભૂમિકા ભજવશે. એટલા માટે સમગ્ર વિશ્વની દૃષ્ટિ ભારત તરફ છે. સ્વયંસેવકોએ પોતાની ભૂમિકા માટે તૈયાર રહેવું જોઈએ. સમરસતા માટે, સમાજના તમામ વર્ગો માટે એક મંદિર, એક કૂવો અને એક સ્મશાન હોવું જોઈએ.

શનિવારે, તેમની પાંચ દિવસની મુલાકાતના ત્રીજા દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) સરસંઘચાલક મોહન ભાગવત સવારે એચબી ઇન્ટર કોલેજ કેમ્પસમાં સ્થિત સનાતન શાખામાં અને સાંજે પંચનગરીમાં ભગતસિંહ શાખામાં પ્રવાસે પહોંચ્યા હતા. આ બંને શાખાઓમાં તેમણે શાખા ટોળી સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે કહ્યું કે સામાજિક પરિવર્તનમાં સ્વયંસેવકોની મોટી ભૂમિકા છે. સ્વયંસેવકો દેશભક્તિથી ઓતપ્રોત હોય છે, તેથી તમારે તમારી જાતને ઓળખવી જોઈએ. સમાજમાં સમરસતાની ભાવના લાવો. સંઘના સ્વયંસેવકોએ સમાજના દરેક વર્ગના ઘરોની મુલાકાત લેવી જોઈએ. તેમની સાથે સંવાદ કરો, તેમને આદરપૂર્વક તમારા ઘરે આમંત્રણ આપો. તેમણે કહ્યું કે સામાજિક સમરસતાને નક્કર આકાર આપવા માટે ‘એક મંદિર, એક કૂવો, એક સ્મશાન’ ના સિદ્ધાંતને અપનાવવો જોઈએ. તેનાથી સમાજમાં પ્રવર્તતા ભેદભાવ અને અસમાનતાની દિવાલ તુટશે અને તમામ વર્ગોમાં એકતાની ભાવના વિકસિત થશે.
સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે હાકલ
સ્વયંસેવકોને સંબોધન કરતા મોહન ભાગવતે હિન્દુ સમાજના સભ્યોને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા હાકલ કરી, જે ફક્ત ‘સમરસતા’ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. આ માટે તેમણે સામાજિક સદ્ભાવ ઉપર ભાર મૂક્યો હતો. ભાગવતે શાખા ટોળીને પંચ પરિવર્તનના પાંચ મુખ્ય પાસાંઓ પર કામ કરવા હાકલ કરી. જેમાં કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, સ્વ-જાગરણ અને નાગરિક કર્તવ્યોનો સમાવેશ થાય છે.

તેમણે આગળ કહ્યું કે સંઘ શતાબ્દી વર્ષ (RSS) નિમિત્તે, સંઘ આ પાંચ વિષયોને સામાજિક અભિયાન તરીકે લઈને ચાલી રહ્યો છે અને આ દિશામાં મોટા પાયે યોજનાઓ બનાવવામાં આવી છે. ભાગવતે હિન્દુ સમાજની આધારશિલા તરીકે ‘સંસ્કાર’ ના મહત્વને રેખાંકિત કરતા સ્વયંસેવકોને પરંપરા, સાંસ્કૃતિક મૂલ્યો અને નૈતિક સિદ્ધાંતો પર આધારિત સમાજ બનાવવા આગ્રહ કર્યો હતો.
‘સંઘના (RSS) સ્વયંસેવકોએ પ્રત્યેક ઘેર જવું જોઈએ’
ભાગવતે કહ્યું કે સમાજમાં સમરસતા અને સમાનતા લાવવા માટે RSS ના સ્વયંસેવકોએ દરેક ઘેર જવું જોઈએ. આપણે બધી જાતિઓ અને વર્ગોના લોકો સાથે સંવાદ કરવો જોઈએ, તેમને આપણા ઘરે આમંત્રણ આપવું જોઈએ અને તેમની સાથે તહેવારો ઉજવવા જોઈએ. આ અંતર્ગત સમરસતા સંમેલન, ગ્રામદેવતાની પૂજા, સામૂહિક ખીચડી ભોજન, સામાજિક સદ્ભાવના સભાઓનું આયોજન કરવામાં આવશે.
17 એપ્રિલથી આરંભ થયેલા ઉત્તરપ્રદેશના પોતાના પાંચ દિવસના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) સરસંઘચાલક મોહન ભાગવત દરરોજ વૃજ ક્ષેત્ર અંતર્ગત આવતા તમામ જિલ્લાઓના આરએસએસ સ્વયંસેવકોને મળી રહ્યા છે અને તેમની સાથે વિચારોનું આદાન-પ્રદાન કરી રહ્યા છે.