કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા 1961ના ચૂંટણી સંચાલન નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ હવે ચૂંટણી સંબંધિત ઘણા દસ્તાવેજો સામાન્ય લોકોને આપવામાં આવશે નહીં. જોકે, નોમિનેશન ફોર્મ અને ચૂંટણી પરિણામો જેવા દસ્તાવેજો પહેલાની જેમ લોકો જોઈ/મેળવી શકશે.
કેન્દ્ર સરકારે શુક્રવારે ચૂંટણી સંચાલન નિયમોમાં સુધારો કર્યો છે. આ સુધારા બાદ કેટલાક ચૂંટણી સંબંધિત દસ્તાવેજો જનતા માટે ઉપલબ્ધ રહેશે નહીં. ચૂંટણી સંચાલનના નિયમો, 1961ના અગાઉના નિયમ 93 (2) (a)માં જોગવાઈ હતી કે ચૂંટણી સંબંધિત અન્ય તમામ દસ્તાવેજો જાહેર નિરીક્ષણ માટે ઉપલબ્ધ રહેશે. ચૂંટણી પંચ સાથે પરામર્શ કરીને કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા આ સૂચના આપવામાં આવી છે.
આ ફેરફાર સાથે કાયદા મંત્રાલયે સૂચના આપી છે કે ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો લોકો માટે ઉપલબ્ધ રહેશે નહીં. ચૂંટણી સંચાલન નિયમોમાં આપેલા દસ્તાવેજો જ લોકો માટે ઉપલબ્ધ રહેશે. જોકે કોર્ટની સૂચના પર તમામ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવી શકાશે. પ્રતિબંધિત દસ્તાવેજોમાં CCTV ફૂટેજ, વેબકાસ્ટિંગ ક્લિપ્સ અને ચૂંટણી દરમિયાન ઉમેદવારોના વીડિયો રેકોર્ડિંગનો સમાવેશ થાય છે.
નોમિનેશન ફોર્મ જેવા દસ્તાવેજો પહેલાની જેમ જ ઉપલબ્ધ રહેશે
સીસીટીવી ફૂટેજ અને ઉમેદવારોના વિડિયો રેકોર્ડિંગ જેવા અમુક ઈલેક્ટ્રોનિક દસ્તાવેજોની જાહેર ચકાસણીને રોકવા માટે કેન્દ્રએ ચૂંટણી નિયમોમાં સુધારો કર્યો છે. શુક્રવારે ચૂંટણી પંચની ભલામણના આધારે કેન્દ્રીય કાયદા મંત્રાલયે ચૂંટણી આચાર નિયમો 1961ના નિયમ 93માં સુધારો કર્યો હતો. જેથી સામાન્ય જનતાને દસ્તાવેજો જાહેર કરવા અને જાહેર ચકાસણી પર અંકુશ લાવી શકાય.
ફેરફાર બાદ હવે માત્ર ચૂંટણી આચાર નિયમ 93(2)(A)માં નિર્ધારિત ચૂંટણી સંબંધિત દસ્તાવેજો જેનો નિયમોમાં ઉલ્લેખ છે તે જ જાહેર નિરીક્ષણ માટે ઉપલબ્ધ રહેશે. નોમિનેશન ફોર્મ અને ચૂંટણી પરિણામો જેવા દસ્તાવેજો સામાન્ય જનતા માટે પહેલાની જેમ ખુલ્લા રહેશે. પરંતુ સીસીટીવી ફૂટેજ જેવા ઈલેક્ટ્રોનિક રેકોર્ડ આમાં સામેલ નથી. ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું કે આ ઈલેક્ટ્રોનિક રેકોર્ડ્સ માટે અગાઉના નિયમો હેઠળ વિનંતીઓ કરવામાં આવી શકે છે.
કયા રેકોર્ડ્સ માટે કોર્ટનો સંપર્ક કરવો પડશે?
ચૂંટણી પંચના અધિકારીઓએ ઈલેક્ટ્રોનિક રેકોર્ડના સંભવિત દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે મતદાન મથકોના સીસીટીવી ફૂટેજ મતદારની ગોપનીયતા સાથે ચેડા કરી શકે છે. અથવા ખોટા નિવેદનો કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તેમાં છેડછાડ કરી શકાય છે. સામાન્ય લોકો અથવા કોઈપણ વ્યક્તિ આવા ઈલેક્ટ્રોનિક રેકોર્ડ્સ મેળવવા ઈચ્છે છે તો તેમણે કોર્ટનો દરવાજો ખખડાવવો પડશે.
સુધારામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માત્ર નિર્દેશિત દસ્તાવેજો જ તપાસ માટે ખુલ્લા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલી તાજેતરની સૂચના બાદ આ પગલું લેવામાં આવ્યું છે. કોર્ટે હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા હતા.