બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાએ બ્રિટિશ ભારતીય સમુદાયના બે અગ્રણી નેતાઓ રામી રેન્જર અને હિંદુ કાઉન્સિલ યુકેના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ ભનોટ પાસેથી સન્માન પરત લઈ લીધુ છે. જેમાંથી એકનું બાંગ્લાદેશી હિંદુઓના પક્ષમાં બોલવા બદલ અને બીજાનું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન કરવા બદલ સન્માન છીનવી લેવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે (6 ડિસેમ્બર)ના રોજ ‘લંડન ગેઝેટ’ માં આ બાબતે જાહેરાત કરવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને બ્રિટિશ ભારતીયોને બકિંગહામ પેલેસમાં તેમના પ્ર્તિક ચિહ્ન પરત કરવા માટે કહેવામાં આવશે. રામી રેન્જર અને અનિલ ભનોટે આ આદેશની જાહેરાતની નિંદા કરી છે અને પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો છે.
બંને બ્રિટિશ ભારતીયોને કયા સન્માનથી સન્માનિત કરવામાં આવેલા?
ઉલ્લેખનીય છે કે જેમની પાસેથી કિંગ ચાર્લ્સ ત્રીજાએ હવે આ સન્માન પરત માંગ્યું છે તે કરોડપતિ રામી રેન્જરને CBE (કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર) અને એકાઉન્ટન્ટ અનિલ ભનોટ કે જેઓ લેસ્ટરમાં કોમ્યુનિટી આર્ટસ સેન્ટર ચલાવે છે, તેમને OBE (ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર)નું બિરુદ આપવામાં આવ્યું હતું.
ઈંગલેન્ડની જપ્તી સમિતિ સન્માન ધારકને સન્માન પ્રણાલીનો ભંગ કર્યો હોવાનું માનવામાં આવે એવા મામલાઓ પર વિચારણા કરતી હોય છે. જપ્તી સમિતિની ભલામણો બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર દ્વારા રાજાને સુપરત કરવામાં આવી છે.
‘મારી દલીલ પર કોઈ ધ્યાન આપવામાં ન આવ્યું’ – અનિલ ભનોટ
OBE એવોર્ડ મેળવનાર અનિલ ભનોટે કહ્યું, ‘જપ્તી સમિતિએ જાન્યુઆરીમાં તેમનો સંપર્ક કર્યો હતો અને તેમણે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.’ અહેવાલ મુજબ, ભનોટે માહિતી આપી હતી કે તેમણે કહ્યું કે 2021 માં બાંગ્લાદેશમાં મંદિરો નષ્ટ કરવામાં આવી રહ્યા હતા અને હિંદુઓ પર હુમલા થઈ રહ્યા હતા પરંતુ મીડિયા તેને કવર નહોતુ કરી રહ્યું. મને લાગ્યું કે મારે કંઈક કહેવું જોઈએ તે મેં કહ્યું. તે વખતે અનિલ ભનોટ ઉપર ઇસ્લામોફોબિયાનો આરોપ લગાવતી ફરિયાદ કરવામાં આવી હતી. ભનોટે જપ્તી સમિતિ સમક્ષ કહ્યું કે, મેં કંઈ ખોટું કર્યું નથી અને સન્માન પ્રણાલીને બદનામ નથી કરી. તેમણે વધુમાં કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા હવે ઈંગ્લેન્ડમાં ભૂતકાળ બની ગઈ છે. હું આનાથી ખુબ વ્યથિત છું. કારણ કે આ સન્માનની વાત છે, મને નથી લાગતું કે તેમણે મારી દલીલ પર જરાક પણ ધ્યાન આપ્યું હોય.
‘આ નિર્ણય અન્યાયી છે, તેને પડકારવામાં આવશે’- રામી રેન્જર
કન્ઝર્વેટિવ પાર્ટીના સમર્થક અને યુકે સ્થિત એફએમસીજી ફર્મ સન માર્ક્સ લિમિટેડના સ્થાપક, લોર્ડ રામી રેન્જરના પ્રવક્તાએ આ નિર્ણયને અન્યાયી ગણાવ્યો અને કહ્યું કે તેઓ આ નિર્ણયને પડકારશે. રામી રેન્જરને ડિસેમ્બર 2015માં સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ દ્વિતિય દ્વારા બ્રિટિશ બિઝનેસ અને એશિયન સમુદાયની સેવાઓ માટે CBE એનાયત કરવામાં આવ્યો હતો.