Spread the love

સીરિયાની રાજધાની દમાસ્કસ પર બળવાખોરોએ કબજો કરી લીધો છે અને રાષ્ટ્રપતિ બશર અલ-અસદ ખાસ વિમાન દ્વારા દમાસ્કસથી ભાગી ગયા છે. ઘણા વિસ્તારોમાંથી સૈનિકો ભાગી ગયા, બળવાખોરોએ અસદના સૈનિકોને આત્મસમર્પણ કરવાનું કહ્યું છે. બળવાખોરો દમાસ્કસમાં જશ્ન મનાવી રહ્યા છે. એપીના અહેવાલો અનુસાર, અસદ પરિવારના 50 વર્ષના શાસનનો અંત આવતા સીરિયાની સરકાર પડી ભાંગી છે. બળવાખોરોએ દેશના સંરક્ષણ મંત્રાલય, સાર્વજનિક રેડિયો અને ટીવી સ્ટેશનો પર પણ કબજો જમાવી લીધો છે. વિદ્રોહીઓએ રાજધાની દમાસ્કસ પર કબજો જમાવી લીધો છે. વિદ્રોહીઓ હવામાં અંધાધુંધ ગોળીબાર કરીને રાજધાનીમાં વિજયની ઉજવણી કરી રહ્યા છે અને નારાઓ લગાવી રહ્યા છે.

સીરિયામાં આખરે અસદની સરકાર ઉથલાવી દેવામાં આવી છે. વિદ્રોહીઓએ સીરિયાની બહાર રહેતા લોકોને પાછા ફરવાની અપીલ કરી છે. જોકે, સીરિયાના વડાપ્રધાને કહ્યું છે કે તેઓ દેશ છોડીને ભાગી જશે નહીં અને શાંતિપૂર્ણ રીતે વિપક્ષને સત્તા સોંપશે.

એવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં સીરિયન બળવાખોરો દમાસ્કસમાં ઉજવણી કરતા જોવા મળે છે. આ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અસદના સૈનિકો જીવ બચાવવા સિવિલ ડ્રેસમાં દમાસ્કસ છોડીને ભાગી રહ્યા છે. અગાઉ, સીરિયાના વડા પ્રધાને કહ્યું હતું કે તેઓ શાંતિપૂર્ણ રીતે વિપક્ષને શાસનની લગામ સોંપવા માટે તૈયાર છે.

ઇસ્લામિક જૂથ હયાત તહરિર અલ-શામ (HTS) એ શનિવારે રાત્રે જાહેરાત કરી હતી કે સીરિયન સૈન્ય સીરિયાના ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સની બહારના વિસ્તારમાં પીછેહઠ કર્યા પછી તેમના દળોએ હોમ્સનો કબ્જો કરી લીધો છે. હોમ્સ શહેર ભૂમધ્ય સમુદ્ર કિનારે દમાસ્કસ અને અસદના ગઢ વચ્ચેનું મહત્વપૂર્ણ જંકશન છે જે હવે બળવાખોરોના કબ્જામાં છે. ઇસ્લામિક જૂથ હયાત તહરિર અલ-શામ (HTS) ના નેતા અબુ મોહમ્મદ અલ-જોલાનીએ જાહેર કર્યું કે તેમની સેના હોમ્સ અને દમાસ્કસના આંગણે પહોંચી ચુકી છે અને અસદના ગુનાહિત શાસનને ઉથલાવી દેવાની નજીક છે.

ભારત સીરિયાની સ્થિતિ પર પણ નજર રાખી રહ્યું છે. સીરિયામાં ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને, ભારતે તેના નાગરિકોને ત્યાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપી છે અને સીરિયામાં રહેતા નાગરિકોને ‘અત્યંત સાવધાની’ રાખવા અને આવાગમન ઉપર નિયંત્રણ રાખવા વિનંતી કરી છે.

સીરિયામાં ગૃહયુદ્ધ કોઈ નવી વાત નથી 2011 થી સતત ચાલી રહ્યું છે અને અહીંની સ્થિતિ વર્ષોથી ચિંતાજનક છે. આ ગૃહયુદ્ધની હિંસામાં લાખો લોકો માર્યા ગયા છે જે અંગે સમગ્ર વિશ્વમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ યુદ્ધ બશર અલ-અસદની સરકાર સામે શરૂ થયું હતું, પરંતુ હવે બળવાખોર જૂથો, આતંકવાદી સંગઠનો અને અન્ય દેશોની સેનાઓ જેવા ઘણા જુદા જુદા જૂથો સામેલ થઈ ગયા છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેમને આ યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “World: સીરિયાના રાષ્ટ્રપતિ અસદ વિશેષ વિમાનથી ભાગ્યા: દમાસ્કસમાં બળવાખોરોનો જશ્ન”
  1. […] છે. આ સંજોગોમાં સિરિયાના પ્રમુખ અસદ વિશેષ વિમાનમાં દેશ છોડીને ભાગી જવા નીકળ્યા હતા પરંતુ […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *