ભારતે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી [UNGA] ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવમાં ‘પશ્ચિમ એશિયામાં કોઈપણ વિલંબ વગર વ્યાપક, ન્યાયી અને કાયમી શાંતિ સ્થાપવા’ તથા પૂર્વ જેરુસલેમ સહિત ઈઝરાયલે 1967માં કબજે કરાયેલા વિસ્તારો પરત કરવાના ફરી કરાયેલા આહવાનનો પુનરોચ્ચાર આવ્યો છે.
ભારત સહિત 157 રાષ્ટ્રોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે આઠ સભ્ય દેશો – આર્જેન્ટિના, હંગેરી, ઇઝરાયેલ, માઇક્રોનેશિયા, નૌરુ, પલાઉ, પાપુઆ ન્યુ ગિની અને યુનાઇટેડ સ્ટેટ્સે તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. બેઠકમાં કેમરૂન, ચેકિયા, એક્વાડોર, જ્યોર્જિયા, પેરાગ્વે, યુક્રેન અને ઉરુગ્વે ઉપસ્થિત રહ્યા નહોતા. સેનેગલ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘પેલેસ્ટાઈનના પ્રશ્નોનું શાંતિપૂર્ણ સમાધાન’ અંગેનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો, જેને 193 સભ્યોની મહાસભાએ બહુમતી સાથે સ્વીકારી લીધો હતો.
પ્રસ્તાવમાં ઈઝરાયલને પૂર્વ જેરુસલેમ સહિત 1967થી કબજે કરાયેલા પેલેસ્ટાઈનના વિસ્તારોમાંથી પાછા હટવા તેમજ પેલેસ્ટાઈનના લોકોના અધિકારને સાકાર કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. મહાસભાએ પ્રસ્તાવને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ, ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના સમાધાન માટે 157 દેશોના સમર્થનની પુષ્ટી કરી હતી, જે મુજબ બંને દેશો માન્યતા પ્રાપ્ત સરહદોની અંદર શાંતિ તેમજ સુરક્ષા જાળવી રાખી એક સાથે રહેશે. પ્રસ્તાવમાં ગાઝા પટ્ટીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ગાઝા પટ્ટીના વિસ્તારોમાં બદલાવ કરવાના પ્રયાસોને નકારી દેવામાં આવ્યા છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, ગાઝા પટ્ટી પેલેસ્ટાઈનનો અભિન્ન હિસ્સો છે, તેથી ગાઝા પટ્ટી પેલેસ્ટાઈનનો હિસ્સો ગણાશે.
ભારતે મહાસભામાં વધુ એક પ્રસ્તાવની તરફેણમાં પણ મતદાન કર્યું છે, જેમાં માંગ કરવામાં આવી છે કે, ‘સંબંધિત સુરક્ષા પરિષદના ઠરાવોના અમલીકરણમાં ઈઝરાયલે કબજા હેઠળના સીરિયન ગોલાનમાંથી પીછેહઠ કરવી જોઈએ અને જૂન 1967માં નિર્ધારિત કરાયેલી સરહદ રેખાઓ મુજબ પાછા ફરવું જોઈએ.’