ચૂંટણીઓનો સમય પૂરો અને સંસદના સત્રનો સમય ચાલી રહ્યો છે. સંસદનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલવાનું છે જોકે જે રીતે કૉંગ્રેસ દ્વારા સંસદમાં હંગામો કરીને સંસદ ન ચાલવા દેવાની પદ્ધતિ અપનાવાઈ છે તેનો વિપક્ષી ઈન્ડિ ગઠબંધનના સાથી એવા કૉંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી જબરજસ્ત નિવેદનબાજી જોવા મળી રહી છે, જેના પરિણામે વાસ્તવિક રીતે માત્ર કાગળ અને વાતોમાં જ જોવા મળતા INDI ગઠબંધનમાં ફૂટ પડી રહી હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે.
સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ સત્રમાં સતત હંગામો જોવા મળી રહ્યો છે. અદાણી મુદ્દે જ્યાં કૉંગ્રેસ સંસદની કાર્યવાહી નથી ચાલવા દઈ રહી ત્યારે વિપક્ષી INDI ગઠબંધનના સાથી મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસે જુદો જ રાગ છેડ્યો છે. તૃણમૂલ કોંગ્રેસનું કહેવું છે કે દેશમાં અન્ય મુદ્દાઓ પણ છે અને તેના ઉપર ચર્ચા થવી જોઈએ. તૃણમૂલ કોંગ્રેસે બુધવારે તેના સાંસદોની બેઠકમાં કૉંગ્રેસથી જુદો રસ્તો લેવાનો નિર્ણય કર્યો છે. એક તરફ જ્યાં અદાણી મુદ્દે સંસદમાં હંગામો થઈ રહ્યો હતો ત્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની આ બેઠક થઈ હતી. સંસદની કાર્યવાહી સતત સ્થગિત થઈ રહી છે ત્યારે તૃણમૂલ કોંગ્રેસ ઈચ્છે છે કે સંસદ ચાલવી જોઈએ દેશમાં અન્ય મુદ્દાઓ પણ છે જેથી લોકોને સ્પર્શતા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ શકે. રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ’બ્રાયને કહ્યું કે ટીએમસી સંસદમાં લોકોનો અવાજ બનવા ઈચ્છે છે.
ટીએમસી પશ્ચિમ બંગાળને કેન્દ્ર દ્વારા મળતા ફંડમાં કથિત કમી અને મણિપુર જેવા મુદ્દાઓ ઉઠાવવા ઈચ્છે છે. ટીએમસીના સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે જણાવ્યું કે સંસદ ચાલવી જોઈએ. અમે નથી ઈચ્છતા કે એક મુદ્દો સતત સંસદમાં અવરોધ ઉભો કરે. આપણે આ સરકારને તેની નિષ્ફળતાઓ માટે જવાબદાર ઠરાવવી જોઈએ. તેમણે આગળ કહ્યું સંસદની કાર્યવાહી ચાલે તેમ ટીએમસી ઈચ્છે છે.
દસ્તીદારે ચોંકાવનારી વાત કરતા કહ્યું કે ટીએમસી રાષ્ટ્રીય સ્તર ઉપર INDI ગઠબંધનનો હિસ્સો છે પરંતુ કોઈ પણ પાર્ટી સાથે ચુંટણીના ગઠબંધનમાં નથી. તેમણે કહ્યું કે અમે ભાજપનો મુકાબલો કરીશું પરંતુ એ માટે અમારી રણનીતિ જુદી હોઈ શકે છે.
વિપક્ષી INDI ગઠબંધનમાં મમતા બેનર્જી પોતાનું જુદુ અને મજબુત સ્થાન બનાવી રહ્યા હોય તેમ જણાય છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના પરાજય અને પશ્ચિમ બંગાળની પેટા ચુંટણીમાં ટીએમસીની ક્લિન સ્વીપથી મમતા બેનર્જીનું કદ વધ્યું છે એટલું જ નહી વિપક્ષના INDI ગઠબંધનમાં મજબુત નેતા તરીકે ઉભરી રહ્યા છે.