શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર એક પાર્ટીના એજન્ટ હોવાનો આક્ષેપ કર્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું કહેવું છે કે જો આપણે જાતિ છોડી દઈશું તો આપણી ઓળખાણ પણ છોડી દઈશું. તાજેતરમાં જ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાતિથી ઉપર ઉઠીને સૌને હિંદુ તરીકે પોતાને જોવાની વાત કરી હતી જેને લઈને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ આ આરોપ લગાવ્યો છે.
બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા સનાતન ધર્મમાં રહેલી જાતિઓના વિરોધમાં કરવામાં આવી રહેલી પદયાત્રાનો બદ્રીકાશ્રમના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ વિરોધ કર્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીનું કહેવું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી એક પાર્ટીના એજન્ટ બની ગયા છે અને તેને માટે હિન્દુ વોટ બેંક ઉભી કરવાનું કામ કરી રહ્યા છે. હિંદુ ધર્મને સમજનારા જાણે છે કે જાતિ અને વર્ણ સનાતનની વિશેષતા છે અને તેને દૂર કરવાની વાત કરનારા સૌ હિન્દૂ વિરોધી છે.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આરોપ લગાવ્યો કે ધીરેન્દ્ર શાસ્ત્રી એવું કહી રહ્યાછે કે, ‘જાત પાતને આપો વિદાય, હિંદુ-હિંદુ ભાઈ ભાઈ’ ત્યારે આપ જેવા આપ જાતિને વિદાય આપવાની વાત કરો છો ત્યારે આપ સનાતની જ નથી રહેતા. હવે જ્યારે આપ સનાતની જ નહી રહો ત્યારે ભાઈ ભાઈ કેવી રીતે રહેશો. ધીરેન્દ્ર શાસ્ત્રી જેને સનાતન સાથે કોઈ લેવા દેવા જ નથી એને લાગુ કરાવવાનો રાજકીય એજન્ડા લઈને લોકો વચ્ચે પહોંચ્યા છે.
જાતિ જ છોડી દેવી એટલે આપણી ઓળખાણ છોડી દેવી
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે વર્ણાશ્રમને માનીને આપણે ન તો કોઈની ઘૃણા કરીએ ન કોઈને નીચા ગણીએ એને માટે આંદોલન થવું જોઈએ, જ્યારે આપણે જાતિ જ છોડી દઈશું ત્યારે આપણે આપણી ઓળખાણ પણ ખોઈ બેસીશુ. પુરીના શંકરાચાર્યે તો ત્યાં સુધી કહ્યું કે તે વ્યક્તિના હાથનું પાણી પણ નહી પીવે.
શંકરાચાર્યે કેમ કહી આ વાત
ધીરેન્દ્ર શાસ્ત્રીએ તાજેતરમાં હિન્દુ રાષ્ટ્રને લઈને એક વક્તવ્ય આપ્યું હતું જે ખુબ વાયરલ થયું હતુ. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતુ કે આપણે ભારતમાં જાત-પાત, ઉંચ-નીચ, અસ્પૃશ્યતા, ભેદભાવ દૂર કરવા છે. જોકે લોકોની અટક તો છે જ પરંતુ સરકારે માત્ર બે જ જાતિ બનાવી દેવી જોઈએ ત્યારે જ ભારત સમૃદ્ધ થશે. આ કાર્યક્રમમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતુ કે, ભારતમાં રહેલા અંધવિશ્વાસને પણ રોકવાની આવશ્યકતા છે. આવામાં આપણે સરકારના ભરોસે ન બેસવું જોઈએ, અમે તો તૈયારીઓ કરી લીધી છે. આપણે સ્વયં સરકાર બનવું જોઈએ. બાગેશ્વર બાબા હિંદુ રાષ્ટ્ર નહી બનાવી શકે હવે ભારતના પ્રત્યેક યુવા ભાઈ-બહેને બાગેશ્વર બાબા બનવું પડશે ત્યારે હિંદુ રાષ્ટ્ર બનશે.