મહારાષ્ટ્ર ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતનાર MNSને મોટો ફટકો પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ રાજ ઠાકરેની પાર્ટી MNSની માન્યતા રદ કરી શકે છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ને મોટો ઝટકો લાગવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ની માન્યતા રદ કરી શકે છે. મળતી માહિતી મુજબ, જો વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી એક વિધાનસભા બેઠક અથવા 8 ટકા વોટ શેર ન મળે તો માન્યતા રદ્દ થઈ શકતી હોય છે.
રાજ ઠાકરેએ આજે (25 નવેમ્બર) દાદર તેમના ઘરે સવારે 11 વાગે પાર્ટીના નેતાઓની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન ઉપર આત્મનિરીક્ષણ માટે બેઠક બોલાવી છે. આ બેઠકમાં મનસેની આગામી રણનીતિ ઉપર ચર્ચા થવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે કોઈપણ પ્રાદેશિક પક્ષ માટે કોઈપણ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી એક સીટ અથવા 8 ટકા વોટ મેળવવા આવશ્યક છે. જો પાર્ટી આમ કરવામાં નિષ્ફળ જાય તો તેની માન્યતા રદ્દ થઈ શકે છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં MNSએ કુલ 125 બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ તેમાંથી એક પણ બેઠક ઉપર જીત મેળવી શકી ન હતી. એટલું જ નહીં સ્વયં રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે પણ ચૂંટણી હારી ગયા હતા. ચૂંટણી પંચના આંકડા મુજબ રાજ ઠાકરેની પાર્ટીને 125 સીટો પર માત્ર 1,002,557 વોટ મળ્યા જે માત્ર 1.55 ટકા વોટ થવા જાય છે. આ સ્થિતિમાં જો ચૂંટણી પંચ પાર્ટીની માન્યતા રદ કરે છે તો રાજ ઠાકરે માટે મોટા ફટકા સમાન હશે.