છેલ્લા 500 કરતા વધુ દિવસથી અશાંત પૂર્વોત્તરના મણિપુરમાં ગયા શનિવારે નવસેરથી હિંસા ભડકી ઉઠી હતી અને સ્થિતિ ત્યાર બાદ સ્ફોટક બની રહી છે. એક તરફ રાજ્ય સરકાર હિંસા ડામવા મથામણ કરી રહી છે બીજી બાજુ કેન્દ્ર સરકાર રાજયમાં ઓલ આઉટ એકશનની તૈયારીમાં હોવાના અહેવાલ આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સીઆરપીએફના 5000 જેટલા જવાનોને હિંસાગ્રસ્ત મણિપુર મોકલવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે મણિપુરમાં જુદી-જુદી એજન્સીઓ, સ્થાનિક પોલીસ દળ વગેરે કુલ મળીને તૈનાતી લગભગ 1 લાખ જવાનોની થઈ જશે. હિંસાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે.
રવિવારે મેતૈઈ સમુદાયના વિરોધ પ્રદર્શન વચ્ચે પોલીસ ગોળીબારમાં એક પ્રદર્શનકારીનું મૃત્યુ થયું હતું. રાજયમાં બે દિવસ તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે સોમવારે વધુ એક સમીક્ષા બેઠક યોજી જરૂરી આદેશ જારી કર્યા હતા. બેકાબૂ સ્થિતીને નિયંત્રણમાં લેવા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની 50 કંપનીઓ (5000 જવાન) મોકલવા નિર્ણય લેવાયો હતો.
રાજ્યમાં નવી તૈનાતી સાથે હવે ર4 કલાક ઓપરેશન ચલાવવામાં આવનાર છે. વિદ્રોહીઓ અને હિંસામાં સામેલ તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. આ પહેલા મણિપુરમાં અર્ધ સૈનિક દળના 2500 જવાન મોકલાયા હતા. તેમ છતાં સ્થિતિ કાબૂમાં ન આવતાં રણનીતિ બદલવામાં આવી છે.
રાજ્યમાં ઉપદ્રવ ફેલાવી અને કરી રહેલા તત્વોને ઝડપી લેવા માટે ગુપ્તચરોની મદદ લેવાઈ રહી છે. આર્મી, આસામ રાઈફલ્સ, બીએસએફ, સીઆરપીએફ, મણિપુર પોલીસ અને રાજયના કમાન્ડો ઈન્ફાલ સહિત બહારી વિસ્તારોમાં ફલેગ માર્ચ યોજી રહ્યા છે. રાજ્યમાં કુલ અર્ધ સૈનિક દળ, સીઆરપીએફ, સ્થાનિક પોલીસ એમ કુલ મળીને લગભગ 1 લાખ જેટલા જવાનોની તૈનાતી થઈ છે.. તાજેતરમાં મણિપુરના વિવિધ ભાગમાં નવેસરથી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 20 જેટલા લોકોના મૃત્યુ થયા છે. મુખ્યમંત્રી એન.બીરેન સિંહના પૈતૃક નિવાસ અને 13 ધારાસભ્યના નિવાસસ્થાન ઉપર હુમલા કરવામાં આવ્યા છે. રાજ્યના હિંસાગ્રસ્ત 7 જિલ્લામાં કફર્યૂ લાદવામાં આવ્યો છે અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. રાજયમાં બફર ઝોનનું સખતાઈથી પાલન કરાવાઈ રહ્યું છે.