ઝારખંડમાં I.N.D.I. ગઠબંધને સામાજિક ન્યાયની ગેરંટી તરીકે અનામતનો વ્યાપ વધારવાનું વચન આપ્યું છે. તેમાં આદિવાસીઓને 28%, દલિતોને 12% અને OBCને 27% અનામત આપવામાં આવશે એવું જણાવાયું છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 માટે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઈન્ડિ એલાયન્સે મંગળવારે સાંજે તેનો સંયુક્ત ચુંટણી ઢંઢેરો ‘ન્યાય-પત્ર’ ના નામે જાહેર કર્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ઝારખંડના સીએમ અને જેએમએમના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન અને ગઠબંધનના અન્ય પક્ષોના નેતાઓએ આ મેનિફેસ્ટોને ‘એક વોટ, સાત ગેરંટી’ નામ આપ્યું છે.
ઈન્ડિ ગઠબંધને ઝારખંડમાં પોતાના ચુંટણી ઢંઢેરાની પ્રથમ ‘ગેરંટી’ હેઠળ 1932ના ખતિયાન પર આધારિત સ્થાનિકવાદની નીતિને અમલમાં મૂકવાનું અને આદિવાસીઓની ધાર્મિક ઓળખને સુનિશ્ચિત કરવા માટે સરના ધર્મકોડનો અમલ કરવાનું વચન આપ્યું છે.
બીજી ગેરંટીમાં, રાજ્યમાં ચાલી રહેલી ‘મૈયા સન્માન યોજના’ જેમાં દર મહિને 1000 રૂપિયા આપવામાં આવે છે તેમાં ડિસેમ્બર 2024 થી મહિલાઓને દર મહિને 2500 રૂપિયાનું વચન આપવામાં આવ્યું છે.
ઈન્ડિ ગઠબંધને સામાજિક ન્યાયની ત્રીજી ગેરંટી હેઠળ અનામતનો વ્યાપ વિસ્તારીને આદિવાસીઓને 28%, દલિતોને 12% અને OBCને 27% અનામત આપવાનું વચન આપ્યું છે.
આ ઉપરાંત લઘુમતી સમુદાયના હિતોનું રક્ષણ કરવા અને પછાત વર્ગ કલ્યાણ મંત્રાલયની રચના કરવાનો સંકલ્પ ઈન્ડિ ગઠબંધનના ચુંટણી ઢંઢેરામાં વ્યક્ત કરવામાં આવ્યો છે.
ચોથી ગેરંટી હેઠળ રાજ્યના ગરીબોને 5 કિલોના બદલે દર મહિને 7 કિલો મફત અનાજ આપવાનું અને દરેક પરિવારને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપવામાં આવ્યું છે.
પાંચમી ગેરંટી રોજગાર સાથે જોડાયેલી છે, જેમાં 10 લાખ યુવાનોને નોકરી અને રોજગાર આપવાનું વચન આપવામાં આવ્યું છે.
તેવી જ રીતે, છઠ્ઠી ગેરંટી હેઠળ, તમામ બ્લોકમાં ડિગ્રી કોલેજો અને તમામ જિલ્લા મથકોમાં એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજો સ્થાપવાનું વચન આપવામાં આવ્યું છે.
સાતમી ગેરંટીમાં, ગઠબંધને ડાંગર પર ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂ. 3,200 ની MSP આપવા અને વન ઉત્પાદનોના ટેકાના ભાવમાં 50 ટકા વધારો કરવાનું વચન આપ્યું છે.
ચુંટણી ઢંઢેરાના વિમોચન પ્રસંગે, આરજેડીના જયપ્રકાશ નારાયણ યાદવ, કોંગ્રેસના ઝારખંડ પ્રભારી ગુલામ અહેમદ મીર, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કેશવ મહતો કમલેશ અને સીપીઆઈ-એમએલના સુભેન્દુ સેન હાજર હતા.