ભારત વિરોધી એજન્ડા ધરાવતા માલદીવ્સના તાજેતરમાં જ રાષ્ટ્રપતિ પદે આરૂઢ થયેલા મિઈઝ્ઝુને ભારતની શક્તિને અવગણવાની ભારે કિંમત ચુકવવી પડે એવા સંજોગો નિર્માણ થઈ રહ્યા હોય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. માલદીવનો વિપક્ષ ભારત સાથે સંબંધોમાં તણાવ ઉભો માટે મિઈઝ્ઝુ સરકાર ઉપર માછલા ધોઈ રહ્યો છે ત્યાં હવે રાષ્ટ્રપતિ મોઈઝ્ઝુ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની ગતિવિધિઓ તેજ થઈ ગઈ હોવાનું દેખાઈ રહ્યું છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુને હટાવવાનું બીડુ માલદિવ્સના સંસદીય અલ્પસંખ્યક નેતા અલી અઝીમે ઝડપ્યુ છે.
અલી અઝીમે માલદિવ્સના નેતાઓને મોઈઝ્ઝુને સત્તા પરથી દૂર કરવામાં મદદ કરવાની હાકલ કરી છે. અલી અઝીમે સોશ્યલ મિડિયા X પર એક પોસ્ટમાં લખ્યું કે, અમારી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) પાર્ટી માલદીવની વિદેશ નીતિમાં સ્થિરતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. અમે કોઈ પણ પાડોશી દેશને વિદેશ નીતિથી પૃથક થવા દઈશું નહીં. તેમણે પોતાની પાર્ટીના ટોચના નેતાઓને પૂછ્યું છે કે શું તેઓ રાષ્ટ્રપતિ મોઈઝુ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે તૈયાર છે?
એક તરફ અલી અઝિમે રાષ્ટ્રપતિ મિઈઝ્ઝુ વિરુદ્ધ જ્યાં રાજકીય મોરચો ખોલ્યો છે ત્યાં બીજી બાજુ મોટી સંખ્યામાં ભારતીય પર્યટકોનું બુકિંગ કેન્સલ થતા અને ટ્રાવેલ કંપનીઓના વિરોધ બાદ હવે માલદીવના ટુરિઝમ એસોસિએશને પણ પોતાના મંત્રીઓની ટીકા કરી છે અને મોરચો ખોલી દીધો છે. માલદિવ ટુરિઝમ એસોસિએશન કહ્યું કે ભારત આપણું સૌથી નજીકનો પાડોશી અને સહયોગી છે. જ્યારે પણ આપણા દેશ પર સંકટ આવ્યું તો સૌથી પહેલી પ્રતિક્રિયા ભારત તરફથી આવી છે. સરકારની સાથે સાથે અમે ભારતના લોકોના પણ આભારી છીએ કે તેમણે અમારી સાથે ઘનિષ્ઠ સંબંધો બનાવ્યા. માલદીવના ટુરિઝમ ક્ષેત્રમાં પણ ભારત સતત મહત્વની ભૂમિકા ભજવતું આવ્યું છે. કોવિડ 19 બાદ તેનાથી અમારા ટુરિઝમ સેક્ટરને બહાર આવવામાં મોટી મદદ મળી છે. માલદીવ માટે ભારત ટોચના બજારોમાંથી એક છે.
માલદીવ્સે રાષ્ટ્રપતિ મિઈઝ્ઝુના ભારત પ્રવાસનો પ્રસ્તાવ મુક્યો
માલદીવ્સના રાષ્ટ્રપતિ હમણાં ચીનના પ્રવાસે છે જ્યાં એમને આવકારવા કોઈ પણ મોટા નેતાને ન મોકલીને જે અપમાન કર્યું તે જોતા અને ભારત સરકાર તથા ભારતીય નાગરિકોના આકારા પ્રત્યાઘાત બાદ સાથે માલદીવ્સને હવે વાસ્તવિકતાનું અને ભારતના વૈશ્વિક પ્રભાવનું ભાન થઈ ગયું હોવાના અણસાર દેખાવા લાગ્યા છે. હવે એવા સમાચાર છે કે માલદીવ સરકારે આ મહિનાના અંતમાં પોતાના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુની ભારત યાત્રાનો પ્રવાસ પ્રસ્તાવ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે માલદીવ્સની પરંપરા રહી છે કે કોઈ પણ રાષ્ટ્રપતિ ચૂંટાય તો તેઓ પ્રથમ ભારત પ્રવાસ કરતા હતા ત્યારે મોઈઝુએ ગત વર્ષ નવેમ્બરમાં સત્તામાં આવ્યા બાદથી તેઓ અત્યાર સુધીમાં તુર્કી, યુએઈ, અને ચીનની મુલાકાત લઈ ચૂક્યા છે.