ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનના કરાચીની હોસ્પિટલમાં દાખલ હોવાના અહેવાલ છે. અહેવાલો સૂચવે છે કે તેને અજાણ્યા લોકો દ્વારા ઝેર અપાયું હોવાના કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જો કે પાકિસ્તાને હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધીઓને અજાણ્યા લોકો દ્વારા મારવાના ઘટનાક્રમમાં એક નવા જ સમાચાર આવ્યા છે. સમાચાર મુજબ અંડરવર્લ્ડ ડોન અને 1993ના મુંબઈ વિસ્ફોટોમાં તેની ભૂમિકાને કારણે ભારતમાં વોન્ટેડ છે તેવા દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાં કથિત રીતે ઝેર આપવામાં આવ્યું હતું અને તેને કરાચીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જો કે, આ સમાચારની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, અને કથિત ઝેર પાછળના સ્ત્રોતો અને હેતુઓ અસ્પષ્ટ છે. પાકિસ્તાનના કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, દાઉદને તેના નજીકના વ્યક્તિએ ઝેર આપ્યું હતું અને તે અસ્વસ્થ થવા લાગ્યો હતો. ત્યારબાદ તેને કરાચીની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દાઉદની હાલત નાજુક છે અને તેને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવી રહ્યો છે.
એક તરફ દાઉદ ઈબ્રાહિમને ઝેર અપાયું હોવાના સમાચાર વાયુવેગે પ્રસારયા હતા ત્યારે બીજી તરફ રવિવારે રાત્રે ઇન્ટરનેટ પણ ત્યાં બંધ થઈ ગયું હતું. રાત્રે પાકિસ્તાનીઓને યુટ્યુબ, ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ઇસ્લામાબાદ, લાહોર, કરાચી જેવા શહેરોમાં પણ રાત્રે 8 વાગ્યા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવો મુશ્કેલ બની ગયો છે. ઇન્ટરનેટ બંધ થવાનું એક કારણ પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ની રેલી રાત્રે 8 વાગ્યા પહેલા શરૂ થવાની હતી તે ગણાવાઈ રહ્યું છે કારણ કે રેલી ચાલુ થાય તે પહેલા દેશભરમાં ઈન્ટરનેટ બંધ થઈ ગયું હતું.
પાકિસ્તાની પત્રકાર અરફા ખાનમ
જો કે, પાકિસ્તાનના અન્ય મીડિયા હાઉસે આ અહેવાલોને પાયાવિહોણા અને બનાવટી ગણાવીને ફગાવી દીધા છે અને કહ્યું છે કે દાઉદ ઠીક છે અને કરાચીમાં તેના સેફ હાઉસમાં રહે છે. તેઓએ ભારત પર દાઉદના સહયોગીઓ અને સમર્થકોમાં ગભરાટ અને મૂંઝવણ ઊભી કરવા માટે દાઉદના સ્વાસ્થ્ય વિશે ખોટી અફવાઓ ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.
દાઉદ ઈબ્રાહિમ વિશ્વના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક છે. તેના પર જેમાં 250 થી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા એવા 1993ના મુંબઈ વિસ્ફોટો ષડયંત્ર કરવાનો આરોપ છે. તે અન્ય વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ જેવી કે ડ્રગની હેરફેર, મની લોન્ડરિંગ, ગેરવસૂલી અને શસ્ત્રોની દાણચોરીમાં પણ સામેલ હોવાનું માનવામાં આવે છે. તેના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે ગાઢ સંબંધો હોવાનું કહેવાય છે.
ભારત દાયકાઓથી પાકિસ્તાન પાસેથી દાઉદના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે, અને પાકિસ્તાનમાં તેની હાજરી અને પ્રવૃત્તિઓના અનેક પુરાવાઓ આપ્યા છે. જો કે, પાકિસ્તાને હંમેશા દાઉદને આશ્રય આપવાનો ઇનકાર કર્યો છે અને દાવો કર્યો છે કે તે તેના પાકિસ્તાનમાં નથી. ભારતે દાઉદના માથા ઉપર $25 મિલિયનનું ઇનામ પણ જાહેર કર્યું છે, અને આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી છે કે તે તેને સોંપવા માટે પાકિસ્તાન પર દબાણ કરે.