2001 માં ભારતની સંસદ પર થયેલા હુમલાની વરસીના જ દિવસે ફરી બુધવારે સંસદની સુરક્ષામાં મોટી ચૂકની ગંભીર ઘટના બની છે જેનાથે ફરીથી દેશ સ્તબ્ધ થયો છે. જોકે સંસદની સુરક્ષા ભંગ કરનારા ઝડપાઈ ગયા છે. આમ જોવા જઈએ તો ભારત સહિત વિશ્વના અન્ય 10 દેશોની સંસદમાં સુરક્ષા ચૂકની ઘટના ઘટી ચૂકી છે.
શ્રીલંકાની સંસદ પર હુમલો
5 ઓગસ્ટ 1987ના દિવસે શ્રીલંકાની સંસદમાં જે ઓરડામાં બેસીને સાંસદો બેઠક કરી રહ્યા હતા ત્યાં ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. ગ્રેનેડ એ જ મેજ પરથી ઉછળીને પડ્યા જેની બાજુમાં શ્રીલંકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જેઆર જયવર્ધને અને વડાપ્રધાન રણસિંઘે પ્રેમદાસા બેઠા હતા. આ ગ્રેનેડ ધડાકામાં શ્રીલંકાના એક સાંસદ અને મંત્રાલયના એક સચિવનું મોત થયું હતું. રીપોર્ટ મુજબ આ હુમલો પ્રતિબંધિત સંગઠન જનતા વિમુક્તિ પેરામૂન દ્વારા શ્રીલંકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જયવર્દનેને ભારત સાથે સમજૂતી કરવા બદલ ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો હતો.
2001 ભારતની સંસદ પર આતંકી હુમલો
13 ડિસેમ્બર 2001ના રોજ 5 આતંકવાદીઓએ ભારતના સંસદ ભવન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સંસદ ભવનનું રક્ષણ કરતાં દિલ્હી પોલીસના 5 કર્મચારીઓ સહિત 9 લોકોના મોત થયા હતા. હુમલાના માસ્ટરમાઈન્ડ અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરી 2013ના રોજ ફાંસી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે આ જ અફઝલ ગુરુની ફાંસીની સજા સામે જેએનયુમાં અફઝલ હમ શરમિંદા હૈ તેરે કાતિલ જીંદા હૈ ના નારા લાગ્યા હતા.
ફિલિપાઈન્સની સંસદમાં ધડાકો
13 નવેમ્બર 2007ના રોજ ફિલિપાઈન્સની સંસદના પરિસરમાં વિસ્ફોટ થયો હતો. જેમાં એક મુસ્લિમ સાંસદ સહિત 3 લોકોના મોત થયા હતા. આ હુમલો મુસ્લિમ સાંસદ વહાબ અકબરની હત્યા કરવાના હેતુથી કરવામાં આવ્યો હતો. વહાબ મુસ્લિમ બળવાખોર જૂથનો સભ્ય હતા. 1996 માં એના જૂથે સરકાર સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા જેનાથી અસંતુષ્ટ એવા બે બળવાખોરોએ તેમના પર હુમલો કર્યો. હુમલા વખતે વહાબ સંસદના પાર્કિંગમાં હતા.
ચેચેન્યાની સંસદ પર ઉગ્રવાદીઓનો હુમલો
2010માં 19 ઓક્ટોબરના રોજ રશિયાના ચેચન્યા રિપબ્લિકની ગ્રોઝનીમાં સંસદ સંકુલ પર ચેચન આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં 2 પોલીસ અધિકારીઓ સહિત 6 લોકોના મોત થયા હતા. જો કે સુરક્ષાદળોને તમામ હુમલાખોરોને ઠાર કરવામાં સફળતા મળી હતી. રશિયન સમાચાર એજન્સીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ ઠાર મારવામાં આવ્યા તે પહેલા સંસદ ભવનનો કબજો મેળવી લીધો હતો.
બ્રિટનની સંસદની બહાર આતંકવાદી હુમલો, 5ના મોત
22 માર્ચ 2017ના રોજ લંડનમાં વેસ્ટમિન્સ્ટર પેલેસ (બ્રિટિશ સંસદ)ની બહાર આતંકવાદી હુમલો થયો હતો. ખાલિદ મસૂદ નામના 53 વર્ષના વ્યક્તિએ પોતાની કારમાં ફૂટપાથ ક્રોસ કરીને સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેની કાર વેસ્ટમિંસ્ટર બ્રિજ સાથે અથડાઈ હતી. આ હુમલામાં પાંચ લોકોના મોત થયા હતા જ્યારે 50 જેટલા લોકો ઘાયલ થયા હતા. જ્યારે હુમલો થયો ત્યારે સંસદની અંદર 200 સાંસદો હાજર હતા. સુરક્ષાના કારણોસર દરેકને સંસદભવનમાં જ બંધ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે તત્કાલિન બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
2020 : અમેરિકામાં કેપિટોલ હિલ હિંસા, ટ્રમ્પ સમર્થકોએ તોડફોડ કરી
અમેરિકામાં 2020માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાર થતાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ કેપિટોલ હિલને ઘેરી લીધી હતી અને કેપિટોલ હિલમાં તોડફોડ કરી હતી. આ હુમલામાં એક પોલીસ અધિકારી સહિત 5 લોકોના મોત થયા હતા. હિંસા બાદ ટ્રમ્પ પર તેમના સમર્થકોને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો.
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, તપાસ સમિતિએ ટ્રમ્પ પર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હારના નિર્ણયને પલટાવવા, વિદ્રોહને ઉશ્કેરવા, સત્તાવાર કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાનો, ષડયંત્ર ઘડવું, ખોટા નિવેદનો કરવાનો અને દેશ સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી કમિટીએ આ મામલો ન્યાય વિભાગને મોકલી આપ્યો હતો.
2021 : ઓસ્ટ્રેલિયામાં દેખાવકારોએ સંસદના દરવાજાને આગ લગાડી
30 ડિસેમ્બર, 2021 ના રોજ, વિરોધીઓએ આદિવાસી સાર્વભૌમત્વને લઈને ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરામાં જૂની સંસદની ઇમારતને આગ લગાવી દીધી. જોકે આ દરમિયાન કોઈને ઈજા થઈ નહોતી. 32 વર્ષીય આરોપી કોલસા લઈને સંસદના દરવાજે પહોંચ્યો અને તેને આગ લગાવી દીધી. આ સમયે દરમિયાન, ત્યાં હાજર બાકીના વિરોધીઓ ‘સળગાવી દો’ના નારા લગાવી રહ્યા હતા.
2021 : ન્યુઝીલેન્ડની સંસદમાં કુહાડી લઈને શખ્શ ઘૂસી ગયો
12 જાન્યુઆરી, 2021 ના રોજ એક વ્યક્તિ કુહાડી સાથે ન્યુઝીલેન્ડની સંસદમાં ઘૂસી ગયો હતો. 31 વર્ષના આ હુમલાખોરે વેલિંગ્ટનમાં આવેલી ન્યૂઝીલેન્ડના પાર્લામેન્ટ હાઉસની બારીઓ અને દરવાજા તોડી નાખ્યા હતા. પોલીસે આ હુમલાખોર યુવકની ધરપકડ કરી હતી. આશ્ચર્યજનક છે કે હુમલાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું.
2022 : દક્ષિણ આફ્રિકાની સંસદમાં લાગે ભીષણ આગ
2 જાન્યુઆરી, 2022ના રોજ, દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં સ્થિત સંસદ ભવનમાં ભયાનક આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી કે તેના કારણે સંસદની છત તૂટી પડી હતી. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેના પર આતંકવાદનો આરોપ લગાવાયો હતો.
2022 : બ્રાઝીલની સંસદ પર રાષ્ટ્રપતિ બોલ્સોનારોના સમર્થકોનો હુમલો
બ્રાઝિલમાં ડિસેમ્બર 2022 માં રાષ્ટ્રપતિની ચૂંટણીના તત્કાલિન રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોનો પરાજય થતાં તેમના હજારો સમર્થકોએ પોલીસ બેરિકેડ તોડીને સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયા હતા. બોલ્સોનારોના સમર્થકોએ તોડફોડ પણ કરી હતી. પોલીસે સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી જઈને તોફાન મચાવનારા 400 લોકોની ધરપકડ કરી હતી.
2023 તુર્કીયેની સંસદ બહાર હુમલો
1 ઓક્ટોબર, 2023ના રોજ તુર્કીયેની સંસદની બહાર આત્મઘાતી હુમલો થયો હતો. બે આત્મઘાતી હુમલાખોરો સંસદ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રોકવા માટે ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં એક હુમલાખોર માર્યો ગયો હતો, જ્યારે બીજાએ પોતાના શરીર પર લગાવેલ વિસ્ફોટક ઉપકરણને સક્રિય કરીને વિસ્ફોટ કરતાં પોતાને ઉડાવી દીધો હતો. પોલીસને સંસદ ભવન પાસે રોકેટ લોન્ચર જેવું હથિયાર પણ મળ્યું હતું.
2023 ભારતની સંસદમાં ઘુસણખોરી
ભારતની સંસદ પર 2001માં થયેલા આતંકવાદી હુમલાની 22મી વરસીએ જ નવા સંસદ ભવનમાં બે યુવકો પ્રેક્ષક ગેલરીમાંથી કુદયા હતા અને સ્મોક ફટાકડાથી સંસદમાં ધુમાડો ફેલાવ્યો હતો. જોકે સાંસદોએ તે બંને યુવકોને ઝડપી લીધા હતા અને પોલીસને હવાલે કરી દીધા હતા. સંસદની બહાર પર એક યુવક અને યુવતીએ સૂત્રોચ્ચાર કરતાં એવા જ સ્મોક ફટાકડાથી ધુમાડો કર્યો હતો પોલીસે તે બંનેને પણ ઝડપી લીધા હતા.