ભારતની ઐતિહાસિક ભૂમિ એ વાસ્તવિકતાથી મોઢુ ના જ ફેરવી શકે કે અહીં અનેક વંશોએ અવિજિત રાજ્ય કર્યું હતુ, રાજ્યના શૌર્ય, સંપત્તિ, સંસ્કાર, શિક્ષણ તથા સરહદોનો વિસ્તાર કર્યો હતો, શણગાર્યું હતી પરંતુ એ શૌર્ય, શિક્ષણ, સંપત્તિ, સામાજિક, સત્તાકીય કોઈપણ પ્રકારના અધિકારથી ચોક્કસ વર્ગોને હંમેશા દૂર જ રાખવામાં આવ્યા હતા, કાળક્રમે આ દબાવવામાં આવેલા વર્ગોના અધિકાર જાણેકે આ ધરા પરથી અદ્રશ્ય થઈ ગયા હતા. અસ્પૃશ્ય ગણાવાઈ લેવાયેલા વર્ગો પણ હવે એટલા આત્મવિશ્વાસ ગુમાવી ચુક્યા હતા, એવુ કહેવુ વધારે પડતુ નહીં જ ગણાય કે હવે તો અસ્પૃશ્યોએ પણ જાણે કે પોતાના માનવીય અધિકારો પ્રતિ ઉદાસીનતા દાખવવામાં જ શાણપણ માની લીધુ હતુ. સ્થિતિ એવી નિર્માણ થતી જતી હતી કે આ દારૂણ, અપમાનજનક, અન્યાયી, અમાનવીય વ્યવહારને અસ્પૃશ્યોએ પણ પોતાનું દુર્ભાગ્ય સમજીને નતમસ્તકે સ્વીકાર કરી લીધો હતો, તો બીજી તરફ બની બેઠેલા સ્પૃશ્ય વર્ગોએ પણ જાણે અસ્પૃશ્યો ઉપર અન્યાય, અત્યાચાર, અમાનવીય વ્યવહાર, માનવીય અધિકારોનું હનન, સામાજિક, રાજકીય, આર્થિક, શૈક્ષણિક, ધાર્મિક અધિકારોના હનનને પોતાનો જન્મસિદ્ધ અધિકાર હોય એવા અભિમાન, ઘમંડથી છલકાઈ રહ્યા હતા.
આત્મવિશ્વાસ સંપૂર્ણપણે ગુમાવી ચુકેલા વર્ગોના ઉત્કર્ષ, ઉત્થાન માટે સૌથી પહેલા તેમના આત્મવિશ્વાસને જ જગાડવો પડે તે વાસ્તવિકતાથી ડૉ. આંબેડકર સૂપેરે પરિચિત હતા. ડૉ. આંબેડકર જાણતા હતા કે આધારિત બની રહેવાની માનસિકતાને સ્વ-પ્રયત્ન, સ્વ-સહાય કરવાની માનસિકતામાં પરિવર્તિત કરવી જરૂરી છે. ડૉ. આંબેડકરે પોતાના આગ ઝરતા ભાષણો અસ્પૃશ્યોના સૂતેલાં આત્મવિશ્વાસને ઢંઢોળવાનું, જાગૃત કરવાનું સૌથી કઠીન કાર્ય કરતા હતા.
ડૉ. આંબેડકર કહેતા, ” તમારી દયાજનક સ્થિતિ અને દુઃખથી દયામણા બનેલા તમારા ચહેરા જોઈને, તમારી વેદનાસભર વાણી સાંભળીને મારું હૃદય ચિરાઈ જાય છે. તમે પુરાતન કાળથી કણસતા રહ્યા છો અને હજુ પણ તમારી અસહાયતાને બાથ ભરીને જીવતા શરમાતા નથી, શરમ નથી આવતી તમને ? અરે તમે જન્મ પહેલાં જ ગર્ભમાં જ શા માટે ના મરી ગયા ? તમે તમારા ઘૃણિત, તિરસ્કારજનક જીવનને આખી દુનિયાના દુઃખ, ગરીબી, ગુલામી, લાચારી અને બોજાઓથી શા માટે બેરંગ કરી રહ્યા છો ? જો તમે તમારાં જીવનનો પુનરોદ્ધાર નથી કરી શકતા, કાયાકલ્પ નથી કરી શકતા તો તમારૂ મૃત્યુ જ વિશ્વ માટે ઉચિત ગણાશે. હકીકત એ છે કે આ ધરતી પરના દરેક વ્યક્તિ જેટલા જ સરખા પ્રમાણમાં રોટી કપડા અને માથે છાપરું મેળવવા માટે તમે જન્મતા જ અધિકારી બનો છો ભલે તમે ઊંચી જાતિના છો કે નીચી જાતિના. જો તમે આત્મસન્માનપૂર્ણ જીવન ઈચ્છો છો તો તમારે સ્વબળ, સ્વસહાય કે જ શ્રેષ્ઠ ઉપાય છે તેની ઉપર જ વિશ્વાસ કરવો પડશે.”
ડૉ. આંબેડકરના આવા જ્વાળામુખી સમાન ભાષણો અમાનવીય અને અન્યાયપૂર્ણ ગુલામ જેવુ જીવન જીવતા કચડાયેલા, દબાયેલા, અસ્પૃશ્ય વર્ગોમાં નવુ જોશ, જોમ અને આત્મવિશ્વાસ ભરવાનું કાર્ય કરતા હતા, તેમનામાં નવી હિંમતનો વિજળી સંચાર કરતા હતા. ડૉ. આંબેડકર ભાષણો દ્વારા અસ્પૃશ્યોમાં પડેલા શૌર્યને સીધો પડકાર આપીને ઢંઢોળતા હતા, સીધો પડકાર આપતા હતા. ડૉ. આંબેડકરના વિચારો, ભાષણોથી અસ્પૃશ્યોમાં એક અવિજિત આત્મવિશ્વાસનો આવિર્ભાવ થતો સ્પષ્ટ જોઈ શકાતો હતો.
ક્રમશઃ