40 ઓવરની મેચમાં 179 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સર્ફર્સ પેરેડાઈઝની ટીમે 39મી ઓવર પૂરી થતાં ચાર વિકેટે 174 રન બનાવી લીધા હતા, જીત હવે હાથવેંતમાં જ હતી ત્યાં સર્જાયો કલ્પનાતીત ચમત્કાર અને મેચનું પાસુ પલટાઈ ગયું.
ઓસ્ટ્રેલિયાના થર્ડ ડિવિઝન ક્લબના ક્રિકેટર ગેરેથ મોર્ગને અહીંની સ્થાનિક મેચ દરમિયાન એ ચમત્કાર કર્યો જેના કારણે તેની ટીમ લગભગ હારી ગયેલી મેચમાં વિજય મેળવવામાં સફળ રહી હતી.
મુદગીરાબા નેરાંગ અને ડિસ્ટ્રિક્ટ્સ ક્રિકેટ ક્લબના કેપ્ટન મોર્ગને શનિવારે ગોલ્ડ કોસ્ટ પ્રીમિયર લીગ ડિવિઝન થ્રી સ્પર્ધામાં સર્ફર્સ પેરેડાઇઝ સામે ઘાતક બોલિંગ કરતાં છેલ્લી ઓવરના છ બોલમાં છ વિકેટ ઝડપીને પોતાની વિરોધી ટીમના હાથમાંથી જીતનો કોળિયો ઝૂંટવી લઈને પોતાની ટીમને ચાર રનથી વિજય અપાવ્યો હતો. 40 ઓવરની આ મેચમાં મુદગીરાબા નેરાંગ અને ડિસ્ટ્રિક્ટ્સ ક્રિકેટ ક્લબની ટીમે સર્ફર્સ પેરેડાઈઝની ટીમને જીતવા માટે 179 રનના લક્ષ્યાંક આપ્યો હતો જેનો પીછો કરતા સર્ફર્સ પેરેડાઈઝની ટીમે 39 ઓવરમાં ચાર વિકેટે 174 રન બનાવી લીધા હતા. સર્ફર્સ પેરેડાઈઝની ટીમને વિજય સાવ નજીક દેખાતો હતો ત્યાં જ મોર્ગન ત્રાટક્યો હતો અને મેચની છેલ્લી ઓવરના છ બોલમાં છ વિકેટ ઝડપી સર્ફર્સ પેરેડાઈઝની ટીમને હાથવેંતમાં લાગતો વિજય છીનવીને પોતાની ટીમને ચાર રનથી વિજય અપાવ્યો હતો.
સર્ફર્સ પેરેડાઈઝના છેલ્લા પાંચ બેટ્સમેનો પ્રથમ બોલે જ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થઈ ગયા હતા અને ટીમ 174નો દાવ રનમાં સમેટાઈ ગયો હતો. ગેરેથ મોર્ગને ફેંકેલી છેલ્લી ઓવરમાં પ્રથમ ચાર બોલ પર ચાર બેટ્સમેન કેચ આઉટ થયા હતા જ્યારે છેલ્લા બે બેટ્સમેન ક્લીન બોલ્ડ થયા હતા. મોર્ગને સાત ઓવરમાં 16 રન આપીને સાત વિકેટ ઝડપી હતી. મુદગીરાબા નેરાંગ અને ડિસ્ટ્રિક્ટ્સ ક્રિકેટ ક્લબની ટીમની ઇનિંગમાં ગેરેથ મોર્ગને સૌથી વધુ 39 રન બનાવ્યા હતા.
ન્યુઝીલેન્ડના નીલ વાગરે 2011માં ઓટાગો વતી રમતાં વેલિંગ્ટન સામે, બાંગ્લાદેશના અલ અમીન હુસૈને 2013માં UCB-BCB XI વતી રમતા અબહાની લિમિટેડ સામે અને ભારતના અભિમન્યુ મિથુને 2019 માં કર્ણાટક વતી રમતાં હરિયાણા સામે એક ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી જે અત્યાર સુધીનો પ્રોફેશનલ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ હતો.