કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહની ન્યાયિક કસ્ટડી 24 નવેમ્બર સુધી લંબાવી છે. તેમજ રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ એમકે નાગપાલે 18 નવેમ્બરે સંજય સિંહને મજીઠિયા કેસમાં જારી કરાયેલા પ્રોડક્શન વોરંટમાં હાજરી આપવા માટે ટ્રેન દ્વારા અમૃતસર લઈ જવાની પરવાનગી આપી હતી.
અગાઉ સંજયસિંહને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ગત સુનાવણી દરમિયાન સંજય સિંહે પોતાના અંગત ડોક્ટરની સલાહ લેવા માટે કોર્ટમાં અરજી કરી હતી. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં 4 ઓક્ટોબરે AAP સાંસદ સંજય સિંહની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
AAP સાંસદ સંજય સિંહની લાંબી પૂછપરછ બાદ 4 ઓક્ટોબરે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા 27 ઓક્ટોબરે રાઉઝ એવન્યુ કોર્ટે સંજય સિંહની જ્યુડિશિયલ કસ્ટડી 10 નવેમ્બર સુધી લંબાવી હતી.
સૌ પ્રથમ સંજયસિંહને 5મી ઓક્ટોબરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને 10મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ પર મોકલી આપ્યા હતા. ત્યાર બાદ 10 ઓક્ટોબરના રોજ તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા તેમના રિમાન્ડ વધુ 3 દિવસ માટે લંબાવવામાં આવ્યા હતા. 13 ઓક્ટોબરે કોર્ટે સંજય સિંહને 27 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ દિલ્હી એક્સાઇઝ પોલિસી હેઠળ દારૂના વેપારીઓને લાભ પહોંચાડવાના આરોપ હેઠળ સમન્સ પાઠવીને તે અંગે 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ CM કેજરીવાલ ત્યાં પહોંચ્યા ન હતા અને ઈડીના સમન્સના જવાબમાં પત્ર લખીને મધ્યપ્રદેશમાં ચુંટણી પ્રચાર માટે રવાના થઈ ગયા હતા.