આધાર કાર્ડને PAN કાર્ડ સાથે લિંક ન કરનારાઓ સામે સરકારે કડક કાર્યવાહી કરતા 11.5 કરોડ પાન કાર્ડ નિષ્ક્રિય કર્યા છે. જો કે, આ PAN કાર્ડ દંડ ભરીને સક્રિય થઈ શકે છે.
આધારકાર્ડ સાથે પાનકાર્ડને લિંક કરવાની ડેડલાઇન ચૂકી ગયા હોય અને આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક ન કરાવ્યા હોય તેવા 11.5 કરોડ પાનકાર્ડને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌરના RTI કાયદા હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સેન્ટ્ર્લ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આધાર નંબરને પાનકાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા સરકાર દ્વારા 30 જૂન નક્કી કરવામાં આવી હતી. 30 જૂન પછી જે પાનકાર્ડ ધારકોના પાનકાર્ડ તેમનાં આધાર સાથે લિંક ન કરાવ્યા હોય તેવા 11.5 કરોડ પાન કાર્ડને નિષ્ક્રીય કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભારતમાં કુલ 70.24 કરોડ પાનકાર્ડધારકો પૈકી 57.25 કરોડ લોકોએ તેમનાં પાનકાર્ડ આધાર સાથે લિંક કરાવ્યા છે જ્યારે 12 કરોડથી વધુ પાનકાર્ડધારકોએ આધારકાર્ડ સાથે તેમનાં પાન નંબર લિંક કરાવ્યા નથી. જે પાનકાર્ડધારકોએ આધારકાર્ડ સાથે પોતાના પાન નંબર લિંક કરાવ્યા નથી તેમાંથી 11.5 કરોડ પાનકાર્ડને નિષ્ક્રીય કરવામાં આવ્યા છે.
જે લોકોને 1 જુલાઈ 2017 પહેલાં પાનકાર્ડ આપવામાં આવ્યા છે તેવા પાનકાર્ડધારકો માટે તેમનાં પાન નંબરને આધાર સાથે લિંક કરાવવાનું ફરજિયાત છે. આઈટીની કલમ 139 AA સબ સેક્શન (2) મુજબ જુલાઈ, 2017 પહેલા પાનકાર્ડ આપવામાં આવ્યા છે તેમણે આધાર અને પાનકાર્ડ લિંક કરાવવા પડશે જ્યારે નવા પાનકાર્ડ અરજદારો જ્યારે અરજી કરે ત્યારે તે તબક્કે જ તેમનાં આધાર અને પાનકાર્ડ ઓટોમેટિક લિંક થઈ જશે.
પાન કાર્ડ બંધ થવાને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. CBDT અનુસાર, આવા લોકો આવકવેરા રિફંડનો દાવો કરી શકશે નહીં. ડીમેટ ખાતું ખોલાવી શકશે નહીં અને તેમને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ખરીદવા માટે રૂ. 50,000 થી વધુની ચુકવણીની મંજૂરી આપવામાં આવશે નહીં. તેઓ શેર ખરીદવા અને વેચવા માટે રૂ. 1 લાખથી વધુ ચૂકવણી કરી શકશે નહીં. વાહનોની ખરીદી પર વધુ ટેક્સ ચૂકવવો પડશે. તેમને FD અને બચત ખાતા સિવાય બેંકમાં કોઈ ખાતું ખોલવામાં આવશે નહીં. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પણ આપવામાં આવશે નહીં.