બોલિવૂડ એક્ટર આર માધવન મોટા પડદા બાદ હવે OTT પર એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. વેબ સિરીઝ ‘ધ રેલ્વે મેન’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ અને યશ રાજ ફિલ્મ્સના સહયોગથી બનેલી વેબ સિરીઝ ‘ધ રેલ્વે મેન’નું ટીઝર લોકોને ખુબ પસંદ આવ્યું છે.
‘ધ રેલવે મેન’ નું ટીઝર રિલીઝ
આ વેબ સિરીઝ 1984માં બનેલી વિશ્વની સૌથી કરૂણ અને ભયાવહ ભોપાલ ગેસ દુર્ઘટના પર આધારિત હોવાનું માનવામાં આવી રહ્યું છે. વેબ સીરિઝના રીલીઝ થયેલા દોઢ મિનિટથી પણ ઓછા સમયના આ ટીઝરમાં ફેક્ટરીમાં બનતી મોટી દુર્ઘટના અને તેને કારણે આસપાસનું જીવન કેવી ઝડપથી વિખરાઈ જાય છે બતાવવામાં આવ્યું છે. આ વેબ સીરિઝના મુખ્ય કલાકારોમાં પ્રથમ વખત OTT પ્લેટફોર્મ પર દેખાશે આર માધવન, તેની સાથે બાબિલ ખાન, કેકે મેનન અને દિવ્યેન્દુ જોવા મળે છે. ટીઝરમાં આ કલાકારો ફેકટરીમાં ગેસ લીક થતાં ઊભી થતી પરિસ્થિતિને નિયંત્રિત કરવાના પ્રયાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા દેખાઈ રહ્યા છે.
ટીઝરની શરૂઆત એક મોટી ફેક્ટરીમાં ગેસ લીક થવાની ઝલક સાથે થાય છે. હાનિકારક ગેસથી બચવા અને સલામત રહેવા માટે લોકો પોતાના નાક અને મોંઢાને કપડાથી ઢાંકીને પોતાનો જીવ બચાવવા હાંફળા-ફાંફાળા થઈને ભાગતા જોવા મળી રહ્યા છે. ટ્રેલરમાં આર માધવનની એન્ટ્રી સેન્ટ્રલ રેલ્વેના જનરલ મેનેજર તરીકે થતી જોવા મળે છે જે સ્ટેશન માસ્ટર કેકે મેનનને કંઈક કરવાનું કહી રહ્યા છે. ‘ધ રેલ્વે મેન’ વેબ રીરીઝમાં દિવ્યેન્દુ એક પોલીસ કોન્સ્ટેબલની ભૂમિકા ભજવે છે. બાબિલ ખાન સ્ટેશન પર હાજર એકમાત્ર લોકો પાઈલટ તરીકે જોવા મળે છે. બાબિલ ખાનનો સંવાદ સંભળાય છે કે ‘આ તેનું શહેર છે અને જેમના મૃત્યુ થશે તે તેના પોતાના જ લોકો છે.’ ટ્રેલરમાં બેકગ્રાઉન્ડમાં ચાલતો એક સંવાદ સંભળાઈ રહ્યો છે જે કહે છે કે, “ઈસ વક્ત ભોપાલ જંકશન દિલ્લી કે નકશે સે ગાયબ હો ચૂકા હૈ.”
વિશ્વની સૌથી ભયાવહ દુર્ઘટના એવી ભોપાલ ગેસ કાંડ પર આધારિત ‘ધ રેલ્વે મેન’ ભોપાલ ગેસ દુર્ઘટનાના અજાણ્યા નાયકો પર આધારિત 4-એપિસોડની સીરીઝ છે. નવોદિત દિગ્દર્શક શિવ રાવૈલ દ્વારા નિર્દેશિત અને આયુષ ગુપ્તા દ્વારા લખાયેલ આ શો ભારતીય રેલ્વે કર્મચારીઓની હિંમત અને તે કપરા સમય દરમિયાન અસંખ્ય લોકોના જીવ બચાવવાના તેમના પ્રયાસોનું નિરૂપણ કરશે. આ સિરીઝ નેટફ્લિક્સ પર 18 નવેમ્બરે રિલીઝ થશે.
શું હતી ભોપાલ ગેસ દુર્ઘટના?
2 ડિસેમ્બર 1984ની એ રાત ભારતના ઈતિહાસની કાળી રાત છે જે દરેક ભોપાલ વાસી માટે એક દુ:સ્વપન સમાન આખોમાં વસેલું છે અને એ દુ:સ્વપનની વેદના આજે પણ લોકોના મનમાં જીવંત છે. 1984ની એ કાળમુખી રાત્રે ભોપાલની અમેરિકન માલિકીની જંતુનાશક ફેક્ટરી યુનિયન કાર્બાઈડ માંથી મિથાઈલ આઈસોસાયનેટ ગેસ લીક થયો હતો. જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જોકે સત્તાવાર મૃત્યુઆંક 5,000 થી વધુ હતો જ્યારે બિનસત્તાવાર મૃત્યુ આંક અનેકગણો વધુ હોવાનું અનુમાન હતું. આ ભયાવહ દુર્ઘટનામાં જે લોકો બચી ગયેલા તેવા હજારો લોકોએ કહ્યું છે કે તેઓ, તેમના બાળકો અને પૌત્રો ગેસલીકના પરિણામે કેન્સર, અંધત્વ, શ્વસનતંત્ર, રોગપ્રતિકારક શક્તિની ઉણપ અને ન્યુરોલોજીકલ વિકૃતિઓ સહિત અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.