હવે ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ હવે વધારે પ્રસરી રહ્યું છે. હવે આ યુદ્ધમાં લેબનોન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહની એન્ટ્રી થઈ છે. હિઝબુલ્લાહે ઈઝરાયેલ પર રોકેટ હુમલા કર્યા હતા જેનો ઉત્તર ઈઝરાયેલી સેના લેબનોનમાં ઘૂસી ગઈ અને ઘમાસાણ મચાવી દીધું હતું.
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચેનું યુદ્ધ મધ્ય-પૂર્વમાં વધુ ફેલાશે એ આશંકા સાચી થઈ રહી છે હવે આ યુદ્ધનો રેલો લેબેનોન સુધી પહોંચી ગયો છે. લેબનોનમાં સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે ઈઝરાયેલના ઉત્તરીય વિસ્તારોમાં સોમવારે રાત્રે સતત રોકેટથી હુમલો કર્યો હતો ત્યાર બાદ ઈઝરાયેલે જવાબી કાર્યવાહી કરતાં સમગ્ર વિસ્તાર ઈઝરાયેલની તોપોના ધડાકાથી ધણધણી ઉઠ્યો હતો.
ઇઝરાયેલના સંરક્ષણ દળોએ કહ્યું કે હિઝબુલ્લાહના આતંકવાદીઓએ લેબનીઝ સરહદ પર ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સ (IDF)ની ટેન્કો અને ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો અને રોકેટ પણ છોડ્યા હતા. આ હુમલો થતાંની સાથે જ રાજધાની તેલ અવીવ સહિત આસપાસના વિસ્તારોમાં સાયરન વાગી ઉઠ્યું હતું. ત્યાર બાદ ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF)એ જવાબી કાર્યવાહી કરતાં પોતાની બંદૂકો અને તોપોના નાળચા લેબનોનમાંથી જે જગ્યાએથી રોકેટ છોડવામાં આવ્યા હતા તે જગ્યાઓ ઓળખીને ખોલી દીધા હતાજેનાથી વિસ્તારમાં ધણધણાટી બોલી ગઈ હતી.
7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા અને ત્યારબાદ તરત જ ઇઝરાયેલ દ્વારા કરાયેલા હવાઇ હુમલા બાદ હિઝબુલ્લાએ પણ તેના પર હુમલા શરૂ કરી દીધા હતા. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે હિઝબુલ્લાહને પાઠ ભણાવવા માટે સોમવારે આખી રાત તેના સૈન્ય મથકો પર હુમલા કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય ચ્હે કે જ્યારથી હિઝબુલ્લાહ ઈઝરાયેલ પર હુમલા કરી રહ્યું છે ત્યારથી ઈઝરાયેલ પણ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં લેબનોનના 10 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં મોટાભાગના હિઝબુલ્લાહના આતંકવાદી છે.
આંતરરાષ્ટ્રીય સમુદાય ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ અને ઈઝરાયેલી સેના વચ્ચે સંઘર્ષ વધવાની આશંકા સેવી રહ્યા છે. આ સરહદી સંઘર્ષો પછી ઇઝરાયલને ડર છે કે તેના ઉત્તરીય વિસ્તારોમાં હિઝબુલ્લાહ રોકેટ ફાયર કરીને ત્યાંના લોકોને નિશાન બનાવી શકે છે તેથી 28 સ્થળોએથી હજારો રહેવાસીઓને બહાર કાઢવાનું શરૂ કર્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે ઈઝરાયેલ પોતાના નાગરિકોને સુરક્ષિત કરીને લેબનોનના હિઝબુલ્લાહ સામે બદલો લેવાની યોજના પર કામ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગાઝાનું આતંકવાદી સંગઠન હમાસ સુન્ની જૂથ છે જ્યારે લેબનોનનું હિઝબુલ્લાહ શિયા આતંકવાદી સંગઠન છે. ઇસ્લામના આ બે સંપ્રદાયો વચ્ચે શરૂઆતથી જ દુશ્મનાવટ છે, જે આ બંને આતંકવાદી સંગઠનો વચ્ચેના સંબંધોમાં પણ દેખાઈ આવે છે, પરંતુ ઈઝરાયલ પ્રત્યેની આંધળી નફરતને કારણે બંને આતંકવાદી જૂથોએ પોતાના મતભેદોને બાજુએ મૂકીને ઈઝરાયેલ સામે લડવા એકસાથે આવી ગયા છે.