2016માં લાઇમલાઇટમાં આવેલી JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રશીદે હમાસ-ઈઝરાયેલ યુદ્ધ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે જેમાં ભારતીય સેના અને સુરક્ષા દળોની પણ વાત કરી છે.
શેહલા રાશિદ 2016માં લાઇમલાઇટમાં આવી હતી
2016માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારા લાગ્યા એવા સમાચાર આવતા સમગ્ર દેશમાં ઉહાપોહ મચી ગયો હતો. JNUમાં રાષ્ટ્રવિરોધી નારાના મામલામાં કન્હૈયા કુમાર અને ઉમર ખાલિદની સાથે સાથે શેહલા રાશિદનું નામ પણ સામે આવ્યું હતું. શેહલા રાશિદ પહેલીવાર લાઈમલાઈટમાં આવી હતી.
શું લખ્યું છે ભારતીય સેના વિશે શેહલા રાશિદે તેની X પરની પોસ્ટમાં
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રશીદે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. શેહલા રાશિદે લખયું છે કે, મિડલ ઈસ્ટની ઘટનાઓને જોઈને આજે મને અહેસાસ થઈ રહ્યો છે કે આપણે ભારતીયો તરીકે કેટલા નસીબદાર છીએ. પોતાની પોસ્ટમાં શેહલા રાશિદે આગળ લખતા ભારતીય સેના, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પણ પ્રશંસા કરી છે.
શેહલા રશીદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમઓ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, ભારતીય સેના અને ચિનાર કોર્પસને ટેગ કરીને કરેલી પોસ્ટમાં લખ્યું કે, ભારતીય સેના અને સુરક્ષા દળોએ અમારી સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ બલિદાન કર્યું છે. કાશ્મીરમાં શાંતિ લાવવા માટે જ્યાં ઉચિત છે ત્યાં શ્રેય આપવો જોઇએ. શેહલા રાશિદે આ ટ્વીટ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે આ એ જ શેહલા રાશિદ છે જેણે 2019માં તેણે ટ્વીટ કરીને સશસ્ત્ર દળો પર કાશ્મીરમાં ભયનું વાતાવરણ ઉભુ કરવાનો અને ઘરોમાં તોડફોડ કરવાનો આરોપ લગાવ્યો હતો જે ટ્વીટને લઈને તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
પૂર્વ IAS શાહ ફૈસલ જેણે 2019માં કલમ 370 નાબુદ કરવાના વિરોધમાં સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને પછી પોતાની પાર્ટી બનાવીને સક્રીય રાજનીતિમાં કુદી પડ્યા હતા. શાહ ફૈસલ અને શેહલા રાશિદ કલમ 370 નાબૂદ કરવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં અરજીકર્તાઓમાં સામેલ હતા જોકે બાદમાં શેહલા રાશિદે ફૈસલ સાથે એ અરજીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
આ વર્ષે ઓગસ્ટમાં શેહલા રશીદે અનુચ્છેદ 370 નાબૂદ કરવાના વિરોધમાં અરજીકર્તાઓની યાદીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અને કહ્યું હતું કે તે સ્વીકારવું ગમે તેટલું અઘરુ હોય પરંતુ નરેન્દ્ર મોદી સરકાર અને જમ્મુ અને કાશ્મીર પ્રશાસન અંતર્ગત માનવાધિકારની બાબતમાં ખુબ જ સુધારો થયો છે. કાશ્મીર વહીવટીતંત્રમાં સુધારો થયો છે અને સરકારના સ્પષ્ટ વલણથી ઘણા લોકોના જીવ બચાવી શકાયા છે.