પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો દ્વારા મફતની રેવડીના મુદ્દે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે અને જવાબ દાખલ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે.
આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સરકારો આ ચૂંટણી પહેલા જંગી રકમ ખર્ચી રહી છે. હવે આ અંગેની જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકારો ચૂંટણી પહેલા મફત રેવડીઓ (કંઈ પણ મફત આપવાના વાયદા)ના આપી રહી છે જેની ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આ અંગે એમપી, રાજસ્થાન અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે પીઆઈએલ પર કેન્દ્ર, ચૂંટણી પંચ અને ભારતીય રિઝર્વ બેંકને પણ નોટિસ પાઠવી છે. અરજદારે આક્ષેપ કર્યો છે કે બંને રાજ્ય સરકારો મતદારોને લલચાવવા માટે કરદાતાઓના નાણાંનો દુરુપયોગ કરી રહી છે. અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વકીલે કહ્યું, “સરકાર દ્વારા ચૂંટણી પહેલા રોકડનું વિતરણ કરવામાં આવે તેનાથી ખરાબ કંઈ ન હોઈ શકે. આવું દરેક વખતે થાય છે અને તેનો બોજ આખરે કરદાતાઓ પર જ પડે છે.” કોર્ટે આ કેસમાં તમામ પક્ષકારોને ચાર સપ્તાહની અંદર તેમના જવાબો દાખલ કરવા જણાવ્યું છે.
કોર્ટે આ વિષય પર ચાલી રહેલી અન્ય અરજીઓને પણ જોડી દીધી છે. હવે તમામ કેસની સુનાવણી એકસાથે થશે. આ પહેલા જાન્યુઆરી 2022માં ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે રજકીય પક્ષો દ્વારા ચુંટણીમાં મફત આપવાના વાયદાઓ સામે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરી હતી. પોતાની અરજીમાં, ઉપાધ્યાયે ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા મતદારોને મફત અથવા મફત ભેટોના વચનો બંધ પ્રતિબંધ લગાવવાની અપીલ કરી હતી. ચૂંટણી પંચે આવા પક્ષોની માન્યતા રદ કરવી જોઈએ તેવી માંગણી પણ તેમણે કરી હતી. અશ્વિની ઉપાધ્યાય સાથે સહમત થતા કેન્દ્ર સરકારે મફતની વ્યાખ્યા નક્કી કરવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. કેન્દ્રએ પણ કહ્યું હતું કે જો મફતનું વિતરણ ચાલુ રહેશે, તો દેશ ભવિષ્યમાં આર્થિક આપત્તિમાં આવી શકે છે.