ઉત્તરાખંડ રાજ્યમાં ટૂંક જ સમયમાં સમાન નાગરિક કાયદો (UCC) લાગુ થઈ શકે છે એવી અટકળો તેજ થઈ ગઈ છે. મળતા અહેવાલો મુજબ ઉત્તરાખંડ રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ સત્તામાં આવ્યા બાદ એક સમિતિની રચના પણ કરી હતી, એ સમિતિ ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં અથવા નવેમ્બરના પહેલા સપ્તાહમાં ઉત્તરાખંડ સરકારને અંતિમ રિપોર્ટ સોંપી શકે છે. ચાલતી ગતિવિધિ ઉપરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઉત્તરાખંડ રાજ્યમાં ટૂંક સમયમાં સમાન નાગરિક ધારો લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ઉત્તરાખંડમાં UCC માટે સમિતિ બનાવાઈ હતી
ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે ઉત્તરાખંડ રાજ્યમાં સમાન નાગરિક ધારો લાગુ કરવાનું વચન આપ્યું હતું. ત્યાર બાદ ચૂંટણી જીતીને ઉત્તરાખંડ રાજ્યના મુખ્યપ્રધાન બનેલા પુષ્કર સિંહ ધામીએ સત્તામાં આવ્યા બાદ રિટાયર્ડ જજ જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના પણ કરી હતી. સમિતિએ લોકો પાસેથી સૂચનો મેળવવા ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું હતું. જેમાં લગભગ 20 લાખ લોકો દ્વારા સૂચનો મળ્યા હતા હતા. સમિતિના અધ્યક્ષ રિટાયર્ડ જજ જસ્ટિસ રંજના દેસાઈએ માહિતી આપતા કહ્યું હતું કે, યુનિફોર્મ સિવિલ કોડ માટેની સમિતિએ ઉત્તરાખંડમાં પ્રચલિત વિવિધ પ્રથાઓને ઝીણવટપૂર્વક અને વિગતવાર સમજવાનો પ્રયાસ કર્યો છે. સમિતિના અધ્યક્ષ અને રીટાયર્ડ જજ રંજના દેસાઇએ આગળ કહ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ સમિતિનો સમગ્ર ભાર લિંગ આધારિત સમાનતા સુનિશ્ચિત કરવા પર મુકવામાં આવ્યો છે આ ઉપરાંત દેશના વર્તમાન કાયદાકીય માળખા સહિત, વિવિધ કાયદાઓ અને નિયમોને ધ્યાનમાં રાખીને આ સુચિત ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
શા માટે અટકળો તેજ થઈ ?
ઉત્તરાખંડમાં UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની અટકળો તેજ થવાનું કારણ ગઇકાલે મોડી સાંજે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડ યુસીસી સમિતિના પ્રમુખ રંજના દેસાઈ અને સમિતિના અન્ય સભ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરેલી મુલાકાત છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે રચાયેલી યુસીસી કમિટીએ, ગયા જુલાઈ મહિનામાં ડ્રાફ્ટ તૈયાર કરી લીધો હતો, ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં આ ડ્રાફ્ટ પર ચર્ચા થઈ હોઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ઉત્તરાખંડની યુસીસી કમિટી ઓક્ટોબર મહિનાના છેલ્લા સપ્તાહમાં અથવા નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં ઉત્તરાખંડ સરકારને પોતાનો અંતિમ રિપોર્ટ સોંપી શકે છે.