એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના લિકર પોલિસી કૌભાંડના મામલામાં મોટી કાર્યવાહી કરી છે. EDએ લાંબી પૂછપરછ બાદ સંજય સિંહની ધરપકડ કરી છે. સવારથી જ તેમના ઘરે EDના દરોડા ચાલુ હતા. સંજય સિંહ હાલ તેમના નિવાસ સ્થાને હાજર છે.
EDએ દારૂ પોલિસી કૌભાંડમાં પૂછપરછ બાદ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની ધરપકડ કરી છે. બુધવારે સવારથી જ સંજય સિંહના ઘરે EDના દરોડાની કાર્યવાહી ચાલી રહી હતી. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પહેલાથી જ દારૂ પોલિસી કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે. આ અંગે આમ આદમી પાર્ટીએ સરકાર પર નિશાન સાધ્યું છે.
સંજય સિંહની ધરપકડના સમાચાર મળતાની સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમના ઘરે ભેગા થવા લાગ્યા હતા. સંજય સિંહને ED ઓફિસ લઈ જવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે તે આજે રાત્રે ED લોકઅપમાં રહેશે. મેડિકલ તપાસ બાદ તેને ગુરુવારે સવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં બુધવારે સવારે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ કેસમાં કેટલાક અન્ય લોકોના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. EDએ આ કેસમાં અગાઉ તેમના સ્ટાફ મેમ્બરો અને તેમની સાથે જોડાયેલા અન્ય લોકોની પૂછપરછ કરી હતી.
આરોપ છે કે દારૂના વેપારીઓને લાયસન્સ આપવા માટે 2021-22 માટે દિલ્હી સરકાર દ્વારા જે આબકારી નીતિ લાવવામાં આવી હતી તેણે વેપારીઓના જૂથવાદને પ્રોત્સાહન આપ્યું હતું અને તેના દ્વારા કથિત રીતે લાંચ આપનારા કેટલાક ડીલરોને ફાયદો થયો હતો. આમ આદમી પાર્ટીએ આ આરોપને નકારી કાઢ્યો છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને આ મામલાની તપાસ કરવાની ભલામણ કર્યા બાદ આ નીતિ રદ કરવામાં આવી હતી.