રશિયાનું માનવરહિત મૂન મિશન લુના-25 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરવાનું હતું પરંતુ તેનું ક્રેશ લેન્ડિગ થયું હતું. રશિયાની સરકારી અવકાશ સંસ્થા, રોસકોસ્મોસે પોતાના ચંદ્ર પરના 47 વર્ષ બાદના રશિયાના મહત્વાકાંક્ષી પ્રથમ ચંદ્ર મિશનનું ક્રેશ લેંડિંગ થયું તેના એક મહિના પછી લુના-25 મિશનના ક્રેશમાં કેમ ખામી સર્જાઈ હતી તે જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં રશિયાનું મૂન મિશન લુના-25 અવકાશયાન ચંદ્ર પર ક્રેશ થયું હતું.
19 ઓગસ્ટના રોજ રશિયાનું લુના-25 નિયંત્રણમાંથી બહાર નીકળી ગયું અને ચંદ્ર પર તૂટી પડ્યું હતુ, જેનાથી ચંદ્રના વણશોધાયેલા દક્ષિણ ધ્રુવીય પ્રદેશમાં ભારત હરાવીને સૌપ્રથમ પહોંચી જવાની મોસ્કોની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું જ્યારે ભારતનું ચંદ્રયાન-3 ચાર દિવસ પછી 23 ઓગસ્ટે સફળતાપૂર્વક ત્યાં પહોંચ્યું.
આ નિષ્ફળતા શીત યુદ્ધ દરમિયાન સ્પર્ધાના યુગમાં હતી તેના કરતાં વર્તમાનમાં રશિયાની અવકાશ શક્તિમાં ઘટાડો થયો છે તેની સાક્ષી પુરે છે. ઉલ્લેખનીય છે કે મોસ્કોએ 1957 માં વિશ્વનો સૌપ્રથમ ઉપગ્રહ સ્પુટનિક-1 પૃથ્વીની પરિક્રમા કરવા માટે લોન્ચ કર્યો હતો એટલું જ નહી 1961 માં અવકાશમાં માનવને મોકલનાર દેશ પણ રશિયા જ બન્યો હતો જ્યારે સોવિયેત અવકાશયાત્રી યુરી ગાગરીન અવકાશમાં મોકલવામાં આવ્યા હતા.
રોસકોસમોસે લુના-25 ક્રેશ થવાના કારણનું પ્રાથમિક વિશ્લેષણ હાથ ધર્યું છે. રોસકોસમોસે પોતાના મૂન મિશન નિષ્ફળ જવાનું અને લુના-25 ના ક્રેશ લેન્ડિગ અંગે જણાવ્યું હતુ કે “જ્યારે અવકાશયાનને ગોળાકાર ચંદ્ર ભ્રમણકક્ષામાંથી લંબગોળ પ્રી-લેન્ડિંગ ભ્રમણકક્ષામાં સ્થાનાંતરિત કરવા માટે સુધારાત્મક પલ્સ આપવામાં આવે છે, ત્યારે લ્યુના-25 પ્રોપલ્શન સિસ્ટમ 84 સેકન્ડ સુધી કાર્ય કરવી જોઇએ તેને બદલે 127 સેકન્ડ માટે કામ કરતી હતી”
ઓન-બોર્ડ કંટ્રોલ સિસ્ટમના BIUS-L કોણીય વેગ માપવાના એકમમાં અયોગ્ય ડેટા આદેશોને કારણે ખામી સર્જાઈ હતી જે ક્રેશનું સંભવિત કારણ ઓળખવામાં આવ્યું હતું. પરિણામે, તથા જ્યારે જરૂર પડે ત્યારે પ્રોપલ્શન સિસ્ટમ બંધ કરવામાં આવી ન હતી.
મિશનની નિષ્ફળતા છતાં, ક્રેમલિન અવકાશ સંશોધનમાં રશિયાના ભવિષ્ય વિશે આશાવાદી છે. તેણે આ ઘટનાને એમ કહીને નકારી કાઢી છે કે રશિયા પોતાની મહત્વાકાંક્ષી અવકાશી યોજનાઓને આગળ ધપાવવાનું ચાલુ રાખશે.