- 8 મહિનાથી ફરાર હતો મોનુ માનેસર
- મોનુ ગુરૂગ્રામના માનેસરનો નિવાસી
- મોનૂ માનેસર નું અસલ નામ મોહિત યાદવ
હરિયાણા પોલીસે આજે મોટી કાર્યવાહી કરી છે અને ભિવાનીમાં કથિત રુપે જીવતા સળગાવી દેવામાં આવેલા નાસિર-જુનૈદ હત્યાકાંડના આરોપી મોનૂ માનેસરને ગુરૂગ્રામથી પોલીસે કસ્ટડીમાં લીધો છે. મોનૂ માનેસર પર ભિવાનીમાં જીવતા સળગાવી દેવામાં આવેલા નાસિર અને જુનૈદની હત્યાનો આરોપ છે. સંભાવના છે કે હરિયાણા પોલીસ મોનુ માનેસરને રાજસ્થાન પોલીસને સોંપી શકે છે.
16 ફેબ્રુઆરી 2023ના રોજ હરિયાણાના ભિવાનીમાં બોલેરો ગાડીમાં સળગી ગયેલી હાલતમાં બે મૃતદેહો મળી આવ્યા હતા. બંને મૃતદેહ રાજસ્થાનના ગોપાલગઢના જુનૈદ અને નાસિરના હોવાનું તપાસમાં સામે આવ્યું હતુ. ઘટના વખતે જુનૈદ અને નાસિરની હત્યા ગૌરક્ષકોએ કરી હોવાનુ કહેવાતુ હતુ જેમાં મોનુ માનેસર ઉર્ફે મોહિત યાદવનું નામ સામે આવ્યુ હતુ. મોનૂ માનેસર ભિવાનીમાં બોલેરો ગાડીમાં સળગી ગયેલી હાલતમાં મળી આવેલા નાસિર અને જુનૈદ હત્યાકાંડ બાદ 8 મહિનાથી ફરાર હતો.
જુનૈદ અને નાસીર હત્યાકાંડ કેસમાં પોતાનુ નામ આવતા મોનુ માનેસર પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા કહ્યું હતુ કે, “આ ઘટના સાથે મારે કોઈ લેવા દેવા નથી. કારણકે હું તે દિવસે રાજસ્થાન, મેવાત કે ભિવાનીમાં હતો જ નહી. એ દિવસે હું ગુરુગ્રામની એક હોટલમાં હતો મારું નામ નાહક લેવામાં આવી રહ્યુ છે.” મોનુ માનેસરે સોશ્યલ મીડિયા પર લખ્યું હતુ કે ” આ ઘટના સાથે તેની ટીમને પણ કોઈ લેવા દેવા નથી, ના બજરંગદળ હરિયાણાનો એમાં કોઈ હાથ છે. જે કોઈ પણ આરોપી હોય તેની સામે પોલીસે સખત કાર્યવાહી કરવી જોઈએ
મોનુ માનેસરને હરિયાણા પોલીસે ગુરુગ્રામથી ઝડપ્યો હતો અને કસ્ટડીમાં લીધો હતો. સંભાવના છે કે હરિયાણા પોલીસ મોનુ માનેસરને રાજસ્થાન પોલીસને સોંપી શકે છે. ADG મમતાસિંહે જણાવ્યું હતુ કે જે રાજ્યમાં મોનુ માનેસર વોન્ટેડ છે તે રાજ્યોને મોનુની ધરપકડની જાણકારી આપી દેવામાં આવી છે.