- અલ્હાબાદ હાઈકોર્ટ જ્ઞાનવાપી અંગે આજે ચુકાદો આપશે
- જ્ઞાનવાપી વિવાદ સંબંધિત પાંચ અરજીઓ પર સુનાવણી
- ASIના સર્વે ઓર્ડર સામે બે અરજી
ઉત્તર પ્રદેશના વારાણસીના જ્ઞાનવાપી વિવાદ અંગે આજે અલ્હાબાદ હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપશે. ઉલ્લેખનીય જ્ઞાનવાપી વિવાદ સાથે સંકળાયેલી પાંચ અરજીઓ પર અલ્હાબાદ હાઈકોર્ટ એક સાથે સુનાવણી કરી રહી છે. આજે સંભાવના છે કે હાઈકોર્ટ એ નક્કી કરશે કે આ કેસમાં વધુ સુનાવણી કરવી કે ચુકાદો આપવો.
ક્યારે થઈ હતી છેલ્લી સુનાવણી ?
જ્ઞાનવાપી કેસ અંગે અલ્હાબાદ હાઈકોર્ટમાં છેલ્લી સુનાવણી 28 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. કોર્ટે સતત એક કલાક સુધી સુનાવણી કરી હતી. મુસ્લિમ પક્ષે ચુકાદો અનામત રાખ્યા બાદ ફરીથી સુનાવણી હાથ ધરવાના નિર્ણય સામે સુનાવણી દરમિયાન ત્રણ વખત વાંધો ઉઠાવ્યો હતો. મુસ્લિમ પક્ષ તરફથી દલીલ કરવામાં આવી હતી કે અલ્હાબાદ હાઈકોર્ટના જૂના નિર્ણયના આધારે ફરીથી સુનાવણી ન થવી જોઈએ. મુસ્લિમ પક્ષ તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોમાં આ કેસની સુનાવણી લગભગ 75 કામકાજના દિવસોમાં થઈ છે, તેથી હવે આ કેસની ફરીથી સુનાવણી થઈ શકે નહીં. બીજી તરફ હિંદુ પક્ષ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે નિર્ણય જલ્દી આવે. હિંદુ પક્ષે જોકે ફરી સુનાવણીના નિર્ણયનો વિરોધ નહોતો કર્યો. જસ્ટિસ પ્રકાશ પડિયાએ આ અરજીઓની સુનાવણી બાદ ચુકાદો અનામત રાખ્યો હતો તથા આ કેસમાં ચુકાદાની તારીખ 28 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી, પરંતુ જસ્ટિસ પ્રકાશ પડિયાની બદલી થતાં આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ પ્રિતીંકર દિવાકરની બેન્ચ કરી રહી છે.
જાણવા મળ્યા મુજબ વારાણસી કોર્ટમાં 1991માં દાખલ કરાયેલા કેસની જાળવણી સાથે સંબંધિત 3 અરજીઓ છે. આ ઉપરાંત ASIના સર્વે ઓર્ડર સામે પણ બે અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેના પર કોર્ટ સુનાવણી કરી રહી છે. 1991માં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં વિવાદિત જગ્યાને હિંદુઓને સોંપવાની અને તેમને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવાની માંગ કરવામાં આવી હતી. એવું મનાઈ રહ્યું છે કે અલ્હાબાદ હાઈકોર્ટ મુખ્યત્વે એ નક્કી કરશે કે વારાણસી કોર્ટ આ કેસની સુનાવણી કરી શકે કે નહીં.