અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા હોદ્દેદારોની આજે જાહેરાત કરવામાં આવી છે. મેટ્રો સિટી અમદાવાદને આજે નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળી ગયા છે. અનેક દિવસોથી મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોને લઇને અનેક તર્ક વિતર્ક ચાલતા હતા હોદ્દેદારોના નામની જાહેરાત થતાં તેની ઉપર આજે તાળું વાગી ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર પદે જતીન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે દેવાંગ દાણીનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે ભાઈપુરા વોર્ડના કોર્પોરેટર ગૌરાંગ પ્રજાપતિને મૂકવામાં આવ્યા છે.
આજે સવારે 10 વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રભારી ધર્મેન્દ્ર શાહ સહિત શહેર સંગઠનના નેતાઓ અને કોર્પોરેટરોની એજન્ડા બેઠક મળી હતી. જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ 11 વાગ્યે સામાન્ય સભા મળી હતી. જેમાં કિરીટ પરમારે નવાં મહિલા મેયર પ્રતિભા જૈનને ચાર્જ સોંપ્યો હતો. તેમજ ડેપ્યુટી મેયરને પણ ચાર્જ સોંપ્યો હતો. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યોની જાહેરાત કરાઈ હતી. ચેરમેન સહિત 12 સભ્યોની કમિટી બનવવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી બોલાવવામાં આવશે અને નવી સ્ટેન્ડિંગ કમિટીની પહેલી બેઠક મળશે.
પ્રતિભા જૈન વોર્ડ નંબર 16ના કોર્પોરેટર છે અને રાજસ્થાની જૈન સમાજનો ચહેરો છે. તેઓ શાહીબાગમાં કોર્પોરેટર તરીકે સતત ત્રીણ ટર્મથી જીતતા આવ્યા છે. પ્રતિભા જૈનને પક્ષ પ્રત્યેની વફાદારી, રાજનીતિના બહોળા અનુભવ, સ્વચ્છ અને નિર્વિવાદીત છબી અને વર્ષોથી પાયાના કાર્યકર હોવાનો લાભ મળ્યો છે એવું કહી શકાય. પ્રતિભા જૈન મહિલા મોરચામાં સક્રિય કામગીરી કરતા આવ્યા છે ભાજપના પાયાના મહિલા કાર્યકર છે. તેઓ મહિલા-બાળ વિકાસ કમિટીના ચેરમેન પણ છે સાથે સાથે તેઓ જૈન સમાજની સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલા છે. જૈન સમાજમાં તેમનું આગવુ વર્ચસ્વ છે. સ્થાનિક વિસ્તારમાં પ્રતિભા જૈનનું વર્ચસ્વ જોવા મળે છે.
જતીન પટેલ ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર છે, સતત ત્રણ ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાતા આવ્યા છે અને પક્ષમાં સિનિયર નેતા તરીકે તેમની આગવી ઓળખ છે. આ ઉપરાંત CM ભૂપેન્દ્ર પટેલના નજીકના કાર્યકર છે એવી પણ માન્યતા પ્રવર્તે છે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી પણ ઘાટલોડીયા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. જતીન પટેલ ભાજપના સનિષ્ઠ અને પાયાના કાર્યકર છે.
દેવાંગ દાણી વર્ષોથી ભાજપના પાયાના કાર્યકર છે અને બોડકદેવ વોર્ડના કોર્પોરેટર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેમના ટોચના નેતાઓ સાથે ઘનિષ્ઠ અને સારા સંબંધ છે. આ ઉપરાંત જે પાસું દેવાંગ દાણીના પક્ષમાં આવી તે તેમનો નિર્વિવાદીત અને સિનિયર ઓળખ ગણાય છે.