એશિયન ક્રિકેટ કાઉન્સિલે ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે રમાનારી એશિયા કપની સુપર-4 મેચ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. રવિવારે રમાનારી મેચમાં વરસાદનો અવરોધ આવશે તો મેચ રિઝર્વ ડે પર પૂરી કરવામાં આવશે. આ પહેલા એશિયા કપમાં સર્વે નિયમોમાં રિઝર્વ ડેનો એક પણ નિયમ નહોતો. એશિયન ક્રિકેટ કાઉન્સિલે 8મી સપ્ટેમ્બરે બંને ટીમો વચ્ચેની મેચ માટે આ નિયમ ઉમેર્યો છે.
એશિયા કપની ચાલી રહેલી સ્પર્ધામાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-4ની મેચ રમાવાની છે. આ પહેલા 2જી સપ્ટેમ્બરે ગ્રુપ રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે મેચ રમાઈ હતી પરંતુ, વરસાદનો અવરોધ આવતા તે મેચ રદ્દ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેની આ મેચ સુપર-4 મેચની એકમાત્ર છે જેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. સુપર-4 ની બીજી કોઈપણ મેચ માટે આ નિયમ રહેશે નહીં. જો કે 17 સપ્ટેમ્બરે યોજાનારી ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
અત્રે યાદ અપાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ સુપર-4ની મેચ શ્રીલંકામાં કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. કોલંબોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. કોલંબોના વાતાવરણ અને વરસાદની અનિશ્ચિતતાને કારણે કોલંબો પાસેથી મેચોની યજમાની પાછી લઈ લેવાની પણ ચર્ચા થઈ હતી. ત્યારે એવું હતું કે કોલંબોની મેચ હમ્બનટોટા અથવા દામ્બુલામાં રમાડવામાં આવશે. પરંતુ, હવે એશિયા કપની બાકીની તમામ મેચો કોલંબોમાં જ રમાશે.
Accuweather નામની વાતાવરણની આગાહી કરતી વેબસાઈટ અનુસાર, ભારત પાકિસ્તાનની મેચના દિવસે કોલંબોમાં વરસાદ પાડવાની સંભાવના લગભગ 90 ટકા જેટલી છે. રાત્રે વરસાદ પાડવાની સંભાવના આશરે 96 ટકા જેટલી છે અને દિવસ કરતાં રાત્રે વધુ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અન્ય એક વાતાવરણની આગાહી કરતી વેબસાઈટ Weather.com ની આગાહી અનુસાર કોલંબોમાં વરસાદ પાડવાનીની સંભાવના લગભગ 90 ટકા સુધી છે.
એશિયન ક્રિકેટ કાઉન્સીલના નવા નિયમ અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે કોલંબોમાં રમાનારી મેચ વરસાદનું વિઘ્ન આવે અને મેચ રદ્દ કરવી પડે તો તે મેચ રિઝર્વ ડે એ મેચ રમાશે. રિઝર્વ ડેની રમતમાં પણ જો મેચનું કોઈ પરિણામ નહી આવે તો બંને ટીમોએ એક-એક પોઈન્ટથી સંતોષ માનવો પડશે.