– પાર્ટીની ચૂંટણીની તૈયારીનો ભાગ હોવાનો નિર્દેશ
– તાજેતરમાં અનેક નેતાઓ આમ આદમી પાર્ટી છોડી ગયા
– પ્રદેશ પ્રમુખ સિવાયનું માળખુ વિખેરી નંખાયું
પાર્ટીએ કડીમાં કરી જાહેરાત
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ માળખુ આજે વિખેરી દેવાની જાહેરાત પાર્ટીએ કડીથી કરી છે. જોકે પ્રદેશ પ્રમુખ યથાવત રાખવામાં આવ્યા છે. પાર્ટીએ ગુજરાત પ્રદેશના સંગઠનના પ્રમુખ સિવાયના તમામ હોદ્દાઓ રદ્દ કરી દીધા છે. પ્રદેશ સંગઠન વિખેરી નાખવાના નિર્ણય માટે પાર્ટીનું કહેવું છે કે આ આવનારી ચૂંટણીની તૈયારીની રણનીતિના ભાગરૂપે લેવામાં આવ્યો છે. આ બાબત ધ્યાન આપવા જેવી છે કે ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આ નિર્ણય કેન્દ્રીય ટીમે કર્યો છે. પાર્ટીના ગુજરાત પ્રદેશના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી આ મુદ્દે જે ટ્વિટ કરવામાં આવી છે તે શબ્દઃ આ મુજબ છે ‘સવિનય સાથ જણાવવાનું કે અરવિંદજીના માર્ગદર્શનથી આજરોજ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સિવાય પ્રદેશ સમિતિ સહીત તમામ સમિતિઓ તથા હોદાઓ બરખાસ્ત/ડિસોલ્વ કરવામાં આવ્યા છે, જેની સૌ સાથીઓએ નોંધ લેવી.
નવું માળખું ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.‘ઉલ્લેખનિય છે કે છેલ્લાં કેટલાક સમયમાં આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. સ્વતંત્ર રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને ભૂતપૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવીના સમર્થકો વચ્ચે સમતોલન કરવા માટે પ્રદેશ માળખુ વિખેરવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું વક્તવ્ય
પાર્ટીનું ગુજરાત પ્રદેશનું સંગઠન માળખું વિખેરી નાખવા મુદ્દે જેમને બરખાસ્ત નથી કરવામાં આવ્યા એવા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતુ કે, “આમ આદમી પાર્ટીએ ચૂંટણીને જીતવા માટે, ભાજપને હરાવવા માટે એક વ્યૂહરચના ઘડી છે. આ વ્યૂહરચનાને તબક્કાવાર અમલમાં મૂકવા માટે અને ચૂંટણી જીતવા માટે સંગઠનને વધુ વિશાળ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. વ્યૂહરચના અમલમાં મૂકવા માટે પાર્ટીના હાલના માળખામાં વધારો કે ઘટાડો કરવાની જરૂરિયાત લાગે છે. જેથી પાર્ટીએ લીધેલા નિર્ણય પ્રમાણે હાલના આમ આદમી પાર્ટીના તમામ માળખાને સમાપ્ત કરવામાં આવે છે. પ્રદેશ પ્રમુખના પદ સિવાય તમામ પદ સમાપ્ત કરવામાં આવે છે. નવું માળખું ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.”