Spread the love

– હિમાદ્રી આચાર્ય દવે

મોહમ્મદ દિલાવર… જેના ‛ચકલી બચાવો’ અભિયાનથી ચકલીના અસ્તિત્વ સંદર્ભે વૈશ્વિક સજાગતા આવી.

સોશિયલ મીડિયાના આજના યુગમાં દરેક દિનવિશેષ સંદર્ભે અસંખ્ય પોસ્ટ મુકાતી હોય છે. પ્રકૃતિ બચાવો–પક્ષી બચાવો–પાણી બચાવો… આ ઠાલા નારાઓ વચ્ચે ઘણા એવા લોકો હોય છે ધરતીના કોઈ ખૂણે રહીને પ્રકૃતિ પ્રત્યેના તેમના પ્રેમને કારણે, મા પ્રકૃતિની મૂકસેવા કરતા હોય છે. એમાંના ઘણાના કામની નોંધ જાહેરમાં ક્યારેય પણ લેવાતી નથી કે નથી જાહેરમાં ઓળખ મળતી. પરંતુ શુદ્ધરૂપે પ્રકૃતિપ્રેમી એવા આ વીરલાઓને તેમના કામની કે નામની નોંધ લેવાય કે ન લેવાય તેનાથી ઝાઝો ફરક પડતો નથી. તો ક્યારેક ખૂબ જ નાનાપાયે અને વ્યક્તિગત રીતે શરુ કરેલા કોઈ સારા કામને એટલી બધી ઓળખ અને માન્યતા મળી જાય છે કે તે વિશ્વસ્તરે અભિયાનરુપે પ્રસ્થાપિત થઈ જાય છે.

ઉપર કહ્યું તેમ, વ્યક્તિના સારા કામોની નોંધ જગત લે છે અને તેનો અમલ પણ કરે છે. તેનું આદર્શ દષ્ટાંત એટલે દરેક વર્ષની 20 માર્ચે ઉજવાતો ‘વિશ્વ ચકલી દિવસ’

આપણે બધા આજે જોરશોરથી ઉત્સાહપૂર્વક ચકલી દિવસ ઉજવી રહ્યા છીએ પણ આપણામાંથી મોટાભાગનાને એ બાબતનો કદાચ ખ્યાલ નહીં હોય કે વિશ્વના 30થી વધુ દેશોમાં જે દિવસ ઉજવાઈ રહ્યો છે તેની શરૂઆત, આ બાબતના અભિયાનને આપણા જ દેશના નાગરિક મોહમ્મદ દીલાવરના પ્રયત્નોને કારણે વૈશ્વિક સ્વીકૃતિ મળી છે.

1980માં જન્મેલાં મોહમ્મદ દિલાવર, ઇકોલોજી/એન્વાયરમેન્ટલ સ્ટડીમા માસ્ટર ડિગ્રી ધરાવે છે. પર્યાવરણીય સર્વેક્ષણો અને લુપ્ત થતી જતી પ્રજાતિઓના સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવના અભિયાનમા પાયાના સ્તરે સ્વયંસેવક તરીકે શરૂઆત કરીને તેમણે એક વર્ષ માટે નાસિકની કોલેજમાં લેક્ચરર અને વિભાગના વડા તરીકે કામ કર્યું. 2006માં ‘રોયલ સોસાયટીફોર ધ પ્રોટેક્શન ઓફ બર્ડ્સ’માં(RSPB)જોડાઈને 2010 સુધી સક્રિય રહ્યા.

તેઓ ‘ઈન્ટરનેશનલ વર્કિંગ ગ્રુપ ઓન અર્બન સ્પેરોસ’ના સભ્ય રહ્યા જ્યાં તેમણે આફ્રો- એશિયન રીજનનું પ્રતિનિધીત્વ કર્યું. 2009માં તેમણે નેચર ફોરેવર નામની સંસ્થા બનાવી.જેના તેઓ પ્રેસિડેન્ટ બન્યા. આ સંસ્થાના બેનર નીચે પર્યાવરણલક્ષી અનેક અભિયાનો હાથ ધરવામાં આવે છે.

વ્યવસાયે એન્વાયરમેન્ટલ સ્ટડીના લેક્ચર રહી ચૂકેલા મોહમ્મદ દિલાવરને ‘સેવ ટાઇગર’ અભિયાનમાં જોડાવાની ઓફર થઈ હતી પણ તેમને લાગ્યું કે ટાઈગર જેવા ગ્લેમરસ પ્રાણીઓને બચાવવાના અભિયાનમાં જોડાનારા ઘણા જ મળી રહેશે. પણ નાનકડી ચકલીની ચિંતા કોઈ કરતું નથી . એટલે તેમણે પોતાના ખર્ચે અને વ્યક્તિગત સ્તરે ચકલી બચાવો અભિયાનની શરૂઆત કરી.

તેમના ચકલી વિષયક અભિયાનની પરિકલ્પના અને શરૂઆત વિશે તેઓ કહે છે કે, 2005માં, એક વખત કંઈક વાંચતા-વાંચતા તેમના ધ્યાનમાં એક આર્ટીકલ આવ્યો, જેમાં બ્રિટનમાં ઘટતી જતી ચકલીની સંખ્યા, તેના કારણે પર્યાવરણીય અસમતુલા વિશે વાત કરવામાં આવી હતી. આર્ટીકલ વાંચતા-વાંચતા તેમને વિચાર આવ્યો કે, ભારતમાં પણ કંઈક આવી જ હાલત હશે કારણ કે, ચકલીનાં અસ્તિત્વ પર ઝળુંબી રહેલા ખતરાનું મુખ્ય કારણ શહેરી વિકાસ, આધુનીક ટેકનોલોજી અને જીવનશૈલી…આ બધું કે જે, ભારતમાં પણ હરણફાળે આગળ વધી રહ્યું છે. તેમને આવેલા આ વિચારનું સમાધાન કરવા તેમણે ઘણી શોધખોળ કરી. આ વિષય પર વધુ અધ્યયન કરતા તેમને ખબર પડી કે મુઠીમાં સમાય એવી નાનકડી સૂક્ષ્મ ચકલીના અસ્તિત્વ સામે મોટો ખતરો તોળાઇ રહ્યો છે! વિશ્વભરના વિવિધ દેશોમાં ચકલીની સંખ્યા વિશે, ચકલીના અસ્તિત્વ પરના ખતરાને કારણે પર્યાવરણમાં, સંભવિત અને વાસ્તવિક અસંતુલન વિશે તેમણે ખુબ વાંચ્યું. પણ, ભારતમાં ચકલીની સંખ્યા વિશેની/તેમના અસ્તિત્વ પર આવી પડેલી વિપરીત અસરો વિશેની કોઈપણ માહિતી તેમને ઉપલબ્ધ થતી નહોતી. ઘણીબધી શોધખોળ બાદ, ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચનો, એકમાત્ર રિપોર્ટ તેમના હાથમાં આવ્યો. જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે દક્ષિણ ભારતમાં ચકલીની સંખ્યામાં ખૂબ જ નોંધપાત્ર રીતે ઘટાડો થઈ રહ્યો છે. ભારતના અન્ય પ્રદેશોમાં ચકલીની સ્થિતિ વિશેની કોઈ પણ માહિતી તેમને કોઈપણ વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી નહોતી. અંતે તેમણે નક્કી કર્યું કે તેઓ પોતે જ, ચકલીની પ્રજાતિ સામે તોળાતા ખતરા વિશે રાષ્ટ્રીયસ્તરે સર્વે કરશે. અને શરૂઆત થઈ એક એવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટની કે જેને પૂર્ણ કરવામાં વર્ષોની મહેનત લાગવાની હતી.

લગભગ 2006 પછી, દેશના વિવિધ રાજ્યો, પ્રદેશોમાં મહમ્મદ દિલાવર જોરશોરથી આ અભિયાન પર કામ કરી રહ્યા હતા. એકતરફ સર્વે તો ચાલુ થઈ ગયો હતો. પણ એ દરમ્યાન મોહમ્મદ દિલાવરને ચકલીની પરિસ્થિતિ વિશે ચિંતા સતત સતાવતી રહેતી. સતત વધતા જતા શહેરીકરણમાં યોગ્ય ખોરાક અને રહેઠાણ ગુમાવતી જતી આ પ્રજાતીની પરિસ્થિતિ વિશે વિચારતાં તેમનું હૃદય ભરાઈ આવતુ. તેઓ ચકલીની પ્રજાતિ સામે તોળાતા ખતરાના કારણો વિશે સતત વિચારતા રહેતા. જેમાં એક કરતાં વધુ, અનેક કારણો તેમની સામે આવ્યા. જેમકે ચકલી જેમાં માળા બાંધે છે તેવા છત અને દિવાલમા પોલાણ વાળા મકાનોની જગ્યા સિમેન્ટ કોંક્રિટના મકાનોને લીધી, બાગબગીચા ઓછા થતા જવા તેમજ ઘટતી જતી વનરાજી, ખેતરોમાં પેસ્ટિસાઈડ્ઝના ઉપયોગથી સૂક્ષ્મ જીવ જંતુનાશ નાશ પામે છે જે ચકલી અને તેના બચ્ચાનો મુખ્ય ખોરાક છે. વળી, મોટા શહેરોમાં ઘર આંગણે કે ફળિયે આવતા પક્ષીઓ તરફ લોકોનો દુર્ભાવ, મોબાઇલ ટાવર રેડિએશન, વધતા જતા ટ્રાફિકના ઘોંઘાટ અને પ્રદૂષણ… આ બધા ધીમા ઝેર જેવા કારણો કે જેનો કોઈ જ તાત્કાલિક ઊકેલ મોહમ્મદ દિલાવરને સૂઝતો નહોતો.

એક દિવસ ટેલિફોનના થાંભલાના બોક્સમાં ચકલીને માળા બાંધતા જોઈને તેમને વિચાર આવ્યો કે, ચકલીને ખતરારૂપ ઉપરોક્ત પરિબળોનું તો તાત્કાલિક નિરાકરણ ન લાવી શકાય પરંતુ ચકલીને રહેવા માટે રહેઠાણ અને ખાવા માટે અન્ના દાણા પૂરા પાડી શકીએ, એ જોગવાઈ આપણે કરીએ તો ચકલીના અસ્તિત્વ સામેનો ખતરો ઘણો હળવો થઈ જાય. અને તેમણે ચકલીને આ નાનકડી સહાય પૂરી પાડવા માટેનું મોટું અભિયાન શરૂ કર્યું. લાકડાના ચકલીના માળા આકારના બોક્સ બનાવ્યા સાથે જ ચકલીને પીવા માટે પાણી અને દાણા માટેના ફીડર(પાત્ર) બનાવીને લોકોમાં વેચવાનું શરૂ કર્યું. ‘ન નફો, ન નુકશાન’ના ધોરણે તેમણે ત્રણ વર્ષમાં હજારોની સંખ્યામાં આવા માળા અને અન્નપાત્ર લોકોને પહોંચતા કર્યા. સાથોસાથ ‘ચકલી બચાવો’ શા માટે જરૂરી, લોકોમાં તેનો પ્રચાર અને શિક્ષણનો પ્રસાર તો ખરો જ.

મોહમ્મદ દિલાવરના ઉપરોક્ત અભિયાનને કારણે ‛ચકલી બચાવો’ અભિયાનમાં લોકો વ્યક્તિગત રીતે સક્રિયપણે જોડાવાથી લોકોનો રસ વધ્યો એ વિશે તેઓ કહે છે કે, આ મેં જે ઘરમાં માળા આપ્યા હોય, તે ઘરના બાળકોને ચકલીને અનાજ અને પાણી પૂરું પાડતા જોઈ અને ચકલી તેના બચ્ચાને દાણા ખવડાવતી હોય એ જોઇને આનંદ પામતા બાળકોને જોઈને હું ખુબ ગદગદિત થઇ જાઊ છું.

વિશ્વ ચકલી દિવસની શરુઆત

મોહમ્મદ દિલાવર ચકલી વિષયક અભિયાનના સંદર્ભે દેશ-વિદેશમાં ફરતા રહ્યા તેમના આ અભિયાન, તેમજ ચકલી પ્રત્યેની તેમની ચિંતાના કારણે, આ બાબતે વૈશ્વિક સજાગતા આવી. વિશ્વના અનેક દેશોમાં તેમણે ચકલીની પ્રજાતિ વિશેના, ચકલીની ઘટતી જતી સંખ્યા સાથે પર્યાવરણીય અસંતુલનની સંભવિતત્તાના તેમના અધ્યયનના રિસર્ચ પેપર રજૂ કર્યા, તેમજ તેના નિરાકરણ વિશેના ઉપાયો પણ સુચવ્યા. તેમની સંસ્થા ‛નેચર ફોરએવર સોસાયટી’ની ઓફિસમાં એક અનૌપચારિક ચર્ચા દરમિયાન, મહમ્મદ દિલાવરને ‛વિશ્વ ચકલી દિવસ’ મનાવવાનો વિચાર આવ્યો. જેનો હેતુ આંગણાની ચકલી અને અન્ય સામાન્ય પક્ષીઓના સંરક્ષણનો સંદેશ આપવા માટે એક દિવસ નિર્ધારિત કરવાનો અને પ્રકૃતિના જૈવિય વૈવિધ્યના સૌંદર્યને આવકારીને તેનો ઉત્સવ કરવાના અવસર રુપે નિશ્ચિત દિવસ ચિહ્નિત કરવાનો હતો, કે જેને સામાન્ય રીતે અવગણવામાં આવે છે. મહમ્મદ દિલાવરના પ્રયાસોના પરિણામે, 2010માં પ્રથમ વિશ્વ ચકલી દિવસ વિશ્વના વિવિધ ભાગોમાં ઉજવવામાં આવ્યો. જે હવે દરવર્ષે ઉજવાય છે. આ દિવસની ઉજવણી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો જેમ કે કલા સ્પર્ધાઓ, જાગૃતિ ઝુંબેશ અને ચકલી બચાવ વિષયક પ્રવૃત્તિઓ પ્રક્રિયાઓ દ્વારા કરવામાં આવે છે.

આજે વિશ્વના ત્રીસથી વધુ દેશોમાં 20 માર્ચને ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચકલી બચાવ અભિયાન અંતર્ગત મહમ્મદ દિલાવરની સેવા અને પ્રયત્નો માટે તેમને વર્ષ 2008 માટે ટાઈમ મેગેઝીનનું“હીરોઝ ઓફ એન્વાયરમેન્ટ”નું ટાઇટલ આપવામાં આવ્યું છે. ‘ટાઇમ્સ નાઉ’એ તેમને ‘અમેઝિંગ ઇન્ડિયન’નું બિરુદ આપ્યું છે. લિમકા બુક ઓફ રેકોર્ડ તેમજ ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં તેમને નામે ચકલીના સૌથી વધુ માળાઓ વિતરણ કરવાનો રેકોર્ડ છે.આ ઉપરાંત તેઓ અનેક પુરસ્કારો સન્માનના હક્કદાર બન્યા છે. તેઓ હાલમાં ‛કોમન બર્ડ મોનિટરિંગ ઓફ ઈન્ડિયા’ પ્રોગ્રામ પર કામ કરી રહ્યા છે, જે ભારતમાં જોવા મળતાં, આંગણના, અઢાર જેટલાં સામાન્ય પક્ષીઓની પ્રજાતિઓના મોનિટરિંગમાં મદદ કરશે.

એક સમયે ચકલી સમગ્ર ભારતમાં સર્વત્ર જોવા મળતી, સર્વવ્યાપી હતી એ બાબતનો ખ્યાલ આપણને, લોકકથાઓ અને લોકગીતોમાં ચકલીના ઊલ્લેખ જોતાં આવે છે. લોકજીવન સાથે વણાઈ ગયેલી ચકલી બાળમાનસમાં વિસ્મયથી લઈને દીકરી પરના વાત્સલ્ય સુધી વણાયેલી હતી.એટલે જ તો દીકરીને આંગણની ચકલી કહેવાય છે. દાદી–નાનીની વાર્તામાં,‛એક હતો ચકો ને એક હતી ચકી…’ ભીની પાટીને સુકાવતાં સુકાવતાં ‘ચકી ચકી પાણી પી જા… બે પૈસાનો બરફ દઈ જા’ અને રમતાં રમતાં, ‛ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં….આવશો કે નહીં…. બાળકો માટે તો રોજ ચકલી દિવસ….પરી બાળકના ભાવવિશ્વની કલ્પનામય તો ચકલી બાળક માટે જીવતીજાગતી અજાયબી છે. નાનકડા ચકાભાઈ ને ચકીબેન બાલમાનસને પોતાના જેવું જ હર્યુંભર્યું , કલબલાટ કરતું રાખે છે. જયારે ચકલીને બાળકની નજરથી જોઉં ત્યારે ચકલી મને નાનકડી નજીકની સખી જેવી લાગે છે.

આટલુ વિરાટ વિશ્વ, પ્રકૃતિની અનેકોનેક જટિલ, સુંદર, બેનમૂન રચનાઓ. અને એ સૌ વચ્ચે નાની એવી ચકલીનું અસ્તિત્વ! નાનકડી, મીઠડી…અલબત્ત, અનેક પ્રજાતિની જેમ, આવી નાનકડી, નટખટ, નિર્દોષ, વ્હાલી ચકલીનું અસ્તિત્વ આપણી સ્વકેન્દ્રી સ્વાર્થી વૃત્તિ–પ્રવૃત્તિને કારણે આજે જોખમમાં છે. બહુ જૂની વાત નથી, હજુ થોડા વર્ષો પહેલા સુધી લગભગ દરેક ઘરમાં ચકલીઓનો કિલકિલાટ સંભળાતો રહેતો. ઉડતી ઊડતી, મોઢામાં તણખલા અને દાણા લઈ આવીને પંખા, બારીઓ, છાજલી પર બેસીને ચીં ચીં કરી મુક્તી ચકલી, તેની હાજરીથી આખા ઘરને કિલ્લોલ અને સકારાત્મક ઉર્જાથી ભરી દેતી. આજે એ ચકલી પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે. વિશ્વના અનેક પ્રદેશોમાં તેની સંખ્યામાં પાછલાં અમુક વર્ષોમાં, ચાલીસથી પિસ્તાલીસ ટકાનો ઘટાડો નોંધાયો છે.જે પર્યાવરણીય સમતુલા માટે પણ ખૂબ જ જોખમકારક છે. હજુ પણ જો આજ હાલત રહી તો આપણે નવી પેઢીને પુસ્તકોના પાના પર જ ચકલી બતાવી શકીશું.

હવે, આપણે શું કરી શકીએ ?’ એ સવાલનો જવાબ ત્યારે જ મળે જ્યારે પ્રકૃતિની એક એક રચના, એક-એક જીવ આપણને પોતીકા સ્વજન જેવો લાગે. લીઓ તોલ્સટોય કહે છે કે,સુખની પ્રથમ શરતમાંની એક એ છે કે માણસ અને કુદરત વચ્ચેનો સંબંધ ક્યારેય ન તૂટવો જોઈએ.” તો આપણે છેવટે આપણાં સુખ માટે ય, લુપ્ત થતી પ્રજાતીઓને બચાવીએ…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *